મા અને માતૃભૂમિ
મા અને માતૃભૂમિ
માધાપરમાં રહેતી એ વીરબાઈ માધાપરિયાને પ્રસૂતિની પીડા ભોગવે હજી વીસ દિવસ થયા હતા અને વીરબાઈને પુત્રી રત્ન પ્રાપ્ત થયું હતું. વીરબાઈ પ્રસૂતિ પછીની તકલીફો વચ્ચે ઝઝુમતી અને માતૃત્વનો આનંદ વચ્ચે ઝુમતી હતી. ભારત અને પાકિસ્તાનના વચ્ચે ત્યારે ચાલી રહેલા એ યુદ્ધમાં પાકિસ્તાન વાયુસેનાના સેબર જેટ અને સ્ટાર ફાઈટર વિમાન ભારતીય આકાશ પર ગાજવા લાગ્યા હતા. બ્લેક આઉટ વચ્ચે બોમ્બના ધડાકાઓથી ધરતી ધણધણી જતી અને છજા પર લગાવેલ દેશી નળીયા જાણે કે તાંડવ નૃત્ય કરતા હોય એવું લાગતું હતું. સાયરનનો તીણો અવાજ પુરા ગામમાં ખોફના વાતાવરણના વમળ સર્જતું હતું.
કચ્છમાં નેપામ પ્રકારના બોમ્બ વર્ષામાં ૬૩ જેટલા બોમ્બ ફેંકાયા અને ભુજ એરપોર્ટ – સૈન્ય એર બેઝ – એર સ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રનવેનું સમારકામ કરવામાં ન આવે તો વિમાનો માટે ઊડવું શક્ય બને નહીં. હવાઈ હુમલાના ઓથાર હેઠળ પણ રનવેની મરમ્મત ખૂબ જ જરૂરી હતી. કલેકટર ઓફિસ અને સરપંચશ્રીને જાણ કરાઈ અને ગણતરીના કલાકોમાં લોકો એકઠા થઈ ગયા બાંધકામ ક્ષેત્રે માહેર ગણાતી મહિલાઓને રનવેના સમારકામની કામગીરી સોંપાઈ અને ગામની મહિલાઓને એકઠા કરવાની ઝુંબેશ ચાલુ થઈ ગઈ.
‘વીરબાઈ તમને હમણાં જ ડિલિવરી થઈ છે, તમે રહેવા દો’ મહિલાઓ એકઠી કરવા નીકળેલ ટીમે વીરબાઈને આગ્રહ કર્યો. જો કે પૂરી ટીમ ને ખબર હતી કે વીરબાઈ ખૂબ સારી કારીગર અને કામ કરતી મહિલાઓની સારી લીડર હતી અને વીરબાઈની હાજરીથી મહિલાઓને જરૂરી પ્રોત્સાહન મળી રહે તેમ હતું. એમ કેમ બની શકે ? આવા સમયે જો હું ન આવું તો તો મારું ધાવણ લાજે અરે મારી કચ્છીયતમાં ધૂળ પડે એટલું બોલીને વીરબાઈ તો પોતાની તાજેતરમાં જન્મેલી પુત્રીને પોતાની દેરાણીને સોંપી
ને જોડાઈ ગયા અન્ય મહિલાઓ સાથે. જેવા વીરબાઈ જોડાઈ ગયા, એટલે મહિલાઓએ ભારત માતાકી જયનો જયઘોષ કર્યો.
માધાપરની ૩૦૦ થી વધારે મહિલાઓને, જે બાંધકામમા નિપુણ ગણાતી, તેઓને પોતાના ઘરેથી પાવડા, ઘમેલા જેવા સાધનો સાથે ભુજ એરપોર્ટ પર લઈ જવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ મહિલાઓને બને એટલી જલ્દી હવાઈપટ્ટીનું સમારકામ કરી આપવા જણાવ્યું અને કામ સાથે સંલગ્ન જોખમોથી સચેત પણ કર્યા.
એરપોર્ટ પર પાકિસ્તાનના હવાઈ હુમલાનું જોખમ હજી ચાલુ જ હતું અને હુમલાની આશંકા વચ્ચે ગમે ત્યારે સાયરન વાગતું હતું. મહિલાઓ ધબાધબ હવાઈ પટ્ટી સમારકામમાં લાગી ગઈ. સમારકામ દરમિયાન જ્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગે ત્યારે એ કારીગર મહિલાઓ દોડીને બાવળના ઝાડ તળે છુપાઈ જતી અને જેવું જ સાયરન બંધ થાય એટલે દોડીને ફરીથી કામે વળગી જતી. ગમે ત્યારે પાકિસ્તાની યુદ્ધવિમાનો ત્રાટકી શકે એવા ખોફનાક જોખમ અને મંડરાતા મોતની વચ્ચે આ બધી વીરાંગનાઓએ માત્ર ત્રણ જ દિવસોમાં હવાઈ પટ્ટી તૈયાર કરી દીધી. અધિકારીઓ તો મહિલાઓની કામ કરવાની આવડત, મહેનત અને બહાદુરી જોતા રહી ગયા. તેમણે તો કહ્યું કે તમારી સરફરોશીની ભાવના અમારી નજર સામે સાકાર થતી જોઈ છે અને જ્યાં સુધી તમારા જેવી વીરાંગનાઓ ભારતમાં છે, ત્યાં સુધી ભારતને કોઈ પણ હરાવી શકે નહીં. ભારતીય વાયુસેનાના વિમાન ફરીથી ભુજ એરપોર્ટથી ઉડાન ભરવા લાગ્યા હતા.
ત્રણ દિવસે વીરબાઈ માધાપરિયા પોતાના ઘરે પહોંચી ત્યારે તેની તાજેતરમાં જન્મેલી પુત્રીએ મસ્ત મજાનું સ્મિત દ્વારા સ્વાગત કર્યું અને વીરબાઈનો બધો થાક ઉતરી ગયો. પુત્રીના સ્મિતમાં એને ભારતની જીત દેખાણી અને એને જાણે કે તેની પુત્રીએ તેનું સન્માન કર્યું હોય તેવું તેને પ્રતીત થયું.