G@jju Damodar

Inspirational

4.3  

G@jju Damodar

Inspirational

ઉતાવળ

ઉતાવળ

2 mins
711


"ખૂબ મોડું થઈ ગયુ આજે..." ઓફિસ જવા નીકળેલો જતિન મનોમન બબડ્યો.

બાઇકની ચાવી, રૂમાલ અને પર્સ શોધવામાં પણ ખાસ્સો એવો સમય વેડફાયો. જતિનને આજે પિયરે ગયેલી પત્નીની ખૂબ ખોટ સાલવી. લાઈટ, પંખા અને ગેસ ચાલુ તો નથી રહી ગયા ને ! એમ બરાબર ચેક કર્યું.

મુખ્ય દરવાજે તાળું વાંસી, તાળાને બે વાર ખેંચી સંતોષપૂર્વક ચાવી ખિસ્સામાં સેરવી દીધી. ઓફીસ બેગ ખભે ભેરવી નીકળવા જ જતો હતો ત્યાં જ કંઈક યાદ આવ્યું. પગ સહેજ ધીરા પડયાં !

'ચાલશે...!' ગણગણી ઘડિયાળના કાંટા પર એક નજર કરી બાઈક હંકારી મૂકી.  જતિન ઘર પાસે ના કાચા રસ્તાથી મુખ્ય રોડ પર પહોંચ્યો ન પહોંચ્યો, ત્યાં તો કાગ ડોળે વાટ જોઈ ને બેઠેલા કાળ જોડે ભેટો થઈ પડ્યો !

એક નાનો અમથો ખાડો ટાળવા જતાં બાઇક પરનો કાબુ ગુમાવી બેઠો અને ધડાકાભેર રોડ પર પછડાયો. ઉભા થવાના અથાગ નિષ્ફળ પ્રયત્નો કરી જોયા પણ શરીરે સાથ ન આપ્યો. આંખો સામે અંધારા ફરી વળ્યાં.  થઈ રહેલી અસહ્ય પીડા જતિનને મૃત્યુનો ભય પમાડી ગઈ !

 રસ્તા પર પાણીની જેમ રેલાઈ રહેલા લોહીના રેલાઓ જતિનને પોતાની સઘળી મહેનત, સંઘરેલી બચત, વણેલા સપનાં, પરિવારજનોની આશા ઢસડીને લઈ જતાં ભાસ્યા ! ગણાઈ રહેલી આ અંતિમ ઘડીઓમાં જતિનને પોતાનો સમગ્ર જીવનકાળ ચિત્રપટની જેમ આંખો સામે ફરતો દેખાયો. મિત્રો, પરિવાર, ઓફિસ, ઘર, ઘર ની દરેકે દરેક વસ્તુઓ પણ એક પછી એક દેખાવા લાગી. બંધ આંખે ફરી રહેલી નજર આખરે ઘરના એક ખૂણે મુકાયેલી વસ્તુ પર આવી ને અટકી, જે હતું છેલ્લી ઘડીએ ભુલાઈ ગયેલું - હેલ્મેટ ! અને પોતાના જ બોલાયેલા શબ્દો "ચાલશે" પર પારાવાર પસ્તાવા સાથે જતિન ની આંખો ઢળવા લાગી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational