Bharat Thacker

Drama

4.5  

Bharat Thacker

Drama

સંવેદના

સંવેદના

3 mins
307


સરલાબેનની લાગણી પર કુઠારાઘાત થયો હતો. તેમની આંખો તરવરી ગઈ. આટલા વરસો તેમની મમતા અને સ્નેહનો બદલો આવી રીતે – તેને પારકી ગણી થશે – તેવી તેમને કદી કલ્પના પણ નહોતી. તેમની આંખ સામે એ દશ્ય ફરીફરીને આવતું હતું. તેમના પતિ અનિલ અને લંડનથી આવેલી એના આગલા ઘરની પુત્રી સ્નેહલ કંઈક ગુસપુસ વાતો કરતા હતા અને સરલાબેનના રૂમમાં ઓચિંતો પ્રવેશ કરતા જોઈ ખિસીયાણા પડી ગયા. બાપ – દીકરીના બદલાયેલ હાવભાવથી જ સરલાબેન સમજી ગયા હતા કે બંને વચ્ચે કંઇક રંધાઈ રહ્યું હતું. જો કે સરલાબેને એ વાતનો અંદેશો આવવા ના દીધો કે તેમને કંઈક અજુગતું લાગ્યું છે.

પોતાનાથી પણ અનિલ કાંઈ ખાનગી રાખી શકે છે એ વિચારતા તેમને ખુબ લાગી આવ્યું અને આંખો તરવરી ગઈ. આજે સરલાબેનને એમ થઈ ગયું કે માણસ ગમે તેટલો ભોગ આપે, ગમે તેટલો સ્નેહ વરસાવે, લોહીના સંબંધોથી ઉપજતા વિશ્વાસ જેવો વિશ્વાસ ક્યારેય ઊભો ન કરી શકે. નહિંતર, પોતે શું નતું કર્યું ? અનિલ સાથે જ્યારે પોતે બીજી પત્ની તરીકે લગ્ન કર્યા ત્યારે અનિલને શંકા હતી કે નવી માં પોતાની આગલી પત્નીની પુત્રી સ્નેહલને મા નો પ્રેમ નહીં આપી શકે. પરંતુ, સરલાબેને દરેક શંકા ખોટી ઠેરવી. તેણે સ્નેહલને એટલો જ પ્રેમ કર્યો જેટલો તેણે પોતાના સગા પુત્ર મહેન્દ્રને કર્યો. એક મા પોતાની પુત્રીને જેટલો સાચા દિલથી પ્રેમ કરે તેટલો જ નિર્મળ પ્રેમ તેણે સ્નેહલને કર્યો. સ્નેહલના લગ્ન પ્રસંગે, સરલાબેને પોતાના ખાસ્સા એવા દાગીના કાઢી નાખ્યા હતા જેથી સામેવાળાની હેસીયત પ્રમાણે પ્રસંગો સાચવી અને ઉજવી શકાય. સ્નેહલ પણ સરલાબેનથી ખુબ ખુશ રહેતી.

લગ્ન બાદ તો સ્નેહલ પોતાના પતિ સાથે લંડન સેટલ થઈ ગયેલ. હાલમાં થોડો સમય ફરવા માટે ભારત આવેલ. એક તો સરલાબેન પોતાના એકના એક પૌત્ર – મહેન્દ્રના પુત્ર ચિરંજીવી – ની વારંવાર ખરાબ રહેતી તબિયતથી ચિંતિત રહેતા અને તેમાં તેના જેવી લાગણીશીલ સ્વભાવની વ્યક્તિ સાથે આવો અવિશ્વાસનો પ્રસંગ થયો.

ચિરંજીવીને, સ્નેહલની પુત્રી ઊર્મિ સાથે ખુબ મજા આવતી. ચિરંજીવી ને બે ત્રણ માસ ફરવા માટે લંડન લઈ જવું એવી સ્નેહલની ઈચ્છા અને કુટુંબની મરજી સામે સરલાબેને ઝૂકવું પડ્યું. એ ત્રણ માસ સરલાબેનને પોતાના પૌત્ર ચિરંજીવી વગર જીવવા આકરા થઈ પડ્યા.

પરંતુ, ત્રણ માસ બાદ જ્યારે મહેન્દ્ર ચિરંજીવીને લઈને પાછો આવ્યો ત્યારે જ સરલાબેનને સાચી હકીકતની જાણ થઈ અને એમના સુસ્ત થઈ ગયેલ હૈયામાં ફરીથી હેતની હેલી લહેરાઈ. વાસ્તવમાં, ચિરંજીવીની વારંવાર ખરાબ થતી તબિયતનું કારણ તેને થયેલ બ્લડ કેન્સર હતું જેની સારવાર ભારતમાં જોખમી હતી. આ બ્લડ કેન્સરની જાણ સરલાબેનને ના થાય અને લંડન લઈ જઈ તેની સુરક્ષીત સારવાર થઈ જાય તે અંગેનું માળખું ગોઠવવા જ સ્નેહલ પોતાના પિતા સાથે ગુસપુસ કરતી હતી જેનાથી સરલાબેનને સહેજે ગેરસમજ થયેલ. ચિરંજીવીની સફળ સારવાર બાદ મહેન્દ્ર તેને ભારત પાછો લાવેલ.

સ્નેહલે મોકલેલ પત્ર વાંચતા, સરલાબેનને પોતાની જિંદગી અને સમર્પણ સફળ થયા હોય એવું લાગ્યું. તેમણે કહ્યું હતું કેઃ

પ્યારી મમ્મી

મને મારી સાચી મા તરફથી પણ તારા જેટલો સ્નેહ મળી શકત કે કેમ તેની મને ખબર નથી. અજાણતા પણ તને પહોંચાડેલ દુઃખ બદલ મારા દિલને ખૂબ લાગી આવેલ. મને ક્ષમા કરશો એવી આશા રાખું છું. ભગવાન પાસે એટલું માંગુ છું કે આવતા જન્મે તમે મારી સગી મા બનો.

સરલાબેનની આંખો આ વખતે પણ તરવરી ગઈ – પરંતુ પ્રેમ અને ખુશીના કારણે.


Rate this content
Log in

Similar gujarati story from Drama