અમદાવાદ-બરોડા
અમદાવાદ-બરોડા
‘આઉચ્ ........ જોઈને નથી ચાલી શકાતું મિસ્ટર...’
‘એક્સ્યુઝ મી... મેડમ તમે પણ જોયા વિના જ ચાલ્યાં આવતાં હતાં, એટલે જ અથડાઈ ગયા. આ વાક્ય તો હું તમને પણ કહી શકું.’
‘નોનસેન્સ, ઉલટા ચોર કોટવાલ કો ડાટે તે આનું નામ..’
‘એ મેડમ, નોનસેન્સ કોને કહો છો?’
‘તમને જ, આ કાળા ડાબલા જેવા ચશ્માં પહેરીને આંટા મારો છો પછી અથડાવ જ ને. મોતિયો ઉતરાવ્યો કે શું?’
‘ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન, એને ગોગલ્સ કહેવાય. હૂહ.. હું પણ કોને સમજાવું છું. આ ચહેરા પર આતંકવાદીની જેમ બુકાની બાંધીને ફરો છો, એ હટાવો તો ના અથડાવ.’
‘યુ ઇડીયટ.. ગેટ લોસ્ટ.’
‘આમ પણ તમારી જોડે વાત કરવાનો મારી પાસે ફાલતું સમય નથી. બાય’
વડોદરા રેલ્વે સ્ટેશન પર ભજવાયેલો આ સીન, આજે રવિવાર હતો અને નિયતી પોતાના મિત્રોને મળવા અમદાવાદ જઈ રહી હતી. પહેલી વાર એકલી ટ્રેઈનમાં જઈ રહી હતી, એટલે ઓલરેડી થોડી નર્વસ હતી અને ઉપરથી સ્ટેશનમાં એન્ટર થતાં જ આ બબુચક જોડે અથડાઈ પડી. એનો પિત્તો એટલો તો ગયો કે વાત જવા દો. પણ શું થઇ શકે? એ ટીકીટની લાઈનમાં ઊભી રહી. રવિવાર હોવાથી મેમૂમાં જનાર લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી. અપ-ડાઉન કરનાર વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને રજા હતી. એટલે ટીકીટની લાઈનમાં અને સ્ટેશન પર ભીડ ઓછી હતી. ઝડપથી ટીકીટ લઈ નિયતી પ્લેટફોર્મ પર પહોંચી. એક માત્ર બેંચ એણે ખાલી જોઈ, બે ચેર વાળી એ ખાલી બેંચ પર કોઈ બેઠેલું ન હતું. બાકીની બધી બેન્ચ પેક હતી. અલગ-અલગ ઉંમરના, અલગ-અલગ પહેરવેશનાં લોકો છુટા-છવાયા બેઠેલાં કે ઉભેલાં, ફોન પર વાતો કરતાં, ન્યુઝ પેપર વાંચતાં, નાસ્તો કરતાં જોઈ શકાતા હતા. નિયતી આ બધાને જોઈ રહી. પ્લેટફોર્મ પર એક-બે સ્નેક્સ સ્ટોલ, એક-બે વેન્ડર્સ, થોડાં કુલી, એકાદ બૂક શોપ સિવાય બીજુ કંઈ ખાસ ન દેખાયું. નિયતીએ થોડી વાર આમ-તેમ જોયું, તેણે ‘અમદાવાદ-વડોદરા મેમૂ ઇઝ ટુ અવર્સ લેઈટ’ ની જાહેરાત લાલ અક્ષરોમાં ચમકતી જોઈ, એનો મગજ વધુ છટક્યો. પણ શું કરી શકે એ? એ મનમાં બબડી, ‘સમયની કિંમત જ નથી.’ પછી પોતાનો ફોન લઇ તેમાં નોટીફીકેશન જોવા લાગી.
કબીર મેનેજમેન્ટ સ્ટુડેન્ટ, વડોદરાની જાણીતી કૉલેજમાંથી એમ.બી.એ. કરીને નીકળેલો. મૂળ અમદાવાદનો કબીર વડોદરા પેઈંગ ગેસ્ટ તરીકે રહીને ભણ્યો, અને હવે પોતાનો અભ્યાસ પુરો થતાં અમદાવાદ જઈ સારી એવી કોર્પોરેટ કંપનીમાં ઈન્ટર-વ્યુ આપીને જોબ મેળવી લીધેલી. વડોદરા પોતાનો થોડો-ઘણો સામાન પડ્યો હતો, એ લેવા આવ્યો હતો. આજે પાછો જઈ રહ્યો હતો. એણે પણ મેમૂની ટીકીટ લઈ, જાહેરાત જોઈ ૨ કલાક લેઈટ છે ટ્રેઈન, અને મનમાં બબડ્યો, ‘ઉફ્ફ, ધીસ ઇન્ડિયા, આઈ હેઈટ ઇટ.’ અને એ પ્લેટફોર્મ પર બેસવા માટે ખાલી જગ્યા શોધવા માંડ્યો. એણે જોયું તો એક જ બેન્ચની એક જ ચેર ખાલી હતી. એણે એ તરફ પગ ઉપડ્યા. પણ નજીક આવતાં એ 2 ચેરવાળી બેન્ચની બીજી ચેર પર નજર પડી.
'ઓહહ.. આ તો પેલી જ... થોડી વાર પહેલાં ભટકાઈ હતી એજ..'
અને એ આગળ નીકળીને પ્લેટફોર્મ પર બીજી કોઈ બેસવાની જગ્યા શોધવા લાગ્યો. કમનસીબે બીજી કોઈ જ જગ્યા ખાલી ન હતી, અને હજુ તો પૂરાં 2 કલાક કાઢવાનાં હતાં...!
નો વે, એની સાથે.. 2 કલાક.. નહીં સહન થાય. પણ બીજો રસ્તો પણ ક્યાં હતો? કમને એ ત્યાં જઈને ઉભો રહ્યો. નિયતીનું ધ્યાન હજુ પણ પોતાનાં ફોનમાં જ હતું.
'મે આઈ સીટ હિઅર?'
નિયતીએ ફોનમાંથી ઊંચું જોયું. એનાં ચહેરા પર અણગમાનો ભાવ ઉતરી આવ્યો. એને થોડી વાર પહેલાં બનેલી ઘટના યાદ આવી ગઈ.
'પ્લીઝ? એક્ચ્યુઅલી બીજી કોઈ ચેર ખાલી નથી. બાકી હું જ અહીં ના આવત.'
'એમ? બેસો.' નિયતી થોડી સાઈડમાં ખસી ગઈ. એનાં અવાજમાં રહેલી કડવાશ કબીર અનુભવી શક્યો.
'થેંક્યું.' એણે બાજુમાં બેસતાં સ્માઈલ કરી.
નિયતી કંઈ બોલી નહીં.
'આ બુકાની બાંધી છે એ ખોલો સહેજ, તો અમને ખબર પડે ને કે સ્માઈલનો જવાબ મળ્યો કે નહીં?' કબીરના ચહેરા પર સ્મિત હતું. એ કદાચ વાતાવરણ હળવું કરવા માંગતો હતો. મને-કમને હવે જો 2 કલાક સાથે જ બેસવાનું હોય તો મોઢું ચડાવીને શું કામ? એવું કદાચ એને લાગ્યું હશે. પણ નિયતીએ કંઈ જ રિસ્પોન્સ ન આપ્યો. ના તો દુપટ્ટો ચહેરા પરથી દૂર કર્યો.
'ઓકે. એઝ યુ વિશ મેડમ. બાય ધ વે, કબીર.'
એણે પોતાનો પરિચય આપ્યો.
'ગુડ' નિયતી વાત કરવાના મૂડમાં બિલકુલ ન હતી. ઈનફેક્ટ એને અજાણ્યા લોકો જોડે વાત કરવું ગમતું જ નહીં. એ મનમાં વિચારી રહી. કેમ જશે આ 2 કલાક?
'તમને ખબર નથી લાગતી મેડમ, કે ઇન્ટરોડક્શનમાં કોઈ પોતાનું નામ કહે તો એનો જવાબ ગુડ કહીને નહીં, પોતાનું નામ કહીને આપવાનો હોય.' કબીરને ખબર નહીં કેમ પણ નિયતીને ચીડવવામાં મજા આવી.
'અને તમને એ ખબર નથી લાગતી મિસ્ટર કે કોઈને વાત ન કરવી હોય, તો પરાણે એની જોડે વાત ન કરાય.' નિયતીની નજર સાથે અવાજમાં પણ ધાર નીકળી ગઈ.
'ઓકે. ઓકે કુલ.' કબીરે બંને હાથ પહોળાં કરીને ફિલ્મી હીરોની જેમ કુલની એકશન કરી.
'સી, ફોર ધીસ, ફોર ધીસ આઈ હેઈટ ઇન્ડિયા. એટીકેટ્સ જેવી વસ્તુ તો જોવા જ ન મળે અહીં ના લોકોમાં...'
'ઓહહ.. સો યુ હેઈટ ઇન્ડિયા... ધેન વહાય આર યુ હિઅર? ઓ આઈ સી. ડીગ્રી મેળવવાની ઇન્ડિયામાં. છોકરી જોઈએ ઇન્ડિયન. અને કમાવા છે ડોલર્સ. ઓલ આર ઇકવલ.' નિયતીની કોઈ દુખતી રસ દબાઈ ગઈ હોય એમ એનો અવાજ તરડાઈ ગયો. એની આંખો અચાનક જ છલછલાઈ આવી. એણે પહેલી વખત કબીરની વાતનો જવાબ આપ્યો.
'હેય, આર યુ ઓકે? મારો તમને હર્ટ કરવાનો ઈરાદો ન હતો. આઈ એમ સોરી.'
નિયતી ક્યાંક ખોવાઈ ગઈ . કોઈ જુદાં જ સમયમાં...
'મારો ભાઈ, એ પણ તમારી જેમ જ.. હેઈટ કરે છે ઇન્ડિયાને... જતો રહ્યો એ પણ અમેરિકા. ડોલર્સની ચમકમાં એવો તો આંધળો થઈ ગયો, કે પાછું વળીને જોવાનું જ ભૂલી ગયો. ભૂલી ગયો કે અહીં એનાં પેરેન્ટ્સ, એની સિસ્ટર, એની રાહ જોવે છે. હા, વિકમાં એક વાર કોલ કરવાનું જરૂર યાદ આવી જાય છે એને બસ...' નિયતી રોઈ પડી. એને ખુદને ન સમજાયું કે એ એક સાવ અજાણ્યા માણસ સામે પોતાની વાત શા માટે કહી રહી હતી. પણ જ્યારથી એનો વ્હાલસોયો એક નો એક ભાઈ અમેરિકા સેટલ થયો, ત્યારથી એને આવા લોકોથી નફરત થઈ ગઈ હતી. જે કબીરની વાત સાંભળીને અચાનક જ બહાર આવી ગઈ.
કબીરને સમજાયું નહીં કે એ નિયતીને શું કહે? એને રોવાનું કેમ બંધ કરાવે? એણે પોતાનાં બેગમાંથી પાણીની બોટલ કાઢીને નિયતીને આપી.
'લો,પાણી પી લો.'
નિયતીએ ચહેરા પર બાંધેલો દુપટ્ટો ખોલ્યો, કબીરના હાથમાંથી
બોટલ લીધી અને પાણી પીધું.
કબીર જોઇ રહ્યો એને. સહેજ ગોરો કહી શકાય એવો આકર્ષક ચહેરો, બે મોટી ભાવુક આંખો, અને ગુલાબી મુલાયમ હોઠ, કોઈ જ જાતનાં મેક-અપ વિનાનો, સિમ્પલ છતાં સુંદર ચહેરો... એણે ડાર્ક બ્લ્યુ જીન્સ ઉપર ઓફ વહાઈટ તથા લાઈટ પિંક શેડ વાડું ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું. જેના લીધે એની પાતળી ગરદન અદમ્ય ખેંચાણ ઉપજાવે એ રીતે સ્પષ્ટ દેખાતી હતી. કાનમાં ટોપ સાથે મેચિંગ પિંક અને વહાઈટ શેડ વાળા મોતીનાં ટોપ્સ સિવાય બીજી કોઈ આર્ટિફિશિયલ કે રીઅલ જ્વેલરી નહીં, હાથમાં ફક્ત વહાઈટ બેલ્ટની વૉચ. છતાં પણ એકવાર જોનાર બીજી વાર ફરીને જોવાની લાલચ રોકી ન શકે એવી અદભુત હતી એ. કબીરની નજર એનાં ચહેરા પરથી હટવાનું નામ નહોતી લેતી.
નિયતી પાણી પીને થોડી સ્વસ્થ થઈ.
'થેન્કયું.'
એણે બોટલ કબીરને પાછી આપતાં કહ્યું.
'થેન્કયું તો મારે તમને કહેવું જોઈએ મેડમ. આ બુકાની હટાવવા માટે. અમને સાક્ષાત સૌંદર્યનાં દર્શન તો થયા. સાચું કહું? જો આ દુપટ્ટો ન બાંધેલો હોત ને તો હું સવારમાં તમારી સાથે ઝગડો જ ન કરત. આટલી બ્યુટીફૂલ છોકરી જોડે કોઈ ઝગડતું હશે?'
