અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Drama

4.4  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Drama

આઈ હેટ યુ..ડોકટર

આઈ હેટ યુ..ડોકટર

6 mins
360


એ કોઈ મોટો સર્જન નથી, તેમ છતાં મારા માટે જાણે સૃષ્ટિના સર્જનહાર જેટલો અમૂલ્ય મારો એ ડોકટર છે.

હાસ્તો...

મને પેટમાં દુ:ખે અને હું તેમના દવાખાને જાઉં તો મારો હાથ પકડે, મને ચકાસે, મારા શરીરનું બી.પી. ચેક કરે અને છેલ્લે તેના વિશેષ લહેકાથી બૂમ પાડીને કંપાઉન્ડરને કહે, "નટુ... સીપ્ટ્રા, પેરા અને રેન્ટેક એકસો પચાસ એમ.જી. નો એક દિવસનો કોર્સ આપી દે !"

હું પૂછું, "કેટલા રૂપિયા આપવાના ?" 

તેઓ મને કયું. આર. કોડ બતાવીને કહે,"આમાં સાઈઠ રૂપિયા નાખી દો...!"

હું એમ કરું, એટલી વારમાં નટુ લાલ, લીલી અને પીળી ગોળીઓની પોટલી આપી જાય. હું દવા લઈને નીકળું.

ફરી કોઈવાર ....

મને તાવ આવે તો પણ ઉપરની ઘટના, સંવાદ અને ગોળીઓની જ કોપી થાય.

અરે...તાવ છોડો મને ઘા વાગ્યો હોય ત્યારે પણ ટાંકા લઈને પાટો બાંધીને તેઓ ઉપરોક્ત સંવાદો તો બોલે જ, દવાઓમાં પણ કોઈ જ ફરક નહિ.

મને થાય કે આ માણસ દરેક રોગમાં મને એની એ લાલ લીલી અને પીળી ગોળીઓ કેમ આપ્યા કરે છે ?

તેથી એક દિવસે...

મારા દિલ પર દિમાગે ઊભા કરેલા તર્કબદ્ધ સવાલને કારણે મારા મનમાં એ ડોકટર પ્રત્યે અશ્રદ્ધાનો જન્મ થયો.

બે મહિના બાદ...

હું ફરી બીમાર પડ્યો.

આ વખતે મેં એક એમ.ડી. મેડિસીન ડોકટર પકડ્યા. તેમણે મારા નામની સરસ મજાની અને આકર્ષક ફાઈલ બનાવી, જેમાં ઘણું બધું નોંધ્યું. કેટલાક રીપોર્ટસ કઢાવ્યા. ઘણી બધી દવા લખી આપી, જે મેં મેડિકલ સ્ટોરમાંથી લીધી અને ખાધી.

મને સારું થઈ ગયું, પણ પેલું સાઈઠ રૂપિયાનું કામ આ વખતે છસો (રીપોર્ટસના આઠસો રૂપિયા અલગ) રૂપિયામાં થયેલું.

તેમ છતાં હું ખુશ હતો. મારી તંદુરસ્તી માટે એ ડોકટર પણ સારું એવું ધ્યાન આપતા હતાં.

એક વખતે ચોમાસાની ઋતુમાં અમારા વિસ્તારમાં ભયાનક વરસાદ પડ્યો. અમારી સોસાયટીમાં ખૂબ પાણી ભરાઈ ગયું. કોઈ ફોર વ્હીલર આવી કે જઈ શકે એમ નહોતું, ને મારી નાની દીકરી બીમાર પડી હતી.

મેં પેલા એમ. ડી. ડોકટરને ઇમરજન્સી વીઝિટ માટે ઘેર આવવા કોલ કર્યો, તેમણે તેમની મર્યાદાઓ જણાવતા કહ્યું, "મારાથી તમારા ઘેર નહિ અવાય, તમે દીકરીને અહીં હોસ્પિટલમાં લઈ આવો !"

દીકરીની હાલત જોવાય તેમ નહોતી. અને ત્યાં વરસાદના પાણીના લીધે હોસ્પિટલ લઈ જવાય એમ નહોતી. તેથી મેં પેલા મારા જૂના ડોકટર અશોક શાહ (B.A.M.S) કોલ કર્યો.

તેમનો જવાબ આવ્યો, "પંદર મિનિટ આપો, તમારા ઘેર પહોંચી જઈશ, તમારા જ વિસ્તારમાં અન્ય એક પેશન્ટના ઘેર છું !"

 મેં કહ્યું, "અમારે ત્યાં પાણી ભરાયાં છે, હું લેવા આવું ?"

 તેઓ બોલ્યા, "અરે મારું સ્કૂટર રણમાં ગાડું અને નદીમાં નાવડું જ થઈ જાય છે, તમે ચિંતા ના કરો, હું શક્ય એટલો જલદી આવું છું !"

થોડીક જ વારમાં ખૂબ બધી ઘરઘરાટી બોલાવતું તેમનું સ્કૂટર લઈને તેઓ મારા ઘેર પહોંચી ગયા. અને અમારા ઘરની લાડકી દીકરીને દવાઓ આપીને સાજી કરી દીધી. (કહેવાની જરૂર છે કે દવાઓ પેલી લાલ,લીલી અને પીળી ગોળીઓ સ્વરૂપે જ હતી ?)

ત્રણેક દિવસ બાદ હું તેમની ક્લિનિક પર ગયો. મેં મજાક મજાકમાં તેમને કહ્યું, "ડોકટર, મને જીભ નીચે ચાંદા પડ્યા છે, જુઓ ને કંઈ કેન્સર - બેન્સર તો નહિ થયું હોય ને ?

 તેઓ બોલ્યા, "નટુ....બે સીપ્ટ્રા, પેરા અને રેન્ટેક 150 આપી દે..!"

પછી મારી તરફ ફરીને મને કહેવા લાગ્યા, "મારા હિસ્સાના સાઈઠ રૂપિયા તમારા ખિસ્સામાં છે એ આ કયું.આર. કોડ સ્કેન કરીને એમાં નાંખી દો. કેન્સર ગાયબ થઈ જશે !"બોલીને તેઓ હસવા લાગ્યા. હું પણ હસ્યો.

  એકવાર હું તેમના ક્લિનિક આગળથી નીકળ્યો. બપોરનો સમયમાં હોવાથી તેમનું ક્લિનિક રોજની જેમ ત્રણેક કલાક માટે બંધ હતું, તેથી ડોકટરને હેરાન કરવા મેં તેમને ફોન કર્યો અને કહ્યું, "ડોકટરસાહેબ, મને ગળામાં કઈક ગાંઠ જેવું થયું હોય એવું લાગે છે, જરાક જલદી આવોને ?"

તેમનો જવાબ આવ્યો, "તમારા માટે મેં ક્યું.આર. કોડ બહારની દીવાલ પર લગાવડાવ્યો છે, તેમાં સાઈઠ રૂપિયા નાંખી દો અને પેલી લાલ, લીલી અને પીળી ગોળીઓ બાજુનાં સાયબર કાફેમાં પડી છે, મારી પાસે કોલ કરાવીને લઈ લો, બાજુની દુકાનમાં પડેલી મારી દવા જ મારી એકસો આઠની સર્વિસ છે, એમ સમજો. '"

હું સાચે જ કાફેમાં ગયો અને સાઈઠ રૂપિયા આપીને મેં ત્યાંથી દવા લીધી.

સાયબર કાફે વાળો મને જોઈને પૂછવા લાગ્યો, "કોણ છે પેશન્ટ ? તમારા પાપા બીમાર છે ? ગાડીમાં બેઠા છે ?"

મેં જવાબ આપ્યો, "ના...ના..હું બીમાર છું."

મારી તરફ નવાઈભરી નજરે જોતા તે બોલ્યો, "બોલો, અમે આખો દિવસ ઝેરોક્ષો કાઢીને કાઢીને હજાર રૂપિયા નથી કમાઈ શકતા અને તમારા જેવા સાજા માણસને ઘેર બેસીને એક કોલ વડે દવાઓના આ પડીકા વેચીને ડોકટર સાહેબ ઘેર બેઠા હોય તોય રોજના પાંચ હજાર કમાય છે."

હું તેને સામે સ્મિત આપતો કારમાં બેસીને મારા કામે પહોંચ્યો.

હવે એક ભેદની વાત કહું ? ભાગ્યે જ મેં ક્યારેય એ દવાઓ પૂરી કરી હશે. ઘણા પડીકા હજી એમ ના એમ જ પડ્યા હશે, ને તો પણ હું ડોકટરને ત્યાં જઈને, તેમની સાથે વાત કરીને એની એ જ દવા લઈને પરત આવું છું.

એક દિવસ મારી પત્ની બોલી, "હમણાં ગયા અઠવાડિયે લાવેલા એ દવાઓ પડી જ છે તો ખાઈ લો ને. જો તેનાથી સારું ના થાય તો ડોકટરને બતાવવા જજોને !"

ત્યારે હું મનમાં બોલ્યો, "અહીં સવાલ દવાનો નથી, શ્રધ્ધાનો છે. મને શ્રધ્ધા છે કે મારો ડોકટર મારા માટે દવાઓ જ નહીં, દુવાઓ પણ કરશે. વળી તેની હકારાત્મક ઊર્જા મને જલદી સાજો કરશે !!"

ઉપરોક્ત ઘટનાના દસ દિવસ બાદ...

કેટલીક મેડિકલ ફાઈલો લઈને હું ઘરની બહાર નીકળ્યો અને મારી કારમાં બેસીને શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં પહોંચ્યો, જ્યાંના નિષ્ણાત ડોકટર્સની ટીમ મને ચકાસી રહી હતી. આખા વોર્ડનો તમામ સ્ટાફ મારી સેવામાં હાજર હતો. ત્યાં રહેલા તમામ નર્સિંગ સ્ટાફ, એડમીનિસ્ટેશન સ્ટાફ અને ડોક્ટરના ચહેરા પર મારા શરીરની ચિંતા દેખાતી રહી હતી.

સંપૂર્ણ રીપોર્ટસ અને તમામ પ્રકારની ચકાસણી બાદ..

મુખ્ય ડોકટરે સલાહ આપી, "સ્વરાંશ, હવે તમારે તમારા પરિવારને જણાવવાનો સમય આવી ગયો છે, આપણે કીમોથેરપી શરૂ કરવી પડશે, કોઈ ચાન્સ લેવાય તેમ નથી, પ્લીઝ, અમારી સલાહ માનો અને આપના પરિવાર સાથે નિખાલસ ચર્ચા કરી લો, આપના શરીરમાં વિસ્તરી રહેલા આ અસાધ્ય રોગ વિશે જાણવાનો તેમનો અધિકાર છે."

 "સારું ડોકટર," બોલીને હું તેમની કેબિનમાંથી બહાર આવ્યો, ત્યાં મને કંઈક યાદ આવ્યું અને હું પાછો વળ્યો.

 હા..હું એ ડિપાર્ટમેન્ટના આખા સ્ટાફ માટે કેડબરી સિલ્ક ચોકલેટ લઈને ગયેલો. વાતો વાતોમાં આપવાનું ભૂલી ગયેલો.

સૌને ચોકલેટ આપ્યા બાદ એક ચોકલેટ વધી, "મેં ત્યાં રહેલી ગણપતિની મૂર્તિ સામે એ ચોકલેટ મૂકી....બાદમાં સ્વિપર તરીકે કામ કરી રહેલાં એક બહેનને કહ્યું, "આ પ્રસાદ તમારા માટે છે હો ને ? આપ જરૂર લઈ લેજો !" બોલતા બોલતા મારો સ્વર ભીનો થયો. સૌની આંખો પણ કદાચ ભીની થઈ હતી.

હું ઘેર આવી ગયો.

હવે થોડાક સમયથી હું ઘરની બહારના કામ વધારે કરું છું, ને બીમાર પડું કે તરત એ જ સાઈઠ રૂપિયા સ્કેન કરીને પેલા ડોકટર સરને મોકલું છું, અને પેલી ગોળીઓ મેળવું છું. હાલ તો...લાલ, લીલી અને પીળી એ ગોળીઓ પરનો મારો વિશ્વાસ મારા જીવનમાં મેઘધનુષી રંગ ભરી રહ્યો છે.

હાસ્તો....મારે મેઘધનુષી જીવન જ જીવવું જ પડે એમ છે, કારણ કે વયોવૃદ્ધ માતા-પિતા, સમર્પિત પત્ની અને હજી અભ્યાસ કરતી મારી ત્રણ દીકરીઓને ઉદાસ કે દુઃખી કરવા મને પોસાય તેમ નથી. મારું દર્દ તેમના દર્દનું કારણ બને તેવું તો હું આ ભવમાં થવા જ નહીં દઉં. કેટલાક સત્યો મારી ગેરહાજરીની સાથે જ ગેરહાજર થઈ જશે, હંમેશા હંમેશા માટે !"

આ વખતના વધુ પડતાં વરસાદને લીધે ઉદ્દભવી રહેલી હેલીનાં લીધે ક્યારેક ઘેર રહુ છું. પણ...એક અઠવાડિયાથી વધુ સમયથી વરસી રહેલો આ વરસાદ પણ મારા ભીતરની પેલી દર્દનાક બીમારીને લીધે ઉત્પન્ન થતી આગને ઠંડક નથી આપી રહ્યો, ને છતાં મને એનું દુઃખ નથી, દુઃખ મને માત્ર એક જ વાતનું છે કે ભવિષ્યમાં મારા રોગ વિશે માહિતી મેળવ્યા બાદ પેલો લાલ પીળી, અને લીલી ગોળીઓવાળો મારો ડોકટર મારા પર ખૂબ ગુસ્સે થવાનો છે, પણ ખેર... મારી સામે અને મારા પર ગુસ્સો કરવાનો એ મોકો પણ હું તેમને ક્યાં આપવાનો છું ?


Rate this content
Log in

Similar gujarati story from Drama