ધક્કો
ધક્કો
સંકેત નિમ્ન માધ્યમ વર્ગની એક રૂમ-રસોડાના મકાનની ચાલીમાં રહેતો. સંકેત તેના બાળમિત્રો સાથે ખૂબ ધમાલ મસ્તી કરતો. સૌ એક બીજાની ખૂબ નિકટ હતા, તેમના મકાનોની જેમ જ. એ મકાનો અતિ નિકટ હોવાથી સંકેત તેના ઘરની છત પરથી કૂદીને મિત્રના ઘરની છત પર જતો, તેના મિત્રો પણ આવું કરતા. સૌ આનંદથી જીવતા, સાથે મળીને તહેવારો ઉજવતા.
થોડાક સમય બાદ..
શહેરનો જાણીતો બિલ્ડર એક યોજના લઈને આવ્યો. સૌને થોડાક રૂપિયા અને એક મકાનની બાયંધરી આપી. બાળકોના વિરોધ વચ્ચે સોસાયટીના વડીલો બિલ્ડરની લોભામણી યોજનાના શિકાર બની ગયા. ચાલીની તમામ જમીન વેચાઈ ગઈ અને જાણે હવામાં લટકતા ઘર બનવા લાગ્યા. થોડાક જ વર્ષો બાદ ત્યાં ગગનચુંબી ઈમારતો હતી. બધું બદલાઈ ગયું હતું. સંકેતના મિત્રો પણ જાણે ઈમારત બની ગયા હતા. હા.. તે વખતનો નાનકડો છોકરો સંકેત હવે યુવાન બની ગયો હતો.
પણ...હાલના શુષ્ક જીવનમાં તેનો દમ ઘૂંટાતો હતો, તેને તેનુ બાળપણ યાદ આવતું, એક ઘરની છત પરથી બીજા ઘરની છત પર કૂદવું યાદ આવતું.
અને તેથી એક અત્યંત વેદનાભરી લાગણીની કોઈક પળે સંકેત ઈમારતની છત પર ચડી ગયો, ને બાળપણમાં કોઈ મીઠા મધુરાં સંસ્મરણોએ તેને બીજી ઈમારત પર કુદવા એવો તો ધક્કો માર્યો કે...