સમજદાર
સમજદાર


કેટકેટલી યાદો ઘેરી વળી હતી મહેકને પિતાજીના મૃત્યુ પર. પિતા સાથે પ્યાર – ટકરાવ – પ્યારની ઘટમાળ સામાન્યતઃ દરેકની જિંદગીનો એક ભાગ હોય છે. ચિંતામાંથી પ્રગટ થઈ રહેલી અગ્નિમાંથી મહેકને પિતા સુનિલની છબી, ચિત્તમાં લબકારા લઈ રહી હતી. પાછળ ઊભેલા લોકોની વાતોમાંથી એને કાને અવાજ સંભળાયો કે ખરેખર, સુનિલ ભાઈ જેવા સમજદાર વ્યક્તિ સમાજને મળવા મુશ્કેલ છે.
ખરેખર, સુનિલભાઈએ સમાજમાં કેટકેટલાયે ઘરને વેરવિખેર થતા અટકાવ્યા હતા. એમની સમજે, કેટલા લગ્ન વિચ્છેદ અને ભાંગતા કુટુંબોને અટકાવ્યા હતા. બીજાની ક્યાં વાત કરવી, મહેક પોતાની જિંદગીમાં જે શાંતિ સ્થાપિત થઈ હતી તેમાં પણ સુનિલ ભાઈની સમજદારી અને સમર્પણ કારણભૂત હતા.
તેને યાદ આવી ગયું કે પિતા કેવી સહજતાથી પોતાના ઘરથી અલગ થવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી. મહેકની પત્ની માયાને એની સાસુ નિયતી જોડે ફાવતું નહીં. બને સાસુ- વહુની અંટસ અને ટકરાવમાં મહેક ખુબ જ મુંઝાતો અને સેન્ડવીચ બની રહેતો. સુનિલ ભાઈ મહેકની આ પરિસ્થિતિ સમજતા હતા અને સુલેહ માટેના, શાંતિ માટેના બધા જ પ્રયત્નો કરતા.
એક દિવસ સુનિલભાઈએ મહેકને સામેથી બોલાવીને કહી દીધું કે બેટા તું અલગ થઈ જા, તું સ્વતંત્ર રહે એમાં જ બધાની ભલાઈ છે. નિયતી અને માયા બનેંમાં સ્ત્રીસહજ નબળાઈઓ છે. તારી મા સાથે મેં આખી જિંદગી કાઢી છે અને મને તેના સ્વભાવનો સુપેરે ખ્યાલ છે. નાની નાની વાતોમાં એ જિદ કરતી રહેશે અને રોજ મનદુખ સાથે જીવવું પડશે. તારી અલગ રહેવાની વ્યવસ્થા મેં કરી લીધેલ છે. બેટા હું ભલે તારાથી અલગ હોઈશ પણ તું મને હંમેશા તારી લગોલગ જ જોઈશ. સ્વતંત્ર રહેતા મહેકની જિંદગીમાં, મને – કમને આસ્તે આસ્તે બધું ગોઠવાઈ ગયું અને જિંદગીએ એક રફતાર પકડી લીધી.
પિતાની યાદમાં એની આંખો દિલથી તરવરી ગઈ. પિતાની ચિતામાંથી બનેલી ભભૂત એણે પોતાના માથા પર લગાવી અને પિતાની સમજદારી પર અભિભૂત થઈ ગયો.