G@jju Damodar

Tragedy Inspirational

4.7  

G@jju Damodar

Tragedy Inspirational

લૂંટ

લૂંટ

4 mins
484


"લ્યો, ચાલો ત્યારે ! જીવતા રહીશું તો ફરી આવીશું !" ભાડાની ઓરડીને તાળું વાસતાં કાનજી મનોમન બબડયો.

દેશભરમાં કોરોના નામનો વાયરસ પ્રસરી ચુક્યો હતો. જે એકબીજાનાં સંપર્કમાં આવવાથી વધૂ ફેલાતો હતો. જેને કારણે સરકારે તાત્કાલિક ધોરણે લોકડાઉન જાહેર કરી દીધું હતું. ધંધા રોજગાર રાતોરાત બંધ કરી દેવાયાં. છૂટક મજૂરી કરી પેટિયું રળતો કાનજી અચાનક માથે થોપી દેવાયેલા લોકડાઉનથી ભારે મુસીબતમાં મુકાયો. રોજ કમાઈને રોજ ખાનારા કાનજીને ભૂખે મરવાનાં દહાડા આવ્યાં. સરકારે તેના જેવાં શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા તો કરી હતી, પરંતુ તે માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું. કાનજી ગરીબ જરૂર હતો પણ આમ ભિખારીની જેમ લાઈનમાં ઉભા રહેવાથી તેનાં સ્વમાનને ઠેસ પહોંચતી. પણ એમ કર્યાં સિવાય એની પાસે બીજો કોઈ છૂટકો નહોતો. પોતાની ભૂખ ભાંગવાની સાથે-સાથે પત્ની અને નાના બાળકનું પેટ ભરવાની જવાબદારી પણ એનાં જ શિરે હતી. થોડાંક દિવસ તો જેમ તેમ કરી કાઢી નાખ્યાં. પણ છેવટે તેની ધીરજ ખૂટી પડી. તેને વતનની યાદ આવી. પોતાનું ગામ, ખેતર, કુટુંબ સાંભરી આવ્યાં. હવે તો વતન પહોંચે જ છૂટકો. એણે નક્કી કરી લીધું. 

પરંતુ વતન પહોંચવું કંઈ રીતે ? બસ અને ટ્રેન સેવા તો બંધ કરી દેવામાં આવી હતી. પોતાની પાસે સાયકલ સિવાય બીજું કોઈ સાધન પણ નહોતું. તેના જેવા જ કેટલાંક શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યાં હતાં. પરંતુ કાનજી માટે એ શક્ય નહોતું. તેનું વતન લગભગ ચારસો કિલોમીટર જેટલું છેટે હતું અને બાળક પણ તેડવું પડે એટલું નાનું હતું.

કાનજીએ વચલો રસ્તો કાઢ્યો. એણે વતન જવા માટે પોતાની સાયકલનો જ ઉપયોગ કરવાનું વિચાર્યું. ખપ પૂરતાં સામાનનું પોટલું વાળી આગળ લટકાવ્યું. પત્નીને ખોળામાં છોરું લઇ પાછળ બેસાડી. 

"એટલું બધું હંકારાશે તમારાથી ? એ પણ બે જણાંનો ભાર ખેંચીને ?" કાનજીની પત્નિએ નરમ અવાજે પૂછ્યું.

"થાક લાગે તો થોડીવાર રોકાઈ જાશું. હવે ઝાઝું વિચારવું નથી. ચાલ ઝટ બેસી જા !"

ત્રણ દિવસમાં તો વતન પહોંચી જઈશું એવી ગણતરી સાથે કાનજીએ સાયકલ ઉપાડી મૂકી. પણ એની ગણતરી ઊંઘી પડી. સરકારના આદેશ અનુસાર રાજ્યના તમામ મુખ્ય રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. સજ્જડ કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પણ હિસાબે વતન પહોંચવાની જીદે ચડેલો કાનજી એમ પાછો વળે એમ ન હતો. એ મુખ્ય માર્ગો છોડી કાચા અને સાંકડા રસ્તે લપાઈ છુપાઈને ધીરેધીરે આગળ વધતો રહ્યો. પણ એથી તેનું અંતર ખૂબ વધી ગયું અને દિવસો પણ લંબાઇ ગયાં.

પરિણામ સ્વરૂપ ત્રણ દીવસને અંતે માત્ર અડધું જ અંતર કપાયું. ખિસ્સામાં જે થોડાઘણા રૂપિયા હતાં એ પણ ખર્ચાઈ ગયાં. અને જાણે એ પણ અધૂરું હોય તેમ કાનજીની પત્નિની તબિયત પણ લથડી પડી. હવે આગળ કેમ વધાશે ? કાનજીને ચિંતા પેઠી. કોઈની પાસેથી મદદની આશા રાખવી પણ નક્કામી હતી. વાયરસ ચોટવાની બીકે કોઈ આશરો પણ નહોતું આપતું. કોઈ સામું જોવા કે વાત કરવા પણ તૈયાર નહોતું. રસ્તામાં જે ગામ આવતું બધા જાકારો જ આપતાં.

"જો જે ભાઈ અડતો નહિ હો !" "આઘો રહીં વાત કર !" "અલ્યા ભાઈ જ્યાં હતો ત્યાં જ રહેવાય ને, આમ ક્યાં હાલી નીકળ્યા છો !" "તારા જેવાને લીધે જ બીમારીઓ ફેલાય છે !" સાંભળી સાંભળીને કાનજીના કાન પાકી ગયાં. કોઈકે હડધૂત કર્યા તો વળી કોઈકે વણમાંગી સલાહો આપી.

ત્રીજી રાતે થાકી કરીને એક ઝાડ નીચે રાતવાસો કરી રહેલાં કાનજીને કાને કોઈકનો કડક અને ધમકી ભર્યો અવાજ અથડાયો.

"ઓય ! અહીંયા શું કરે છે ? લાવ જે કઈ રોકડ કે દાગીના હોય આપી દે ! ખબરદાર જો સહેજ પણ અવાજ કર્યો છે તો, આ છરી તારી સગી નહીં થાય !" 

કાનજી ફફડી ઉઠ્યો. નજર સામે મજબૂત બાંધાના અને બિહામણા ભાસતાં બે લૂંટારુઓ ઊભાં હતાં. જેમાંથી એકના હાથમાં ખુલ્લી છરી હતી. કાનજીની પત્નીએ ડરથી બાળકને સોડમાં સંતાડી દીધો. 

"આના સિવાય કાંઈ નથી માઈ-બાપ !" કાનજીએ કિપેઇડ વાળો જૂનો મોબાઈલ લૂંટારુને સોંપતા દયામણાં સ્વરે કહ્યું.

લૂંટારો જુનાં પુરાણા મોબાઈલને જોઇને હસ્યો. તેણે એક નજર સાયકલ તરફ નાખી.

"જોઈએ તો જીવ દઈ દઉં ! પણ સાયકલ રહેવા દો !" કાનજીએ આજીજી કરી.

"અલ્યા તું છે કોણ અને અહીં શું કરે છે ?" લૂંટારાએ ચીંથરેહાલ કાનજીને જોઈ કુતૂહલવશ પૂછ્યું. 

"મજૂર છું માઈબાપ. વતન જવા મથું છું. દયા કરો. અમને જવા દ્યો !" કાનજી બે હાથ જોડી કરગર્યો.

"કેટલાં દિવસથી નીકળ્યો છે ?" લૂંટારુએ સવાલ કર્યો.

"ત્રણ દી થયાં !"

"ક્યારે પહોંચીશ ?"

"કાંઈ કહેવાય નહીં ! ઉપરવાળો પહોંચાડે ત્યારે ખરું !"

"પૈસા છે જોડે ?"

"એકેય રૂપિયો નથી, માઇ-બાપ ! વિશ્વાસ કરો, તમે ક્યો એનાં હમ !" ગળગળા સાદે કાનજી બોલ્યો. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

બન્ને લૂંટારુએ એકબીજાની સામે જોયું. ચહેરા પરનાં હાવભાવ બદલાયાં. ક્રુરતા જાણે પીગળી પડી. થોડુંક વિચારીને એમાંના એકે પોતાના ખિસ્સામાં હાથ નાખી રૂપિયાની થોકડી બહાર કાઢી.

"લે... આ પકડ !" કાનજીનાં હાથમાં રૂપિયાની થોકડી દબાવતાં એ બોલ્યો, "જા પહોંચીજા, તારા વતન !"

બન્ને લૂંટારુઓ ચાલ્યાં ગયાં. 

ડઘાઈ ગયેલો કાનજી ઘડીક હાથમાં રહેલી રૂપિયાની થોકડીને તો ઘડીક જઈ રહેલાં લૂંટારાઓની પીઠને અચરજભરી નજરે તાકતો રહ્યો.... થોડીક કળ વળતાં એણે રૂપિયા ગણી જોયાં. પુરા પાંચ હજાર થયાં. એણે મનોમન ઈશ્વરનો પાડ માન્યો. લૂંટારુઓ તરફથી મળેલી મદદ થકી આખરે કાનજી વતન પહોંચવામાં સફળ રહ્યો. કાનજીએ ગામ આખામાં આ અકલ્પનિય કિસ્સો કહીં સંભળાવ્યો.

જીવનમાં પહેલી વાર બધાંયને મોઢે કોઈ લૂંટ કરનારા માટે આશીર્વાદ રૂપી શબ્દો સરવા માંડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy