Ashwin Majithia

Inspirational Classics

4  

Ashwin Majithia

Inspirational Classics

સુખનું સરનામું

સુખનું સરનામું

7 mins
14.4K


દુર્ગેશ અને નંદિનીના લગ્નને લગભગ ત્રણ વરસ વીતી ગયા હશે. લવ મેરેજના આ જમાનામાં તેઓના એરેન્જડ મેરેજ હતા. શરૂઆતમાં તો બધું વ્યસ્થિત ચાલ્યું, પણ ધીમે ધીમે કોઈ ને કોઈ કારણસર તણખા ઝરવા શરૂ થઈ ગયા.

નંદિની બેંકમાં જોબ પર હતી, ને દુર્ગેશ કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં. ઘરમાં સર્વે સુખ-સાધનો અને સગવડો હતી. નહોતા તો બસ, સમય અને સમજણ એકમેકને માટે. ઝઘડાનું કારણ કઈં પણ રહેતું. કોઈક વાર પલંગ પર રાખી દીધેલ ભીનો ટુવાલ, કે પછી રસોડામાં ચાલુ મૂકી દીધેલ પંખો. ને પછી તો કોઈ જ ક્ષુલ્લક કારણ પણ ચિનગારીમાં દીવાસળીનું કામ કરવા માટે પૂરતું રહેતું.

તે દિવસે તો બારી પર આગલા દિવસથી પડી રહેલા ચાનો કપે ઝઘડો ઉભો કરી દીધો. બેઉ સામસામે ખૂબ બોલ્યા, ને કઈં પણ ખાધપીધાં વગર જ બેઉ ઓફિસે જવા નીકળી ગયા.

નવા મહિનાનું પહેલું વીક હોવાને કારણે, કામ તો બેંકમાં ભરપૂર હશે જ, ને કદાચ અમુક દિવસની જેમ લંચ લેવા જેટલો સમય પણ નહીં ફાળવી શકાય એ વાતની નંદિનીને ખબર હતી, તોય તોરમાં ને તોરમાં તે ઓફીસ જવા નીકળી ગઈ. તે દિવસે હતી ૪ તારીખ, એટલે દર મહિનાની જેમ જ ભટ્ટ-કાકા અને ભટ્ટ-કાકી પેંશન માટે બેંકમાં આવશે જ તેની પણ તેને ખબર જ હતી.

ભટ્ટ કાકા-કાકી આખી બેન્કમાં કૌતુકનું કારણ હતા. બેઉ સદાય સાથે જ આવે. કાયમ કડક કાંજી અને ઈસ્ત્રી કરેલી સાઉથ-કોટનની કાકીની સાડી, અને એવું જ કડક વાઈટ કલરનું કાકાનું શર્ટ. બેઉ સિત્તેર વટાવી ગયેલી ઉંમરના, પણ એકમેકને ખૂબ જ સંભાળી લે. દર વખતે એ જ કોટનનો બગલ-થેલો, જેમાં પાણીની બોટલ, ફોલ્ડિંગ છત્રી, બિસ્કિટનો પુડો અને બેઉની ડોકટરની ફાઈલ અચૂક હોય જ. તે યુગલને જોઈને નંદિનીને કાયમ થતું, કે આવું દામ્પત્ય-સુખ તેનાં નસીબમાં કેમ નથી...!

દર વખતની જેમ જ કાકાએ પોતાનું ફોર્મ ભર્યું અને કાઉંટર પર આપ્યું, ને કાકી તરફ તેમનું ફોર્મ લેવા વળ્યાં. અને દર વખતની જેમ જ કાકી કોરું ફોર્મ હાથમાં લઈને ઉભા હતા.

"અરે શું છે આ? એક સાદું ફોર્મ ભરતા નથી આવડતું તને? હજુ કેટલા વરસ મારી પાસે ભરાવવું છે? આ છેલ્લી વખત ભરી આપું છું. આવતે વખતે તું જ ભરજે...!"

"રહેવા દો. તમે છો ને..! પછી મારે શેની ચિંતા કરવાની?" કાકીનો મીઠું હસીને જવાબ. થોડો ઘણો આ જ પ્રકારનો સંવાદ બેઉનો દર મહિનાનો હતો.

તે દિવસે કાઉંટર પર નંદિની હતી.

"સાવ ડોબી જ છે..!" નંદિનીના હાથમાં ફોર્મ આપતા ભટ્ટ-કાકા બબડ્યા, અને ભટ્ટકાકી શરમાઈ ગયા.

"અહીં જ ઉભી રહેજે હવે. હું મેનેજરને મળી આવું. ક્યાંય જતી નહીં. ભૂલી પડી જઈશ ક્યાંક, સાવ જ અક્કલમઠી છો." -બોલતા બોલતા કાકા મેનેજરની કેબિનમાં ગયા.

"કાકી, અરે ભટ્ટકાકા આટલું કહે છે તો ફોર્મ ભરતા શીખી જાઓ ને. કઈં જ અઘરું નથી." નંદિનીએ અમસ્તું જ સમય પસાર કરવા બે ઘડી કાકી સાથે વાત માંડી.

કાકી હસી પડ્યા.

"અરે, એમ તો મને આવડે છે. પણ નથી આવડતું એમ તેઓ સમજીને મીઠી પ્રેમાળ કચકચ કરે છે, એ મને બહુ ગમે છે. હું એકલી બધું મેનેજ કરી શકું, પણ હું નથી કરી શકતી એવું સમજીને જે જવાબદારીથી તેઓ કરે છે, એ બધું મને ગમે છે. તેમની આટલી ઉંમરે પણ તેમનાં પર કોઈક અવલંબિત છે, એ ખ્યાલ તેમના અહમને સુખ આપે છે, અને એટલે જ મારા ખાતર પણ..તેઓ પોતાનું ધ્યાન રાખતા રહે છે, એ જ મને જોઈએ છે. સંસાર ચલાવવામાં બેઉને એકબીજાની જરૂર રહેતી જ હોય છે. એક પૈડું થોડું અટકી અટકીને ચાલે તો બીજા પૈડાએ થોડું વધુ જોર લગાવીને ગાડી ખેંચવી જ પડે છે." -આટલું બોલીને કાકી મીઠું મલકયા. સામેથી ભટ્ટકાકા કેબિનમાંથી બહાર આવતા દેખાયા, એટલે તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

બેઉ દરવાજે પહોંચ્યા એટલે "અહીં જ ઉભી રહેજે, હું રીક્ષા બોલાવી આવું," એમ કહી કાકા આગળ ચાલવા લાગ્યા, તો "સાંભળો..તડકો બહુ છે. આ લઈ જાઓ.!" કહીને કાકીએ તેમને પાછા બોલાવ્યા, અને બગલ-થેલામાંથી છત્રી કાઢીને ખોલીને તેમને આપી. આખું દ્રશ્ય ખૂબ જ મીઠું મનોહર હતું.

"કેટલો પ્રેમ છે ને કાકીનો, કાકા પર..!" -બાજુમાં બેઠેલી સ્મિતાને નંદિનીએ કહ્યું.

"અરે, 'બેઉનો એકમેક પર છે', એમ બોલ. કાકીને તડકો ન લાગે એટલે ભટ્ટકાકા તેમને છાંયડે ઉભા રાખીને કાયમ જાતે જ રીક્ષા લેવા જાય. આ પેલા બગલ-થેલામાં કોકમ સરબતની બાટલી લઈને જ ફરે. ખૂબ ધ્યાન રાખે છે બેઉ એકમેકનું."

નંદિનીને સવારે જ બનેલ તંગ-પ્રસંગ યાદ આવી ગયો. જો કે, ગઈકાલે વહેલો ઘરે આવી ગયો હોવાથી દુર્ગેશે બેઉ માટે ચ્હા બનાવી રાખી હતી. એમ તો જ્યારે જ્યારે તે વહેલો આવે છે, ત્યારે ત્યારે અચૂક તે આમ કરે જ છે. સાંજે દુર્ગેશ સાથે એકદમ શાંતિથી વાત કરવાનું નંદિનીએ નક્કી કર્યું. તેણે દુર્ગેશને ફોન જોડ્યો, "કઈં ખાધું કે નહીં?"

"અરે નહીં રે. એક ઈમ્પોર્ટન્ટ મીટીંગ છે, તો એની જ તૈયારીમાં લાગેલો છું. તે કઈં ખાધું?"

"ના, પણ ચાલ..! કામ તો પૂરું જ નહીં થાય. કઈંક ખાઈ લે જોઉં. ભૂખ્યો ના રહીશ. હું ય હવે બ્રેક લઈ લઉં છું."

અને તે પછી સાંજે બહાર જ જમવાનો પ્લાન બનાવી નંદિની એ ફોન મૂકી દીધો.

ધીમે ધીમે બેઉ વચ્ચેના વાદવિવાદને સ્થાને સંવાદ થવા લાગ્યા. તણખા ય ઉડતા, પણ પહેલાં જેવું તંગ વાતાવરણ ન રહેતું. આમ ને આમ ચાર મહિના વીતી ગયા. બધું જ વ્યવસ્થિત ચાલતું હતું એવામાં તે દિવસે સવારે પલંગ પર ભીનો ટુવાલ જોઈને પ્રિયનો પારો ઊંચે ચડી ગયો. દુર્ગેશે સૉરી કહી ટુવાલ ઉપાડી લીધો, પણ એટલી વારમાં તો નંદિની ખૂબ જ ચિડાઈ ગઈ હતી.

"નોકર નથી હું અહીં આ ઘરની. વારે વારે એડજસ્ટ કરતાં રહેવું મને નહીં ફાવે. આટલો આળસુ સ્વભાવ સારો નથી ગણાતો." ગુસ્સામાં ને ગુસ્સા તૈયાર થઈને નંદિની ઓફીસ માટે રવાના થઈ ગઈ.

વિચલિત મન સાથે બેન્કના કામમાં તે ચિત્ત પરોવવાના તે પ્રયાસો કરતી હતી, કે દૂર દરવાજે તેણે ભટ્ટકાકાને આવતા દીઠા. તેને નવાઈ લાગી. પેંશન ક્લેકટ કરવાના આ દિવસો તો નહોતા. કોઈક બીજા કામસર આવ્યા હશે, એમ ધરી તેણે પોતાના કામમાં ફરી ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો. થોડીવાર થઈ ત્યાં પ્યુન આવીને કહી ગયો, કે સાહેબ કેબિનમાં બોલાવે છે.

નંદિની અંદર ગઈ, તો ત્યાં સાહેબની સામે ભટ્ટકાકા બેઠા હતા.

"નંદિની, આ મી. ભટ્ટ છે, અને આપણા બહુ જુના એકાઉન્ટ ધારક છે. તેમને થોડી મદદ જોઈએ છે. હું બીજી બ્રાન્ચમાં જાઉં છું, તો તું જરા તેમને અમુક ફોર્માલિટીઝ પુરી કરવામાં પર્સનલી મદદ કરજે ને." -કહીને સાહેબ બહાર ચાલ્યા ગયા.

"બોલો કાકા, શું કરવાનું છે?" -નંદિનીએ ખૂબ જ સાહજીક પ્રોફેશનલ સ્વરમાં પૂછ્યું.

"મારી વાઈફ સવિતા ભટ્ટનું એકાઉન્ટ બંધ કરવાનું છે. ગયા અઠવાડિયે તેનું હાર્ટ-એટેકમાં અવસાન થઈ ગયું છે."

કોઈ જોરદાર ધડાકાનાં અવાજથી કાનમાં બહેરાશ આવી જાય, તેમ નંદિનીના કાન સુન્ન થઈ ગયા.

"ઓહ.. આઈ એમ સોરી..!" -આથી વિશેષ તે કઈં જ બોલી ન શકી.

પણ ભટ્ટકાકાએ આ સાંભળ્યું જ ન હોય તેમ પોતાની જ વાત આગળ ચલાવે રાખી-

"બહુ ધ્યાન રાખતી મારું, કાયમ, એક એક મિનિટે. હું તો શરૂઆતથી જ સાવ લાપરવા, ને આખાબોલો પણ એટલો જ. પણ તે દર વખતે મારી ભૂલો છાવરતી, ને મારી પીઠ પાછળ ઉભી રહી પીઠબળ પૂરું પાડતી. તેને કદાચ પોતે હવે જવાની છે, એ વાતની ખબર પડી ગઈ હશે. આજ સુધીમાં કેટલીય વાર મેં તેને રસોઈ માટે બાઈ રાખી લેવા સૂચવ્યું હતું, પણ કોઈ દિવસ તેણે મારી વાત કાને ધરી જ નહીં. પણ પંદર દિવસ પહેલાં તેણે એક બાઈને રાખી લીધી, ને તેને ઘરની રૂઢી પ્રમાણે, મને ફાવે ને મને ભાવે તેવું રાંધતા શીખવાડી દીધું. હુંય તેને ચીડવતો કે, હવે તો ભટ્ટ શેઠાણી બેઠા બેઠાં હુકમો છોડશે." - આટલું બોલતાં જ ભટ્ટકાકાએ આંખે રૂમાલ મુક્યો.

નંદિની પણ પોતાનું રુદન રોકી ન શકી, પણ ભારે હૈયે તેણે બધી ફોર્માલિટીઝ પુરી કરાવી. ને પછી ભટ્ટકાકા બેન્કમાંથી રવાના થયા; આવ્યા હતા એવા જ..એકલા !

નંદિનીનું ધ્યાન ફોન પર ગયું. દુર્ગેશનો મેસેજ આવ્યો હતો-

"સૉરી નંદિની, આજે હું ફરી પાછો ટૉવેલ ભૂલી ગયો. આવું ફરી ન થાય એની હું ફુલ કોશિષ કરીશ. પણ યાર, તેને કારણે તું કઈં પણ ખાયા વિના જ ઑફિસે ન જતી જા. મને બહુ ગિલ્ટી ફિલ થાય છે. મને ખુબ જ પૅમ્પર કરવામાં આવ્યો હોવાથી હું એક સ્પોઈલ્ડ બચ્ચો છું, ને હું સુધરવાના પ્રયત્નો કરું જ છું, મને સમય આપ થોડો પ્લીઝ. હું પ્રોમિસ કરું છું, કે હું ચેન્જ થઈને બતાવીશ. આ પહેલાં મેં કહ્યું નથી, પણ મને મારી લાઈફમાં તું કાયમ માટે જોઈએ જ છે. જે પ્રમાણે તું મારા મૂડને સમજી શકી છો, એવું કોઈ નહીં સમજી શકે. પ્લીઝ..!"

કેટલીય પળો સુધી નંદિની ફોન સમક્ષ તાકતી રહી. તેને ભટ્ટકાકીના પેલા શબ્દો યાદ આવી ગયા- "તેમનાં પર કોઈક અવલંબિત છે, એ ખ્યાલ તેમના અહમને સુખ આપે છે. સંસાર ચલાવવામાં બેઉને એકબીજાની જરૂર રહેતી હોય છે. એક પૈડું થોડું અટકી અટકીને ચાલે, તો બીજા પૈડાએ થોડું વધુ જોર લગાવીને ગાડી ખેંચવી જ પડે છે."

"સૉરી, હું ય છાશવારે મારા પરનો કન્ટ્રોલ ગુમાવતી આવી છું. હું ય આ બાબત પર વર્ક કરવાની ટ્રાય કરીશ. તું પણ પ્લીઝ મને થોડો સમય આપ. મને પણ તું કાયમ મારી જિંદગીમાં જોઈએ જ છે. તું મારી સંપૂર્ણ સપોર્ટ-સિસ્ટમ છો, અને આપણે બન્ને, એકમેકને અન્ડરસ્ટેન્ડ કરવાની દિશામાં સાચા દિલથી કામ કરીશું. આપણા સુખનું સરનામું કદાચ મળી ગયું છે, મને." -નંદિનીએ રીપ્લાય સેન્ડ કર્યો.

હા, એક વૃદ્ધ દંપતી જાણેઅજાણે તેને દામ્પત્યસુખનું સરનામું આપી ગયું હતું. હવે તો બસ, ત્યાં પહોંચવા થોડો પ્રવાસ કરવાનો હતો, બહુ મોડું થઈ જાય એ પહેલાં..અને તે તૈયાર હતી એ માટે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational