G@jju Damodar

Tragedy Others

4.5  

G@jju Damodar

Tragedy Others

અનેરો બદલાવ

અનેરો બદલાવ

2 mins
320


લાલો.

લગભગ મારા જેટલી જ દિવાળી એણે માણી હશે, અને કઈ કેટલાનીએ બગાડી પણ હશે. મારા નાનકડા દવાખાનામાં પટાપિંડી કરવા આવવા વાળામાં મોટા ભાગના તો એના હાથે જ પીટાઇ ને આવતા. એક નંબર નો ગુંડો, નામચીન ગુનેગાર. રસ્તામાં સામો મળતો ત્યારે મારા જેવા તો રસ્તો જ બદલી નાખે. મકાન ખાલી કરાવવુ, ધમકી આપવી, ગેરકાયદેસર કબ્જો જમાવવો, તોફાનો કરાવવા, હડતાલો પડાવવી જેવા અનેક ગુના એના નામ સાથે જોડાયેલા હતા.

પહેલા લોકો એને સામાન્ય ગુંડો સમજતા પણ ધોળા દિવસે અનેક લોકોની હાજરીમાં એક વ્યક્તિને એણે ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી દિધો, ત્યારથી આખું શહેર એના નામ માત્રથી જ ફફડવા લાગ્યું. એના માથે હાથ રાખનાર ગોડફાધરનું કદ કેટલું મોટું હશે એ એનાથી સાબિત થતું હતું કે આટ-આટલાં ગુના કરવા છતાંય લાલાએ ક્યારેય જેલની હવા નહોતી ખાધી.

કમનસીબે આજે એજ લાલો મારા દરવાજે ડોકાયો, એ પણ પોતાની ટોળકી સાથે. પરિવાર ના સભ્યોને પોતપોતાના રૂમ માં ભરાઈ રહેવાની કડક સુચના આપી મે દરવાજા ઉઘેડ્યા.... સફેદ કપડામાં સજ્જ લાલો મને યમદૂત સમાન ભાસતો હતો. 

'કેમ આવ્યો હશે ?'એક ક્ષણ માં સારા-નરસા કંઈ કેટલાય વિચારો મનને ઘેરી વળ્યાં. મને મળવા આવું પડે એવો એ બિમાર કે ઘાયલ પણ નહોતો લાગતો, ચોક્કસ કારણ કંઇક બીજુ જ હતું.

'નમસ્કાર દાક્તર સાહેબ !' કહી એણે બે હાથ જોડ્યા. 

'નમસ્કાર લાલા ભાઈ '

મારા હાથ આપોઆપ જ જોડાઈ ગયા.

ફરી એ કંઈક બોલ્યો. ડર ને લીધે સુન્ન પડી ગયેલા કાન કાંઈ જ ન સાંભળી શક્યાં. હું એને તાકતો જ રહ્યો. મારી ધારણા થી વિપરીત એના અવાજ માં ધમકી નહોતી... વિનમ્રતા હતી, મને એની આંખો માં કરુણા દેખાઈ, ચહેરા પર નિર્દોષ હાસ્ય દેખાયું. 

આવો બેસો - જેવા નજવો વિવેક પણ હું ચુક્યો. આખરે એ દુશ્મન બની નહોતો આવ્યો એ તો એના વર્તન પરથી જણાઈ જ આવતું હતું. લાલાએ પોતાની પાસે રહેલા જથ્થાબંધ કાગળ માંથી એક કાગળ કાઢી મને આપ્યો અને હળવું સ્મિત વેર્યું.

લાલામાં આવેલો બદલાવ મારા માટે પચાવવો સહેજ અઘરો હતો.

છેવટે લાલાએ વિદાય લીધી... એ પણ એક સજ્જન ની માફક.

હાશ......!

છુપાઈને બેઠેલા પરિવારના સભ્યોએ પણ રાહત અનુભવી. લાલાનું આજ નું વર્તન આશ્ચર્યજનક હતું. એણે આપેલા કાગળ પર મારી નજર ફરી વળી, આખરે એ કંઇક છીનવીને નહી પણ આપી ને ગયો હતો...! 

એ કોઈ સામાન્ય કાગળ નહોતો... આગામી ચૂંટણીના ઉમેદવાર નું પ્રચાર પત્રક હતું.

"આપનો કિંમતી અને પવિત્ર મત આપી આપણા મતવિસ્તારના લોકલાડીલા ઉમેદવાર શ્રી જયશંકર ઘીવાળા ને વિજયી બનાવો." 

કોણ છે આ જયશંકર ઘીવાળા..?? આ નામ પહેલા ક્યારેય કાને નહોતું પડ્યું. કુતૂહલવશ મેં આગળ વાંચવાનું ચાલુ રાખ્યું.

ઘાટા અક્ષરે છપાયેલી બે લીટીઓએ મને ભારે આંચકો આપ્યો. આખરે લાલામાં આવેલા અનેેરા બદલાવનો ફોડ પડ્યો. 

ક્રમાંક નંબર : 1

નિશાન  : સફેદ કબૂતર

ઉમેદવાર : જયશંકર ઘીવાળા ઉર્ફે - લાલો.

લખાણની નીચે લાલનો ફોટો હતો. અદ્દલ એવા જ સ્મિત સાથે જેવું તે અહીં ફરકાવીને ગયો હતો. તસ્વીરમાં દેખાતો એક હેવાનનો માયાળુ ચહેરો હું શૂન્યમસ્તક બની કંઈ કેટલી વાર સુધી તાકતો જ રહ્યો.       


Rate this content
Log in

Similar gujarati story from Tragedy