STORYMIRROR

Bharat Thacker

Children Inspirational Romance

2.5  

Bharat Thacker

Children Inspirational Romance

વાંસળી

વાંસળી

6 mins
21.4K


પૂરો ટાઉન હોલ સ્તબ્ધ હતો. જાણે હવામાં પણ સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. કુમાર ભાનુની એ એ દર્દીલી ગઝલ પુરી થઇ ગઇ છતાં શ્રોતાગણ એવું એકાકાર થઇ ગયેલ કે થોડી પળો માટે તેમને એ ખ્યાલ ન રહ્યો કે ગઝલ પુરી થઇ ગઇ છે. અને મંત્રમુગ્ધ અવસ્થામાંથી બહાર આવતા જ પુરો ટાઉન હોલ તાળીઓના અવાજ થી કેટલીયે વાર ગુંજતો રહ્યો. પુરી ગઝલના માર્મિક શબ્દો, પ્રિયતમાની બેવફાઇના પડઘા પાડતા હતા. કુમાર ભાનુએ પોતેજ લખેલી ગઝલમાં શબ્દોને જાણે ઝેર પાયું હતું અને કુમાર ભાનુ એ ગઝલને ગાઇ પણ એવી રીતે હતો જાણે ધીમે ધીમે ઝેર પી રહ્યો હોય. ભગ્ન હદયની નગ્ન ચિતાર હતી એ ગઝલ. કુમાર ભાનુના સુરમાં તુટેલા ઉરનું નાસુર હતું. તેના સાદમાં બરબાદીનો વિષાદ હતો.

હવામાંથી એ ગઝલનો ભાર ધીમે ધીમે ઓગળી ગયો. ચારે તરફથી કુમાર ભાનુની વાહ વાહ થઇ રહી હતી અને એ વાહ વાહની પાછળ કુમાર ભાનુની આહ ઓઝલ થઇ ગઇ. ટ્રેજેડી કીંગ તરીકે ઓળખાતા કુમાર ભાનુના કંઠમાં ગજબની કસક હતી. તેના અવાજની ભિનાશ શ્રોતા વર્ગના શ્ર્વાસમાં નિશ્ર્વાસ ભરી દેતી. તેમાંય આજના શ્રોતાવર્ગમાં બિરાજમાન ઝાઝરમાન વ્યકિતત્વ કરુણાબેનને જોઇને તો કુમાર ભાનુના હદયને જાણે વાચા મળી હતી અને અંદરના ઘુંઘવાટને વાટ મળી હતી. કુમાર ભાનુએ લગભગ ત્રણ વરસ બાદ જોયા કરુણાબેનને અને કુમાર ભાનુ સામે ભુતકાળ તરવરી ગયો.

છેલ્લા ત્રણ વરસોથી ભોગવેલ પીડાએ તેને પીઢ બનાવી દીધો હતો. પણ એ દિવસોમાં તો કુમાર ભાનુ ઉગતો કલાકાર હતો અને તેની કલાને આકાર નહોતો મળ્યો. તેન઼ી સમાજમાં નામના થઇ ન હતી. સુખી ઘરનાં જવાન છોકરામાં જે બેપરવાઇ હોય તે તેનામાં હતી. ત્યારે તેના જીવનમાં આવ્યા હતા કરુણાબેન અને તેમની પુત્રી શિલ્પા. કરુણાબેન સંગીત અને અવાજની દુનિયાની માનીતી હસ્તી અને તેમની પુત્રી શિલ્પા સારી ન્રુત્યાંગના. કુમાર ભાનુને કરુણાબેનની કલા માટે ખુબ આદર હતો અને પોતાને કરુણાબેન ગુરુ તરીકે મળ્યા તેને પોતાનું અહૉભાગ્ય માનતો. કરુણાબેનને ભાનુરુપી હીરાની પરખ હતી પણ હીરાને તરાસવાનું બાકી હતું. કરુણાબેને કુમાર ભાનુ પાછળ ખુબ મહેનત કરી. લાંબો સમય સુધી તેની પાસે રીયાઝ કરાવતા. દરમ્યાનમાં કુમાર ભાનુ અને શિલ્પા વચ્ચે સ્નેહનો સેતુ બંધાતો ગયો. કરુણાબેનને એ બન્ને વચ્ચે પનપી રહેલા કુદરતી પ્રેમનો ખ્યાલ આવી ગયો હતો. સુર અને ન્રુપુરના એ સંગમને કરુણાબેનના મુક આશીર્વાદ હતા. કુમાર ભાનુ અને શિલ્પાની આંખો એ ઘણા બધા સપના સમાવી લીધા હતા અને બનેએ પ્રેમ અને વફાદારીના વાયદાથી સપનાઓને વધાવી લીધા હતા. 

કરુણાબેનને કુમાર ભાનુના અવાજની નૈસર્ગીકતા, ઉંડાઇ અને ભીનાશનો પુરો અંદાજ હતો. પરંતુ આટલી મહેનત છતાં કુમાર ભાનુનો અંદરનો અવાજ તે બહાર ન લાવી શકયા. તેના અવાજમાં જે કશીશ, જે ભીનાશ જોઇએ તે પ્રગટાવી ન શકયા. કરુણાબેનની પુરી મહેનત, પુરી લગન પણ કુમાર ભાનુના અવાજ માં જોઇતી લગન અને અગન ન લાવી શકી. કરુણાબેન થોડા નિરાશ થઇ ગયા.

દરમ્યાનમાં કરુણાબેને મુંબઇ છોડી બેન્ગલોરમાં સેટલ થવાનું નક્કી કર્યુ. કરુણાબેન બેન્ગલોરમાં સેટ થયા, પરંતુ કુમાર ભાનુ અપસેટ હતા. કુમાર ભાનુને દુરી અને મજબુરી બનેં આવી પડ્યા. વફાદારીની વાત કરનારી શિલ્પાનો વ્યવહાર તેને આઘાત આપે તેવો થતો ગયો.

કુમાર ભાનુ તેને જ્યારે મુંબઇથી ફોન કરતો ત્યારે શિલ્પા તેને ટાળી જાતી. તેના પત્રનો યે જવાબ ન આપતી. કલાકો ના કલાકો તે શિલ્પાના વિચારોમાં અટવાઇ જતો. તેને એક એક ક્ષણ, મણ જેવી લાગતી. મનમાં શિલ્પાની છાપ અને જિવનમાં સંતાપ વ્યાપી ગયા. તેનાથી રહેવાયું નહીં અને તેણે બેન્ગલોર જઇને શિલ્પાને મળવા માટે ટિકીટ બુક કરાવી.

પરંતુ, કુમાર ભાનુ બેન્ગલોરની ગાડી ચુકે એ પહેલા શિલ્પાની ગાડી ચુકી ગયો. સમાચાર મળી ગયા કે શિલ્પાએ બેન્ગલોરમાં ત્યાંના મોટા ગજાના ફિલ્મ દિર્ગદર્શકના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે. સમયની એ થપ્પડે તેના સપનાઓમાં આગ લગાવી દિધી. તેણે બુક કરાવેલ બેન્ગલોરની ટિકીટ અને મુંબઇ હતી ત્યારે શિલ્પાએ લખેલ પ્રેમ-પત્રો બનેંને એક સાથે આગ લગાવી ને બાળી નાખ્યા. તેનું, શેષ જિવન જાણે આગમાં થી બચેલ મેશના અવેષશ જેવું થઇ ગયુ હતુ. શિલ્પા તેના જિવનમાં થી ગઇ પણ મનમાં થી ન ગઇ. કુમાર ભાનુને લાગેલ આઘાત એટલો સજ્જડ હતો કે જિંદગી ઉજ્જડ થઇ ગઈ. જાતને લાગેલ આઘાતને આત્મસાત કરી, દીન-રાત પોતાના રીયાઝમાં લાગી રહેતો. હવે તે ગાવાની સાથે પોતાની રચના પણ રચતો થઇ ગયો. દિલના દર્દને, કલમમાં ગાળીને અવાજમાં ઢાળી દેતો. ત્રણ વરસના સમયમાં કુમાર ભાનુ ટોચનો ગાયક થઇ ગયો. તેના અવાજની ભીનાશ લોકોને પલાળી જતી અને અંદરની વેદના અને સંવેદના લોકોને ઝંકૃત કરી નાખતી. કુમાર ભાનુની સમાજમાં ઉંચાઇ અને દિલમાં ગહરાઇ સાથે સાથે વધતી રહી.

ઓટોગ્રાફની માંગણીઓ, પત્રકારોની ફલેશ અને કોલાહલે તેને ભુતકાળમાંથી વર્તમાનમાં પટક્યો. તે સ્વસ્થ થવા માટેનો પ્રત્યન કરતો હતો. એક પત્રકારે તેને પૂછયું, ‘સર, તમે તો સાંભળ્યું જ હશે કે દરેક સફળ પુરુષ પાછળ કોઇ સ્ત્રી હોય છે. તમારા કિસ્સામાં એ ભાગ્યવાન સ્ત્રી કઇ છે?' ત્યારે એક ક્ષણ માટે કુમાર ભાનુના મુખ પર કડવું સ્મીત આવી ગયું અને બીજી ક્ષણે, લોકોમાં કરુણાબેનની સાથે ઉભેલી શિલ્પા સામે જોઇ લીધું અને પત્રકારને કહ્યું; તમે પણ સાંભળ્યું હશે કે સ્ત્રી તારુ બીજુ નામ બેવફા છે. તેના પછી ઇન્ટરવ્યુના રુટીન સવાલો પુછાવા મંડયા. આસ્તે આસ્તે સૌ વિખેરાઇ ગયા. કુમાર ભાનુ પણ ડ્રેસીંગ રુમમા ચાલ્યા ગયા.

થોડા સમય બાદ ડ્રેસીંગ રુમમાં કરુણાબેન અને શિલ્પાએ પ્રવેશ કર્યો. તેમની સાથે કઇ જાતનો વ્યવહાર કરવો તેની અસંમજસમાં કુમાર ભાનુ યંત્રવત ઉભો થયો અને કરુણાબેનને નમસ્કાર કર્યા. કરુણાબેને કુમાર ભાનુની પીઠ થાબળીને તેને હાર્દીક અભિનંદન આપ્યા અને જણાવ્યુ કે આજે મારી શીક્ષા રંગ લાવી ગઇ છે. તારા અવાજમાં જે કશીશ, જે ભીનાશ મને ગુરુ તરીકે જોઇતી હતી તે આજે જોવા મળી. આજે મને સંતોષ છે અને તારા અવાજ માટે ગૌરવ. પરંતુ, સ્ત્રી જાતી માટેની તારી ગેરસમજ દુર કરવા માટે, મારે તને સચ્ચાઇથી વાકેફ કરવો છે.

કરુણાબેને, કુમાર ભાનુને આખી બાબત સવિસ્તાર સમજાવી. તેમણે કહ્યું કે ગાયક તરીકે તારો અવાજ અજોડ હતો તેને હું માપી ચુકી હતી. પરંતુ, મારી બધી મહેનત છતાં તારા અવાજમાં જે દર્દ જોઇએ, જે ચોટ જોઇએ, જે સંવેદના જોઇએ તે ન જગાવી શકી. તારા જેવી સરળ અને સુખી જીંદગી જીવતી વ્યકિત, દર્દની અભિવ્યકિત ન લાવી શકે. જ્યાં સુધી વેદના – સંવેદના – ચોટ – ટીસ – વલોપાત – બેવફાઇ આ બધું અનુભવે નહીં ત્યાં સુધી અવાજમાં તે લાવી શકે નહીં. નવલકથામાં વાચેલ દર્દ, ફિલ્મો ના પડદા પર જોવાયેલી કરુણાંતીકાઓ આપણને ભાવુક બનાવી શકે. પણ, હદયના તાર ઝણઝણતા ન રાખી શકે. તારને પણ જ્યારે ખેંચીને રખાય ત્યારે સીતાર બનતી હોય છે. વાંસ અને વાંસળી વચ્ચે ભેદ તો, છેદનો જ હોય છે. એટલે મેં નક્કી કર્યુ કે તારી જીંદગીમાં પણ એક તોફાન સર્જવું, તને સંવેદનાઓનો સાક્ષાત્કાર કરાવવા માટે શિલ્પાએ બેવફાઇનું નાટક કર્યું. અમારુ બેન્ગલોર શીફટ થવું, એ પણ આ નાટકનો જ એક ભાગ હતો. શિલ્પા તો તને ક્યારનીય મનોમન વરી ચુકી છે. તેના બીજા કોઇ સાથે લગ્ન થયા નથી. તારી કલાને ઓપ આપવા, શિલ્પાએ ઘણો પ્રકોપ સહ્યૉ છે. જેને તું બેવફાઇ સમજી બેઠો છો, તે તો શિલ્પાની સવાઇ વફાઇ છે.

કરુણાબેનની મહાનતાએ એને ભાવ-વિભોર બનાવી દીધો અને આપોઆપ તેનું મસ્તક કરુણાબેનના ચરણમાં નમી પડયું. કરુણાબેન તેને આશીર્વાદ આપ્યા અને ડ્રેસીંગ રુમમાં થી બહાર નીકળી ગયા. ડ્રેસીંગ રુમમાં હવે માત્ર કુમાર ભાનુ અને શિલ્પા હતા. કુમાર ભાનુની આંખમાં સ્નેહની સરવાણીઓ પ્રગટી રહી. અતુપ્ત ધરાને તુપ્ત કરે તેમ બન્નેની આંખોનો વરસાદ તેમના હૈયાને તુપ્ત કરતો રહ્યો.

આમ તો નજરને જ આવરણ હતું;

બાકી તો કારણ જ નિવારણ હતું.


Rate this content
Log in

Similar gujarati story from Children