Ashwin Majithia

Inspirational

3.0  

Ashwin Majithia

Inspirational

થીજી ગયેલા સંબંધ

થીજી ગયેલા સંબંધ

7 mins
15.1K


"કહું છું કાલે દશેરા છે, તો એમ.એમ. મીઠાઈવાળાની દુકાને જઈને ફાફડા-જલેબી લઈ આવોને. સવારે જોઇશે ને..!" સાંજે ઓફિસેથી ઘરે પહોંચ્યો, ને જરાક બેઠો, કે તરત જ મારી પત્ની બોલી.

"ભલે, નવે'ક વાગ્યે જાઉં, અત્યારે ગિરદી ઘણી હશે, ને રાત્રે વસ્તુઓ પણ ગરમ મળશે." -મેં વાતને મુલત્વી રાખવા બહાના અને સુઝાવ સામે મુક્યા.

"ઠીક છે, ત્યાં સુધીમાં ચા મૂકી દઉં. પીને ફ્રેશ થઈ જજો."

કહીને તે અંદર ગઈ, ને મેં ટીવી ચાલુ કરી દીધું. દસે'ક મિનિટ થઈ હશે કે હાથમાં ચાનો કપ લઈને તે આવી અને મારા હાથમાં ચાનો કપ આપીને મારી બાજુમાં બેસી ગઈ.

"કહું છું, બપોરે પપ્પાજીનો ફોન આવ્યો હતો."

"અચ્છા. શું કઈં ખાસ હતું ?"

"કેમ કઈં ખાસ હોય તો જ ફોન આવે."

"મોટેભાગે તો બધાનું એવું જ હોય પણ પપ્પાનું તો એવું નથી જ. તેઓ તો કોઈ કામ ન હોય તોય ફોન ઝીંકે રાખતા હોય છે. મને ય આવ્યો'તો બપોરે જ તેમનો ફોન, ઓફિસના એટલા અધધધ કામ વચ્ચે. પણ મેં ન ઉપાડ્યો. કામ કઈં નહીં હોય તેની ખાતરી જ હોય છે મને."

"અરે બે ઘડી વાત કરી લઈએ ને. ઘરડું માણસ છે, ખુશ થાય જરાક. કેવા દીકરા છો તમે તો..!"

"તે તું છો ને, તેમની દીકરી કરતાંય વિશેષ એવી વહુ. તારે કરી લેવાની ને વાત."

"હાસ્તો. હું તો કરી જ લઉં છું કાયમ, ને આજે ય કરી. મુંબઈની દોડધામવાળી લાઈફ નથી ફાવતી, તો બેઉ જણા ગામડે સુખેથી રહે છે, પણ દીકરા સાથે વાત કરવાનું મન તો થાય જ ને એમને કે મમ્મીજીને..!"

"હા માવડી હા, તું સંભાળ એ બધા ફોનના વહેવાર." -હું કંટાળીને બોલ્યો.

"આને વહેવાર ન કહેવાય. તેઓ ફોન કરે છે તો કોઈ વહેવાર નથી સાચવતા. તેમનો તમારી ઉપરનો પ્રેમ છે, ને તમે ક્યારેય નહીં સમજી શકો એ."

"તું સમજે છે તો ઘણું છે મારે માટે. લાવ ચલ, સ્ટેશને જઈને તારા જલેબી-ગાંઠિયા લઈ આવું." -વાત ટૂંકાવતા હું બોલ્યો. મને ખબર હતી કે જો વધુ બેઠો તો માબાપના પ્રેમ પરનું લાબું લેક્ચર આજે ફરી સાંભળવું પડશે. એનાં કરતાં રાજુને સ્ટેશન પર મળીને તેની સાથે ગપ્પા મારવામાં વધુ સારો ટાઈમપાસ થશે એવું મને લાગ્યું. આમેય , આ મારા પડોસી-મિત્ર રાજુનો ટ્રેનમાંથી મલાડ સ્ટેશને ઉતરવાનો રોજ લગભગ આ જ સમય હોય છે, તો ફોન કરીને સ્ટેશન પર તેને મળી લઈશ ને ત્યાં જ તેની સાથે થોડો સમય પસાર કરીને સ્ટેશનની સામે જ એમ.એમ. મીઠાઈવાળાની દુકાન છે, ત્યાંથી ફાફડા-જલેબી લેતો આવીશ એવો પ્લાન ઝડપથી બનાવીને હું ઉઠ્યો, ને ઘરમાંથી બહાર આવી ગયો. રસ્તામાંથી જ રાજુને ફોન કર્યો અને સ્ટેશને મળવાનું નક્કી કર્યું. ટ્રેનના કઈંક લોચા છે તો આવતા પાંચ-પંદર મિનિટ મોડું થાય તો તેની વાટ જોવાનું તેણે મને ફોનમાં કહ્યું.

"ઠીક છે, આવ તું. હું વાટ જોઉં છું." -કહીને તેની રાહ જોવાની તૈયારી સાથે હું સ્ટેશને પહોંચ્યો.

મલાડ સ્ટેશનની બહાર જ સાવ સામે એમ.એમ.મીઠાઈની દુકાન છે, તેની જમણી બાજુએ એક પાણીનું પરબ છે. તેની બાજુમાં બાઇક પાર્કિંગ માટે લોખંડના આડા એંગલ નાખી રાખ્યા છે. તેમાંના એક પર ચડીને હું બેસી ગયો, અને રાજુની રાહ જોવા લાગ્યો.

પાંચેક મિનિટ વીતી હશે કે, થોડા મેલા અને ચોળાયેલા ધોતિયું-ઝભ્ભો, ને આંખે જાડા કાંચના ચશ્મા પહેરેલ, સિત્તેર પંચોત્તેર વર્ષની વયનો એક ગૃહસ્થ મારી પાસે આવ્યો.

હું પેલા ત્રણ-ચાર ફુટ ઊંચા એંગલ પર બેસેલો, તો મારા ઘૂંટણ પર હાથ મૂકીને કહે- "એ ભાઈ, મને એક વડાપાવ લઈ દઈશ તો ખૂબ સારું થશે."

આ વૃદ્ધ મને કોઈ રેગ્યુલર ભિખારી ન લાગ્યો, કારણ મને એવું લાગ્યું કે તેને ભીખ માંગતા ફાવતું નહોતું.

એકદમ અચાનક જ કોઈ વૃદ્ધ માણસે મારા પગ પકડ્યા એટલે મને ખુબ જ સંકોચ થયો.

તરત જ તેનાં હાથ પકડીને મેં પેલા એંગલ પરથી કૂદકો માર્યો અને તેની બાજુમાં ઉભો રહી ગયો. મારા ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી તેના હાથમાં મુક્ત બોલ્યો- "કાકા, તમને ભૂખ લાગી છે ? આ લ્યો પૈસા, જે ભાવે તે લઈને કઈંક લો."

"ના ભાઈ, પૈસા રહેવા દ્યો, બસ એક વડુંપાવ લઈ આપો એટલે બસ છે મને."

"ખમો. અહીં ઉભા રહો. હું લઈ આવું હમણાં." -કહીને હું સામે દેખાતી એમ.એમ.મીઠાઈમાં ગયો ને બે વડાપાવ લઈ આવ્યો ને પેલા કાકાના હાથમાં મુક્યા.

તેઓ નીચે ફૂટપાથની પાયરી પર બેસીને તે ખાવા લાગ્યા, ને પછી મને કહે- " ત્યાં ઉપર ના બેસ. પડી જઈશ. અહીં મારી બાજુમાં બેસ. સાથે કોઈક હોય બાજુમાં તો બે કોળિયા ગળે ય ઉતરશે મારે.

મેં ઘડિયાળમાં જોયું ને પછી સ્ટેશન તરફ જોયું. રાજુનો કોઈ જ પત્તો નહતો હજુ સુધી.

'સરખો અટવાયો લાગે છે..!' -વિચારતો વિચારતો હું પાયરી પર પેલાં કાકાની બાજુમાં બેસી ગયો, અને તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા ને ક્યાં રહે છે, વગેરે સામાન્ય પૂછપરછ કરવા લાગ્યો.

"હું રત્નાગિરિની બાજુમાં આવેલ દાપોલીથી આવ્યો છું. ત્યાં ગામડામાં મારી પત્ની સાથે રહુ છું. તારા જેવડો એક દિકરોય છે મારે, ને અહીં મુંબઈમાં કોઈ મોટી કંપનીમાં ઈંજીનીયરની નોકરી કરે છે."

"તો એની સાથે તમે નથી રહેતા ?"

"ના. બે વરસ પહેલાં તેણે પ્રેમ-લગ્ન કરી લીધા ને વહુ ભણેલી ને નવા વિચારોવાળી છે, એટલે અમે બેઉ જણા તેને ગામડિયા લાગીએ છીએ. અમારી સાથે ન ફાવે તેને રહેવું. બે વર્ષથી અહીંયા એકલા જ રહે છે. બે દિવસ પહેલા મારા આ મોબાઈલમાં તેનો ફોન આવ્યો ને કહે કે તેને અમેરિકામાં નવી નોકરી મળી છે તો દસ વરસ માટે એ ઘરવાળીને લઈને ત્યાં જાય છે. અહીં મુંબઇ હતો, તો છ-આઠ મહિને કોઇકવાર દાપોલી આવતો તે, અમને બેઉને મળવા. હવે આટલું લાંબે પરદેશમાં જતા પહેલા એક વાર અમને મળી જવાનું તેને કહ્યું, તો કહે કે સમય જ નથી, પરમ દિવસના પ્લેનમાં નીકળવાનું છે.

હવે આવતા દસ વરસ પછી અમે જીવતા હશું કે નહીં એ તો પ્રભુ જ જાણે, એટલે થયું કે હું જ સામેથી તેને મળવા આવી જાઉં. હવે, કાલ સાંજથી અહીંયા હું વિમાન-ઘર ગોતું છું, પણ અહીંના લોકો એમ જ કહે છે કે અહીંયા તો કોઈ વિમાનઘર છે જ નહીં. ક્યાંક દૂર દુરનું કોઈ નામ આલે છે.

"બરોબર કહે છે એ બધાં," -મેં વળતો જવાબ આપ્યો- "અહીં મલાડમાં અંધેરીમાં સહાર એરપોર્ટ પરથી પ્રદેશના વિમાન ઉડે કાકા..!"

તો તેઓએ તરત જ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો ને બોલ્યા, "પરમદિવસે તેનો ફોન આવ્યો ત્યારે પાડોસમાં રહેતા એક છોકરાને તેણે આ જ પત્તો લખાવ્યો હતો, ને હવે આ મોબાઈલ પણ ખરાબ થઈ ગયો લગે છે. કાલથી તેનો ફોન પણ જો ને આવતો નથી હવે. તેને મેં ફોનમાં કહ્યું પણ હતું કે હું તેને મળવા મુંબઈ આવું છું એમ."

હવે મારા એક હાથમાં પેલો કાગળ ને બીજા હાથમાં તેમનો ફોન હતો. પહેલાં ફોન ચેક કરવા બટન દબાવ્યું, તો ફોન તો ચાલુ જ હતો. બેટરી લાઈફ હાજી બાકી હતી ને નેટવર્ક તો ફૂલ હતુ.

"તમે ન લગાવ્યો કે તેને ફોન ?" -મેં પૂછ્યું.

"મને ના આવડે. તેનો ફોન આવે તો બસ આ બટન દબાવવાનું એટલે વાત થાય, એટલું આવડે, બસ..!"

તેની કૉલ-હિસ્ટ્રીમાં જઈને પરમદિવસે છેલ્લા આવેલ ફોન નમ્બર પર મેં કોલ કર્યો, તો સામેવાળાએ ફોન તરત જ કટ કરી નાખ્યો.

એટલે પછી મેં પેલી ચબરખી ખોલીને વાંચી. તેમાં એડ્રેસ લખ્યું હતું, 'છત્રપતિ શિવાજી વિમાનતળ, એમ.એમ.હોટેલની સામે, મલાડ (પશ્ચિમ) મુંબઈ.'

દિવા જેવી ચોખ્ખી વાત હતી કે પેલા છોકરાએ માબાપને ટાળવા ખોટું એડ્રેસ આપ્યું હતું ને હવે તેમનો ફોન પણ રિસીવ કરતો નહોતો. તે હવે એક 'વિમાન'માં પ્રવાસ કરી રહ્યો હતો જે હવે ફરી ક્યારેય તેમની દિશામાં પાછું ફરવાનું નહોતું.

એટલામાં તો સ્ટેશન તરફથી મને રાજુ આવતો દેખાયો. તેને મેં ત્યાં જ ઉભા રહેવા ઈશારો કર્યો કે, 'ખમ, હું ત્યાં આવું છું.'

મેં ફરી પેલા વૃદ્ધ તરફ ધ્યાન આપ્યું ને વિચાર કરવા લાગ્યો. મને સમજાતું નહોતું કે પુત્ર દ્વારા થતી અવગણના તેઓ કળી શકતા નહોતા કે પછી કળાતી હોવા છતાં સ્વીકારવી નહોતી. પોતાના જ પેટનું સંતાન તેમની સાથે આવું વર્તન કરી શકે એ વાત પર કદાચ તેમને વિશ્વાસ જ નહીં આવતો હોય.

આખરે હું બોલ્યો, 'કાકા, તમારા દીકરાનું વિમાન હમણાં જ ઉપડી જશે ને તમે અત્યારે તેનાથી ખૂબ દૂર છો, તો તેની સાથે હવે તમારો ભેટો થઈ શકશે એવું લાગતું નથી મને. તમે જે રસ્તે આવ્યા છો, એ જ રસ્તે પાછા ફરી ને ગામ ભેગા થઈ જાઓ, કાકી ઘરે વાટ જોતા હશે તમારી."

બીજી જ ક્ષણે તેમની આંખો ભરાઈ આવી. છલકતા નયને તેઓ મારી સામે અવાચક બની જોઈ જ રહ્યા. ટિકિટ માટે બસો રૂપિયા તેમના હાથમાં મૂકયા ને મારુ ધ્યાન તેમણે બીજા હાથમાં પકડેલ એક ડબ્બા તરફ ગયું, અને મને ખ્યાલ આવ્યો કે એક સેકન્ડ માટે પણ તેઓએ એ ડબ્બો છૂટો મુક્યો નથી. તો શું એમ પૈસા હશે ?

તેમને પૈસા દેતો મારો હાથ ક્ષણાર્ધ માટે અટકી ગયો. પણ પછી પૈસા તેમના હાથમાં મકીને પૂછ્યું- "ક્યારનોય હું તમારા હાથમાં આ ડબ્બો જોઉં છું. શું છે એમાં, કાકા ?"

"તેને ચૂરમાના લાડુ બહુ ભાવે છે, તો તેની માએ ખાસ બનાવીને મોકલ્યા હતા." -ડબ્બો ઉઘડતા તેઓ બોલ્યા- "લે, તું તો ખા એક."

કાળજામાં કટાર ઘુસી ગઈ હોય એવી તીવ્ર પીડા અચાનક જ મને ભીતર થઈ આવી અને મેં છાતી પર હાથ મૂકી દીધો. આવી અવસ્થામાં ય હું તેમના વેણ ઉથાપી ન શક્યો ને બીજા હાથે એક નાનો એવો લાડુ લઈને મોઢામાં મુક્યો.

તે લાડવાનો સ્વાદ પારખવા જેટલી સૂઝબૂઝ પણ મારામાં નહોતી, અને હું એમ ને એમ તે ચાવીને ગળે ઉતારી ગયો.

"હાલ એય..! કેટલી વાર હજી ?" -પાછળથી રાજુનો અવાજ આવ્યો, અને હું તેની તરફ વળ્યો. પાછળ એક નજર એ કાકા પર નાખી, આંખોથી જ તેમને વિદાય આપી હું રાજુ તરફ આગળ વધી ગયો.

સ્ટેશનની ગિરદીમાંથી રસ્તો કાઢતો હું એ જ વિચારતો રહ્યો કે, "મારી પાસે એક વડાપાવની ભીખ માંગનારો ને ભૂખમાં તરફડતો એ વૃદ્ધ, પોતાનાં દીકરા માટે લાવેલ લાડવાના ડબ્બામાંથી એક લાડુ પણ ખાઈ નહીં શકતો હોય ? આટલો બધો પ્રેમ ?"

પણ ત્યારે જ કોણ જાણે કેમ...પણ, અમસ્તા અમસ્તા જ મને છાશવારે ફોન કરનારા મારા પપ્પા મને યાદ આવી ગયા.

પેલા પિતા-પુત્રના થીજી ગયેલ સંબંધનો અહેસાસ, અમારા પિતાપુત્રના સંબંધમાં ઉષ્મા લાવી રહ્યો હશે, કદાચ..!

.

અશ્વિન મજીઠીયા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational