રાવણ દહન
રાવણ દહન
આમ તેમ પડખા ફેરવીને થાકયો, નિંદર જાણે વેરી બની બેઠી હતી. આંખ બંધ થતાંની સાથે જ એ લોહી ભીનું દ્રશ્ય નજર સમક્ષ ફરી વળતું અને આંખ ખૂલી જતી...!
તાજી જ ઘટેલી એ દુર્ઘટનાની યાદ ખૂબ ડરામણી હતી. એ દુર્ઘટના જેનો જવાબદાર હું પોતે જ હતો.
બસ હવે પથારીમાં પડયા રહેવાનો કોઈ અર્થ નહોતો. નિંદર ના મનામણાં કરવા વ્યર્થ હતાં. વળી જો આમતેમ પડખા ફેરવતા બાજુમાં સૂઈ રહેલી મારી નાનકડી ઢીંગલી જાગી જાય તો રડારોળ કરી મૂકે. કાચી ઊંઘનું એનું રૂદન અનિતા સિવાય કોઈ જ બંધ કરાવી શકે એમ નહોતું, જે હવે શક્ય નહોતું. જીવનને પેલે પાર પહોંચી ચૂકેલી અનિતા સુધી માત્ર સ્વપ્નમાં જ પહોંચી શકાતું. ધીમા પગલે બહારની બાલ્કનીમાં આવી હું સિગારેટ ફૂંકવા લાગ્યો. અનિતાને લગભગ હું ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતમાં ગુમાવી ચૂક્યો હતો. એવો જ એક અકસ્માત સમી સાંજે મારા હાથે થયો હતો, એ પણ એક માસુમ બાળકનો. મારી ઢીંગલીથી માંડ એક કે બે વર્ષ જ મોટો હશે.
સમગ્ર ઘટના હું વિસ્તાર પૂર્વક વાગોળવા લાગ્યો... હજી થોડા કલાકો પહેલાની જ તો વાત છે. હું અને ઢીંગલી રાવણ દહન જોઈ ઘર તરફ પાછા ફરી રહ્યા હતાં. આકાશમાં અંધારું છવાઈ રહ્યું હતું. મારે જેમ બને તેમ જલ્દીથી ઘરે પહોંચવું હતું. રામલીલા મેદાનના પાર્કિંગ પ્લોટમાં ઢીંગલીની નજરથી બચી મારેલા 'બે ઘૂંટ', નશો બની મારી પર સવાર થવાની તૈયારીમાં જ હતાં. હું કોઈ શરાબી નહોતો પણ અનિતાની કાયમી વિદાઈ બાદ ઉઠતું વિરાહનું દર્દ કડવા ઘૂંટની સાથે શમતું જતું હોય એમ મને લાગતું. આ દવા હવે રોજ સાંજની મારી આદત બની ચૂકી હતી. નવરાત્રીના નવ દિવસની બાકી રહી ગયેલી તરસ મેં દશેરાના દસમા દિવસે ઘરે પહોંચતા પહેલા જ છીપાવી દીધી હતી. રસ્તો લાંબો થતો જતો હતો. બાજુમાં બેઠેલી ઢીંગલી નાદાન સવાલોનો વરસાદ વરસાવી રહી હતી.
'ડેડી, દશેરો કેમ ઊજવાય છે ?'
'અસત્ય પર સત્યના વિજય સ્વરૂપે' મેં કહ્યું.
ઢીંગલીનું મુખ જોઈ હું સમજી ગયો કે આને કાંઈ સમજાયું નથી. સમજવાની મથામણમાં પડ્યા વગર એણે બીજો સવાલ આગળ ધર્યો "ડેડી, રાવણ ને કેમ સળગાવી દીધો ?"
ત્યાં તો ધડામ દઈને કંઈક અથડાયાનો અવાજ આવ્યો. મારા પગ બ્રેક પર ચોંટી ગયા. ઢીંગલીએ ગભરાઈ ને પૂછ્યું "શું થયું ?"
"ખાડો આવ્યો લાગે છે." બારી માંથી બહાર ડોકિયું કાઢી મેં પાછળ જોયું.
જે દ્રશ્ય નજરે ચડ્યું એ જોઈ મારા પગ તળેથી ધરતી ખસી ગઈ. એક બાળક મારી ગાડીની અડફેટે ચડી દૂર ફંગોળાઈ ને પડયું હતું. ઢીંગલીને ગાડીમાંથી બહાર ન ઉતરવાની સૂચના આપીને હું તરત એ નાનકડા શરીર પાસે પહોંચ્યો. એના માથા માંથી વહેતા દળદળ લોહી ને જોઈ હું ત્યાં જ થીજી ગયો. લોહી નો ધસમસતો રેલો પગ તળે આવ્યો ત્યારે અનાયાસે જ બે પગલાં પાછળ ખસી જવાયું. એને અડકવાની હિંમત સુદ્ધાં હું ન બતાવી શક્યો. માસુમના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતાં. એની ખૂલ્લી રહી ગયેલી આંખો જાણે મને જ તાકી રહી હતી.
એક હસતા રમતા બાળક ને લાશ બના
વી દેનાર હું સડસડાટ ત્યાંથી ભાગી છૂટ્યો. મૃતશરીરથી ગાડી સુધી પહોંચતા ચારેકોરે નજર ફેરવી લીધી... કોઈ જોઈ તો નથી રહ્યું ને ?
અને અત્યારે પણ સિગારેટના દમ ભરતા ભરતા એ જ ડર સતાવી રહ્યો હતો કે 'કોઈ જોઈ તો નહીં ગયું હોય ને ? કોઈ એ ગાડીનો નંબર તો નોંધી નહીં લીધો હોય ને ? જો આ ગુના માટે જેલ જવું પડે તો મા વગરની ઢીંગલીનું શું ?'
પણ.. પણ.. મારા કારણે પ્રાણ ગુમાવી ચૂકેલા એ બાળક નું શું ? એના માં બાપ પર અત્યારે શું વીતી રહી હશે ?' મારી અંદર નો પસ્તાવો વિચાર સ્વરૂપે પ્રગટ્યો.
'બાળક રમતું રમતું છેક રસ્તા સુધી જઈ ચડ્યું, ત્યારે એનું ધ્યાન રાખનાર એની મા ક્યાં હશે ? એની પણ બેદરકારી જ તો વળી..! ગુનો સ્વીકારી જેલમાં જવાથી કાંઈ મરેલ બાળક પાછું થોડું આવશે ?
ખરી વાત...!"
બાલ્કનીમાં ઊભાં ઊભાં જ રાત આખી વહી ગઈ. સૂરજ હજી ડોકાયો નહોતો પરંતુ આવવાના એંધાણ એણે આછા અજવાળાં સ્વરૂપે આપી દીધા હતાં. દૂધવાળા ને છાપાવાળાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. મારા છાપાવાળાની રાહ હું કાગડોળે જોઈ રહ્યો હતો. ગઈકાલની ઘટના અંગે ચોક્કસ કંઈક છપાયું હશે.
છેવટે મારી પ્રતીક્ષાનો અંત આવ્યો. બાલ્કનીમાં ફેંકાયેલું છાપું ઉપાડી હું ઝડપભેર પાના ઉથલાવવા લાગ્યો. મનમાં ફફડાટ વ્યાપી રહ્યો હતો. એક સમાચાર પર નજર પડતા જ હું ચમક્યો "પાંચ વર્ષના માસુમ બાળકનું અજાણ્યા વાહનની અડફેટે મોત".
'અજાણ્યા' શબ્દે મને ભારે રાહત આપી. વિસ્તૃત સમાચાર હું સડસડાટ વાંચી ગયો, જેમાંની બે લીટી મારા માટે ખૂબ મહત્વપૂર્ણ હતી "ઘટના સ્થળે કોઈ જ હાજર ન હોવાથી, વાહનના કે વાહનચાલકના કોઈ સગડ મળ્યા નથી !"
"હાશ.... !! બચી ગયો." એક ઊંડો નિરાંતનો શ્વાસ લીધો, "હવે જેલ જવાનો વારો નહીં આવે."
ગઈકાલની યાદો ખંખેરી રોજિંદા કાર્યોમાં પરોવાયો. ઢીંગલી જાગે તે પહેલાં એના માટે નાસ્તો બનાવવાનો હતો, અને પોતાના માટે ચા તો ખરી જ. ઢીંગલી ને નવડાવાની, તૈયાર કરવાની પછી શાળાએ મૂકવા જવાની જવાબદારી પણ મારા શિરે જ તો હતી.
નિત્યક્રમ પતાવી ચાની ચુસ્કી ભરતો હતો એટલામાં તો ઢીંગલી જાગી ને મને શોધતી શોધતી મારા સુધી આવી પહોંચી.
"ગુડમોર્નિંગ પ્રિંસેસ !"કહીં મેં ચા નો કપ બાજુએ મૂકી ઢીંગલીને તેડી લીધી.
ગુડમોર્નિંગ નો પ્રતિઉત્તર આપ્યા વગર એણે માસુમ સવાલ કર્યો, "ડેડી, કાલે રાવણ બળી ગયો પછી એ ક્યાં ગયો ?"
મારાથી ખડખડાટ હસી પડાયું, "હા હા હા.. ! હજી તારી સોય ત્યાં જ અટકી પડી છે ?"
એ જવાબની આશાએ મને તાકતી રહી. મારી પર મંડાયેલી એની નાનકડી આંખો જોઈ મને પેલા મૃત બાળકની આંખો યાદ આવી ગઈ અને એક ચમકારો થયો જે લખલખાં સ્વરૂપે આખા શરીરમાં પ્રસરી ગયો.
ઢીંગલીના સવાલનો જવાબ એની જ આંખોમાં છૂપાયેલો હોય એમ મને લાગ્યું !
એકીટશે મારી પર મંડાયેલી એની આંખોમાં મારો ચહેરો હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો.....!