Ashwin Majithia

Fantasy Tragedy Others

4  

Ashwin Majithia

Fantasy Tragedy Others

રક્ત-દોષ

રક્ત-દોષ

9 mins
14.3K


તે દિવસે બપોરથી જ કાવેરીને કઈંક અસુખ જેવું લાગતું હતું. શરીરમાં જોશજોમનો અભાવ, થોડો'ક તાવ, માથા અને શરીરમાં ઝીણો દુઃખાવો વગેરે ફરિયાદ હતી. 

"ચાલ ડોકટરને બતાવી આવીએ," -તેની રૂમમેટ સોનાએ સુઝાવ આપ્યો.

"જવા દે. આવું નાનું મોટું તો થયે રાખે. બહુ ધ્યાન ન દેવાય. થોડો આરામ કરીશ તો આપમેળે બધું મટી જશે." -કાવેરીએ વાત ઉડાવતા કહી દીધું. અને બપોર આખીમાં કાવેરીએ સરસ મજાની ઊંઘ ખેંચી કાઢી.

ખેર, સરસ મજાની તો ન જ કહેવાય, કારણ એ ઊંઘમાં તેને એક વિચિત્ર સપનું આવ્યું, જેને કારણે ઊંઘમાં અને જાગ્યા પછી પણ, તે થોડી વ્યાકુળ રહી. 

એ સપનામાં તેણે જોયું કે પોતે એક હોસ્પિટલના ખાટલામાં છે, અને તેની આસપાસ બે નર્સ અને ચાર-પાંચ ડૉક્ટર્સ ઉભા છે. તે બધાં કોઈક બાબત પર ચર્ચા કરી રહ્યા છે, ને વચ્ચે વચ્ચે તેની સામે જોઈ રહ્યા છે.

અચાનક જ તેની ઊંઘ તૂટી ગઈ. જાગ્યા પછી આમ તો તે ફ્રેશ હતી. અંગ-દુઃખાવો અને તાવ ગાયબ થઈ ગયા હતા, પણ પેલું સપનું તેને વિચલિત કરતું રહ્યું. આવું સ્વપ્ન પહેલાં કોઈ દિવસ તેને આવ્યું નહોતું, અને આવું સ્વપ્ન આવવું તે સારી વાત તો ન જ ગણાય તેવું તેને લાગ્યું, એટલે તેણે સોનાને આ સપના વિષયે વાત કરી.

"કઈંક તોયે વિચિત્ર થવાનું લાગે છે મારી બાબતમાં. મને તો ડર લાગે છે હવે." -વાત પૂરી કરીને પોતાની મન:સ્થિતિ તેણે પોતાની આ સખી સામે મૂકી.

"અરે પાગલ, એવું કઈં જ નથી હોતું. તારા સુતા પહેલાં મેં તને ડોકટર પાસે જવાનું કહ્યું હતું ને ? તો એટલે ડોક્ટરો તારા સપનામાં આવ્યા. બસ, ભૂલી જા એ બધું." -સોનાએ ધરપત આપી.

પછી બાકીની રોજીંદી દિનચર્યામાં ને રસોઈ-રસોડામાં બન્ને વ્યસ્ત થઈ ગઈ. જમીને બેઉ સખીઓ સરસ મજાનું વૉક પણ કરી આવી, ને બધું જ ભુલાઈ ગયું.

પણ, રાતે કાવેરી સૂતી, તો ફરી એક સપનું આવ્યું; એવું જ વિચિત્ર..! પોતાના કોઈક કામસર કાવેરી ટુ-વ્હીલર પર ઝડપથી જઈ રહી હતી,, કે પુરપાટ આવતી એક કારે તેને પાછળથી ટક્કર મારી, ને તે દૂર ફંગોળાઈ ગઈ. લોકો ભેગાં થઈ ગયા. તેને ઉંચકીને પેલી કારમાં જ સુવડાવી, ને તેને, બસ થોડે દુર જ આવેલી એક પાંચ માળની મોટી હોસ્પિટલ લઈ ગયા. એકાએક તેની નીંદર ઉડી ગઈ ને સપનું યાદ આવતા જ તે આંચકો ખાઈ ગઈ. સોનાને આમ અડધી રાતે જગાડીને સપના વિશે વાત કરવાનો કોઈ અર્થ નહોતો. નાહકની તેની પણ ઊંઘ ઊડી જશે, એવું તેને લાગ્યું.

બપોરે સૂતી ત્યારનું એ સપનું, ને હવે આ સપનું. ફરીથી જો સુઇશ, ને ફરી એક સપનું આવશે તો ? કાવેરી અચકાઈ ગઈ. એક ચોપડી લઈને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી. પણ તેમાં ધ્યાન જ ન લાગ્યું. મગજમાં બેઉ સપનાઓના વિચારો ઘુમરાતા રહ્યા. બન્ને સપનાઓનો એકમેક સાથે કોઈ સંબંધ તો ચોક્ક્સ છે જ, એવું તે હવે દ્રઢપણે માનવા લાગી હતી. સમય વીતતા તેની આંખો ઘેરાવા લાગી. હજુ એક વધુ સપનું જોવા ? પણ ના, પછી કોઈ સપનું ન આવ્યું, અથવા તો આવ્યું હોય તો યાદ ન રહ્યું, ને એમ જ સવાર પડી ગઈ.

કંદર્પને વહેલી પરોઢે એક સપનું આવ્યું. કોઈ એક છોકરી એક સ્કૂટી ચલાવતી રસ્તા પર જઈ રહી છે. તેની પાછળ એક કાર પણ દોડી રહી છે. અચાનક એ કારની ઝડપ વધી ગઈ, ને તે પાછળથી પેલી સ્ફુટી સાથે અથડાઈ પડી. સ્ફુટી-સવાર યુવતી ઉછળીને થોડે દુર, રસ્તાના એક ખૂણામાં જઈ પટકાઈ. કારવાળાએ કાર ઉભી રાખી દીધી. લોકો એકઠા થઇ ગયા. યુવતી બેહોશ થઈ ગઈ હતી. આ જોઈ કોઇકે કારવાળાને પેલી યુવતીને હોસ્પિટલમાં લઈ જવા સૂચવ્યું. ભેગા મળીને લોકોએ તેને ઉંચકીને કારમાં સુવડાવી, નજીકમાં આવેલી એક ઊંચી ઇમારત સ્થિત હોસ્પિટલમાં લઈ ગયા, ને તરત જ આઇસીયુમાં તેની સારવાર શરૂ કરાવી દીધી. ખરું પૂછો તો તેને એ અકસ્માત કે પેલી યુવતી સાથે કોઈ સંબંધ નહોતો, છતાંય પોતે ત્યાં ઉભો રહી પેલીની સારવારમાં રસ લેવા લાગ્યો હતો. તે પછી પોતે તે યુવતીને પોતાનું લોહી પણ આપ્યું, એવું કંદર્પે તેનાં એ સપનામાં જોયું, અને ત્યાં જ તે જાગી ગયો.

આવું સાવ વેગળા પ્રકારનું સપનું આખી જિંદગી પહેલી જ વાર તેને આવ્યું હતું. બાકી, વાસ્તવિક જીવનમાં તો ક્યારેય તેણે કોઈને રક્તદાન કર્યું નહોતું. હા, ભૂતકાળમાં એકવાર કોઈક બીમારી વખતે તેણે લોહી લીધું હતું ખરું. 

આ વિચાર આવતા જ તે ચમકી ઉઠ્યો- "પણ મારુ લોહી તો ક્યાં કોઈને ચાલે એમ છે ? કે પછી, પેલી છોકરી ? ઓહ, રિયલી..? અને સમય વીતતો ગયો તેમ આ બધું તેને વિસરાતું ગયું. દિવસો વીતતા ચાલ્યા, બેઉ સ્થળોએ કોઈ જ ઉલ્લેખનીય બીના વગર જ. 

પણ બે અઠવાડિયા પછી કાવેરીના બન્ને સપનાઓએ વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરી લીધું. બપોરના સાડાબારનો સમય હતો, અને તે પોતાની સ્ફુટી પર હંમેશની જેમ બેંકનું કોઈ કામ પતાવવા જઈ રહી હતી, કે પાછળથી એક કારે આવીને તેને ટક્કર મારી દીધી. તે દૂર ફંગોળાઈને પડી, અને જગ્યા પર જ બેહોશ થઈ ગઈ. કાર ઉભી રહી ગઈ. લોકો ભેગા થઈ ગયા. તે જ કારમાં નાખીને તેને નજીકની કોઈ એક મોટી હોસ્પિટલ લઈ જવાઈ. જ્યારે હોશમાં આવી, ત્યારે તે ચાર-પાંચ ડોક્ટરો અને બે નર્સો વડે ઘેરાયેલી હતી. 

પોતાને આવેલ પેલા વિચિત્ર સપનાનાં પંદર-સત્તર દિવસ બાદ કંદર્પને ઓફિસના કોઈક કામસર વલસાડથી મુંબઈ જવું પડ્યું. મુંબઈના એ વિસ્તારમાં તો જોકે તે પહેલીવાર જ ગયો હતો, પણ તે છતાં ય રસ્તામાં પાંચ મજલાની એક ઇમારત જોઈને તે ચાલતો અટકી ગયો. બોર્ડ વાંચ્યું તો એ એક હોસ્પિટલ હતી. તેને એ હોસ્પિટલની ઇમારત કઈંક પરિચિત લાગી. ખૂબ મગજ કસવા બાદ યાદ આવ્યું કે, આ ઇમારતને તેણે પોતાના એક સ્વપ્નમાં જોઈ હતી. વાતને અવગણીને તે આગળ વધવા લાગ્યો, પણ એ જ સપનાની બીજી વાતો યાદ આવતા તે થંભી ગયો. એ સપનામાં તો એક યુવતીનો અકસ્માત થયો હતો, એટલે તેને થયું કે અંદર એક ચક્કર લગાવી આવવો જોઈએ.

તે આઇસીયુ-૩ની બાજુએ ગયો. પોતે સીધો ત્યાં જ કેમ ગયો એ તેને સમજાયું નહીં, પણ દરવાજાના કાંચમાંથી ભીતર ડોકિયું કર્યું, તો તેના અચંબાનો પાર ન રહ્યો. અંદર એક યુવતી સૂતી હતી. તેને લાગ્યું કે એ તે જ યુવતી હતી, કે જે સપનામાં દેખાઈ હતી.

બાજુમાંથી પસાર થતી એક નર્સને રોકીને તેણે પૂછ્યું, "આ લેડી કોણ છે ?"

"આ કાવેરી કામઠીયા છે. તમને કોણ જોઈએ છે ?"

કામઠીયા ? કંદર્પ તે યુવતીની અટક સાંભળીને ચમક્યો.આ તો તેની પોતાની ય અટક છે. કોઈક યુવાન કાવેરીને જોઈ પૂછતાછ કરી રહ્યો છે એ જોઈને, કાવેરીની રૂમમેટ સોના તેની તરફ ગઈ, અને પૂછ્યું- "તમે કાવેરીને જોવા આવ્યા છો ?"

"હા, હવે કેમ છે તેની તબિયત ?" -કંદર્પે વાતનો દોર તરત જ પકડી લીધો.

"સિરિયસ જ કહેવાય. તેનું બ્લડ-ગ્રુપ બહુ અલગ પ્રકારનું છે. ડોક્ટરો થોડું લોહી તો મેળવવામાં સફળ થયા છે, પણ હજુય બ્લડની જરૂર છે, તે હવે ક્યારે મળશે એ તો ઈશ્વર જાણે."

"કયુ બ્લડ-ગ્રુપ છે તેનું ? ઓ નેગેટિવ?"

"ના..! કઈંક સાવ જુદું જ છે. બોમ્બે ગ્રુપ કે એવું કઈંક."

કંદર્પને વધુ એક આશ્ચર્યનો આંચકો લાગ્યો, કારણ તેનું પોતાનું બ્લડ-ગ્રુપ પણ એ જ હતું, બોમ્બે બ્લડ-ગ્રુપ. અત્યંત દુર્લભ. મતલબ કે લાખમાં એક જણનું જ આ બ્લડ-ગ્રુપ હોય છે. 

"ઓહ..! ડોકટર ક્યાં છે ? મારું પણ એ જ બ્લડ-ગ્રુપ છે." -અચકાયા વગર તરત જ તે બોલી ઉઠ્યો.

આ સપનું તો નથી ને ? સોના વિચારવા લાગી. ડોક્ટરોએ તેને કહ્યું હતું કે આ ગ્રૂપનું લોહી મળવું એ તો હવે ઈશ્વર-કૃપાની જ વાત છે, ને એટલે જ પોતે ક્યારનીય ત્યાં બેસીને પ્રભુને પ્રાર્થના કરી રહી હતી કે, હે ભગવાન આ લોહી મળી જાય એવું કઈંક કર. બસ, એ પછી થોડી જ વારમાં કંદર્પનું લોહી લેવામાં આવ્યું,.

"હજુય લોહી જોઈતું હોય તો મને જણાવજો." -કંદર્પે ડોક્ટરને કહ્યું.

"હાલ તો કોઈ જરૂર લાગતી નથી, પણ લાગશે તો તમારો સંપર્ક કરશું. તમારો કોન્ટેક્ટ નમ્બર આપતા જજો." -ડોક્ટરે રાહતભર્યા સ્વરે જવાબ આપ્યો.

કાવેરીને સાજી થતા બહુ દિવસો ન લાગ્યા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા પહેલાં ડોક્ટરે તેને માહિતગાર કરી કે, "તારું રક્તગટ જગતમાં બહુ જૂજ છે. એચ.એચ. નામ છે એનું, પણ બોમ્બે બ્લડ તરીકે એ વધુ ઓળખાય છે." 

પછી એ બ્લડગ્રુપ વિશે કેટલીય બીજી વધુ માહિતી આપ્યા બાદ તેઓ બોલ્યા- "તારું નસીબ એટલું બળવાન કહેવાય કે, આ જ પ્રકારનું લોહી ધરાવનારો કોઈ એક યુવાન અચાનક જ હવામાંથી જાણે પ્રગટ થયો, અને તને લોહી આપીને ચાલ્યો ય ગયો."

હવે કાવેરીને ય કૂહુતુલ થઈ આવ્યુ, કે એ યુવાન કોણ હશે જે તેની મદદે આવી તેનો જીવ બચાવી ગયો, ને પોતે એની સાથે કોઈ વાતચીત પણ ન કરી, કે ન તો એને જોયો પણ સુદ્ધા, કારણ પોતે તો ત્યારે બેશુદ્ધાવસ્થામાં જ હતી. પણ હવે તો ચોક્ક્સ તેનો આભાર માનવો જ જોઈએ, એવું તેને લાગ્યું.

"કોણ હતો રે એ?" -ઘરે જઈને તેણે સોનાને પૂછ્યું.

"કંદર્પ કામઠીયા એનું નામ છે. વલસાડ રહે છે. મેં એનો ફોન નંબર લીધો છે."

"હલ્લો, કંદર્પ કામઠીયા ?" -કાવેરીએ ફોન લગાવ્યો.

"યસ. બોલું છું. આપ કોણ ?" -સામેથી ઉત્તરની સાથે સવાલ પણ આવ્યો.

"હું કાવેરી કામઠીયા. તમે મને રક્તદાન કર્યું હતું."

"અરે નકસ્કાર..! હવે કેમ છે તમારી તબિયત ?"

"ખૂબ સારી, અને એ તમારે કારણે જ. મારો જીવ બચાવ્યો તમે તો. મારે તમને મળવું છે. આ રવિવારે ફાવશે ?"

"હા, પણ હું વલસાડમાં હોઉં છું, ને તમે મુંબઈ. ફાવશે અહીં સુધી ટ્રાવેલ કરવું ? ટકાટક હો તો જ આવજો. નહીં તો પછીના અઠવાડિયે હું ફરી મુંબઇ આવવાનો જ છું. ત્યારે મળી લઈશું આપણે."

"અરે, હું એકદમ ટકાટક જ છું. હું આવીશ રવિવારે તમારે ત્યાં. પ્લીઝ, એડ્રેસ મેસેજ કરી આપજો મને."

તે પછીના રવિવારે કાવેરી સોનાને લઈને વલસાડ કંદર્પને ઘરે ગઈ. કંદર્પે બેઉની આગતાસ્વાગતા કરી,ને પછી તેઓ વાતે વળગ્યા.

"તમને કેવી રીતે ખબર પડી કે મારું બોમ્બે બ્લડગ્રુપ છે, ને તમે આમ ડાયરેકટ હોસ્પિટલમાં દોડી આવ્યા ?" -કાવેરીએ મનમાં ઘુમરાતા સવાલને વાચા-સ્વરૂપ આપ્યું.

"અરે, માની ન શકાય એવી વસ્તુ છે આ." -કહીને કંદર્પે પોતાના સપના વિષયે વાત કરી, જે સાંભળી કાવેરી સુન્ન થઈ ગઈ.

"કમાલ છે..! એક્સિડન્ટના બે અઠવાડિયા પહેલાં મને પણ આવા બે સ્વપ્નો આવ્યા હતા." 

કાવેરીના સપનાઓની વાત સાંભળી હવે કંદર્પ પણ અવાચક બની ગયો. 

"હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ મેં ઈન્ટરનેટ પર ખૂબ બધી માહિતી ભેગી કરી લીધી." -કાવેરીએ વાત આગળ વધારી- "આ બ્લડગ્રુપ જો પતિપત્ની બેઉનું હોય, તો તેમનાં સંતાનોનું આ જ બ્લડગ્રુપ હોવાની ભરપૂર શક્યતાઓ હોય છે. આપણા બેઉની અટક કામઠીયા જ છે. અને આ સરનેમ પણ બહુ બધી કૉમન તો નથી જ, તો એનો અર્થ તમારા ધ્યાનમાં આવ્યો જ હશે કદાચ. બસ, હવે મારે કનફર્મ જ કરવું છે એ બધું. તમારું આખું નામ જાણી શકું ?"

"કંદર્પ કાકુભાઈ કામઠીયા"

કાવેરી ફરી અચંબિત થઈ ગઈ, પણ આ વખતે હર્ષિત પણ એટલી જ. તેની ધારણા સાચી પડતી જતી હતી. 

"કંદર્પ, તું મારો ભાઈ છે. મારો મોટો ભાઈ. કઈં સમજે છે તું ?"

"એટલે ? તું કંચન છો ?" -કંદર્પે ઉત્સાહપૂર્વક પૂછ્યું.

"હા ભઈલા હા..!"

"પણ તો પછી, કાવેરી..?"

"હા.. કંચન..ને કુક્કુ..ને કાવેરી. સાંભળ, આપણે બધા મુંબઈમાં જ રહેતા હતા. તું સાત વરસનો હતો, ને હું ત્રણ વરસની, ત્યારે આપણા મમ્મી પપ્પાનો મોટો ઝગડો થયો હતો, ને પપ્પા તને લઈને ઘરમાંથી નીકળી ગયા હતા. પછી મમ્મીએ પણ મુંબઈ મૂકી દીધું, ને મને લઈને તે વડોદરા ચાલી ગઈ હતી. મને સ્કૂલમાં મુકતી વખતે તેણે મારુ નામ કંચનની બદલે કાવેરી લખાવ્યું હતું. મમ્મી પપ્પાએ તે પછી એકમેકના મોઢા ય ન જોયા, પણ સમજણી થયા બાદ, મેં તમને બેઉને શોધવાના કેટલાય પ્રયાસો કર્યા હતા. મમ્મીને તો જાણે પપ્પા સાથે કોઈ લેણદેવી જ નહોતી, પણ તેને તારી સતત યાદ આવતી રહી. હજુ આજે પણ આવે છે. તને શોધવામાં તેણે કોઈ કચાશ નથી રાખી."

"મમ્મી ક્યાં રહે છે ?"

"વડોદરા. મને મુંબઈમાં અહીં સારી જોબ મળી એટલે હું અહીં રહુ છું, પેઈંગ ગેસ્ટ બનીને. પપ્પા ક્યાં છે ? તેમને મારી કે મમ્મીની યાદ આવે છે કે નહીં?"

"અમે અહીં વલસાડમાં બે અઢી વરસ રહ્યા હશું, પણ તે દરમ્યાન પપ્પાની માનસિક સ્થિતિ ડામાડોળ જ હતી. એકવાર મને એક અનાથાશ્રમમાં મૂકીને તેઓ ગાયબ જ થઈ ગયા, ને તે પછી તેમનો ભેટો થયો જ નથી. તે પછીના સમયમાં મેં ય તમને લોકોને ગોતવાની ઘણી કોશિષ કરી હતી. મુંબઈમાં આપણે રહેતા તે જગ્યાએ ય જઈ આવ્યો હતો, પણ ત્યાં કોઈ બીજું જ રહેતું હતું. હવે તું મળી એટલે મમ્મી ય મળશે. તેનો ફોન નમ્બર આપ મને."

"ના, વેઇટ. હું જ ફોન લગાવું છું તેને."

"હલ્લો મમ્મી," -તરત જ ફોન જોડીને કાવેરીએ તેની મા સાથે વાત કરવા માંડી- " મમ્મી, તું વર્ષોથી જેને શોધતી હતી, તે મળી ગયો."

"કોણ ? કંદર્પ ?" -સામેથી ઉત્સાહભર્યો સવાલ સંભળાયો.

"હા મમ્મી, હું કંદર્પ..તારો કંદુ..! -કાવેરીના હાથમાંથી ફોન ઝૂંટવીને કંદર્પે જવાબ આપ્યો. હમેશા પોતાના આગવા રક્તદોષને ભાંડનારો તે, આજે ખુશ હતો, કે એ જ રક્તદોષ આજે તેનો મદદગાર બનીને તેનાં જીવનનમાં જીવંતતા લાવ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy