મદદગાર
મદદગાર
ચારેય તરફ ફેલાયેલો ગાઢ અંધકાર આંખ ઉઘાડતાની સાથે જ દૂર થયો. આંખો ખોલવા જેવી સામાન્ય ક્રિયા પણ પીડા આપી રહી હતી. જાણે પાંપણો પર પથ્થર પડ્યા હોય એવો ભાર જણાયો. આસપાસનું દ્રશ્ય હજી ધૂંધળું જ હતું. આંખો પટપટાવી ઝાંખપ દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દ્રષ્ટિ ઝાંખી જ રહી.
આંખો જીણી કરીને જોવાની મથામણ કરતા માલુમ પડયું કે આ તો કોઈક હોસ્પિટલનો રૂમ છે. જ્યાં હું પથારીવશ પડ્યો છું.
"કોણ લાવ્યું હશે મને અહીં ?"
તાજી જ ઘટેલી એ દુર્ઘટના કે જેનો હું ભોગ બન્યો હતો...એ ફરી નજર સમક્ષ ફરવા લાગી.
26 જાન્યુઆરીની સવાર કંઈક ખાસ હતી. પપ્પા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે "રોહન..., બોર્ડની પરીક્ષાને આડે હવે માંડ મહિનાની જ વાર છે.... રજા છે તો ઘરે બેસીને વાંચ."
"રજા નથી પપ્પા પ્રજાસત્તાક દિન છે. સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે. જવું જ પડશે !" મેં વિરોધ કરતાં કહ્યું.
"બેટા, વાંચીશ નહી તો ડોક્ટર બનવાનું સ્વપ્ન કઈ રીતે સાકાર થશે ? ખાલી સ્વપ્ન જોવાથી કંઈ ના વળે !" પિતાજીએ નારાજગી વ્યક્ત કરી.
રસોડામાંથી ડોકિયું કાઢી ને મા એ ટીખળ કરી "મારો દીકરો ડૉક્ટર બનશે એમ..! શું કરીશ ડોક્ટર બનીને ?"
"બિમારની સેવા કરીશ મા અને જરૂરીયાતમંદ ને મદદ !" કહીં હું ઉમળકાભેર શાળા તરફ દોડી ગયો હતો.
"ઓ... મારા વ્હાલા મદદગાર ! વહેલા પાછા વળજો !" પાછળ મા ની બૂમ સંભળાઈ.
શાળામાં રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રજાસત્તાકદિનની ઉજવણી પૂરી થઈ. આશરે પોણા નવનો સમય હશે. અચાનક ધરા ધ્રુજવા મંડી. પહેલા તો લાગ્યું ચક્કર આવ્યા હશે. પરંતુ બધાને આમતેમ નાસભાગ કરતા જોઈ કંઈક અઘટિત ઘટયાનો અહેસાસ થયો.
તિરંગો લહેરાવેલો થાંભલો પળવારમાં જ ભોંયભેગો થઈ ગયો. શાળાનું મકાન થરથર કાપવા લાગ્યું. આસપાસ વૃક્ષો ટપોટપ પડવા માંડયા. ધરતીનું કંપન જાણે વધતું જ જતું હતું. એક મોટા અવાજ સાથે ત્રણ માળના શાળાનાં મકાનમાં મોટી તિરાડ પડી અને મકાન બે ભાગમાં વહેચાઈ ગયું.
કાને પડી રહેલી ચીસાચીસ થી હું ધ્રુજી પડ્યો. ચારે તરફ દોડધામ મચી ગઈ. શું થઈ રહ્યું છે...કોઈ અંદાજો જ નહતો આવી રહ્યો.
"ભાગો....... ભાગો.... બચાવો... બચાવો" ના પડઘા સતત કાનના પડદે અથડાયાં કરતા હતા.
એક શિક્ષક ના મોઠે ડરામણો શબ્દ ચડ્યો.....
"ભૂકંપ !"
ભૂકંપનું નામ સાંભળતા જ જડવત બની બેઠેલો હું નાસભાગ કરતા ટોળાં જોડે જોડાયો. કોઈ દિશા જ સૂઝી નહોતી રહી કે કઈ તરફ જવું. જ્યાં સુધી નજરો પહોંચતી..... બધું ભસ્મીભૂત થતું જતું જ નજરે ચડી રહ્યું હતું. નમી ગયેલું શાળાનું મકાન અમારી તરફ ધસી આવતું જોઈ મકાનથી દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ક્ષણભર માં જ કકડભુસ થઈ ગયેલું મકાન છેવટે મારા સુધી પહોંચી જ ગયું. હું લગભગ અડધો અડધ કાટમાળમાં દટાઈ ચુક્યો હતો.
હાથ પગ તો જાણે ભાંગી જ પડ્યા હતા. માથા માંથી વહેતું દળ- દળ લોહી ઘા ઊંડો લાગ્યો હોવાની ચાડી ખાતું હતું.
અસહ્યપીડા થઈ રહી હતી.......આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું અને અંતે હું બેભાન બની બેઠો.
* * *
ભયાનક યાદો ખંખેરી વર્તમાનમાં પરત ફર્યો. પોતાની જાતને હોસ્પિટલમાં સહીસલામત જાણી ને હાશકારો અનુભવાયો. માથે લાગેલી ચોટ ચકાસવા મેં માથે હાથ અડાડયો. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ જ પાટો નહોતો બાંધેલો.
મારી નજર મારા હાથ પર પડી. "આવડા મોટા હાથ...!" મનોમન હું બબડયો. સોજા આવવાને લીધે આમ બન્યું હોવાનું મેં અનુમાન લગાવ્યું.
બીજે કશે તો વધારે નથી વાગ્યું ને એ જાણવા મેં ઊભાં થવાનો પ્રયત્ન કર્યો. કોઈ જ પીડા વગર હું સરળતાથી ઊભો રહી શક્યો. આંખોથી જમીનનું અંતર થોડુંક વધારે હોવાનો આભાસ થયો.
મગજમાં અનેક સવાલ ઊઠી રહ્યાં હતાં. "મને અહીં કોણ લાવ્યું હશે ?" ... "એ ભયાનક ભૂકંપનું શું પરિણામ આવ્યું ?" ... "મારા મિત્રો, મારા પરિવારનું શું થયું ?"
કોઈક નાં સંભળાઈ રહેલાં પગરવે જવાબની આશા જન્માવી. આવનાર આજ હોસ્પિટલની નર્સ હતી. મને આમ ઉભેલો જોઈ એ ચોંકી જ પડી. એના મુખ માંથી એ રીતે ચીસ સરી પડી જાણે કોઈ ભૂત જોઈ લીધો હોય... હાથ માં રહેલો સમાન ભોંયભેગો થઈ ગયો અને બુમાબુમ કરતી એ રૂમમાંથી બહાર દોડી ગઈ.
થોડીક જ ક્ષણોમાં આખી હોસ્પિટલનો સ્ટાફ મારી સામે ઊભો રહી ગયો. મને એ રીતે તાકતો રહ્યો જાણે હું આ પૃથ્વી પરનું પ્રાણી જ ના હોઉં....!!
સફેદ વસ્ત્રોમાં સજ્જ એક વ્યક્તિએ મને ડોક્ટર તરીકે પોતાનો પરિચય આપ્યો. અને મને તરત જ બેડ પર સૂઈ જવાની સૂચના આપી.
"શું નામ છે તમારું.. ?"ડોક્ટરે પૂછ્યું
" રોહન "
અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો. મને બોલતો ભાળી ડૉક્ટર ખુશ થયા હોવાનું જણાયું. એમણે રીતસરનો સવાલોનો મારો ચલાવ્યો..
" ક્યાંના છો.. ?"
" ભચાઉં" મેં ટૂંકો જવાબ આપ્યો.
ડૉક્ટર મને ક્યાંય સુધી સવાલ કરતા રહ્યાં.... મારા વિશેની નાનામાં નાની માહિતી રસપૂર્વક સાંભળી અને પોતાની ડાયરીમાં નોંધતા પણ રહ્યાં.
મારી શારીરિક તકલીફ વિશે પૂછતાં જ મેં આંખે ઝાંખપ વર્તાતી હોવાનું જણાવ્યું સાથે સાથે હાથે આવી ગયેલો સોજો પણ બતાવ્યો.
"આ કોઈ સોજો નથી બધું નોર્મલ છે અને આંખ માટે તપાસ કરાવવી પડશે." ડોક્ટરે કહ્યું.
મને આરામ કરવાની સલાહ આપી ડોક્ટરે બધાને બહાર જવા કહ્યું. ફક્ત એક નર્સને મારી જોડે જ રહેવા કડક શબ્દોમાં સૂચના આપી.
મનમાં ઊઠી રહેલા સવાલો હજી પણ અકબંધ જ રહ્યાં. મેં નર્સ જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નર્સે ઇશારાથી ચૂપ રહેવા જણાવ્યું. નર્સ વિસ્મયભરી આંખોથી મને તાકતી જ રહી. ચોક્કસ અંતર જાળવીને ઊભી રહેલી નર્સ મને કોઈ વણઉકેલ્યા કોયડા સમાન ભાસતી હતી.
" મારે બાથરૂમ જવું છે. બતાવશો કઈ તરફ છે ? " મેં નર્સને વિનંતી કરી. નર્સે ઇશારાથી સામેનો દરવાજો બતાવ્યો. ચાલીને દરવાજા સુધી પહોંચાય એટલી ત્રેવડ શરીરમાં રહી નહોતી. મદદના આશયથી મેં નર્સ તરફ જોયું પરંતુ ફેરવી લીધેલી નજરો મને ટાળવાનો જ પ્રયત્ન હતો એ મેં જાણી લીધું.
જેમ તેમ કરી બાથરૂમ સુધી પહોંચ્યો. બાથરૂમનો દરવાજો ખોલતાંની સાથે જ સામે લટકતાં અરીસા પર મારી ધૂંધળી નજર પડી.
હું ચોંકી ઉઠ્યો. " આ તો કોઈ અજાણ્યો ચહેરો...! કે પછી ઝાંખી દ્રષ્ટિનો વહેમ.. ?"
નજીક જઈ જોવાનો પ્રયત્ન કર્યો. "વહેમ નથી... પાક્કું.. પાક્કું આ તો હું છું જ નહીં...!!"
હું ચીસ પાડી ઉઠ્યો આઘાતથી હું ત્યાં જ ફસડાઈ પડ્યો. નર્સ દોડતી આવી મને ટેકો આપી પથારી પર સૂવડાવ્યો.
" મારા ચહેરાને શું થયું છે સિસ્ટર.. ? હું ખરેખર રોહન જ છું ને.. ? કંઈક તો બોલો... સિસ્ટર... સિસ્ટર..." હું બૂમો પાડતો જ રહ્યો. અવાજ સાંભળી ડૉક્ટર પણ દોડી આવ્યાં. બધાએ મળી મને શાંત કરવાના ખૂબ પ્રયત્નો કર્યા.... પણ મનમાં ઊઠી રહેલો સવાલોનો ઉભરો મને જંપવા જ નહોતો દેતો.
"મિ.રોહન, તમારા દરેક સવાલનો જવાબ મળશે પણ તમારે શાંત થવું પડશે, અને એ પહેલાં મારા કેટલાક સવાલોનો જવાબ આપવો પડશે." ડોક્ટરે સાંત્વના આપતા કહ્યું.
" મંજૂર, પણ મારો ચહેરો.... ? ? "
ડોક્ટરે મને બોલતો અટકાવ્યો અને સામો સવાલ કર્યો "મિ.રોહન, પહેલા મને એ જણાવો કે તમારી સાથે બનાવ શું બન્યો હતો.. ?" ભૂકંપની આખી ઘટના મેં ડોક્ટરને વિગતવાર કહીં સંભળાવી.
"મિ. રોહન, તમારી ઉંમર કેટલી છે અને તમે શું કરો છો ?" ડોક્ટરે આગળ પૂછ્યું.
" હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને મારી ઉંમર સત્તર વર્ષ છે, હવે તો કહો મારા ચહેરાને થયું છે શું ?" ધીરજ ખૂટી પડતાં મેં પૂછ્યું.
" આજ ની તારીખ ?" મને અવગણીને ડોક્ટરે આગળ ચલાવ્યું.
" 26 જાન્યુઆરી " મેં કહ્યું.
" વર્ષ .. ?"
" વર્ષ 2001 "
જવાબ સાંભળી ડૉક્ટરની આંખો ચમકી ઊઠી. ભેદ પામી ગયાનો સંતોષ એમના ચહેરા પર ફરી વળ્યો. રાહતનો દમ ભરી એમણે મારા ખભે હાથ મુક્યો. હું વધુ મૂંઝાયો.
"મિ.રોહન, મેં તમારો કેસ સ્ટડી કર્યો છે. તમને જ્યારે અહીં લાવવામાં આવ્યા ત્યારે તમે બેભાન અવસ્થામાં હતા. માથામાં ઊંડો ઘા લાગેલો હતો. અને શરીર પર અનેક ફ્રેક્ચર થયેલા હતાં. સારવાર આપી તમને બચાવી તો લેવાયા પણ..........."
" પણ શું ડોક્ટર ? " મેં અધિરાઈથી પૂછ્યું.
" મિ. રોહન, હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળવા તમારે થોડી હિંમત અને ધીરજ દાખવવી પડશે... તમે લાંબા સમયથી અહીં બેભાન અવસ્થામાં પડયા છો માટે બધા જ ઘા સંપૂર્ણ રીતે રૂઝાઈ ગયા છે... લાંબા સમય બાદ તમે તમારો ચહેરો જોયો માટે બદલાયેલો લાગી રહ્યો છે... તમને હાથે કોઈ સોજો નથી પરંતુ ઉંમર સાથે વિકસિત થયેલા હાથ તમને મોટા લાગી રહ્યાં છે.... સજ્જડ બંધ જ રહેતી આંખો દૂર નું જોવા ટેવાઈ નથી માટે ધૂંધળું દેખાય છે...!!" એક સાથે તમામ સવાલો ના જવાબો ડોક્ટરે રજૂ કર્યા.
"લાંબા સમયથી.. ? કેટલા દિવસથી.... ?" મેં કુતૂહલવશ પૂછ્યું.
"દિવસથી.. ? અરે મહિનાઓથી .... વર્ષોથી.... લગભગ અઢાર વર્ષથી...! માથામાં લાગેલી ચોટને લીધે તમે કોમામાં સરી પડ્યા હતાં. 'બ્રેન ડેડ' થઈ ગયું હતું. આ કોઈ ચમત્કારથી ઓછું નથી કે આટલા વર્ષે તમે ભાનમાં આવ્યાં." ડોક્ટરે આંનદ સાથે જણાવ્યું.
હકીકત જાણી મારા પગ નીચેથી જાણે ધરતી સરકી પડી. ફરી એક ભૂકંપ થયો... જે ફક્ત મને જ અનુભવાયો. છલકાયેલાં નયનોએ ગાલને નવડાવ્યાં. અશક્ત શરીર ઢળી પડ્યું. નર્સે ટેકો આપી પથારીમાં સુવાડયો.
"ડોક્ટર, મારો પરિવાર.. ? મારું ઘર .. ? " માંડ હું પૂછી શક્યો.
"કુદરતે સર્જેલી એ હોનારત ભયાનક હતી. તમારા ગામમાંથી જીવિત બચેલા એક માત્ર વ્યક્તિ તમે જ છો. આખું ગામ ભૂગર્ભમાં સમાઈ ગયું હતું." ડોક્ટરે ઉદાસ સ્વરે કહ્યું.
પિતાજીનો ચહેરો આંખો સામે તરવરવા લાગ્યો. જલ્દી ઘરે આવવા કહી રહેલી મા ના છેલ્લા શબ્દો કાને ગુંજવા લાગ્યાં. ઘરની દીવાલો, એ જૂની ગલીઓ, પ્રિય એવી શાળા, જીગરજાન મિત્રો બધું જ એ ભયાનક ભૂકંપે લૂંટી લીધું. પથારીમાં જ વહી ગયેલી આખે આખી જવાની એક એવું પુસ્તક બની બેઠી જેના દરેક પાનાં કોરા જ રહ્યાં. અધૂરા રહી ગયેલાં સપનાં કુદરતે ખોદેલી કબરમાં દટાઈ ગયા.....!!
"ડોક્ટર, મને એકલા ને મળેલું જીવતદાન શું કામનું ? આના કરતાં તો ભૂકંપ મને પણ ભરખી ગયો હોત તો વધુ સારું થાત." મેં મારી વ્યથા રજૂ કરી.
"તમારે પોતાની જાતને એકલા માનવાની જરૂર નથી, મને તમારો પરિવાર જ માનજો અને હોસ્પિટલના આ રૂમને તમારું ઘર. સરકાર પણ ભૂકંપનો ભોગ બનેલાઓને સારી એવી સહાય આપી રહી છે. તમને જોઇતી બધી જ મદદ મારા તરફથી મળી રહેશે" સાંત્વના પાઠવી ડોક્ટરે રૂમમાંથી બહાર તરફ પ્રયાણ કર્યું.
રાહતના શબ્દો ભલે પૂરા ન પડી શક્યાં પરંતુ ડૂબતાને મળેલું તણખલું ચોક્કસ બની રહ્યાં. દેવદૂત સમાન ભાસતા ડોક્ટર માટે મારા મોઢે શબ્દો સરી પડયાં...
"ખરો - મદદગાર !"