લગ્નની મીઠાઈ
લગ્નની મીઠાઈ


અરે ગગા, હર્ષદ તું ક્યારે આવ્યો મુંબઈથી ? તારા તો કોઈ સમાચાર જ ન હતા. વચ્ચે, સાંભળ્યું કે તારા તો લગ્ન પણ થઈ ગયા. બેટા, અમને તો તારા લગ્નની મીઠાઈ પણ નસીબ નથી થઈ.
મોહન કાકા એટલું બધું બોલી રહ્યા હતા કે હર્ષદ ને સમજાતું ન હતું કે ક્યાંથી શરૂ કરું ? મોહન કાકા, હર્ષદના પિતાના મિત્ર હતા અને એમની અવસ્થા પણ થઈ ગઈ હતી. એમના મુખ મુદ્રા પર મીઠાઈ ખાવાની લાલસા સ્પષ્ટ તરી રહી હતી.
કંઈક ગડમથલમાં, હર્ષદે પોતાના થેલામાંથી પેંડાનું એક પેકેટ કાઢ્યું અને મોહન કાકાના હાથમાં મુકતા કહ્યું કે લ્યો કાકા આ મીઠું મોઢું. કાકા તો પેકેટ જોઈને ગદગદ થઈ ગયા અને ઘણા બધા આશીર્વાદ સાથે ઘેર આવવાનું આમંત્રણ આપતા ગયા.
આજે તે મુંબઈથી દોઢેક વર્ષ બાદ પોતાના વતન આવ્યો હતો. તેના જીવનમાં તેની પત્ની હર્ષા પણ એક તોફાનની જેમ આવી હતી અને આંધીની જેમ નીકળી ગઈ.
જલ્દી જલ્દીથી હર્ષા સાથે થયેલા લગ્ન પછી એને બહુ જલ્દી સમજાઈ ગયું કે બંનેનું ટોટલ મિસમેચ હતું, બંનેની રહેણીકરણી અને જીવનશૈલી, બંનેનો સ્વભાવ ઉતર – દક્ષિણ હતા. બંને એકબીજાથી એટલા કંટાળ્યા હતા કે થોડા સમયમાં જ બંને છૂટાછેડા તરફ આગળ વધી ગયા.
ભગવાનમાં ઓછું માનનાર હર્ષેદે, માનતા રાખી કે જો હું આ ત્રાસમાંથી છૂટીશ તો ક્ષેત્રપાળ દાદા સુધી પગે આવીશ અને પેંડા ચઢાવીશ. તેના છૂટાછેડાનો ઓર્ડર થઈ ગયો હતો એટલે દાદાના દર્શને પગે આવ્યો હતો અને મીઠાઈ ધરાવીને પેકેટ પોતાના પાસે રાખ્યું હતું જેથી કેટલા સમય પછી મીઠાઈનો અસલી સ્વાદ માણી શકે.
પરંતુ, મોહન કાકાએ માંગેલ લગ્નની મીઠાઈ તેનાથી અનાયાસે અપાઈ ગઈ. મોહન કાકા ને ક્યાં ખબર હતી કે તેમને મળેલ મીઠું મોઢું લગ્નનું નહી, છૂટાછેડાનું હતું.
બાજુના મોબાઇલમાં કોઈ ગીત સાંભળી રહ્યું હતું :
તુજસે નારાજ નહીં, જિન્દગી હેરાન હું મૈં
તેરે માસુમ સવાલો સે પરેશાન હું મૈ.