Bharat Thacker

Abstract

4.8  

Bharat Thacker

Abstract

પિતા - જીવનનાં હીરો

પિતા - જીવનનાં હીરો

5 mins
578


પ.પૂ. મોટા ભાઈ હરેશ તથા ચી. બિપીન

જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ

આપણા પરમ પૂજ્ય પિતાજીનું જૈફ વયે દુઃખદ અવસાન થયું, ત્યારથી મારા મનમાં, આપણે ત્રણે ભાઈઓ વતી એમની જીવન ઝરમર સમાવતી એક શ્રદ્ધાંજલિ આપવાનો ખ્યાલ રમી રહ્યો છે. મારો આ પત્ર એના સંદર્ભે જ છે. દરેકની જિંદગીમાં પિતા એક હીરો જ હોય છે પણ લગભગ લોકો પોતાના પિતા તરફની કૃતજ્ઞતા દર્શાવી શકતા નથી. આપણા સમાજમાં, પિતા હંમેશ એક લો પ્રોફાઈલ કેરેકટર રહ્યું છે.

જે આભાર, જે કૃતજ્ઞતા પિતાજીને આપણે દાખવવાનું ચૂકી ગયા છીએ, તેને શ્રદ્ધાંજલિમાં સમાવવાનો એક પ્રયાસ છે. બાકી તો પિતાજીનું ઋણ તો આ દુનિયામાં કોઈ ચૂકવી શકે નહીં. છતાં, તેમની શ્રદ્ધાંજલિ મારફતે થોડીક ઋણાંજલી આપવાની ઈચ્છા છે.

મારા મનમાં પિતાજી માટેની જે યાદો છે, મારા પાસે પિતાજી ને લગતી જે અલપઝલપ માહિતી છે તેના આધારે મેં એક શ્રદ્ધાંજલિનો ડ્રાફ્ટ તૈયાર કરીને નીચે અલગથી આપેલ છે. તો આપ બંને ભાઈઓ, આ શ્રદ્ધાંજલિને વાંચી, તેમા જરૂરી સુધારા વધારા અને વેલ્યુ એડિશન કરશો જેથી આ શ્રદ્ધાંજલિ સોશ્યલમીડિયા કે યોગ્ય પ્લેટફોર્મ પર મૂકી શકાય અને એ રીતે આપણે સ્વ.પિતાજીને એક જાતની ઋણાંજલી આપી શકીએ.

મને આશા છે કે મારો આ વિચાર તમને પણ ગમેશે અને તે પ્રમાણે તમે યોગ્ય જવાબ આપશો.

આપનો સ્નેહાધિન ભરત ઠક્કરના જય શ્રી કૃષ્ણ,જય સ્વામિનારાયણ


શ્રદ્ધાંજલિનો ડ્રાફ્ટ

પ.પૂ. પિતાશ્રી ધનજીભાઈ ઠક્કરને તેમના પુત્રો તથા પુત્રવધુઓ તરફથી શ્રદ્ધાંજલિ / ભાવાંજલી /

પ.પૂ. પિતાજીના, ૯૪ વર્ષની ઉમરે અવસાન બાદની ધાર્મિક ક્રિયાઓ પૂરી શ્રદ્ધા સાથે ચાલુ છે. પિતાજીની વિદાયની વસમી વેળાએ સહુ સગા – વ્હાલા તથા સમાજના દરેક તખ્તા એ સધિયારો આપ્યો અને પિતાજી સાથેની તેમની યાદો ને તાજી કરી એ સહુના અમે ૠણી છીએ. પ.પૂ. પિતાજીનું અવસાન થયું ત્યારથી એમની જીવન ઝરમર રોજ રોજ તાજી થયા કરે છે. એમના જીવનની ઝરમર અમને તરબતર કરી જાય છે. તેમના જીવનની થોડી ઝાંકીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો એક નમ્ર પ્રયાસ છે અમારો. આને તમે શ્રદ્ધાંજલિ કહી શકો, ભાવાંજલી કહી શકો કે ૠણાંજલી પણ કહી શકો.

પિતાજી બચપનથી જ નિડર, સ્પષ્ટ વકતા, પરાક્રમી રહ્યા અને એક જાંબાઝ વ્યકિતત્વના આસામી રહ્યા. ખોટુ એમનાથી ક્યારેય સહન થતું નહી. બચપનમા એ પોતાની ટોળી લઈને પુરો ફળીયો ગજવી નાખતા અને દુનિયાભરની રમતો રમતા. હાંડલા ગરબીમા એ જે રીતે ઝૂમી ને રમતા એ જોવો એક લ્હાવો હતો. ઝૂમવું, ઝઝૂમવું અને સહુને ગમવું એ જાણે એમનો જીવન મંત્ર હતો.

પિતાજીના લગ્ન નાની ઉમરે જ થઈ ગયા હતા અને એમના સદનસીબે, અમારી મા ‘ચાંદુ બહેન’ જેવી જીવનસંગીની એમને મળી જેમણે એમનું જીવન ‘સંગીન’ બનાવી રાખ્યું.

મોટા થયા ને, તે સમય ચલણ હતું તદાનુસર, તેઓ પણ રોજીરોટી કમાવા બહાર નિકળી પડ્યા. તેર વરસની ઉમરે તેઓ કંરાચી ખાતે નાનકવાડી મા રહેતા કે જે આજે પણ મોજુદ છે. ત્યાં ની રાજકીય અરાજકતા ને લીધે ત્યાં થી પાછુ આવવુ પડયું. ત્યાર બાદ તેઓ કલકતા ગયા ત્યાં પણ સાંપ્રદાયિક હુલ્લડો ને લઈને ભાગવું પડ્યું. તેના સિવાય નાગપુર રામટેક ખાતે હતા. ૧૯૫૧ – ૫૨ માં કંડલા ખાતે તથા ૧૯૫3-૫૪ માં મીઠા પૉર્ટ ખાતે કેંન્ટીન, ૧૯૫૬મા અંજારનો ધરતીકંપ, ત્યારે બાદ ત્યાંની આવાસ યોજનામાં જોળાવવું. ભુજ ચોક ફલીયાની બંગડીની દુકાનમાં બેસતા. ૧.૫.૧૯૬૦ના રોજ ધંધાર્થે, પોતાના મોટા ભાઈ સ્વ. રામદાસ ભાઈ અને પિત્રાઈ ભાઈ કિશોર ભાઈ સાથે મુંબઈ ગયેલ. એ લોકો ખાલી હાથે મુંબઈ ગયા હતા, તો પણ એ જમાનામાં મુંબઈ જઈ ને ચર્ની રોડ જેવા વિસ્તારમા, રૂપિયા ૨૦૦૦૦/- ની દુકાન પાઘડી એ લીધી અને રેડીમેડ કપડાની દુકાન ‘લિબર્ટી સ્ટોર્સ’ જમાવી લીધી. ભાઈઓ સેટ થઈ ગયા પછી, નાના ભાઈ ચુનીભાઈ ને પણ મુંબઈ તેડાવી લીધા અને બધા એ દિલથી ધંધો કર્યો. પોતાની જવાનીનો જોશ અને હોંશ બધાએ લગાવી દીધા. બધા સંયુકત કુટુંબમા જ રહેતા અને સંયુકત કુટુંબની ભાવનાને ચરીતાર્થ કરી. અમે નાના નાના કુલ્લે નવ ભાઈ બહેન હતા મુંબઈ ખાતે પણ પડોશીઓ ને એ સમજ ન હતી પડતી કે આમા સગા ભાઈ બહેન કોણ છે એટલું તાદાત્મય હતું ત્યારે. અમારી એક સહુથી નાની સગી બહેન બીના હતી. ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યારે બીના અક્સ્માતે, ઘર ઘાટીના હાથે દાદરા પરથી પડી ગઈ અને તેનું મૃત્યુ થયુ. પણ અમારા મા બાપે, પૂરી સ્વસ્થતા સાથે એ લગ્ન પ્રસંગ પૂરો કરાવ્યો.

સમય સમયનું કામ કરતુ રહ્યું. કમાઈ લીધું એટલે બધા ભાઈઓને પોતાનું માદરે વતન ભુજ યાદ આવવા લાગ્યું. મુંબઈની હાર્ડ લાઈફ આસ્તે આસ્તે કઠવા માંડી. તેઓ અમને કહતા કે અમે વહેલી સવારના મલાડથી દુકાન માટે નીકળતા ત્યારે તમે ઊઠ્યા પણ ન હો અને અમે મોડી રાતે ચર્ની રોડ પરથી પાછા વળીએ ત્યારે તમે સૂઈ ગયા હો. આસ્તે આસ્તે બધાએ મુંબઈ થી મન વાળી લીધું અને એક પછી એક ભાઈ પાછા ભુજ આવી પહોંચ્યા.

પિતાજી મુંબઈ થી આવ્યા પછી ઘણા ધંધામાં હાથ અજમાવ્યા. આજના ભુજના હોસ્પીટલ રોડ ઉપર, સોસાયટી પ્રોવીઝન નામની દુકાન ખોલી અને ત્યારે ભુજમાં પહેલી વાર તેમણે ‘હોમ ડિલિવરી’નો વિચાર સાકાર કર્યો. સફળતા નિષ્ફળતા સાથે અલગ અલગ ધંધામા હાથ અજમાવતા ગયા અને સાથે સાથે અમે ત્રણે ભાઈઓ પણ મોટા થતા ગયા. ભુજ મા ધંધાકીય રીતે તેમને ઘણો સંઘર્ષ કરવો પડયો. ભુજની પીપીસી કલબના એ સભ્ય હતા અને ભુજના સાંસદ સભ્ય ડો. મહેતા જોડે તેમને સારુ ફાવતું. ભુજની પીપીસી કલબ એમના ચડાવ ઉતારની, સફળતા નિષ્ફળતાની સાક્ષી રહી.

પ્રોઢાવસ્થામા એમની જિંદગીમાં એક યુ ટર્ન આવ્યો – એમણે જીવનમા ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ નો ભેખ ધરી લીધો. તેઓ શ્રી સ્વામિનારાયણ મંદિર – ભુજમાં જીવનપર્યંત સત્સંગમા પ્રવ્રુત રહ્યા. તેઓ મહંતસ્વામીનો પત્ર વ્યવ્હાર ખુબ જ નિષ્ઠાપુર્વક કરતા. તિર્થાટન માટે તેઓએ સંતો સાથે, પગે પગે દેશભ્રમણ કર્યુ અને સંતોના વચને સત્સંગની ખૂબ સેવા કરી અને હરિભક્ત બની રહ્યા. પિતાજીની પ્રાર્થના સભામા, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા પાઠવેલ શોક સંદેશ એમના સત્સંગની પૂર્તિ કરે છે. 

એમના પુરા જીવન સફરમાં તેમની પત્ની અને અમારી મા ચાંદુ બહેનનો અનેરો સાથ રહ્યો. અમારી મા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો જીવ હતી અને પિતાજીની જિંદગીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવેશ માટે મા જ નિમિત્ત હતી. આમ જોવા જઈએ તો જિંદગીના દરેક ઉઠાક પટાક મા, મારી મા જ એમનું ઓક્સિજન બની રહ્યા. ‘હાથમાં શ્રી સ્વામિનારાયન ભગવાનની માળા અને મુખ પર સ્મિત જાણે એમના જીવનની રીત હતી.’ પિતાજીએ અંતિમ શ્વાસ જે સ્મિત સાથે લીધું તો એવું પ્રતીત થયુ કે ખુદ સ્વામિનારાયણ ભગવાન તેમને અક્ષરધામ ખાતે લઈ ગયા.અમારા મા બાપના જીવનમાં સ્વામિનારાયણ ભગવાનની ઘણી કૃપા રહી હતી અને અમે વારસદારો પણ તેમની કૃપાપાત્ર બની રહ્યા છીંએ.

પિતાજીના અવસાનના એક અઠવાડીયા અગાઉ જ અમે ૪૦ લોકોએ ‘કારા ડુંગર’ ખાતે ફેમીલી પીકનીકમાં પિતાજીને લઈ ગયેલ. પીકનીકમાં રહેલા સહુની કુટુંબ ભાવના જોઈને તેઓ ખુબ સંતોષ પામ્યા અને જાણે કે એ સંતોષ સાથે જ પોતાની જિંદગીની ઈનીંગ પુરી કરવાનો મનુસુબો કરી લીધો અને અઠવાડીયામાં જ રજા લઈ ગયા.

એક જોગાનુજોગ એવો થયો કે અમારા મા અક્ષરધામ ગયા ત્યારે હરેશનો જન્મ દિવસ હતો અને જ્યારે પિતાજી અક્ષરધામ ગયા ત્યારે ચિત્રાનો જન્મ દિવસ હતો.

આજે અમને ત્રણેય ભાઈઓને, વરિષ્ઠ નાગરીક કક્ષાએ પહોંચ્યા ત્યારે પણ મા-બાપની ગેરહાજરી સાલે છે, એવું લાગે છે કે જીવન શૂન્યાવકાશ થઈ ગયું છે.

સ્મશાન વૈરાગ્ય જેવી આ લાગણીઓના પ્રવાહમા હવે ‘દિલ તૂટે છે, યાદો લૂંટે છે અને શબ્દો ખૂટે છે.’

સહુના ૠણ સ્વીકાર સાથે – સ્વ. ધનજી ભાઈ ના પુત્રો / પુત્રવધુઓઃ ભાવના - હરેશ / સંધ્યા - ભરત તથા ચિત્રા - બિપીનના સાદર જય સ્વામિનારાયણ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract