ભાર
ભાર


નયન મામા તમે થોડીક તો તમારી ખ્યાલ રાખો. આવા લોકડાઉન સમયે, આ ઉમરે તમે શું કામ બહાર નિકળો છો અને તે પણ માસ્ક પહેર્યા વગર. ભાણી ડો. નેહાએ પોતાના મામાને પ્રેમ અને હકથી વઢી નાખ્યું. મામાનો અને ઘરનો દેખાવ જોઈને, નેહાને ઘણી બધી ચીજોનું ખ્યાલ આવી ગયું.
નેહાએ મામાનો ચેક અપ કરીને જરૂરી દવાઓ પ્રીસ્ક્રાઈબ કરી આપી. મામા, નેહલ ભાઈ ક્યાં છે ? એમના પાસેથી આટલી દવાઓ મંગાવીને સમયસર લેતા રહેજો.
નેહલનું નામ આવતા જ મામાનું મોઢું વધુ પડી ગયું. એમનો એકનો એક પુત્ર નેહલ સાવ આડી લાઈન પર ફંટાઈ ગયો હતો. દારૂ, જુગાર અને સટ્ટામાં પોતે તો બરબાદ થઈ ગયો હતો અને પુરા ઘરને પણ પાયમાલ કરી નાખેલ. ઘર તરફ નજર નાખતા જ નેહાને ખુબ જલ્દી બધું સમજાઈ ગહ્યું.
નેહાએ જતા જતા મામાના હાથમાં વીસ હજાર રૂપિયા આપતી ગઈ. સ્વમાની મામાની આંખમાં ઝળઝળીયા આવી ગયા.
નેહાને જતી જોઈને નયન ભાઈ ભૂતકાળમાં સરી ગયા. આ જ નેહા જ્યારે જન્મી ત્યારે તેમણે નેહાના પપા – અને પોતાના સાળા નૈષધભાઈને વધામણી આપવાની બદલી એવું કહ્યું કે ‘ આ છોકરી આપણે ત્યાં ક્યાં “ભાર” બની ને જન્મી. મારી ઈચ્છા એવી હતી કે તમારે ત્યાં પણ પુત્ર જન્મે. મારે ત્યાં પુત્ર નેહલ છે, તમારે ત્યાં પણ જો પુત્રે જનમ લીધો હોત તો મજા આવી જાત.
સમયે મામાને એ વાતનો ખ્યાલ કરાવી દીધો કે પોતાની વિચારસરણી કેટલી ખોખલી અને બીમાર હતી. ભગવાનની છબી તરફ એક નજર નાખી અને મામા મનોમન બોલ્યાઃ
સૃષ્ટિની સમતુલાનો નાર છે આધાર,
કેટકેટલાએ ‘ભાર’નો કરે છે એ શણગાર,
નજાકતા ભરી મજબૂતીનો એ છે સાક્ષાત્કાર,
સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જન માટે આભાર, ઓ સર્જનહાર .