અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Tragedy Crime Thriller

4.8  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Tragedy Crime Thriller

ભ્રાંતિ

ભ્રાંતિ

10 mins
753


પોતાની જાત માટે કંજુસાઈ કરતા અમીધરભાઈએ દીકરી લક્ષિતાને ખુબ લાડકોડથી ઉછેરી હતી. બંને બાપ-દીકરીના એકબીજા સાથેના અદ્ભુત સ્નેહની ચર્ચા સર્વત્ર થતી. લક્ષિતા ત્રણ વર્ષની હતી ત્યારે વિધુર બનેલા અમીધરે એકલા હાથે ઉછેરેલી લક્ષિતા વીસ વર્ષની થઈ ચૂકી હતી. તેમણે લક્ષીતાને ત્રણ પૈડાની સાઈકલથી લઈને, બે પૈડાની સાઈકલ અને બાદમાં સ્કૂટર પણ લાવીનેય શીખવાડી દીધું હતું. કોઈ પાડોશી કહેતાં ,"ભલા માણસ, તમે સાવ ઘરડા નથી થયાં, હેરડાઈ અને નિયમિત દાઢી કરો, તમે ગોરા છો તેથી વધુ રૂપાળા લાગશો !" 

અમીધરભાઈ તરત જવાબ વાળતાં,"મારું અસલી સૌંદર્ય મારી લક્ષિતા છે. તેના ચહેરા પરની લાલિમામાં જ મારું તેજ અને ઊર્જા સમાયેલાં છે. લક્ષિતા મારું ગૌરવ છે..!"

અમીધરભાઈએ લક્ષિતાને મા-બાપ બંનેનો પ્રેમ આપીને ઉછેરી હતી. લક્ષિતાને પતંગ ચગાવતા, ભમરડા ફેરવતા, દોરડા કૂદતા અને રસોઈ કરતા પણ શીખવાડ્યું હતું. જોકે તો પણ તેઓ પોતાના હાથે જ રસોઈ બનાવતા અને દીકરીને જમાડતા.

દર રવિવારે સૌને તેમનાં ઘરના ઓટલે એક દ્રશ્ય જરૂર દેખાતું. પહેલાં અમીધરભાઈ લક્ષિતાના માથામાં તેલ નાખીને ચોટલો વાળી આપે, પછી દીકરી બાપના માથામાં તેલ નાખી આપતી. ખબર નહિ કેમ ! આ બાપદીકરીની દોસ્તી ગજબ હતી. સૌ તેમને જોઈને ખુશ થતાં અને તેમની પરસ્પર લાગણી જોઈને વિચારતા કે દરેકે આવું પ્રેમાળ જીવન જીવવું જોઈએ.

પણ ખબર નહીં કઈ પળે અમીધરભાઇ અને લક્ષિતાની જિંદગીને કોઈની નજર લાગી ગઈ. ને એક દિવસેઅમીધરભાઈ રાબેતા મુજબ સાઈકલ લઈને નોકરીએ ગયા. શેઠે કહ્યું,"સાબરમતી વિસ્તારમાં નવા બની રહેલા કારખાનામાં સેક્શન વિન્ડો લગાવવા જવાનું છે. સ્કૂટર લઈને જઈ આવો, કારણકે એ વિકસતો વિસ્તાર છે ત્યાં જલદી વાહનો મળતા નથી, બસના પણ ઠેકાણાં નથી હોતા.!"

પણ અમીધરભાઈ માન્યા નહિ અને બોલ્યાં," "ના..સાહેબ, હું બસમાં જઈશ અને ત્યાંથી કામ પૂરું કરીને બસમાં પાછો આવતો રહીશ..!" 

અને તેઓ બસમાં જ ગયા. પેલું કારખાનું બસસ્ટેન્ડથી થોડેક દૂર હોવાથી ચાલીને ત્યાં પહોંચ્યા. કારખાનું નવું બની રહ્યું હોવાથી ત્યાં માત્ર વોચમેન હતો. તેમણે ત્યાં જઈને સેક્શન વિન્ડો લગાવવાનું શરૂ કર્યું. ખબર નહી કેમ, આજે તેમને અજીબ બેચેની વર્તાઈ. થોડોક મૂંઝારો થયો. કઈક અનિચ્છનીય થશે એવી ભ્રાંતિ થવા લાગી. પણ પછી, 'હશે ચાલ્યા કરે..!" વિચારીને પ્રભુસ્મરણ કરતાં તેઓએ કામ કર્યે રાખ્યું. થોડીવારમાં એમના ફોનમાં રીંગ વાગી અને એમનું હૃદય ધબક્યું. પેલી અકળામણ ફરી મન પર છવાઈ, ધડકતા હૃદયે એમણે ફોન ઉપાડ્યો.

સામેથી લક્ષિતાનો આર્તનાદભર્યો અવાજ આવ્યો," પપ્પા.. પ્લીઝ પપ્પા..જલ્દી આવો પપ્પા. હું કંઈક કરી બેસીશ, મને કંઈક થઈ રહ્યું છે, પપ્પા... જલ્દી...!"બોલતી અને બેફામ રડતી લક્ષિતાનો ફોન કપાઈ ગયો. 

અમીધરભાઈને આખી ધરા ફરતી લાગી, પળભર માટે તેમનું મન સુન્ન થઈ ગયું. એમનું મનોજગત અસ્તવ્યસ્ત થઈ ગયું . તેમણે જાત સંભાળીને લક્ષિતાને કોલ કરવા શરૂ કર્યા. મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો.  એક ઊંડો શ્વાસ લઈને મોબાઇલ ખિસ્સામાં નાખતા તેઓ બસસ્ટેન્ડ તરફ દોડ્યા. હાંફળાફાંફળા થઈને પોતાના વિસ્તાર ઈસનપુર માટે સાધનની રાહ જોવા લાગ્યા, નવો વિસ્તાર હોવાથી અહીં ખાનગી સાધનો, રીક્ષાઓ બહુ આવતી જણાઈ નહિ. અમીધરનું મન ઘર તરફ દોડી ગયું હતું, પણ બસ આવી નહોતી રહી. બેચેન અમીધર આંખો ખેંચી ખેંચીને બસને શોધી રહ્યા હતા.

તેમણે બાજુમાં આવીને ઉભેલા એક માણસને પૂછ્યું, "ઈસનપુર જવા માટેની બસ અહી ઊભી રહેશે ને ?"


એ ભાઈએ જવાબ આપ્યો," હા..બસ આવશે. જરૂર આવશે... પણ બહુ ચિંતા નહીં કરવાની. બસ આવી જ જશે, હું સાચું કહું છું, આવશે જ! હું ક્યારેય ખોટું બોલતો નથી, હું નગીનદાસ એન્ડ કંપનીનો માલિક છું. મારા ઘેર બહુ ગાડીઓ છે, પણ હું તો એમ જ નીકળી પડ્યો છું, તમે ચિંતા ના કરો બસ આવી જશે..!"

બેચેન અમીધરભાઈ એ વ્યક્તિનો બબડાટ સાંભળવાનું ટાળીને બસની રાહ જોઈ રહ્યા. તેઓ મનમાં આવી રહેલાં નકારાત્મક વિચારોને હટાવતા બસની રાહ જોઈ રહ્યા હતા. અચાનક ઇસનપુરનું બોર્ડ લગાવેલી બસ આવી, પણ ત્યાં ઊભી ના રહી, જતી રહી. બસ ખાલી હોવા છતાંય ઊભી ના રહી એવી પ્રશ્નસૂચક નજર અમીધરભાઈએ પેલા નગીનદાસભાઈ તરફ કરી. નગીનદાસ ફરી બોલ્યા, "કોઈવાર થાય એવું, તમે ચિંતા ના કરો, બીજી આવશે..!" 

બીજી બસ આવી, એ પણ જતી રહી.

હવે અમિધરભાઈની ધીરજ ખુટી. તેમણે આવતાં-જતાં તમામ વાહનો રીક્ષા, ટુ-વ્હીલર અને ગાડીઓવાળાને હાથ વડે ઉભા રાખવા પ્રયત્નો શરૂ કર્યા, પણ કોઈ ઊભું ના રહ્યું. આખરે તેઓ રોડ વચ્ચે બેબાકળા થઈ જવા લાગ્યાં તો પેલા નગીનદાસે તેને પરાણે ખેંચીને કહ્યું," બસ આવશે, ભાઈ..અહીં જ આવશે, ચિંતા ના કરો..!"

એટલામાં દૂરથી બસ આવતી દેખાઈ, પણ બસ ખૂબ ગતિમાં હતી, બસ ઇસનપુરની જ હતી. અમીધરભાઈની ધીરજ ખૂટી હતી, તેઓ બસ પકડવા તેની સાથે દોડ્યા, દરવાજો પકડ્યો, પણ હજુ દરવાજો પકડ્યો ન પકડ્યો ત્યાં તેમનાં હાથમાંથી છૂટી ગયો. તેઓ રોડ પર પછડાયા. તેમનાં માથામાંથી થોડું લોહી વહ્યું. તેઓ બેભાન થઈ ગયા.

બે મહિના બાદ..

ભાનમાં આવેલાં અમીધરભાઈને સૌ સ્વજનો, પાડોશીઓએ ખૂબ જાળવીને લક્ષિતાના મૃત્યુના સમાચાર આપ્યા. લક્ષિતાએ ઘરના પંખે લટકીને આત્મહત્યા કરી હતી એ સમાચાર પૂરા બે મહિના પછી તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને મળ્યા.

સૌએ અમીધરભાઈને ખુબ સાંત્વના આપી,"જે થયું એ ભૂલી જજો, હવેનું જીવન પ્રભુસ્મરણ કરી અને શાંતિથી વિતાવજો, અમે સૌ આપની સાથે છીએ..!" એવાં જાતજાતના લાગણીભર્યા સલાહસુચન આપીને સૌ લોકો ગયા. ખાલીપાથી ભરેલા ઘરમાં અમીધરભાઈ એકલા પડ્યા. થોડાક દિવસ તેઓ સાવ સુનમુન બેસી રહ્યાં, રડતા રહ્યાં. પછી અચાનક જ તેમનામાં અજીબ બદલાવ આવ્યો.

ટેલિવિઝનમાં આવેલ કોઈ પિક્ચર જોઈને તેમને લક્ષિતાના મૃત્યુના અસલી કારણ વિશે જાણવાની ઈચ્છા જાગી.

સાથે-સાથે તેમને થયું કે પોતે લક્ષિતાને કોઈ અન્યાય તો નથી કરી રહ્યાં ને ? તેમને યાદ આવ્યું કે લક્ષીતા તેમનું અને તેમના ઘરનું સૌંદર્ય હતી. પછી પોતે જ મનમાં બબડયા,"જો હું અસુંદર થઈને ફરીશ તો એ લક્ષિતાને અન્યાય કરેલો ગણાશે..!" આવી અનેક વિચિત્ર વૈચારિક પ્રક્રિયાઓએ તેમની આખી જીવનશૈલીને બદલી નાખી.

હવે તેઓ હેરડાઈ કરાવતા, ક્લીન શેવ અને મસાજ કરીને ચહેરો ચમકાવતા, બાદમાં આકર્ષક ચશ્માની ફ્રેમ તથા શૂટબુટ પહેરીને ઘરની બહાર બેસતાં. બાદમાં સૌને લક્ષિતાની જેમ સ્મિત આપતા અને શહેરમાં ફરવા નીકળી પડતાં. તેમણે નોકરી છોડી દીધી હતી. હવે પૂરતી બચત પોતાની પાછળ કંજુસાઈ કર્યા વિના વાપરતાં. રવિવારે તેઓ ઘરની બહાર માથામાં નાખવાનું તેલ લઈને સુનમુન બેસી રહેતા. તેમને રીતે ત્યાં જોઈને ભલભલાની આંખમાં પાણી આવી જતા. પણ અમીધરભાઈ અડધો કલાક બાદ તૈયાર થઈને ફરવા નીકળી પડતા!

તેમની જીવન ઘટમાળ બદલાઈ ગઈ હતી, તેઓ શહેરમાં અલગ-અલગ સ્થળોએ ફરીને ઘેર આવતા. બાદમાં લક્ષિતાના ફોટા અને તેની વસ્તુઓને ઝીણવટથી સાફ કરતા, પછી બધું બરોબર ગોઠવતાં અને નવી કેળવેલી આદત મુજબ રોજ રાત્રે રોજનીશીમાં પોતાની તમામ દિનચર્યા લખતા, રોજબરોજની બધી ઘટનાઓ, તેમ જ પોતાના વિચારો આલેખતા અને સૂઈ જતા.

આ દિવસોમાં એક અજીબ ઘટના બની. અકસ્માત બાદ તેઓને ઘણી બધી બાબતો યાદ કરવામાં તકલીફ પડતી હતી, લક્ષિતાને લગતી બાબતો સિવાયની મોટાભાગની બાબતો તેમને પ્રયત્નપૂર્વક યાદ કરવી પડતી હતી. તેઓ બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઑર્ડરનો ભોગ બની ગયાં હતાં. પરિણામ સ્વરૂપ એક દિવસે બસમાં ફરતા-ફરતા અચાનક તેઓ એ સ્ટેન્ડ પર પહોંચી ગયા જ્યાં તેમનો અકસ્માત થયો હતો. એમને કંઈક યાદ આવ્યું. 'ઓહ..ઈશ્વર,આ એ જ જગ્યા છે, જ્યાંથી પોતે લક્ષિતાને મળવા માટે છેલ્લે બસ પકડવા પ્રયત્ન કર્યો હતો....!"

તેઓ હજી યાદ કરી જ રહ્યા હતા કે તેમની બાજુમાં આવીને એક યુવાન ઊભો રહ્યો. તેણે ખાસ્સા સમયથી ઉભા રહેલા અમીધરભાઈને જોઈને તેમને પૂછ્યું, "કાકા તમારે કઈ તરફ જવું છે ?"

અમીધરભાઈ પોતાની ધૂનમાં જ બોલ્યા," ઈસનપુર.!"

"કાકા ઈસનપુરની બસ આ સ્ટેન્ડ પર નહીં ઉભી રહે, એ બસ સામેના વળાંકમાં આવેલા રસ્તા પાસેના સ્ટેન્ડ પાસે ઊભી રહેશે, હા.. ઈસનપુરવાળી બસ અહીંથી પસાર જરૂર થાય છે, પણ અહી ક્યારેય ઉભી નથી રહેતી, અહીં માત્ર હાઇવે પર જવા માટેની બસો ઊભી રહે છે..!"

અમીધરભાઈના મગજમાં ચમકારો થયો, તેમના મનમાં વિચિત્ર યુદ્ધ જામ્યું, 'ઓહ..મતલબ જો બસ અહીં ઊભી જ નહોતી રહેતી તો પોતે તે દિવસે શા માટે અહીં ઉભા હતા ? કોણે પોતાને અહીં ઊભા રહેવા કહ્યું હતું ? હા કોઈક હતું, કોઈક એવું હતું જેણે કહેલું કે અહીંયા બસ આવશે, તેથી તો પોતે અહી ઉભા રહ્યા હતા..!" તેમણે પોતાના મગજને જોર આપ્યું. એમ કરવાથી તેમને ચક્કર જેવું લાગ્યું. નજીકની દુકાને જઈને પાણી પીને તેઓ સ્વસ્થ થયાં. એમના મગજમાં હજી પેલા વિચારો ચાલુ હતા. 

ચાલતા-ચાલતા તેઓ પહેલા ઈસનપુરવાળા સચોટ બસસ્ટેન્ડ પર પહોંચ્યા, બસ આવીને ઊભી રહી, તેઓ બસમાં બેઠા. તેમને ખાતરી થઈ કે,'હા..બસ અહીં જ ઊભી રહેતી હતી, તે દિવસે હું અહીં હોત તો હું બસ પકડી શક્યો હોત, સમયસર ઘરે પહોંચી શક્યો હોત, મારી દીકરીને બચાવી શક્યો હોત, પણ મને કોઈએ આ સ્ટેન્ડ પર મોકલ્યો નહીં. મને કોઈકે ત્યાં જ ઉભો રાખ્યો હતો, કોણ હતું એ ? કોઈક તો હતું. કોઈક એવું વ્યક્તિ હતું જે મને વારંવાર કહી રહ્યું હતું કે બસ અહીં જ ઉભી રહેશે, તમે ચિંતા ના કરો, બસ આવશે જ, ચિંતા ના કરો...!" આટલું વિચારતાં જ તેમના મગજમાં એક નામ ચમકયું, નગીનદાસ એન્ડ કંપનીનો માલિક નગીનદાસ.

તેમને યાદ આવી ગયું. એ માણસ હતો નગીનદાસ એન્ડ કંપનીનો માલિક નગીનદાસ શેઠ. ઉતેજનાને લીધે અમીધરભાઈ નજીકના સ્ટેન્ડ પર ઉતરી ગયા અને પાસેના બગીચામાં જઈને બેઠા. તેમણે ખિસ્સામાંથી લક્ષિતાવાળો સ્માર્ટફોન કાઢ્યો. નગીનદાસ એન્ડ કંપનીની વેબસાઈટ પરથી નગીનદાસની ઓફિસની સરનામું શોધી કાઢ્યું. બીજા જ દિવસથી તેમણે નગીનદાસ પીછો કરવાનો શરૂ કર્યો. અમીધરનાં અજ્ઞાત મનમાં એક જ વસ્તુ બેસી ગઈ હતી કે મારી દીકરીના મૃત્યુ પાછળનું એક કારણ નગીનદાસ દ્વારા મને કરવામાં આવેલી ગેરદોરવણી પણ હતું. આ માણસે મને ગેરમાર્ગે ના દોર્યો હોત, તો મારી દીકરી આજે જીવતી હોત એવી વિચિત્ર મનોવૈજ્ઞાનિક સ્થિતિના તાબે થઈને અમીધરભાઈએ કોઈ જોઈ ના જાય તે રીતે નગીનદાસનો સતત પીછો કર્યો અને એક અંધકારભરી સાંજે બગીચામાં ટહેલવા નીકળેલા નગીનદાસને તેમણે મારી નાખ્યાં!

ચાર દિવસ બાદ.

નગીનદાસ શેઠના બેસણામાં સેકડો લોકો એકઠા થયા હતા. એ બેસણામાં છેલ્લી હરોળમાં અમીધરભાઈ પણ બેઠા હતા. માનસિક રોગી બનેલાં અમીધરભાઈને ખબર નહોતી કે પોતે શા માટે અહીં આવીને બેઠા હતા! લક્ષિતાના મૃત્યુ માટે જવાબદાર લાગતાં નગીનદાસને પોતાના હાથે મારી નાખ્યાં બાદ પણ તેના બેસણામાં પોતે કેમ આવ્યા હતા એ બાબત વિચારીને સુનમુન બેઠા હતા.

થોડીકવાર બેસીને તેઓ ઊભા થવા જતા જ હતા ત્યાં જ, એમની બાજુમાં બેઠેલા બે જણની વાતો તેમના કાને પડી.

જેમાં એક વ્યક્તિ બોલ્યો, "બિચારા નગીનદાસ શેઠ, આ શહેરમાં દોરી-લોટો લઈને આવેલા અને પોતાની મહેનતથી કરોડો રૂપિયાના માલિક બન્યા હતા, તેઓ બહુ સજ્જન વ્યક્તિ હતા. અસંખ્ય દુઃખિયા લોકોની તેમણે મદદ કરી હતી..."

બીજા વ્યક્તિએ તેની વાતમાં સૂર પુરાવતા કહ્યું, "હા.. જુઓને. આટલા સજજન માણસનું પણ કોઈકે ખૂન કરી નાખ્યું, આવો વળી કેવો દુશ્મન ? શેઠને તેણે કેમ માર્યા હશે ? નગીનદાસ તો સાવ ભગવાનના માણસ હતા. કરોડો રૂપિયાના માલિક હોવા છતાં ભગવાને એમને કેવી બિમારી આપી હતી ? છેલ્લા પાંચ વર્ષથી તેમને ક્યાં કશાયનું ભાન જ રહેતું હતું ? કોઈનેય જણાવ્યાં વિના ઘરની બહાર નીકળી પડતા, પછી તેઓ ક્યાં જતા અને કોની સાથે શું વાતો કરતાં તેની તેમને પોતાને કંઈ જ ખબર નહોતી રહેતી. મનમાં જે આવે એ બોલ્યા કરતા હતા, આવા વ્યક્તિને મારીને કોઈને વળી શું મળી ગયું? શેઠે કોઈનું શું બગાડયું હશે? સાંભળ્યું છે કે તેમને કોઈ રોગ થયેલ. 

નગીનશેઠ વિશેની આ નવી માહિતી સાંભળીને અમીધરનું મન આંચકો ખાઈ ગયું. તેમને થયું, "ઓહ ઈશ્વર..આ મેં શું કરી નાખ્યું ? જે માણસને હું મારી દીકરીના મૃત્યુ માટે જવાબદાર ગણતો હતો તેને તો સ્થળ,સમય કે સ્થિતિનું કોઈ ભાન જ નહોતું, એ બિચારાને તો એ વખતે ખબર પણ નહોતી કે તે કોની સાથે, શું વાતો કરી રહ્યા છે. અરેરે મેં આ શું કર્યું...!"

એવું વિચારી પોતાની જાતને દોષ દઈને ઉભા થવા જતા અમિધરભાઈનું ધ્યાન પેલા બે જણની નવી વાત તરફ દોરાયું.

પેલા બે વ્યક્તિમાંથી પ્રથમ વ્યક્તિ બોલ્યો,"સાચી વાત કહું ભાઈ ? નગીનદાસ શેઠ કંઈ પહેલેથી બીમાર નહોતા, મેં સાંભળ્યું છે કે એમનો એકનો એક દીકરો આકાશ આડે રસ્તે ચડી ગયેલો, તેથી શેઠ એને પોતાની મિલકતમાંથી બેદખલ કરવાના હતા. આકાશને આ વાતની ખબર પડી ગઈ તેથી તેણે શેઠને છેતરીને એવી કોઈ દવાના ઇન્જેક્શન અપાવેલા, જેનાથી શેઠની હાલત આવી થઈ ગઈ હતી, અન્યથા નગીનદાસ શેઠને તો નખમાંય રોગ નહતો !"

નગીનદાસ શેઠ અને તેના દીકરા આકાશને લગતી આ નવી માહિતી સાંભળીને અમીધરભાઈનાં મગજમાં વિચિત્ર ચક્રવાત ઉત્ત્પન્ન થયો અને મનુષ્યમનમાં જવલ્લે જ જોવા મળતી એક ખતરનાક વિચારશૈલીએ તેમનાં મનમાં જન્મ લીધો. તેમનાં બીમાર મને વિચાર્યું "જો નગીનદાસના છોકરાએ તેમને બીમાર ન કર્યા હોત, તો તેઓ મને એ દિવસે મળ્યા ન હોત અને એવું ન થયું હોત તો મારી દીકરી આજે બચી ગઈ હોત. તેથી મારી દીકરીને મારનારો ખરો ગુનેગાર તો નગીનદાસનો છોકરો આકાશ જ છે, હવે મારે આકાશનું જ કંઈક કરવું પડશે..!"

મનુષ્ય મનની કોઈક વિચિત્ર ઘટમાળમાં કેદ થઈ ગયેલા અમિધરભાઈનાં ચહેરા પર વિકૃત ભાવ આવ્યા. તેમણે ઊભા થઈને નગીનદાસના ફોટા પર ફૂલ ચડાવ્યા અને આકાશને ખૂબ નજીકથી જોઈ લીધો. જ્યારે આકાશ કોઈને કહી રહ્યો હતો, "હા અંકલ, પપ્પાને તો એવોઇડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર થઈ ગયો હતો." 

બાદમાં અમીધરભાઈ બેસણામાંથી બહાર નીકળી ગયા.

સમગ્ર સંસાર વિધાતા થકી ચાલતાં કોઈક અકળ સંચાલન નીચે કાર્યરત હોય છે, જેના થકી મનુષ્યો સાવ સહજ રીતે ધાર્મિક, સામાજિક, આત્મિક ભાવનાઓને અનુરૂપ થઈને જીવન જીવતા હોય છે. પણ ક્યારેક કોઈક નિર્દોષ અને નિખાલસ વ્યક્તિ સાથે અન્યાય થાય છે ત્યારે વિધાતા અજીબ ન્યાયપ્રક્રિયાને અમલમાં મૂકવા માટે કોઈકના જીવનની આખી ઘટમાળ બદલીને તે વ્યક્તિને ઈશ્વરે નક્કી કરેલ ન્યાયને સ્થાપિત કરવા માટે ગોઠવી દે છે.

હાસ્તો...

જો એવું ના હોત તો લક્ષિતાના મૃત્યુ માટેનાં સાચા ગુનેગાર એવા આકાશ સુધી અમીધરભાઈ પહોંચત કેવી રીતે ? 

હા લક્ષિતાને પોતાના ખોટા પ્રેમમાં ફસાવીને બાદમાં તેનો ઉપભોગ કરી લઈને તેને આત્મહત્યા કરવા માટે પ્રેરનાર સાચો ગુનેગાર આકાશ જ હતો.  મનની કોઈ વિચિત્ર ભ્રમણાઓને તાબે થઈને અમીધરભાઈએ બીજા જ મહિને આકાશનો વધ કરી નાખ્યો હતો ! જોકે એ વાત અલગ હતી કે તેમને ત્યારે જાણ નહોતી કે તેમની દીકરીનો સાચો ગુનેગાર આકાશ જ હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy