Smita Dhruv

Tragedy

4.5  

Smita Dhruv

Tragedy

પૂજ્ય વહાલા પપ્પાજી...જત લખવાનું કે,

પૂજ્ય વહાલા પપ્પાજી...જત લખવાનું કે,

3 mins
244


પૂજ્ય વહાલા પપ્પાજીની પવિત્ર સેવામાં,

જત લખવાનું કે તમે મજામાં હશો. એટલે કે બધાં હંમેશા કહે છે કે સ્વર્ગમાં તો મજા હોય - ખાવા પીવાનું અને વાદળોની વચ્ચે ફર્યા કરવાનું ! અને સરસ મજાની અપ્સરાઓ આપણું ધ્યાન રાખે ! મારી વહાલી મમ્મી પણ તમારી સાથે જ હશે ને ? તેમને પણ મારાં વહાલભર્યાં પ્રણામ કહેશો.

પપ્પાજી, તમને મારો આગલો કાગળ મળ્યો કે નહીં ? એટલે કે, આગલા ઘણાં બધા કાગળો - તમને તો ખબર છે ને, કે મહિનામાં બે કાગળો હું લખું જ છું ! ના, ડોક્ટર કૌશિકકાકાએ કહ્યું છે એટલે નહીં હોં કે ! મને પણ મન હતું જ, કે તમારી સાથે કાગળ દ્વારા વાતો કરું અને તમારો જવાબ આવે.

 મેં કાગળ લખવાનું કેમ શરુ કર્યું એ જ જાણવું છે ને તમારે ? પણ તમે હવે ફોન ઉપર વાત કરી શકો તેમ નથી. હા, એવું બાજુવાળા પટેલકાકા કહેતા હતાં. તેઓ કહે, "અલ્યા, આખો દિવસ બાપાનો નંબર મોબાઈલ ઉપર કેમ જોડ્યા કરે છે ? હવે એ મોબાઈલ તો મારી પાસે છે, એટલે માથું ખાવાનું બંધ કર."

તમે કેમ મોબાઈલ પટેલકાકાને આપી દીધો ? મને તે બહુ ગમતો હતો. મેં પછી મન મનાવ્યું કે તમારો અવાજ ન સંભળાય તો કંઈ નહીં, પણ મારો સંદેશો તો તમારા સુધી પહોંચશે જ.

પટેલકાકા જ મને ડોક્ટર કૌશિકકાકા પાસે લઈ ગયા હતાં. તમે ભગવાનને મળવા ગયા કે તરત, હા, બે વર્ષ પહેલાં જ. કહે કે, "તારે દાક્તરને બતાવવું પડશે." પપ્પાજી, તમે શા માટે મને ડોક્ટર કૌશિકકાકા પાસે નહોતા લઈ જતા ? તેઓ મને મજાની ચોકલેટ આપે છે, અને મારી સાથે મીઠી-મીઠી વાતો કરે છે. પપ્પા, મગજ ચસકી જવું એટલે શું ? આ તો મેં ડોક્ટરકાકા અને પટેલકાકા વચ્ચે થતી ગુસપુસ સાંભળી એટલે પૂછું છું. ક્યાંક મૂકી આવવાની વાત પણ મેં સાંભળી, કોને મૂકી આવશે ? પછી ડોક્ટરકાકાએ કહ્યું કે " ભલે ને ભૂરિયો તેના પપ્પાને કાગળ લખતો. તેનું મન હળવું થશે, જનમથી જ તેની માં મરી ગઈ છે, એટલે.." એવું-એવું બોલતા હતાં ને બંને ! મને થયું કે આમને મારે વિશે કેટલી બધી ખબર છે !

અને પપ્પા, હવે આપણું ઘર તો એટલું ચોખ્ખું લાગે છે ને ! પૂછો કેમ ? તો તમને જવાબ આપું. તમને ગમતી ફોટોફ્રેમ - જે દાદાજી વિદેશથી લાવ્યા હતાં, અને તેના ચિત્રકારનું નામ પણ મને યાદ છે હોં ! વાન ઘોગ - હા, તે હવે પટેલકાકાના ઘરની દિવાલ પાર લટકે છે. મને કહે, "મારે ત્યાં આ ચિત્ર વધારે સારી રીતે સચવાશે." બહુ ભલા છે હોં, પટેલકાકા ! આપણા ઘરનું કેટલું યે રાચ-રચીલું પોતાને ઘેર સાચવવા લઈ ગયા છે - સંખેડાનો સોફાસેટ, દાદાજીની આરામખુરશી, નવું ટીવી, સંગીત વગાડવાની સિસ્ટમ, રસોઈનાં વાસણો, અરે, ચાંદીનો પૂજાપો પણ હવે તેઓ સાચવે છે. પણ તમે જરાય ચિંતા કરતા નહીં, હું જયારે તેમને ઘેર જમવા જાઉં છું ને, ત્યારે બધું ગણી લઉં છું, કે સહીસલામત તો છે ને ?

એ તો રમાકાકીનો સ્વભાવ થોડો આકરો છે ને, એટલે મને બે શબ્દ કહે, અને ધોલ -ધપાટ પણ મારી દે. તેમનો શું વાંક ? કહે કે, " મફતનું ખાવા આવ્યો પાછો કરમફૂટો, કઈ લેણાદેણી છે રામ જાણે ?" પણ કાકી બહુ સારાં છે, હોં ! ઘણી વખત માંગું તો બીજી રોટલી પણ આપે છે. અને હું પણ તમારો અને મારી માંનો જ દીકરો છું ને ! જમતાં પહેલાં તેમનાં ઘરમાં વાસીદું યે વાળી આપું, પોતાં કરી આપું, અને કપડાં ધોઈને સૂકવી દઉં. હા, વાસણ તો જમીને છેલ્લે માંજું, તે તો પછી જ સાફ થાય ને !

સાચું કહું પપ્પા, તમે ખૂબ યાદ આવો છો, અને તમારી વાતો પણ યાદ આવે છે. તમે નહોતા કહેતા, કે મારે તો તને એન્જીનિયર બનાવવો છે ? તમે મને ભણાવતા, રસોઈ કરીને જમાડતા, સ્કૂલે મૂકવા અને લેવા આવતા, અને વહાલથી સૂવાડતા હતાં.

હું વિચારું છું કે કદાચ કાલે સ્ટેશને જઈને ટિકિટ ચેકરને ભલામણ કરું, કે મને એંજિન ચલાવવા દે- બરાબર છે ને આ વાત પપ્પા ? જો હું ટ્રેનમાં જાઉં અને તમને આ પછી કાગળ લખવામાં મોડું થાય તો મારી ચિંતા કરશો નહીં. ભગવાનની ઈચ્છા હશે તો મને જલદી તમને મળવા જ બોલાવી લેશે.

મારી મમ્મીને પણ હું ખૂબ યાદ કરું છું.કદાચ હું તમને બંને ને મળવા પણ આવી જાઉં - પટેલકાકા પણ અવારનવાર કહે છે, "તારા બાપાની જેમ તને પણ દૂર પહોંચાડી દઉં ને ?" તો તો ખરેખર મજા આવશે ! તમે મને તેડીને ફરજો અને આપણે હસા-હસી કરીશું.

આવજો, આપણે જલદી મળીશું.

તમારો વહાલસોયો દીકરો

ભૂરિયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy