લગોલગ
લગોલગ


બેસતા વર્ષના દિવસે જ ગીધુકાકા દુઃખી, ઉદાસ અને માયુસ હતા. તેમને પથારી છોડવાનું મન જ નહોતું થતું. આમ તો ગીધુ કાકાને દર વરસે દિવાળી અને બેસતા વરસમાં તકલીફો રહેતી. બહોળી જવાબદારી અને સાંકડા પગારની વચ્ચે, ઉત્સવોનો ખર્ચ એમને ખુશીઓને બદલે માયુસી આપતો. તહેવાર અને વહેવારના બે પડ વચ્ચે ગીધુકાકાની આર્થિક ભીંસ કાયમ રહેતી.
આ વખતની દિવાળી અને નૂતન વરસ સુધરી જાય તેવું લાગતું હતું પરંતુ આ વખતે તો ગીધુ કાકા ને સહુથી કારમો ઝટકો લાગી ગયો. તેમની નોકરીની આ છેલ્લી દિવાળી કાળી દિવાળી બની ગઈ.
ગીરધરભાઈ કૈલાશ શીપીંગ કંપનીમાં નોકરી જોઈન્ટ કરી અને મુનીમ – ગીધુકાકાની ઉપલબ્ધી પામી ત્યાં સુધી તો નિવૃત્તિ વય નજીક આવી ગઈ હતી. એમની મુનીમજી સુધીની સફર દરમિયાન આખી જિંદગી આર્થિક સંકડામણ અને ગૂંગળામણ અનુભવી. પોતાની એક પુત્રીના લગ્ન તો તેમણે કરાવી લીધા, પરંતુ, બીજી પુત્રીના લગ્ન માટે આર્થિક સમસ્યામાં ઘેરાયેલા રહેતા.
બરાબર, આ મૂંઝવણના સમયે જ તેમની શીપીંગ કંપનીના માલિકના પુત્ર પંકજ આશા બનીને આવ્યો. પંકજના ઉછેરમાં, ગીધુકાકા સારી ભૂમિકા ભજવેલ. પરંતુ, મેનેજમેન્ટ અભ્યાસ કરવા પંકજ ફોરેન ગયેલ અને તેમના કનેકશન ઓછા થઈ ગયેલા. પછી, ગીરધર ભાઈ ને પણ એમ થઈ ગયું કે પંકજ નવી પેઢીનો છોકરો છે – કેવો નીવડે કોને ખબર ? – પરંતુ આ જ પંકજ જેને ગીરધર ભાઈ નાના શેઠ કહેતા – તેણે ગીરધરભાઈને મુનીમજી સુધીનું સન્માનનીય સ્થાન અપાવ્યું અને ગીરધર ભાઈ ને ગીધુકાકા બનાવ્યા.
મેનેજમેન્ટ અભ્યાસ કરીને આવેલ પંકજ પોતાની શિપિંગ કંપનીને ત્રણ વર્ષમાં ક્યાંય પહોંચાડી દીધી અને કરોડો રૂપિયા કમાવી આપ્યા. પરંતુ, આટલી પ્રગતિ છતાંયે તેની નમ્રતા અને માનવતા બધાને માટે સુખદ આશ્ચર્ય હતી. પંક્જે મેનેજમેન્ટની સાથે માનવતા વણી હતી એટલે પંકજના મેનેજમેન્ટ સામે બીજી મેનેજમેન્ટ વામણી લાગે. ગીધુ કાકા પંકજ માટે એવું કહેતા કે તે મેનેજમેન્ટમાં જેટલો લગોલગ હતો તેટલો જ અલગ હતો અને માનવતામાં જેટલો અલગ હતો તેટલો જ લગોલગ હતો.
ગીધુ કાકાની આર્થિક ભીંસને પામી ચૂક્યા પંકજે એવો નિર્દેશ આપેલ કે જે ગીધુકાકા આખી જિંદગી કંપની માટે ખર્ચી નાખી હતી એ ગીધુકાકાના નોકરીની છેલ્લી દિવાળી સુધરી જશે.
પરંતુ, દિવાળીના વીસ દિવસ અગાઉ વજ્રઘાત થયો. નાના શેઠ પંકજ ભાઈ એક રોડ અકસ્માતમાં માર્યા ગયા. શિપિંગ કંપની અને ગીધુ કાકાની જિંદગીમાં જાણે શૂન્યાવકાશ સર્જાઈ ગયો.
ગીધુ કાકાને નાના શેઠે બંધાવેલ આશા તૂટી ગઈ તેનો અફસોસ ન હતો જેટલો અફસોસ નાના શેઠના અકાળે નિધનનો હતો. અકસ્માતની દોડાદોડીમાં ગીધુ કાકાને સારો એવો અંગત ખર્ચ પણ થઈ ગયેલા તેથી તેમની આર્થિક હાલત વધુ કફોડી થઈ ચૂકેલ. આ બધા કરતા જિંદગીમાં તેમણે પોતાનો અને મુઠી ઊંચેરો માણસ ગુમાવ્યાનો અફસોસ વધુ ફોલી ખાતો.
નવા વર્ષના દિવસે પથારીમાં સુસ્તી અને ઉદાસીનતા અનુભવતા ગીધુકાકા સફાળા ઊભા થઈ ગયા જ્યારે તેમની પુત્રી નિશીતાએ અવાજ આપ્યો, બાપુજી, નાના શેઠાણી પધારેલ છે. સફેદ વસ્ત્રોમાં આવેલ નાના શેઠાણીએ ગીધુ કાકાને પગે લાગીને રૂપિયા ત્રીસ લાખનો ચેક, નાના શેઠની ઈચ્છા પ્રમાણે તેમને આપ્યો ત્યારે ગીધુકાકાને સમજાતું ન હતું કે તે શું આશીર્વાદ આપે ? સહુથી અલગ થઈ ગયેલ પંકજ હજી પણ લગોલગ હતો અને તેની લગોલગ લાગણીએ જે વેદના અને સંવેદના સર્જી હતી તેની સ્પષ્ટ ઝલક નાના શેઠાણી અને ગીધુકાકાના મુખમંડળ પર મંડરાતી હતી.