Ashwin Majithia

Inspirational

4.2  

Ashwin Majithia

Inspirational

પ્રાણવાયુ જીવનનો

પ્રાણવાયુ જીવનનો

2 mins
22.8K


થોડા અઠવાડિયા પહેલાની આ વાત છે. બસ સ્ટોપ પર ઉભો ઉભો હું બસની રાહ જોતો હતો. બાજુમાં જ એક દાદાજી બેઠેલા હતા. કપડાં સરેરાશ..આમ તો વ્યવસ્થિત જ ગણાય.. હાથમાં એલ્યુમિનિયમની વોકિંગ સ્ટીક.. કાનમાં હેડફોન્સ.. બેઉ ખભાને સહારે પાછળ પીઠ પર કોલેજીયન જેવો થેલો.. પગમાં કેનવાસના સપોર્ટ શૂઝ.. મોઢામાં કદાચ ચિંગમ કે ચોકલેટ જ હશે.

"દાદા, ક્યાં જવું છે તમારે?" -તેમના આવા બેફિકરા જિંદાદિલ દીદાર જોઈને મને તેમનામાં રસ જાગ્યો, એટલે વાતનો દોર શરૂ કરતાં હું બોલ્યો.

"ભાઈ, બસનો તો પાસ જ કઢાવેલો છે. જે પણ બસ આવશે એમાં જો બેસવાની વ્યવસ્થિત જગ્યા મળે એમ હશે તો ચડી જઈશ."

"ને પછી?"

"પછી બસ.. ફરવાનું. મનમાં આવશે તે સ્ટોપ પર ઉતરી જઈશ."

"દાદા, આમ સાવ એકલા..? ડર નથી લાગતો? કોઈકને ભેગા રાખવા જોઈએ ને..!"

"ભાઈ, જે થવાનું હશે તે થઈને જ રહેશે. થોડા વર્ષો પહેલા મારી વાઈફ બીમાર પડી હતી. તેની છેલ્લી ઘડીઓમાં હું, મારો દીકરો અને ડોકટર હાજર હતા. ગભરાટની મારી, તેણે મારો હાથ કસીને પકડી રાખ્યો હતો, પણ તોય હું તેને બચાવી ન શક્યો. ઉંમર થઈ તેવા ડર સાથે અમે બેઉ બહાર નીકળવાનું ટાળતા જ રહ્યા હતા. પણ પછી, તેનું આવું જોઈને, તેના ગયા પછી મેં હિંમત કેળવી લીધી, અને ફરવાનું શરૂ કર્યું; મનને કઠણ કર્યું; ફાવે ત્યાં જાઉં; લોકો સાથે વાતો કરતો રહું, ને એવું બધું. દિવસ આખો જે જોયું હોય તે સાંજે ઘેર જઇને દીકરાને બધું કહું છું. ભેગું આધાર-કાર્ડ રાખ્યું છે. ડોકટરનો મોબાઈલ નમ્બર, દીકરાનો ફોન નંબર..આ ફોનમાં સહુથી આગળના સ્ક્રીન પર સેવ કરીને રાખ્યા છે. જરૂરી દવા, ગણ્યાગાંઠ્યા પૈસા, ઉપરાંત મેડીકલેમની પોલિસી વગેરે આ થેલામાં ભેગું જ હોય. તો લઈને બધું, હું ફરતો જ રહુ છું. મન થાય ત્યાં બેસીને કે ઉભા રહીને ખાઈ લઉં છું, કે ભેગું લઈ લઉં છું. ક્યાંક વિસામો ખાવા મુકામ કરવાનું મન થાય ત્યાં મુકામ કરી લઉં છું. ને દીકરાને તે જગ્યાનું ફોન કરી કહી દઉં છું. ખૂબ એકલું એકલું લાગે તો કોઈક વૃદ્ધાશ્રમમાં જાઉં, ભેગું સરસ એવું ખાણું પાર્સલ બંધાવી લઉં ને ત્યાં તે લોકો ભેગો બેસીને ખાઉં. તેઓની સાથે વાતચીત કરું. ખુશી વહેંચી જીવવા માટેનો નવો પ્રાણવાયુ એકઠો કરી લઉં. કોઇકવાર નાનપણની યાદ આવે તો અનાથશ્રમ છે એક, ત્યાં ચાલ્યો જાઉં નાસ્તો રમકડાં વગેરેની સાથે, ને પ્રફુલ્લ ચિત્તે તેઓ સાથે રમીને સમય પસાર કરું. કોઇકવાર રસ્તામાં મંદિર દેખાય તો ત્યાં..કે કોઈ આર્ટ ગેલેરીમાં, કે પછી સારું સિનેમા..કે જેનો રીવ્યુ વાંચીને ગમ્યો હોય તે. આ બધાથી ઘરવાળા ય મારાથી કંટાળતા નથી ને હુંય આનંદમાં રહી શકું છું."

ત્યાં જ એક બસ આવીને વાત અધૂરી રહી કારણ તેઓ તેમાં ચડી ગયા અને વિન્ડો સીટ પર બેસીને મને બાય કર્યું. 

તેમનો મોબાઈલ નંબર લેવાનું પછી યાદ આવ્યું, પણ મોડું થઈ ગયું..બસ નીકળી ગઈ હતી..

પણ ખેર, જતાં જતાં પાછળ છોડેલાં ધુમાડામાં તે મને નવો પ્રાણવાયુ આપતી ગઈ..!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational