Smita Dhruv

Children Fantasy

2.5  

Smita Dhruv

Children Fantasy

ઉચકોએસ

ઉચકોએસ

9 mins
14.8K


આ વાર્તા છે ઉચકોએસ નામના એક છોકરાની.

એ છોકરાનું નામ ઉચકોએસ શી રીતે પડ્યું ? તેની એક રસપ્રદ વાત છે.

ખરેખર તો તેનું નામ હતું જીમી.

નાનપણમાં જ જીમીનાં મા-બાપ માંદગીમાં મૃત્યુ પામ્યાં હતાં. જયારે તેનાં માતા-પિતાનું અકાળ મૃત્યુ થયું, ત્યારે તેને નાનીમાને ગામ લઇ જવામાં આવ્યો, જે તેનું વહાલથી ધ્યાન રાખતાં હતાં. જીમી થોડો મોટો થયો, એટલે એક દિવસ નાનીમાએ તેને પાસે બેસાડીને કહ્યું, "જીમી બેટા, આ કોટ પહેરી જો. તારા નાનાજી એ પહેરતા હતા.”

જીમીએ હોંશે-હોંશે તે માપી જોયો - અને કેવું આશ્ચર્ય ! નાનાજીનો કોટ તેને માપસર આવી રહ્યો !

“નાનીમા ! કોટ તો મને એકદમ માપસર આવી રહ્યો !" નાનીમા પણ ખુશ થઇ ગયાં.

"વાહ મારા દીકરા ! આ કોટ પહેરીને તું કેવો રૂપાળો લાગે છે !" ખુશ થઈને જીમી ઘરની બહાર દોડી ગયો. આજે એને એક સરસ ભેટ મળી હતી.

તે દોડતો-દોડતો ગામના ચોતરે પહોંચી ગયો. ગામનાં બાળકો સાથે તે રમતો જરૂર, પણ તેનો ક્યારેય કોઈ ખાસ મિત્ર બન્યો ન હતો. ચોતરા આગળ રમતાં બાળકો જીમીને જોઈને "જીમી આવ્યો, જીમી આવ્યો" કહેવા લાગ્યાં, પણ જીમીને ત્યાં રોકાવું ન હતું. તે બસ દોડતો જ રહ્યો !

તેણે જેવું ગામ વટાવ્યું કે દોડતાં -દોડતાં જીમીને થયું પોતે કદાચ ઊડી રહ્યો છે - અદ્ભુત ! આ તો નાનાજીનો જાદુઈ કોટ છે ! કોટમાં તે કેવીક જાદુઈ શક્તિ હતી - જીમી ખરેખર ઉડવા લાગ્યો !

ઉપર આકાશે ચઢીને તેણે પોતાનું ગામ અને આજુબાજુની વસતિ જોઈ.

ઉત્તર તરફ નજર કરતાં એક સુંદર નગર તેને નજરે ચઢ્યું.

"ક્યારેક હું ત્યાં જઈશ ! " એમ વિચારીને તે પોતાને ગામ પાછો ફરવા લાગ્યો.

પરંતુ આ શું ? હવે તે નીચે આવી શકતો જ ન હતો ! તેણે કોટના ખિસ્સા ફંફોસ્યાં, કે ક્યાંય કોઈ કળ હોય, પણ એવું કંઈ હાથ જડ્યું નહિ. જીમી ગભરાયો હવે શું કરવું ?

'આ કોટ જ કાઢી નાખું ' એમ વિચારીને તે હવામાં અધ્ધર કોટ કાઢવા બેઠો. કોટ કાઢતાં -કાઢતાં તે સાવ ઊંધો થઇ ગયો - તે સાથે બીજો ચમત્કાર બન્યો ! જીમી હવે ધીમે-ધીમે આકાશમાંથી નીચે ઉતરવા લાગ્યો, અને પોતાના ગામ તરફ પાછો જવા માંડ્યો.

“હવે સમજ્યો ! કોટના જાદુને બંધ કરવું હોય, તો તેને ઊંધો પહેરી લેવો !”

મોડી સાંજે જીમી ઘેર પહોંચ્યો, ત્યારે તે અત્યંત ખુશ હતો. નાનીમા ક્યારનાં ય જમવા માટે તેની રાહ જોતા હતાં, પણ જીમી તો બસ પોતાની મસ્તી અને આનંદમાં જ હતો.

"ચાલ જમી લે બેટા ! " નાનીમાએ સાદ કર્યો અને જીમી જમવા આવી ગયો. તેણે ખાધું-ન-ખાધું ને વળી પાછો ઓરડામાં ભરાઈને કોટ તપાસવા લાગ્યો, અને ઘણા સમય સુધી પોતાના નાનાજી વિશે વિચારતો રહ્યો.

બસ, હવે તો પૂછવું જ શું ? જીમીને એક પ્રવૃત્તિ મળી ગઈ હતી. બીજા દિવસથી તે સવાર પડે ને ઘરની બહાર નીકળી પડે, અને તે પણ કોટ પહેરીને ! પરંતુ, એક વાતની તેણે કાળજી લેવી પડતી હતી. તેના મિત્રો અને ગામના બીજા લોકોના દેખતાં તેણે હંમેશા ઊંધો કોટ જ પહેરવો પડતો હતો. જીમીને રોજ એક નો એક, અને તે પણ જૂનો અને ઊંધો કોટ પહેરેલો જોઈને ગામનાં બાળકો ચીઢવવા લાગ્યાં.

“ઊંધો ને ચત્તો, કોટ છે એનો સસ્તો " બસ, આમ તેનું ટૂંકું નામ 'ઉચકોએસ' પડી ગયું.

હવે આપણે પણ તેને 'ઉચકોએસ'ના નામથી જ બોલાવીશું ઉચકોએસને બીજા શું કહે છે તેની જરા પણ પડી ના હતી. તે ગામને પાદરે જઈ અને ચત્તો કોટ પહેરી લેતો અને આછું -પાતળું અજવાળું રહે ત્યાં સુધી ઉડ્યા જ કરતો ! નાનાજી વિષે જાણવાની તેની ઉત્સુકતા પણ વધી હતી. કાશ, પોતે તેમની હયાતીમાં મળી શક્યો હોત ! એક રાત્રે ઉચકોએસ અને નાનીમા જમીને બેઠા હતાં.

"નાનીમા, એક વાત પૂછું ? " નાનીમા સાથે મજાક-મસ્તી અને બાળસહજ રમતો કરતા ઉચકોએસને આવો વિચારશીલ જોઈને નાનીમાને નવાઈ લાગી : "બોલને બેટા ?"

"નાનીમા, નાનાજી શું કામ કરતા હતા ?" આ સાંભળીને નાનીમા થોડી ક્ષણો ચૂપ રહ્યાં. આખરે નાનીમા બોલવા લાગ્યાં,

"તારા નાનાજી એક મોટા જાદુગર હતા. જાદુનાં પ્રયોગોમાં તેમની બરોબરી કોઈ કરી શકતું નહિ." ઉચકોએસ ધ્યાનથી સાંભળતો હતો.

"નાનાજીની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ હતી. આપણા ગામની ઉત્તરે આવેલા રાજ્યમાં પણ આ વાત સૌને જાણવા મળી. આ રાજ્યનો રાજા ખુદ પોતે મોટો જાદુગર હતો, અને પોતાનાથી કોઈ ચડિયાતું હોય તે તેને ગમતું નહિ." ઉચકોએસ ને ખૂબ રસ પાડવા માંડ્યો.

"એકવાર એ રાજ્યમાંથી નાનજીને નિમંત્રિત કરવામાં આવ્યા. એ સમયે ત્યાં દુનિયાભરમાંથી જાદુગરોને બોલાવવામાં આવ્યા હતા. જે કોઈ જાદુમાં હારી જાય તેને જેલમાં પૂરી દેવામાં આવતા હતા."

"પછી શું થયું નાનીમા ?"

“નાનાજી ખૂબ જ બહાદુર અને સાહસિક હતા. જાદુની હરીફાઈમાં તેમને કોઈ પહોંચી શકતું નહિ. આથી તે રાજાએ કપટ કર્યું. એક ખેલ દરમ્યાન જયારે નાનાજી પેટીમાં સંતાઈ ગયા, ત્યારે તેમણે એ પેટી જ ગાયબ કરી દીધી ! કહે છે કે આ રીતે તેમને પણ જેલમાં પૂરી દીધા હશે."

ઉચકોએસ આ સાંભળીને ખૂબ આઘાત પામ્યો. તેણે નાનીમાને આશ્વાસન આપતાં કહ્યું, "નાનીમા, તમે ચિંતા કરશો નહિ. હવે હું મોટો થઇ ગયો છું. નાનાજીને હું છોડાવી લાવીશ." આ સાંભળીને નાનીમાની આંખમાં આંસુ આવી ગયાં, અને વહાલથી તેને ભેટી પડ્યાં.

બીજે દિવસે સવારે ઉચકોએસ નાનીમાનાં આશીર્વાદ લઈને નીકળી પડ્યો। ગામને ચોતરે પહોંચીને તેણે ચત્તો કોટ પહેર્યો, અને ઉડતો-ઉડતો પોતાના ગામની ઉત્તરે આવેલા નગરને છેડે પહોંચી ગયો. ત્યાર બાદ તેણે કોટ ઊંધો પહેરી લીધો, અને થોડી ક્ષણોમાં એ નગરના મુખ્ય દ્વાર પાસે જઈ પહોંચ્યો.

જે નગરનો રાજા પોતે જ જાદુગર હોય, તે નગરની વાત શી કરવી ?

જેવો ઉચકોએસ નગરના તોતિંગ દરવાજા પાસે પહોંચ્યો કે આપોઆપ તે ખૂલવા લાગ્યાં. અલબત્ત, તેની બે તરફ ચોકીદાર ઉભા જ હતા.

"એઇ છોકરા, કોનું કામ છે તારે ? તું અહીં શા માટે આવ્યો છે ?"

ઉચકોએસ કંઈ કહે તે પહેલાં જ તેની પાછળ દાખલ થતો એક વટેમાર્ગુ બોલી ઉઠ્યો, "રાજાજીએ કુંવરીબાના સ્વયંવરમાં સૌ જાદુગરોને આમંત્રિત કર્યા છે, તે માટે અમે આવ્યા છીએ." ઉચકોએસે જલ્દીથી હકારમાં ડોકું નમાવ્યું.

ચોકીદારોએ "ઠીક છે" કહીને બંનેને દાખલ થવા દીધા.

ઉચકોએસ વિચારમાં પડી ગયો. આ વટેમાર્ગુ એકાએક ક્યાંથી આવી ચઢ્યો ?

"તમે કોણ છો ?" પાછું વળીને તેણે આ મુસાફર સામે ધ્યાનથી જોયું અને પૂછ્યું. વટેમાર્ગુના વ્યક્તિત્વમાં કંઈ જ અસ્વાભાવિક ન હતું. તે સામાન્ય બાંધો ધરાવતો હતો. લાંબી સફેદ દાઢી અને માથે આછા થતા વાળ તેને એક સંતનો આભાસ આપતાં હતાં. તેણે લાંબો ઝભ્ભો અને પહોળો લેંઘો પહેર્યા હતાં, અને તેને ખભે એક થેલો હતો. માત્ર તેના ચહેરા પર પરિચિતતા દર્શાવતું સ્મિત રમતું હતું.

તેણે જવાબ આપ્યો, "બેટા, હું તો એક મુસાફર છું, અને અવાર-નવાર આ નગરમાં આવતો હોઉં છું. તને જોઈને લાગ્યું કે તું એક સારો છોકરો છે."

ઉચકોએસે બે હાથ જોડીને તેમને નમન કર્યાં. ખરેખર પોતાનો અહીં આવવાનો આશય આ વૃદ્ધને જણાવવો કે નહિ, એનો તે વિચાર કરવા લાગ્યો.

"બાબા, મેં આ નગર વિશે ઘણી પ્રશંસા સાંભળી છે, તેથી અહીં આવવાનું મન થયું. પરંતુ, હું એ બાબતથી અજાણ હતો કે અહીં રાજકુમારીનો સ્વયંવર યોજવાનો છે."

બાબા બોલ્યા, "હા બેટા, અહીંના રાજાએ ફરમાન કાઢ્યું છે કે મારી રાજકુંવરી તેને જ પરણશે, જે મને જાદુમાં હરાવી શકે."

ઉચકોએસ બોલ્યો, "તો તો મારે માટે ભાગ લેવો નકામો છે. મને કોઈ જાદુના પ્રયોગો આવડતા નથી. આ કરતા હું મારે ગામ પાછો જતો રહું !"

બાબા તેની સામે જોઈ રહ્યા. પછી ગંભીર સ્વરે બોલ્યા, "જેવી તારી ઈચ્છા. પરંતુ જો તને ભાગ લેવાનું મન થાય, તો હું થોડી-ઘણી મદદ કરી શકું એમ છું. "

ઉચકોએસ સાંભળી રહ્યો. બાબાએ પોતાના થેલામાં હાથ નાંખ્યો અને ધીમેકથી એક નાની વસ્તુ બહાર કાઢી.

"આ એક તાવીજ છે. તેમાં એવી શક્તિ છે કે તેને હાથમાં રાખીને તમે જે ઈચ્છો એ બની શકો, પછી એ પ્રાણી હોય, વસ્તુ હોય, કે નાનામાં નાની સોય હોય ! "

બાબાએ હાથ લંબાવીને તાવીજ ઉચકોએસના હાથમાં મૂક્યું.

તે માની શક્યો નહિ. “હું તેને ચકાસી જોઉં બાબા ? "

બાબા બોલ્યા, "તું જરૂર ચકાસી શકે છે ! "

ઉચકોએસ ઉત્સાહમાં આવી ગયો. "હે તાવીજ, મને પોપટ બનાવી દે ! " અને એક જ ક્ષણમાં તે પોપટ બની ગયો ! આ તો અલૌકિક કહેવાય ! એક ક્ષણમાં માણસ ને બીજી ક્ષણે પોપટ ! ત્યાર પછી જેવું ઉચકોએસે માણસ થવાનું વિચાર્યું કે તે પોતાના મૂળરૂપમાં આવી ગયો.

"આ તો અદ્ભૂત છે બાબા ! "

બાબાએ સામે આંગળી ચીંધી, "સીધો ચાલ્યો જા બેટા ! સામે જ રાજમહેલ છે !"

ઘડીક વિચાર કરતાં ઉચકોએસને થયું કે "જીવ્યા કરતાં જોયું ભલું ! ચાલને, એક વાર આ દાવ પણ ખેલી લઉં ! "

તેણે તાવીજને સાચવીને કોટનાં ખિસ્સામાં મૂક્યું અને "આપનો ખૂબ આભાર " એમ કહેવા પાછળ ફર્યો, પરંતુ બાબાજી તો ત્યાં હતા જ નહિ ! ગજબ આશ્ચર્ય !

ઉચકોએસ ચકરાવામાં પડી ગયો. ખરેખર પોતે બાબાજીને મળ્યો હતો કે નહિ ? તેણે કોટનું ખિસ્સું તપાસી જોયું. તાવીજ તો મોજૂદ હતું ! ઉચકોએસે હવે વધારે વિચારવાનું માંડી વાળ્યું. આ ચમત્કારી નગરી છે અને અહીં કંઈ પણ બની શકે છે ! વહેલી સવારે તે નગરમાં દાખલ થયો હતો, અને ફરતાં-ફરતાં સાંજ પડી ગઈ. તે છતાં આવી અચરજભરેલી નગરી જોતાં તે થાક્યો નહિ !

રાત્રે ઉચકોએસ ત્યાંની ધર્મશાળામાં સૂઈ રહ્યો અને બીજે દિવસે સવારે તે રાજમહેલ તરફ જવા નીકળ્યો.

દૂરથી ભવ્ય લાગતો રાજમહેલ નજીક જતાં તો અત્યંત રોનકદાર જણાતો હતો.

તેને દરવાજે હાથી ઝૂલતા હતા. તેની ફરતે સ્વર્ગ સામો સુંદર બગીચો અને રંગબેરંગી પુષ્પોથી લદાયેલાં વૃક્ષો નજરે ચઢતાં હતાં. ક્યારેક કોઈ સ્થળે લાગે કે ઝરણું છે, તો ખરેખર તે નાની પગથી પાડેલો રસ્તો નીકળે ! વાતાવરણમાં મધુર સંગીત રેલાઈ રહ્યું હતું.ઉચકોએસે જોયું કે પોતાની સાથે રાજમહેલ તરફ આવવામાં બીજા પણ કેટલાક લોકો હતા, અને અમુક તો દેખાવથી જ જાદુગર જણાતા હતા. સવારનો દરબાર ધીમે-ધીમે ભરાઈ રહ્યો હતો. થોડી વારમાં રાજાજીનું આગમન થયું.

દેખાવમાં હસમુખા અને સરળ લાગતા રાજા ખુદ પોતે જાદુગર હશે એ માનવું અકલ્પ્ય હતું !

આજે તો રાણીબા તથા રાજકુંવરી પણ સભામાં મોજૂદ હતાં. ઉચકોએસ કુંવરીની સુંદરતાને નિહાળી રહ્યો. ત્યાં તો જાહેરાત થઇ, "આજથી રાજકુંવરીબાનાં સ્વયંવરનો શુભારંભ કરવામાં આવે છે. યાદ રહે, તેની શરત મુજબ ઇચ્છુક વ્યક્તિએ એવું જાદુ કરવું રહેશે, જેનો ભેદ રાજાજી પકડી શકે નહિ. તેને માટે દરેકને માત્ર એક જ તક મળશે. નિષ્ફળ થનાર જાદુગરને જેલની સજા મળશે." ઉચકોએસ રસથી સાંભળી રહ્યો.

પ્રથમ ભાગ લેનાર એક વિશ્વવિખ્યાત જાદુગર હતો.

જાદુગરે પોતાની જાજમ બિછાવી અને જોતજોતામાં તેની અંદર જ સમાઈ ગયો. રાજાજી હસતા- હસતા સિંહાસન પરથી ઉભા થયા. તેમણે પાણીથી ભરેલી નાની ટાંકી મંગાવી, અને જાજમને તેમાં પલાળી દીધી. તે સાથે જ જાદુગરે પટાક દઈને બહાર કૂદી જવું પડ્યું ! જાદુગર હારી ગયો હતો, આથી તેણે જેલમાં જવું પડ્યું.

આ પછી વારો આવ્યો એક યુવાનનો. પત્તાંની બાજી તે બહુ ચપળતાથી ગોઠવી શકતો હતો. રાજાજી કહે, "ભાઈ, તારી રમત મને સમજાવ તો ખરો ! " યુવાને જેવું રાજાજીની સામે જોયું કે તે સઘળા જાદુ ભૂલી ગયો !

તેણે પણ જેલના સળિયાની પાછળ ધકેલાવું પડ્યું.

આમ અસંખ્ય જાદુગરો આવ્યા અને બધા જ હારી ગયા. ઉચકોએસને થયું કે આમાં પડવું સારું નથી, માટે અહીંથી હું જતો જ રહું ! એમ વિચારીને તે ઉભો થયો. તેને ઉભો થયેલો જોઈને રાજાજી સમજ્યા કે તે પણ હરીફાઈમાં ભાગ લેવા ઈચ્છે છે. રાજાજી કહે, "આવ યુવાન ! તું પણ નસીબ અજમાવી જો ! " ઉચકોએસ તો ફસાયો ! તે છતાં તેણે હિમ્મત રાખી.

તેણે રાજાજીને નમન કર્યાં અને પોતાનો કોટ ઉતારીને ચત્તો પહેર્યો. આથી તે એક્દમ ઉડવા લાગ્યો. રાજાજી ચમક્યા ! આ તે વળી શું ?

ઉચકોએસે મહેલમાંથી બહાર નીકળીને આકાશમાં અસંખ્ય ઘુમરીઓ લીધી. રાજાજી તેને નજરમાં રાખતાં થાકી ગયા. દરબારમાં બેઠેલા લોકો બહાર દોડી આવ્યા. રાજાજી કહે, " પકડો એને ! " ચોકીદારો ઉચકોએસને પકડવા દોડ્યા.

ત્યાં તો ઉચકોએસે ખિસ્સામાંથી તાવીજ કાઢ્યું, અને બોલ્યો, " મને પીંછું બનાવી દે ! " અને તે એક ઝીણું પીંછું બની ગયો, જે નારી આંખે જોવું અસંભવ હતું. ત્યાર બાદ તે સરકીને રાજાજીના કોટના ખિસ્સામાં બેસી ગયો.

રાજાજીએ આમ જોયું, તેમ જોયું, પણ ઉચકોએસ તો ગાયબ હતો ! આમ ને આમ સાંજ પડી ગઈ. રાજાજી વ્યાકુળ થઇ ગયા. આ છોકરો તો ચાલાક નીકળ્યો !

બીજે દિવસે દરબાર ભરાયો, ત્યારે રાજાજી બોલ્યા, "ભાઈ, બહાર આવી જા !" પરંતુ, ઉચકોએસ તો રાજાજીના ખિસ્સામાં જ ગોઠવાયેલો હતો, તે ત્યાં નો ત્યાં બેસી રહ્યો..

આખરે ત્રીજે દિવસે રાજાજીએ જાહેરમાં કબૂલ કર્યું, "હું મારી હાર માનું છું. તું જીત્યો."

એટલું કહેતાં જ રાજાજીના કોટના ખિસ્સામાંથી પીંછું કૂદીને બહાર પડ્યું, અને ઉચકોએસ આવીને ઉભો ! રાજાજીએ તેને શાબાશી આપી. અને ખુશીથી રાજકુંવરીના વિવાહ તેની સાથે કરવાનું જાહેર કર્યું.

ઉચકોએસ કહે, "રાજાજી બેઅદબી માફ ! મારી એક વિનંતી માનશો ? અત્યાર સુધીમાં હારેલા જાદુગરોને જેલમાંથી છોડી મૂકવા મારી વિનંતી છે."

રાજાજીએ સૌ જાદુગરોને છોડી મૂક્યા. બધાંએ ઉચકોએસનો ખૂબ આભાર માન્યો.

થોડી વારે એક ઘરડા દાદા બહાર આવ્યા. ઉચકોએસ તેમને ઓળખી ગયો, અને "નાનાજી !" બોલીને તેમને વળગી પડ્યો.

રાજાજીએ ઉચકોએસ અને રાજકુંવરીનાં ધામધૂમથી લગ્ન કર્યાં. નાનીમા અને નાનાજી મળ્યા અને તેમણે બંનેને ખૂબ આશીર્વાદ આપ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children