અરૂણીતા
અરૂણીતા
એ મને ખુબ ગમતો હતો, એ હતો જ ગમી જાય એવો... ગમી જાય એવો એટલે કંઈ ખૂબ રૂપાળો અને એવો બધો નહિ. પણ એ કંઈક અલગ હતો. એકદમ શરમાળ, ઓછું બોલનારો, પતલો અને ઊંચો, ને હું હતી અત્યંત ખુબસુરત.
આખું ગામ કહેતું કે લાલભા સરપંચની દીકરી અરૂણીતા જેવું રૂપાળું આ પંથકમાં કોઈ નહોતું.
બસ, એ અરૂણીતા હું જ હતી. એકદમ અદ્ભૂત અને સર્વાંગસુંદર. બધાને થતું કે હું મારી જાતે જ મારા વખાણ કરું છું, પણ..હું મારા વખાણ કરું જ ને ? સેંકડો વખત... અરે.. લાખો વખત મેં મને મારા ઘેર રહેલા આદમકદના આયનામાં જોઈ છે. હું મારી જ ખૂબસૂરતીથી ખૂબ ઘાયલ હતી.
મારી સહેલીઓ, ગામની અન્ય છોકરીઓ...અરે ગામમાં પરણીને આવતી નવી દુલ્હનોને પણ હું જોઈ આવતી. મારાથી વધુ સુંદર કોઈ આ ગામમાં આવી તો નથી ગયું ને ? એ ચકાસવા...
પણ, મને ખબર હતી કે મારા રૂપ સાથે સરખામણી કરે તેવું આ ગામમાં કોઈ નહોતું. ને હું મારા પર મુસ્તાક હતી, મને જ ચાહ્ય કરતી.
પણ...
હાય રે આ જવાની...જેમ જેમ સમય ગયો, હું યુવાન થતી ગઈ.
અને ત્યારે મને સમજાવા લાગ્યું હતું કે હું જ મને ચાહું એ માત્ર જરૂરી નથી, કોઈક અન્ય એવું પણ હોવું જોઈએ જેને મારું આ મન ચાહે, તેને આ દિલ પ્રેમ કરે. જે મારા દિલ પર રાજ કરે. વળી, મને તો મારી જેમ સૌ કોઈ ચાહતા હતા જ. પણ...હું મારી જાત સિવાય અન્યને ચાહું એ માટે હવે મારું મનોજગત બળવો કરવા લાગ્યું હતું.
તેમાં વળી, સહેલીઓ મારી સામે તેઓના પ્રેમની કથાઓ કરતી. અને હું એ તરફ વિચારતી થઈ અને મારા મનનાં માણીગર ને શોધવાનું મેં આરંભ કરેલું, કહો ને કે એ તરફ વિચારવાનું શરૂ કરેલું.
એ શોધ દરમિયાન જ મને ઓમકાર ગમી ગયેલો. હા ઓમકાર...નામ હતું એનું.
હું તેની સામે મારી ચાહતનો એકરાર કરી બેઠી હતી. તેણે પણ સ્મિત આપીને મારો હાથ પકડીને પોતાની સંમતિ દર્શાવી દીધી હતી.
પણ એ થોડોક નિર્મોહી જેવો હતો કદાચ, અથવા કહો કે વધુ પડતો સામાજિક હતો. શિયાળાની મધ્યરાત્રિની ઠંડી તેને તડપાવતી નહોતી, ઉનાળાની અત્યંત વહેલી પહોરે તેને મળવા ખેતરે હું લોકોથી છુપાતી છુપાતી તેના ખેતરે પહોચતી અને તે મને તેના આગોશમાં લઈ લેવાને બદલે ઊલટાનો સામાજિક બાબતોનું, મર્યાદાઓનું જ્ઞાન આપી દેતો.
આવું દરેક વખતે થતું. તે મને સમજાવ્યા કરતો કે, "પ્રણય અલગ વાત છે, અને મિલન અલગ વાત છે, પ્રેમજગત અને વાસ્તવિક જગતના નિયમો જુદા હોય છે, પોતાની જાતને સાચવવી અથવા બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા એ કંઈ ડરપોકની નિશાની ના કહેવાય...!"
પણ મને તેની વાતોમાં નીડરતાનો અભાવ દેખાતો. તેની વધુ પડતી સમજણ તેને વહેલો ઘરડો બનાવી દેશે, એમ હું માનતી.
એમ કરતાં કરતાં વર્ષાઋતુ આવી લાગી. મને લાગતું કે, "અમારી પરસ્પર ચાહતની સંમતિ બાદ પણ જાણે હું હજી અધૂરી અને કોરી કોરી ફરી રહી હતી...!"
વધુમાં મારી સખીઓ તેમના પ્રેમીઓ સાથેના અનુભવો આવીને મને જણાવી જતી ને ત્યારે મારા રુદયમાં જાણે પિયુમિલનની આગ લાગતી.
ને મેં નિશ્ચય કરી દીધેલો કે આ વર્ષાઋતુએ તો હું મને પ્રેમના રંગે ભીંજવીને જ રહીશ.
આજે આકાશે ધરતી પર અનરાધાર સ્નેહ વરસવવો શરૂ કર્યો હતો... એ વરસી જ રહ્યો હતો અને મારી જિદના પરિણામે હું વરસાદ વચ્ચે દોડતી વિચારી રહી હતી, "આ વરસાદ તો હરસાલ વરસે છે. પણ, મારી તડપનું શું ? છમ.. છમ..બહુ કૂદી લીધું. પણ હવે આ હૈયું કંઈક અલગ જ ઝંખે. ઉપર ગગનમાંથી વરસતો મુશળધાર વરસાદ આ આખી ધરાને ભીંજવી નાખે તેથી કંઈ મારી પ્યાસ થોડી ભીંજાશે ? આ ધોધમાર વરસાદમાં હું માર્ગ દોડતી હતી, તોય જાણે હું તો કોરી ને કોરી, એમ કોઈ માત્ર નર્યા પાણીથી કેમનું ભીંજાઈ શકે ? રસ્તા, ઘર, વાહનો, લોકો અરે આખું આકાશ નીતરતું હતું, ને મને એમ થતું હતું કે આ બધા નાટકીયા છે, પલળ્યા હોવાનો, ખુશ રહેવાનો નર્યો દેખાડો કરે છે, પિયુ વગર વળી ભીંજાવું કેવું ? એમ ભીંજાવાનો મતલબ પણ શું..? એટલે જ તો હું ઝડપથી દોડી રહી હતી, એને જોવા, એને મળવા..એક નંબરના નિષ્ઠુર એવા મારા મનના માણીગર તરફ.!" શી ખબર કયા ખૂણામાં મારો તે હરજાઈ છુપાયો હશે..! પણ, સિદ્દત અને નિયતિ પણ કંઈક ચીજ છે. સિદ્દતમાં નિયમિતતા હોય તો કુદરત તો મદદ કરે જ છે. તેથી જ મારો એ આળસુ, મારો અલગારી આજે મારા હાથમાં આવી ગયો. ને યુગોથી આ ધરાને ભીંજવવાનો ડોળ કરતો વરસાદ આજે મને ભીંજવવામાં સફળ થઈ જ ગયો. હાસ્તો, મારા એ પાગલ દિલદારનું પાગલપણું આ વરસાદમાં મિશ્રિત હતું ને આજે હું સાંગોપાંગ ભીંજાઈ ગઈ હતી, જાણે યુગો બાદ તૃપ્તિ ના થઈ હોય..?
પણ, ત્યારે મને, અમને નહોતી ખબર કે કોઈની આગઝરતી બે આંખો અમારા આ મિલન પર આતંક લાવી મૂકવાની હતી.
આજેય શરૂમાં તો મારા ઓમકારે મને સમજાવવાની કોશિશ કરી જ હતી, પણ હું તો હું જ હતી, હું તેની સામે બોલતી રહી હતી કે, "આકાશે ધરતીને મોકલેલી પ્રેમાળ અને લાગણી નીતરતી ભેટ એટલે વરસાદ. આ ભેટનો દિલથી સ્વીકાર કરવા માત્રથી સમગ્ર ધરતી લીલી ઓઢણીમાં ઢંકાઈ જાય છે. પાણી કંઈ લીલા રંગનું થોડું હોય છે ? લીલો રંગ ધરતીએ આકાશને પરત આપેલ ભેટ છે. બાદમાં આકાશ લીલા રંગને નીરખ્યા કરે છે. ત્યારબાદ કંઈ કેટલાય મેઘધનુષોમાં આકાશ એ જ લીલા રંગને પ્રતિબિંબિત કરે છે. ને મેઘધનુષના બંને છેડાની મદદથી આકાશ ધરતીને પોતાના આગોશમાં સમાવી લે છે. એ રીતે એક સુંદર, સ્નેહાળ તારામૈત્રક અથવા કહો કે એક મિલન અલગ જ પરિમાણમાં જગજાહેર રીતે ખૂબ ઊંચાઈએ રચાય છે. આ અલૌકિક મિલનમાં જગના લોકને કંઈ સમજણ ના પડતાં તેઓ મૂક સાક્ષી બનીને મિલનનું એ દ્રશ્ય જોયા કરે છે....!"ને ત્યારે મારી આવી ગાંડીઘેલી વાતો અટકાવવા તેણે મારા હોઠ પર હાથ મૂકી દીધો અને મેં તેને બચકું ભર્યું હતું.
ખેર ત્યાર બાદ અમારી મુલાકાત પૂર્ણ કરીને એ જ વરસતાં વરસાદમાં ધરા પર દોડતી અને પાણી ઉડાવતી હું અમારી હવેલીએ પહોંચી હતી.
હજી હું હવેલીએ પહોંચી જ હતી કે કાળા ડીબાંગ વાદળોથી ભયાનક અંધારું છવાયું હતું, વરસાદની સાથે સાથે ભયાનક વીજળીઓ અને વાદળો ટકરાવાથી ગડગડાટ થઈ રહ્યો હતો.
હું બીજે માળે ઝરૂખે પહોંચી, મેં જોયું તો આકાશમાંથી ભયાનક વીજળી પડી. જાણે કોઈ વિશાળ અંગારો ધરતી પર વરસ્યો હોય એવી ભયાનક હતી એ વીજળી.
મારા મનમાં અજાણ્યો ડર પ્રવેશ્યો.
ઘડી પહેલા મનોરમ્ય લાગતા દૃશ્યો હવે ભયાનક અને ડરામણા ભાસતા હતા. હવે ઝરૂખે ઊભા રહીને એ વિકરાળ દૃશ્યો જોવાની મારામાં હિંમત નહોતી, પહેલી વાર મને લાગ્યું હતું કે, 'મારો પિયુ ડરપોક નહોતો, સાચો હતો. કેટલીક વખત ડરવું જરૂરી હોય છે.'
હું પીઠ ફેરવીને ખંડમાં આવી. ક્યાંક દૂર કોઈક ભયાનક ધડાકો થયો, જાણે કોઈ પહાડ ફાટી ના પડ્યો હોય ? એ અવાજના કારણે મારાથી ચીસ પડાઈ ગઈ.
પહેલા તો મે આંખ મીંચી દીધી, બાદમાં મનના કોઈ ઊંડાણમાં જાગેલ વિચિત્ર ડરના કારણે હું દોડીને ઝરૂખે પહોંચી. જાણે મને જ સમજાવતી હોઉં તેમ હું બબડતી રહી,"ના...ના.... કંઈ નથી થયું, કંઈ જ નહિ થયું હોય, બાપુજી તો... ગામતરે ગયા છે, મા પણ સાથે જ ગઈ હતી અને કાકા..., કાકા તો આ વરસાદમાં ખેતરે જ હોય ને ? ખેતરમાં કામ પણ કેટલું બધું હોય...?" હું હજી મને સમજાવી જ રહી હતી કે મારી નજર રસ્તા પર ફરી રહેલી પાણી પર ગઈ.
વરસાદનું એ રક્તરંગી પાણી મારા હૃદયને નીચોવી રહ્યું. અમારી હવેલી આગળથી પસાર થઈ રહેલું એ રક્તરંગી પાણી જે દિશાથી આવી રહ્યું હતું તરફ મેં નજર કરી, તો ખભે લટકાવેલી બંદૂક સાથે કાકા આવી રહ્યા હતા. તેમની બાપુજી પણ કોઈ નિષ્પ્રાણ શરીરને જમીન પર ઘસડીને લઈ આવી રહ્યા હતા.
હું મારું ભાન ગુમાવીને ઝરૂખે ફસડાઈ પડી. મેં ખૂબ જોરથી અંતિમ ચીસ પાડી હતી, "ઓમકારરરર....!"