નિયતી ખડખડાટ હસી પડી.
'સો મિસ્ટર કબીર ઇઝ ફ્લરટીંગ?'
'લે બોલો, કોઈની સુંદરતાંનાં વખાણ કરવાને ફ્લર્ટ થોડી કહેવાય?'
'એમ?'
નિયતી હજુ હસી રહી હતી. અને કબીર એ મોહક સ્માઈલમાં તણાતો જતો હતો.
'તો મિસ્ટર, ફ્લર્ટ કરવા સિવાય બીજું શું કરો છો તમે?'
નિયતીને કબીર સારો માણસ લાગ્યો.
'હું અમદાવાદ કોર્પોરેટ કંપનીમાં જોબ કરું છું. અમદાવાદનો જ છું. અહીં વડોદરા એમ.બી.એ. કર્યું, થોડો સામાન રૂમ પર પડ્યો હતો, એ લેવા આવ્યો હતો. એન્ડ યુ?'
'હું અહીં જ રહું છું વડોદરામાં. આઈ.ટી. એન્જીનીયર છું. ફ્રેન્ડ્સને મળવા અમદાવાદ જાઉં છું.'
'નોટ બેડ, એટલે કે આપણે ઉંમરમાં લગભગ સરખાં જ છીએ, તો આ "તમે" કહેવાનું બંધ કર, અને "તું" કહે.'
'વાહ, સીધું જ પરસનલ થઈ જવું છે એમને?' નિયતી હસી.
'ઈફ યુ ડોન્ટ માઈન્ડ, હા.'
'ઓકે. તો તું ઇન્ડિયાને હેઈટ કરે છે એમ?'
થોડી વાર પહેલાં આજ વાત પર રડી પડેલી નિયતી જાતે જ એ વાત કરે છે એ જોઈને કબીરને નવાઈ લાગી.
'ના, સાવ એવું નથી. પણ આતો જસ્ટ ઘણી વખત એવું બોલાઈ જાય યાર સમજને હવે. અને હા, તે તારું નામ નથી જણાવ્યું.'
'નિયતી.'
'નિયતી .... ?'
'કેમ? સરનેમ જાણીને શું કરીશ?'
'ફેસબુક પર રિકવેસ્ટ મોકલીશ. ફોન નંબર તો તું આપવાની નથી.'
'હું સરનેમ પણ નથી આપવાની.'નિયતીએ ચિડાવ્યો કબીરને.
'એતો હું ગમે તેમ શોધી લઇશ.'
ત્યાર પછીની 2 કલાક દુનિયાભરનાં તમામ ટોપીક્સ પર વાતો થઈ. બુક્સથી લઈને બુલેટ ટ્રેન, આઈ શેડોથી લઈને એરોપ્લેન, સમય ક્યાં સરતો રહ્યો ખબર જ ન પડી.
ટ્રેન આવી ગઈ. બંને ટ્રેનમાં બેસી ગયા. વાતોનો બીજો દોર શરૂ થયો, આ વખતે ફિલ્મોથી શરૂ કરીને રિયાલિટી શોઝ, મોડેલિંગ, સ્પોર્ટ્સ વિશેનાં ટોપિક્સ ખુલ્યા. અમદાવાદ ક્યારે આવી ગયું ખબર જ ન પડી.
બંને મણિનગર સ્ટેશન પર ઉતર્યા.
'તારે ક્યાં જવાનું છે?' કબીરે પૂછ્યું.
'શિવરંજની. તારે?'
'અંજલી. કોઈ આવ્યું છે લેવા?'
'ના, મેં જ ના પાડી હતી, કે હું બી. આર.ટી.એસ.માં આવી જઈશ.'
'ઓકે, હું અડધા રસ્તા સુધી તારી બસમાં આવું છું. પછી મારે બસ બદલાવવી પડશે.'
'ઇટ્સ ઓકે. તું અહીંથી જ અંજલી તરફની બસ પકડીલે.'
'અરે, હું કોઈપણ બસ પકડું, સીધો અંજલી નહીં પહોંચી શકું. 2 બસ બદલાવવી જ પડશે. તો બેટરને કે સાથે જઈએ.'
બંને શિવરંજની તરફ જતી બસમાં ચડ્યા. આ વખતે બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં.
કબીર નિયતીને જોઈ રહ્યો હતો.
'શું જુએ છે?'
'તને.'
'કેમ? પહેલાં ક્યારેય છોકરી નથી જોઈ?'
'તારાં જેવી નથી જોઈ.'
નિયતીએ નજર ફેરવી લીઘી.
'કહે ને?'
'શું કહું?'
'તારું આખું નામ? તારી સરનેમ?'
'કબીર, આપણે મળ્યાં એ કો-ઈંસીડેન્સ માત્ર છે. આજ પછી આપણે એકબીજાને ક્યારેય મળવાનાં પણ નથી, આપણે એકબીજાને ઓળખતાં પણ નથી.'
'હું વેડિંગ કાર્ડ છપાવવાનું નથી કહેતો. ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાનું કહું છું. તને મંજુર ન હોય તો તું એક્સેપટ ન કરતી બસ?'
'તો મોકલવી જ શું કામ?'
'સારું, તને એમ લાગતું હોય તો એમ. પણ જો આજ પછી આપણે બીજીવાર ક્યાંય પણ મળી ગયા, તો તારે મને તારી સરનેમ જણાવવી પડશે.'
'ડન. ખુશ?'
'મારે અહીં ઉતરવાનું છે. બાય. ફરી ચોક્કસ મળીશું. યાદ રાખજે.'
નિયતી હસી પડી.
કબીરનું મન ત્યાં જ એ હાસ્યમાં જ અટવાઈ ગયું.
–-------------
નિયતીની ફ્રેન્ડ રિયાની હમણાં જ એંગેજમેન્ટ થઈ હતી. 1 મંથ ઓફ ટુગેધરનેસની સાંજે પાર્ટી હતી. રેડ લોન્ગ ગાઉનમાં સજ્જ, પેન્સિલ હિલ્સનાં સેન્ડલ, હાથમાં ગોલ્ડન પર્સ, ખુલ્લા વાળ અને કાનમાં લોંગ એરિંગસ, નિયતી જ્યારે પાર્ટીમાં એન્ટર થઈ ત્યારે ભલભલા છોકરાંઓ પાણી પાણી થઈ ગયા, બધી જ છોકરીઓ બળીને રાખ થઈ ગઈ. કોઈ પણ જાતનાં મેક-અપ વિના આટલી સુંદર લાગતી નિયતી, પાર્ટીમાં બધાંની નજર પોતાનાં પર અનુભવી શકી, એને થોડું અનકંફર્ટેબલ લાગ્યું, એ ત્યાંથી થોડી દૂર એક ખૂણો શોધીને એક ચેર પર બેસી ગઈ.
'મે આઈ સીટ હિઅર, પ્લીઝ?'
એક અજાણ્યો છતા તદ્દન જાણીતો અવાજ સાંભળીને નિયતી ચોંકી ગઈ.
'તું? તું અહીં ક્યાંથી?' સામે નેવી બ્લ્યુ સ્યુટ-બુટમાં સજ્જ કબીર લુચ્ચું સ્મિત કરતો ઉભો હતો.
'તારી સરનેમ જાણવા, સૉરી બદલવા આવ્યો છું.'
'વૉટ?' નિયતીનાં ચહેરા પર ન સમજી શકાય એવા ભાવ આવી ગયા.
'તારા પેરેન્ટ્સએ તને વાત તો કરી જ હશે, આ પાર્ટીમાં તારે એક છોકરાંને મળવાનું છે.'
'હા, પણ તને કેવી રીતે ખબર?'
'મારા પેરેન્ટ્સએ પણ મને આ પાર્ટીમાં એક છોકરીને મળવાનું કહ્યું છે. અને મને હમણાં જ ખબર પડી છે, કે એ છોકરી તું છે.'
નિયતી આંખો પહોળી કરીને કબીર સામે જોઈ રહી. એને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો.
'સો? મિસ નિયતી.... મિસિસ નિયતી કબીર સોની બનવા તૈયાર છો?'
'એક શરતે... હું તને અમેરિકા નહીં જવા દઉં.' નિયતી એની સામે આંખો નચાવી રહી...
'જવું પણ કોને છે? આઈ લવ ઇન્ડિયા. આઈ લવ ઈન્ડિયન્સ, આઈ લવ ઇન્ડિયન ટ્રેઈન્સ... આઈ લવ... ' નિયતીએ વાક્ય પૂરું જ ન કરવા દીધું.
'મી ટુ, મિસ્ટર કબીર સોની.'