અશ્ક રેશમિયા

Children Thriller Inspirational

3.4  

અશ્ક રેશમિયા

Children Thriller Inspirational

મને સાંભરે રે મારું બાળપણ..

મને સાંભરે રે મારું બાળપણ..

5 mins
21.5K


એક હતો છોકરો.

     એ હતો બહું જ દયાળું. ભોળો પણ એટલો જ.

     સંસારના સર્વે જીવ પ્રત્યે એને અપાર પ્રેમ... માયા... અને લાગણી...!

     એ છોકરાનું નામ ઢબુ. સૌ કોઈ એને ઢબુડો કહીને જ બોલાવે.

     ઢબુડો ભણવામાં બહુ જ હોશિયાર. નવું-નવું જાણવાનો એને જબરો શોખ.

     વળી, આ ઢબુડાને બાળપણથી જ બાગ-બગીચે, ખેતરે-વગડે ફરવાનોય અદ્દભૂત શોખ હતો.

     આ બધામાં એનો સૌથી પ્રિય શોખ એટલે પંખીઓનો મધુર કલરવ સાંભળવાનો.

     એ માટે એણે પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં નાનકડો બાગ બનાવ્યો હતો.અને એમાં પક્ષીઓ માટેના માળા, પાણીના કુંડા તથા અનાજના દાણાઓની સરસ વ્યવસ્થા કરી હતી.

     ઢબુડાના આ પ્રિય બાગમાં જાત-જાતના અને જુદી-જુદી ભાતના અસંખ્ય પંખીઓ રહેતાં, વિહરતાં અને આનંદથી કિલ્લોલ કરતા હતાં.

     આ બધું જોઈને ઢબુડાના આનંદનો પાર ન રહેતો.

     બધા પંખીઓમાં ઢબુને કાબર બહુ જ વહાલી. કાબરનો કલશોરભર્યો કલબલાટ એને પ્રભુની પ્રાર્થના લાગતી. એમાંય વળી બે-ત્રણ કાબરને આનંદથી ઝગડતી જોતો ત્યારે તો એ આનંદની અતિરેકની કિકિયારીઓ પાડી ઉઠતો.

     એક વખતની વાત છે.

     બપોરનો શાંત સમય હતો.

     ઢબુ કંઈક કામથી ખેતરે ગયેલ હતો.

     મહોલ્લો સાવ સૂમસામ હતો.

     બાગમાં સૌ પંખીઓ આરામ ફરમાવી રહ્યાં હતાં.

     એ વખતે ઢબુના બાગમાં ક્યાંકથી ઊડતું-ઊડતું એક નાનું જીવડું આવી ચડ્યું!

     જીવડાને જોતાં જ એક જાગતી કાબરના મોં માં પાણી આવી ગયું. એણે એક ઉડાને જીવડાને ચાંચમાં ભરાવી દીધું!

     જીવડું બિચારું દુ:ખથી કણસી રહ્યું હતું. જીવવા માટે તરફડતું એ બોલ્યું,'અરે કાબરબેન મને છોડી મૂકો. મને ખાવાથી કંઈ તમારું પેટ ભરાઈ જવાનું નથી. તો પછી શા માટે જીવ હિંસા કરો છો? મારા ઘેર મારા નાના બાળ મારી રાહ જોઈ રહ્યાં છે. મહેરબાની કરીને મને છોડી દો. અને ક્યાંથી દાણા ચણી આવો જાઓ.'

     કાબર જીવડાને વધારે કંઈ સંભળાવે એ પહેલા તો એના ખુદના પ્રાણ પર ખતરો થયો! બાજુમાં જ રહેતી માંજરી બિલાડીએ પાંખડાભેર એને દાંતે ભીંસી!

     અચાનકના હુમલાથી કાબર ડઘાઈ જ ગઈ. એણે કરડી નજરે જોયું તો બિલાડીના મોઢામાં એના પ્રાણ હતાં. બિલાડીના ધારદાર દાંત કાબરના શરીરમાં ભોંકાવા લાગ્યા. દુ:ખથી એનો જીવ નીકળું-નીકળું થઈ રહ્યો હતો.

     બહુ દિવસે પોતાનો પ્રિય ખોરાક મળ્યો એટલે બિલાડી ખુશ હતી. કાબરને પકડીને એણે ધીમેથી ડગ ઉપાડ્યા.

     કાબરના મોઢામાં જીવડું અને કાબર બિલાડીના મુખમાં! 

     બાગની સહેજ બહાર નીકળ્યા એટલે કાબર કહેવા લાગી:

     'અરે, બિલ્લીમાસી..!

     આ કાબર તો તમારી દાસી!

     ને તમે એને જ દાંતે ભીંસી!'

     પછી ધીરે રહી ફરી બોલી:'તમે તો દૂધ, દહી, માખણ ખાવાવાળા, ઘી ચોપડેલી રોટલી અને મસાલેદાર ઉંદરનું વાળુ કરવાવાળા તમને આ ગંદી કાબરડી તે વળી શું ગમી ગઈ? મને છોડી દો રે છોડી દો. ક્યારેક કામ આવીશ!'

     બિલાડી વચ્ચે જ બોલીઃ 'અરે,દાસીવાળી ! જા..જા...છાનીમાની. આજે તો હું તને ખાઈને જ જંપવાની! 

   પછી કાબરને વધારે દબાવતી આગળ કહેવા લાગી:'તું અને દાસી! તું તો ઘણા વખતથી મારી દાઢમાં હતી. ચબૂતરે હું લપાતી-છૂપાતી ખિસકોલીને પકડવા આવતી ત્યારે તું કે....કે એ...નો કલબલાટ કરીને સૌને ભગાડી મૂકતી હતી એ તું જ હતી ને?'

     આમ કહીને બિલ્લીએ જોશથી દાંત ભીસ્યા.

     કાબરના મોઢામાં જીવડું જીવવા માટે હવાતીયા મારી રહ્યું હતું જ્યારે બિલાડીના મોઢામાં કાબર પીડાથી કણસતી પ્રાણની ભીખ માગી રહી હતી.

     બિલાડીના દાંતથી કાબરે ચિત્કાર મૂકી. એ જ ટાણે માંજરીના કમરે તીક્ષ્ણ દાંત ભોંકાયાે. માંજરી ઘડીભર તો વિચારી રહી કે આ શું ? હું જ કાબરને દાંત ભેરવું છું ને મને ખુદને જ પીડા કેમ થાય છે?

     ગભરાઈને એણે આંખ ઊંચી કરી. પાછળ જોયું તો એ ભૂરિયા કૂતરાનો કોળિયો બની ગઈ હતી!

     ઢબુડાના બાગના દરવાજે જબરું કૌતુક સર્જાયું!

     જીવડું કાબરના મોઢામાં, કાબર બિલાડીના મોઢામાં તથા બિલાડી કૂતરાના મોઢામાં!

     આ કૌતૂહલ જોવા બાગના પંખીઓની જબરી ભીડ જામી પડી હતી.

     ભૂરિયાને પણ આજે તો વટ પડી ગયો!

     એક સાથે ત્રણ-ત્રણ શિકાર પામીને એ રાજી-રાજી થઈ ગયો હતો.

     બિલાડીને થયું કે હવે એના રામ રમી જવાના એટલે એણે ગભરાતા સ્વરે કહ્યું:'કૂતરાભાઈ ! હું તો તમારા કૂળની!મને છોડી દો.'

     'એ તે વળી કેવી રીતે?' નવાઈથી કૂતરાએ પૂછ્યું.

     'કેમ ભૂલી ગયા?'

     પછી આગળ કહેઃ 'તમારે ચાર પગ તો મારેય ચાર પગ! તમારે બે કાન, એક પૂંછડી તો મારે પણ એવું જ! તમે ફળિયામાં રહો તો હું પણ ફળિયાની રહેનાર! બસ! થઈ ગયા ને આપણે ભાઈબહેન!'

     કૂતરો ખીજાઈને કહેઃ'અરે છાની મર ભૂંડી! આમ તો લાગ મળે એટલે તું મને સામી થાય છે ! અને વળી, ભાઈબહેનની વાતો કરે છે? શરમ કર ...શરમ!'

     વળી, કૂતરો આગળ બોલ્યો:'બિલ્લી ! ઓ બિલ્લી !

   આજે તો તને ખાઈને પહોંચાડીશ હું તને દિલ્લી!

    અને પંખીઓને, ખીસકોલીને તથા ઉંદરને છોડાવીશ તારા ભયથી જલ્દી!'

     બિલાડીના મોઢામાં કાબર દુ:ખથી ઉંહકારા ભરી રહી હતી. અને કાબરના મોઢામાં પેલા જીવડાનો દમ નીકળી જવા રહ્યો હતો.

     'કૂતરાભાઈ મને જવા દો. હવે પછી ક્યારેય તમને સામી નહી થાઉં.' પછી કાબર તરફ ઈશારો કરતા એ બોલી:'તમે કહો તો તમને આ કાબરનો કોળિયો કરાવી દઉં. પણ મને તો હવે છોડી જ દો!'

     'ધત ધારી તો ! પોતાનો જીવ આટલો વહાલો છે અને બીજાનો નથી કેમ? શું કાબરને જીવવું નથી?'

     'હા,ભાઈ મારેય જીવવું છે. પણ ....' કાબર રાજી થતી વચ્ચે જ બોલી.

     આ સાંભળીને બિલ્લી બોલી:'અરે,કાબરડી! તને તારો જીવ વહાલો છે તો શું આ જીવડાને એની જીંદગી વહાલી નથી?'

     આ સાંભળીને જીવડામાં હિંમત આવી. એ પણ કહે,'હા રે હા...!મારે તો હજી ઘણું જીવવું છે. બાગ બગીચે ઉડવું છે. બચ્ચાઓને મોટા કરવા છે.'

     કૂતરાને ચડી ખીજ. એ તાડૂક્યો:'મૂઆ, છાનો મરો બધા.' કહીને એણે સૌને ધમકાવ્યા.

     ઢબુડો ક્યારનોય વાડીએથી આવી પહોચ્યો હતો.

     એ પણ આ ગજબ તમાશો ક્યારનોય જોઈ-સાંભળી રહ્યો હતો.

     ફરી બિલ્લી ધીમા સાદે બોલી:'કૂતરાભાઈ, તમને તો ફળિયામાંથી રોટલોય મળી જશે! કિન્તું મને ખાવાથી તો ઉલટાનું તમારૂ પેટ અભડાશે.'

     કૂતરો ખીજથી બોલ્યોઃ'બંધ થા હવે. નહી તો ગળું દબાવતા વાર નહી કરૂ હવે. અને તને વળી ક્યાં નથી મળતા? તું તણ મોટી ચોરટી છે ચોરટી! લોકોના દૂધ-દહી ખાઈ જાય છે.'

     'એય કૂતરા ! 'બિલાડીને રોફ ચડ્યો.એ કહે,'મને ચોર કહેવાની હિંમત બીજીવાર કરતો નહી હો? નહી તો......!'

     'અલી, પાવર શેનો કરે છે આટલો?' આમ કહીને કૂતરાએ બિલ્લીની ગળચી દબાવી.

     ખેલ બગડતો જોઈને ઢબુએ પડકાર ફેંક્યો,'ખબરદાર કૂતરાભાઈ, બિલાડીને મારી છે તો!'

     સાંભળીને કૂતરો ભોંઠો પડ્યો. ચૂપચાપ બેસી ગયો.

     પછી પ્રેમથી ઢબુ બોલ્યો:'કૂતરાભાઈ...! નાટક બહું થઈ ગયા હવે. બિલાડીને છોડી મૂકો.'

     કૂતરો કહેઃ'બિલાડી કાબરને છોડે તો હું એને છોડું ને.'

     તો વળી બિલાડી કહેઃ 'કાબર જીવડાને છોડે તો ને.'

     આ સાંભળીને કાબર ઠાવકાઈથી બોલી:'પણ યાર, જીવડું તો સાવ નાનું છે. એને ખાવાથી ક્યાં પહાડ તૂટી પડવાનો છે?'

     સાંભળતાં જ ઢબુએ લાકડી ઉગામી. કાબર થથડી ગઈ.

     ઢબુડો કહે:'કલબલી કાબરડી! જીવડું ભલે નાનકડું હોય અને કૂતરો કે ઊંટ ભલે મોટા હોય પણ જીવ તો બધામાં સરખો જ છે.

     પછી બાગના બીજા પંખીઓ તરફ જોઈને બોલ્યો:'કાબર,બિલ્લી અને ઓ કૂતરાભાઈ! પોતાના માટે થઈને બીજાનો જીવ લેતા તમને કોણે શીખવ્યું? આવું જીવહિંસાનું પાપ કરતા શરમ નથી આવતી? સૌને જીવવાનો સમાન અધિકાર છે. માટે જીવો અને શાંતિથી જીવવા દો.'

     ત્રણેયે શરમથી મો નીચુું કરી લીધું.

     અને એકબીજાને છોડી મૂક્યા.

     ઢબુડો ખુશખુશાલ થઈ ગયો.

     બાગમાં સૌ પક્ષીઓએ આનંદનો કલરવ કર્યો.

     ખાધુંપીધું ને મોજ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Children