અનાયાસે
અનાયાસે


સારા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ જ્યારે સમાચાર મળ્યા કે પ્રશાંત અને પ્રજ્ઞાની જોડી ખંડિત થઈ ગઈ. પ્રજ્ઞાના અકાળ અવસાનથી પ્રશાંત શુન્યમનસ્ક અને ક્ષુબ્ધ થઈ ગયો. વિશાદ યોગમાં પીડિત પ્રશાંતને પ્રજ્ઞાની ગ્રુહકાર્ય ક્ષમતા, કુટુંબ ભાવના, સહનશીલતા, સરળ સ્વભાવ અને સ્ફટિક જેવો પ્રેમ દરેક દરેક ચીજ, તેની ગેરહાજરીમાં વધુ પ્રદીપ્ત થઈને યાદ આવતી. પ્રજ્ઞાના સહવાસ વિનાનો જીવન પ્રવાસ એના માટે ત્રાસ બની ગયેલ. હવે એને પોતાનામાં માત્ર આયુષ્ય દેખાતું, ભવિષ્ય નહીં. પત્નીની યાદોને આંસુઓથી તાજી રાખતો. પ્રશાંત અને પ્રજ્ઞાના પ્રેમની એકમાત્ર નિશાની તેમની પુત્રી પૂજા, જે પ્રજ્ઞાની ડુપ્લીકેટ લાગતી હતી એ માત્ર મકસદ હતું તેના જીવવાનું.
પ્રશાંતની હજી ઉમર હતી, સમાજમાં સારુ નામ અને સ્થાન હતું. એટલે થોડો સમય રહીને તેને બીજા લગ્ન કરવા અંગે સમજાવાનો પ્રયત્નો શરૂ થયા. પરંતુ, બીજા લગ્નના સંભવિત જોખમો, ખાસ કરીને પૂજાની જિંદગી ઉપરની સંભાવનાથી ચિંતિત પ્રશાંત નનૈયો ભરી દીધો. બીજું, તેને ખાતરી હતી કે અન્ય કોઈ પણ પાત્ર પ્રજ્ઞાની સરખામણીએ ઉણું ઉતરશે અને જિંદગીમાં સરખામણીનો દોર જિંદગીને વધુ ખરાબ બનાવશે. પોતાની ના છતાંયે એક વડીલે દુરાગ્રહ કરતા, શાંત રહેતા પ્રશાંત એક વાર ઉકળી ઉઠેલ અને વડીલનું અપમાન કરી બેસેલ. ત્યારબાદ બીજા લગ્નની વાત કરવાની કોઈ હિંમત કરતું નહીં.
પોતાની જિંદગીનો પુરો ઢાંચો એણે પુત્રી પૂજાની જિંદગીને અનુરૂપ ગોઠવી જીવવાનું ચાલુ રાખેલ. એક દિવસ તેના ઘેર ઓચીંતી તેની મોટી સાળી સુશીલા પ્રગટ થઈ ત્યારે તેને આશ્ચર્ય થયું. સુશીલા અંગે પ્રશાંત પાસે ખૂબ ઓછી માહિતી હતી. પ્રજ્ઞા એ એટલું જણાવેલ કે તેની મોટી બહેને ઘરમાં બધાને અવગણીને, ઘરેથી ભાગીને, કોઈ મોટા માણસના એકના એક પુત્ર સાથે લગ્ન કરેલ. ઘરવાળાએ સુશીલાથી સંબંધ તોડી નાખેલા. પછીથી એવા સમાચાર થયા કે સુશીલાને તેના વરે ઘરેથી કાઢી મુકેલ અને સુશીલા હરિદ્વારની બાજુ નીકળી ગયેલ.
આ સુશીલા ઓચિંતી પ્રગટ થઈ ત્યારે પ્રશાંતને થોડું આશ્ચર્ય થયું. જો કે તેની રસવિહિન જિંદગીમાં આશ્ચર્ય અને જિજ્ઞાસા ઓછી થઈ ગઈ હતી. સુશીલાનો સ્વભાવ પણ ખુબ સરસ હતો અને સુશીલા અને પૂજા બનેંને એક બીજા વગર ચાલતું નહીં. સમાજમાં ગણગણાટ ચાલુ થઈ ગયો અને પ્રશાંત અને સુશીલાના સંબંધો અંગે વાતો ફેલાવા લાગી. આનાથી ચિંતિત, સુશીલા એક દિવસ ઘેર છોડીને પાછી ગુમ થઈ ગઈ. જીવનમાં આવેલ ઉલ્કાપાતને લીધે પ્રશાંત દરેક ઘટનાને નિર્લેપ ભાવે જોતો થઈ ગયો હતો.
એકવાર પ્રશાંતને ધંધાર્થે મુંબઈ જવું પડયું. કરોડોનો કોન્ટ્રેકટ મળવાથી તે ખુશ હતો અને કોન્ટ્રેકટ ફાઈનલ થવાની ખુશીમાં, ભાવીન સાથે – જે કંપની સાથે કોન્ટ્રેકટ થયેલ તેના મેનેજીંગ ડાયરેક્ટર સાથે – ડીનર હતું. જમતા જમતા, ભાવીને ધંધાદારી વાતોમાંથી અંગત વાતો પર જવાની સહમતી લીધી. ભાવીને એને શરુઆતમાં જ બતાવી દીધું કે તે હવે જે વાત કરવાનો છે, તેમાં ક્યાંય ગોઠવણ નથી, કુદરતી અને અનાયાસે જ બધું થયું છે. જ્યારે ભાવીને પોતાને સુશીલાના ભુતપૂર્વ પતિ તરીકે ઓળખાણ આપી ત્યારે પ્રશાંતને નવાઈ લાગી. ભાવીને તેને બધી વાત સમજાવી. કઈ રીતે સુશીલા પોતાના ઘરનાને મુકીને તેનાથી લગ્ન કરેલ. બન્નેનો જીવન ખૂબ સારી રીતે ચાલતું હતું. પરંતુ ભાવીનના કુટુંબવાળાને પોતાના અબજોપતી કુટુંબ માટે તેમના વારસદાર માટે ખુબ ઉતાવળ હતી. બે વરસ સુધી પણ સુશીલાને જ્યારે બાળક ના રહ્યું, ત્યારે મેડીકલ ચેકઅપમાં એ નક્કી થઈ ગયું કેસુશીલામાં, મા બનવાની લાયકાત ન હતી અને એ ક્યારેય મા નહી બની શકે. આ કમી સિવાય, તેમની જિંદગીમાં કોઈ કમી ન હતી. આટલા ઉંચા ખાનદાનમાં પોતાના કારણે વંશવેલો ન વધે તે વાત સુશીલાને કોઈ કાળે મંજુર ન હતી.
તેણે સામેથી ભાવીનને છુટાછેડા આપવાનું કહ્યું. ભાવીન કોઈ હિસાબે છૂટાછેડા માટે તૈયાર ન હતો. સુશીલાએ ચેતવણી આપી કે જો ભાવીન તેને છૂટાછેડા નહીં આપે તો, તે ગમે તે ખોટું પગલું ભરી બેસશે. ભાવીને સુશીલાને છૂટાછેડા આપવા મજબૂર થવું પડ્યું.
ભાવીને કહ્યું કે જિંદગીમાં સુશીલાને સુખી ન કરી શક્યો તેનું તેને ખુબ દુઃખ છે. પોતે જ ગુનેગાર હોય તેવું એને લાગ્યા કરે છે. તેણે પ્રશાંતને સમજાવ્યું કે તેની જિંદગીમાં જે પરિસ્થિતિ અનાયાસે સર્જાઈ છે અને જે જગ્યા રિક્ત છે તેમાં તે સુશીલાને સમાવી શકે તેમ છે. જ્યારે પ્રશાંતે તેની જિંદગીમાં સુશીલાના આગમન માટે સહમતી આપી ત્યારે આજ સુધી જે વલોપાત ભાવીને સુશીલા માટે સહ્યો હતો તે અશ્રુપાત થઈને ફૂટી નીકળ્યો. નવી જિંદગીના આગમનની ખુશીમાં પ્રશાંત અને ભાવીને હોટલના વેઈટરને રૂપિયાથી નવાજી નાખ્યા.