સાહસ
સાહસ
" આજનો વિષય છે : ચેલેંજ. જેણે જીવનમાં સૌથી ચેલેંજિંગ કામ કર્યું હોય, સૌથી મોટું સાહસ ખેડ્યું હોય એ વિજેતા. "
હું કાન સરવા કરીને વિષય સાંભળી રહી હતી. દર શુક્રવારની જેમ હું અત્યંત આતુર હતી. આજનો વિષય શું હશે એ જાણવા અતિ ઉત્સાહિત હતી. એક દિવસ તો મારે વિજેતા બનવુંજ હતું. પરંતુ એ બોલવા જેટલું સહેલું જરાયે ન હતું. વિષયની ઘોષણા થતાંજ મારો ચહેરો ઉતરી ગયો. આ વખતનો વિષય તો ખુબજ કઠિન હતો. સામે બેઠી યુવા પેઢી સામે આ વિષય ઉપર તો સ્પર્ધામાં ઉતરાયજ નહીં. મેં આ વખતે પણ મનોમન હાર સ્વીકારી લીધી. છતાં પણ આજનો વિજેતા કોણ બનશે એ જાણવાની ઉત્કંઠતા દર વખત જેવીજ તત્પર હતી.
મારી ઓર્ડર કરેલી બ્લેક કોફી ટેબલ ઉપર આવી પહોંચી.
"થેન્ક યુ..."
એક વિશાળ હાસ્ય જોડે મેં મારા નિયમિત વેઈટરનો આભાર વ્યક્ત કર્યો અને બદલામાં મને એનું પરિચિત નિયમિત હાસ્ય ભેટમાં મળ્યું. વેઈટરના જતાજ મારી નજર ફરી સામે રાઉન્ડ ટેબલ ઉપર બેઠા કોલેજના યુવા જૂથ ઉપર આવી ગોઠવાઈ.
સ્પર્ધા શરૂ થઈ ચૂકી હતી અને હું એક ઉત્સાહિત ફરજનિષ્ઠ દર્શક સમી એ નિહાળવામાં વ્યસ્ત થઈ. હું તમને મારાથી અને સ્પર્ધાથી માહિતગાર કરવાનું તો ભૂલીજ ગઈ. મારુ નામ ફાલ્ગુની. વ્યવસાયે એક શિક્ષક. કૉફીશોપના પડખેજ મારી શાળા. કોફીની હું દિલોજાનથી એડિક્ટ. કોફીના મારા વ્યસનને કારણેજ હું શાળાની રીસેસ બ્રેક દરમ્યાન કોફી શોપ ઉપર આવી પહોંચું. દરરોજ કોફીની મજા માણી હું ફરી મારી ફરજ ઉપર પરત ફરું. પણ શુક્રવારના દિવસની મજાજ કંઈક જુદી હોય. નજીકની એક કોલેજના કેટલાક યુવા વિદ્યાર્થીઓ કોફીશોપ ઉપર નિયમિત ભેગા મળે. ૧૮ થી ૨૦ વર્ષ વચ્ચેની આયુના યુવક યુવતીઓ. મારી ઉંમર તો સામાજિક પરિપક્વતાની નિશ્ચિત આયુ વર્ગ ઉપર પહોંચી ચૂકી હતી. ૪૦ વર્ષ. જોકે ઉંમર જોડે પરિપક્વતા આવે એ વિચારશ્રેણી મને બહુ ફાવતી નહીં. પરિપક્વતા ઉંમર જોડે નહીં અનુભવો જોડે આવે એવું મારુ માનવું. એટલે મારી દ્રષ્ટિમાં ચાની લારી ઉપર કામ કરતો આઠ વર્ષનો દીપુ મારી પડોશમાં રહેતા પચાસ વર્ષના શ્રીમાન મહેતા કરતા વધુ પરિપક્વ.
લોકો કહે છે જૂની પેઢી પાસે અનુભવ હોય એટલે યુવા પેઢીએ એમને સાંભળવા જોઈએ. પરંતુ મને એ ફક્ત વન સાઈડેડ ટ્રાફિક જેવું લાગે. બન્ને તરફથી રસ્તા ખુલ્લા હોય તો વિચારોની અવરજવર બ્લૉક ન થાય. યુવા પેઢી પાસેથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. પણ એ શીખવા માટેની દીર્ઘ દ્રષ્ટિ અને મોટું મન હોવું જોઈએ આ સો કોલ્ડ 'પરિપક્વ' પેઢી પાસે. મારી પાસે એ ધીરજ અને દ્રષ્ટિકોણ હતાં. પહેલેથી તો નહીજ. પરંતુ મેં ધીમે ધીમે એ કેળવ્યા હતાં. કારણકે એમાં ફાયદો મારોજ હતો. મારા ચરિત્રના વિકાસ માટે સતત શીખતાં રહેવું ખુબજ જરૂરી હતું અને એ શિક્ષણ હું ફક્ત વડીલ પેઢી પાસેથીજ લઉં તો મારો વિકાસ ચોક્કસ મર્યાદિત થાય. એટલે મેં તો વિશાળ હૈયા જોડે દરેક બારણાં ઉઘાડા રાખ્યા હતાં. દરેક પેઢી પાસે શીખવા લાયક કંઈક ને કંઈક હોય જ છે અને આ યુવા પેઢી પાસે તો ક્રિએટિવિટી, ઈનોવેશન કહોકે સર્જનાત્મકતા, પારદર્શિતા, સાહસનો અખૂટ ભંડાર પડ્યો છે. એમની સાથે સમય ગાળવાથી એક જ દાયકા ઉપર અટકી પડેલું જીવન રિચાર્જ અને અપડેટ જરૂર કરી શકાય. દર શુક્રવારે એ કોલેજના યુવક યુવતીઓને નિહાળી, એમની વાતો સાંભળી, એમની ચર્ચાઓનો પરોક્ષ હિસ્સો બની હું પણ મારું જીવન નિયમિત ચાર્જ અને અપડેટ કરી નાખતી.
સૌથી વધુ રસમય બાબત તો એમની એ સ્પર્ધા હતી જે દર શુક્રવારે યોજાતી. એ સ્પર્ધાની વિશિષ્ટતા એ હતી કે એમાં એમના જૂથના સભ્યો જોડે કોફીશોપમાં હાજર કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકતું. જૂથ તરફથી એક વિષય નિર્ધારિત થતો. એ સ્પર્ધા જીતનાર વ્યક્તિએ પોતાના બિલની ચૂકવણી કરવી પડતી નહીં. એ ચૂકવણી યુવક યુવતીઓ કરી નાખતા. એ બહાને કોફી શોપમાં હાજર દરેક વ્યક્તિ જોડે તેઓ ઈન્ટરેક્ટ કરતાં. પોતાની ચર્ચાઓમાં દરેક હાજર વ્યક્તિને હિસ્સો બનાવી લેતા. સંબંધ સેતુ જોડવાનો કેવો સર્જનાત્મક માર્ગ !
મારું સ્વપ્ન હતું એ સ્પર્ધા જીતવાનું. પ્રશ્ન એક કોફીના બિલનો ન હતો. કદાચ મને પોતાની જાતને પૂરવાર કરવું હતું. પેઢીના અંતરો વચ્ચે મારે એક સેતુ રચવો હતો. મૈત્રીનો, સહભાગીતાનો. જે મંચ એ યુવા ધડકનોએ પૂરું પાડ્યું હતું મને એનો સદુપયોગ કરવો હતો. પરંતુ આજના વિષયે ફરી મને નિરાશ કરી નાખી હતી. 'સાહસ ' અને હું ?
હું સ્વભાવે જ ભારે ગભરુ પ્રકૃત્તિની. બાળપણથીજ. રાત્રે મારા ઓરડાની ટ્યુબલાઈટ આખી રાત ઓન જ હોય. હું કદી હોરર ફિલ્મ ન જોઉં. અને જો ભૂલેચૂકે જોવાઈ જાય તો પછી ઘરે એકલી હોઉ ત્યારે એની આખી વાર્તા, પ્લોટ, સબપ્લોટ, પાત્રો અને ઘટનાઓ બધુજ યાદ કરી ધ્રૂજતી રહું. લીફ્ટમાં તો હું પ્રવેશું જ નહીં. કેટલા પણ માળ કેમ ન હોય. હું લાંબી લાંબી દાદરોનો થાક સ્વીકારી લઉં. લિફ્ટ અચાનક બંધ પડી જાય તો ? કે પછી એના તારથી છૂટી થઈ....આગળ વિચારવા જેટલો સાહસ પણ મારી પાસે હાજર નહીં. ઊંચાઈના ડરના કારણે હું ઘરના ટેરેસ ઉપર પણ માંડ માંડ જતી તો અન્ય ઊંચાઈ સાથે સંકળાયેલા સાહસ તો વિષય બહારની જ વાત. બાઈક, ઓટો, બસ કે ટેક્ષીની ઝડપ સામાન્ય કરતા થોડી વધે કે મારા અંતરના ધબકારની ઝડપ હદ વટાવી જાય. હું બાળપણમાં ચકડોળમાં બેસું કે વોમીટનો વરસાદ કરું. આજ સુધી મને ચકડોળ માટે કોઈ મોહ ઉપજ્યો ન હતો. ચકડોળમાં આનંદ માણી રહેલા બાળકોને જોઈ હું તાણ અને પરસેવાથી નહાઈ જતી. ઘરમાં એક વાંદો કે ગરોળી જોઈ લઉં તો મારી બૂમાબૂમથી આખો મહોલ્લો ગજાવી મૂકું. ડૂબી જવાના ભયે હું સ્વિમિંગ પણ ન શીખી. અંધકાર, ઊંચાઈ, ઊંડાણ, ઝડપ. ' સાહસ ' જોડે સંકળાયેલા દરેક પાસાઓ જોડે મારો ૩૬ નો આંકડો હતો. આ વખતની સ્પર્ધા હાથમાંથી જતી રહી હતી. આમ છતાં સ્પર્ધા અને વિજેતા અંગેનો રસ અકબંધ હતો. કોફીનો ઘૂંટડો ભરતા ભરતા મારું સંપૂર્ણ ધ્યાન સામે તરફના રાઉન્ડ ટેબલ ઉપર કેન્દ્રિત હતું.
" માઉન્ટેન બાઈક રાઈડિંગ. "
યુવકના ચહેરા ઉપર ગર્વ અને નિડરતા એકીસાથે પ્રતિબિંબિત થયા.
બાપ રે બાપ. પહાડ અને બાઈક એ બે શબ્દો એક જોડે મનોમન પ્રયોજતાં જ મારું મન કાંપી ઉઠ્યું.
" બન્જી જમ્પ ફ્રોમ હેલીકૉપટર "
યુવતીના મોઢ
ે નીકળેલા શબ્દોથી મને એના ઉપર અનન્ય ગર્વ થઈ આવ્યું. પણ ૨૦ વર્ષની યુવતીને ઈલાસ્ટીક દોરા વડે બંધાયેલા પગ સાથે માથાથી પગ સુધી વિરુદ્ધ દિશામાં હવામાં આભની ઊંચાઈએ થી ઉપર - નીચે હિંચકા ખાતી અનુમાન કરતાજ મારા શરીરના રુંવાડા ઊભાં થઈ ગયા.
" અન્ડર વૉટર ડાઈવિંગ "
યુવકના હાવભાવોમાં અનેરી ખુમારી હતી અને હોવીજ જોઈએ. અંધકાર ભર્યા સમુદ્રના ઊંડાણોમાં માછલી જેમ શ્વાચ્છોશ્વાસ જોડે કબડ્ડી કરતા કરતા તરવું એ સહેલું ખરું ? હું તો વિચારથીજ ગૂંગળાઈ ઉઠી.
" પેરા સેલિંગ. "
યુવકે બધાની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવતા એ રીતે કહ્યું જાણે એનાથી વધુ પડકારયુક્ત સાહસ કોફીશોપમાં હાજર કોઈ પણ વ્યક્તિએ કર્યુજ ન હશે. કોઈ નાવડી જોડે બંધાયેલા તારથી હવામાં પેરાશૂટ ઉપર લટકતા રહેવું અને એ પણ પેરાશૂટ ઉપર પોતાનું કોઈ નિયઁત્રણ જ નહીં. પોતાનો જીવ અન્યના હાથમાં આમ સોંપી દેવો એનાથી વધુ પડકારયુક્ત સાહસ અન્ય કયુ હોઈ શકે ? મારું મન પણ મૌન સમર્થન આપી રહ્યું.
એ પડકારને પડકાર આપતા એક યુવક અને યુવતી એકજોડે બોલી પડ્યા.
" પેરાગ્લાઈડિંગ "
બન્નેએ જે રીતે એક એક હાથ વડે તાળીની વહેંચણી કરી એ ઉપરથી હું અનુમાન સાધી રહી. નક્કી બન્નેએ સાહસ સાથે ખેડ્યું હશે. પેરાસેલિંગવાળા યુવકે એ રીતે ગરદન હલાવી હામી પુરાવી જાણે બન્નેએ એને સાચેજ ઓવરટેક કરી નાખ્યો હતો. થોડા સમય પહેલા મૌન સમર્થન આપેલ મારું મન ફરી પલટ્યું. કોણે કહ્યું, માનવી ઉડી શકતો નથી. ધગશ હોય તો અશક્ય પણ શક્ય બનાવી શકાય. પેરાશૂટ વડે કોઈ પણ પ્રકારના અન્ય સહકાર વિના જ પંખી જેમ ઊંચે આભમાં વિહરવું. કાળજું જોઈએ. જો પેરાશૂટમાં કોઈ પણ તકનીકી ગરબડ થઈ તો ગયા કામમાંથી. મારું હૈયું ફરી એકવાર ધબકાર છોડી ગયું.
એજ ક્ષણે કૉફીશોપના એક શાંત ખૂણામાંથી એક વૃદ્ધનો અવાજ ઊંચો ઉઠ્યો.
સંબંધ સેતુ ! આજ ધ્યેય હતું સ્પર્ધાનું. ધ્યેય સિદ્ધ થતા નિહાળી યુવક યુવતીઓ મલકાઈ ઉઠ્યા.
" યુવાન હતો ત્યારે મેળામાં મોતના કૂવામાં બાઈક ચલાવતો હતો. "
યુવક યુવતીઓના ભવાં વિસ્યમમાં ઉપર ઉઠ્યા. હું મારી નજર સામે જાણે વિજેતાને નિહાળી રહી. બાળપણમાં હું માતાપિતા જોડે મેળામાં જતી. મોતના કુવામાં ગોળ ગોળ અતિ ઝડપે ચક્કર કાપતી એ ફટાકડા જેવા સ્વરવાળી મોટરબાઈક મારી સ્મૃતિમાં ફરી ભમવા લાગી અને મને વર્તમાનમાં પણ ચક્કર ચઢી ગયા. મોતનો કૂવોજ તો હતો એ. ક્યારેક માનવીને પેટ ભરવા માટે જાનની બાજી પણ લગાવવી પડે છે.
વિચારોમાં ખોવાયેલી મારી જાત સતર્ક થઈ ઊઠી. મોબાઈલની રિંગ હતી એ. મેં તરતજ ફોન ઉપાડ્યો. એક નજર ઘડિયાળ ઉપર કરી. રીસેસ પૂરી થવામાં પાંચ મિનિટ જ બચી હતી.
" વ્હોટ ? રિયલી ? ઈટ્સ અનબિલીવેબલ ! હા, હું આવું છું. "
મને ખબર પણ ન પડી કે ઉત્સાહમાં હું ક્યારે ઊભી થઈ ગઈ. મારો ઊંચો ઉઠેલો અવાજ આખી કૉફીશોપમાં ક્યારે ગુંજી ઉઠ્યો. સામે ચાલી રહેલી સ્પર્ધામાં મારા ઊંચા અવાજથી વિઘ્ન પડ્યું હતું. બધી જ નજર મારી ઉપર સ્થિર હતી. એ દ્રશ્ય નિહાળતાંજ હું છોભીલી પડી. માફી માંગવા સિવાય અન્ય કોઈ માર્ગ ન હતો.
" આમ સોરી. એક્ચ્યુલી મારો ફોન..... મને સમાચાર મળ્યા.....મારી એક વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ સ્પર્ધા જીતી છે....હેન્ડરાઈટિંગ કોમ્પિટિશન.....સો....."
તૂટક તૂટક વાક્યો વડે હું મારા અતિ ઉત્સાહિત હાવભાવો અંગે સફાઈ આપી રહી. મારા શબ્દો થકી કૉફીશોપનો સન્નાટો વધુ ઘેરો બન્યો. થોડા સમય પહેલા સાહસની યાદી બનાવવામાં વ્યસ્ત યુવક યુવતીઓને એક હેન્ડરાઈટિંગ કોમ્પિટિશનમાં રસ ક્યાંથી પડવાનો હતો ? મારા ઓવરરિએકશન તરફનું એમનું રિએક્શન લાજમી હતું. એમના વિસ્મિત હાવભાવોથી હું વધુ ઝંખવાણી પડું એ પહેલા વેઈટર બિલ લઈ મારી દિશામાં આવ્યો. એ જાણતો હતો મારો શાળાએ પરત થવાનો એ નિયત સમય હતો.
મારી સફાઈમાં મેં એક અંતિમ વાક્ય ઉમેર્યું.
" મારી વિદ્યાર્થીનીના હાથ નથી. એ પગથી લખે છે. "
યુવક યુવતીએ અંદરો અંદર હાવભાવોની અદલાબદલી કરી. પેરાગ્લાઈડિંગ વાળો યુવક ઉઠીને મારી આગળ આવી ઊભો રહી ગયો. વેઈટરના હાથમાંથી એણે બિલ લઈ મને એક પ્રશ્ન પૂછ્યો.
" આ કાર્યક્ષેત્ર પસંદ કરવાનું કારણ ?"
કૉફીશોપની દરેક નજર મારો ઉત્તર સાંભળવા તત્પર હતી.
" શારીરિક ક્ષમતા જોડે વિશ્વનું કોઈ પણ સાહસ ખેડી શકાય પણ શારીરિક અંગોના અભાવમાં બેસવું, ઉઠવું, બોલવું, સાંભળવું, ચાલવું, દોડવું, લખવું, પકડવું કે કેટલીક વાર તો પેશાબ કે જાજરૂ જેવા રોજિંદા જીવનના કાર્યો પણ પહાડ ચઢવા કરતા વધુ ચેલેંજિંગ હોય છે અને એ અંગે તાલીમ આપવી એ એનાથી પણ મોટું ચેલેંજ ......"
' ચેલેંજ ' શબ્દ ઉપર પહોંચતાજ મારો અવાજ અત્યંત ધીમો થતા થતા અટકી પડ્યો. અચાનક અંતરમાં હું જાણે ગાઢ નિંદ્રામાંથી જાગી ઊઠી. મને પહેલીવાર અનુભવાયું કે મારી કારકિર્દી કેટલું મોટું સાહસ છે ! થોડા સમય પહેલા મનમાં જન્મેલી લગુતાગ્રંથિથી હું છૂટી થઈ પડી.
યુવકે મારા બિલની ચૂકવણી કરતા વેઈટરને પૈસા આપતા- આપતા ફરી એક પ્રશ્ન પૂછ્યો.
" આપનું નામ ?"
આત્મવિશ્વાસથી છલકાતા મેં કહ્યું,
" મિસિસ ફાલ્ગુની દવે. "
" થ્રિ ચીઅર્સ ફોર ફાલ્ગુની. આજની વિજેતા. "
યુવકની ઘોષણા જોડેજ આખું કૉફીશોપ નિયમ અનુસાર વિજેતાને વધાવી રહ્યું.
" હિપ હિપ "...... "હુર્રે "
" હિપ હિપ "...... "હુર્રે "
" હિપ હિપ "...... "હુર્રે "
મારા ચહેરાના હાસ્યમાં અનેરી ખુશી અને ગર્વ સંમિશ્રિત અનુભૂતિ હતી. આંખો દ્વારા હું દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરી કૉફીશોપના બહારના માર્ગ તરફ ઉપડી. મારી વિદ્યાર્થિનીને ગળે લગાડવા હું અત્યંત અધીરી બની હતી.
આજે એ યુવા પેઢીએ મારા અંદરની વર્ષો જૂની લગુતાગ્રંથી તોડી મને 'સાહસ' નો નવો અર્થ સમજાવી સાહસિક હોવાનું પારિતોષિક આપ્યું હતું અને જેના લીધે એ ઈનામ મને મળ્યું હતું એ મારી હાથ વિનાની એક નવ વર્ષની વિદ્યાર્થીની હતી. જોયું ! મેં કહ્યું હતું ને યુવા પેઢી પાસે ઘણું શીખી શકાય. પણ હા, શીખવાની ધગશ હોય તો જ.