લોઢાના ચણા
લોઢાના ચણા


હાઈસ્કૂલના પટાંગણમાં ગાડી આવીને ઊભી રહી. ગાડીનો અવાજ અને રંગ જોઈને આખી શાળામાં ફફડાટ વ્યાપી ગયો. એટલામાં અમલદાર ઑફિસ સુધી આવી ચડ્યા. આચાર્યશ્રીએ અમલદારનું અભિવાદન કરીને અમલદારને ખુરશીમાં બેસવાની વિનંતિ કરી, પણ આ શું ? સૌના આશ્ચર્ય સામે અમલદાર તો આચાર્યને ચરણે પડી ગયા ! ખુદ આચાર્ય પણ અચરજમાં !
અમલદારે આચાર્યની અચરજ પારખીને બોલવા માંડ્યું: ' સાહેબ, હું આપનો વિદ્યાર્થી !'
સાંભળીને આચાર્ય ગદગદિત થઈ ઊઠ્યા. હર્ષથી આખા શિક્ષક આલમની આંખો ચમકી ઊઠી. સામેની ખુરશી પર બેઠક લેતા અમલદારે ફરી કહેવા માંડ્યું: ' સાહેબ, આજે હું વહીવટી મુલાકાતે નથી આવ્યો પણ શાળાના મારા સંસ્મરણોને વાગોળવા આવ્યો છું. સાથે સાથે આપનો આભાર પણ માનવા આવ્યો છું.'
આચાર્ય વચ્ચે જ બોલ્યા,'એમાં આભાર શેનો હોય ! ભણાવવું એ તો અમારો ધર્મ છે.'
'ના સાહેબ, મારે આભાર માનવો જ ઘટે. આપના કારણે જ હું આ હોદે પહોચ્યો છું.'
શાયદ આપને ખબર નહી હોય પરંતું સાંભળો.....
'હું નવમાં ધોરણમાં હતો ત્યારની વાત છે. રિસેસ દરમિયાન હું અને મારો ભાઈબંધ મસ્તી કરતા કરતા ખુરશી સુધી પહોચી ગયા હતા. ને મારા ભાઈબંધના એક જ ધક્કે હું ખરશીમાં ભરાઈ પડ્યો ! આ દશ્ય વર્ગમંત્રીએ જોયું, એણે પાટિયામાં મને ચીતર્યો. શિક્ષકે મને અંગૂઠા પકડાવ્યા. દરમિયાન દરેક વર્ગનો આંટો મારતા આપ ત્યાંથી નીકળ્યા. મને જોયો. ને આપ મારી પાસે આવીને મન
ે ઊભો કરતાંકને પૂછ્યુ,' અંગૂઠા કેમ પકડ્યા છે ?' મારા ઉત્તર પહેલા તો મારા કોમળ ગાલે તમતમચો તમાચો પડ્યો !
'તમાચો' શબ્દ સાંભળતાં જ આચાર્યનું મોં ઝંખવાયું. અમલદારે વાત વધારી, 'સાહેબ, પછી મારો કાન આમળતા આપશ્રીએ કહ્યું,'દોસ્ત ! ખુરશીમાં બેસવુ એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ! મોટા - મોટા અમલદારો, ચમરબંધી કોઈની મંજૂરી વિના ખુરશીમાં બેસી શકતા નથી ને તે આવી ભૂલ કરી નાંખી ? આમ બોલતા આપશ્રીએ જાણે મે આતંકવાદી જેવું કૃત્ય કર્યું હોય એમ બીજા ગાલે પણ તમાચો બેસાડ્યો !
બસ, સાહેબ..! એ દિવસથી મે ઝનૂની ગાંઠ વાળી હતી કે હું કંઈક બનીને એક દિવસ તમારી આંખો સામે જ તમારી ખુરશીમાં બેસીશ ! એ સમયે તો આપનાથી બદલો લેવાનો મને ઝનુની ગુસ્સો હતો. કિન્તું મેં આપના પ્રત્યેના મારા ગુસ્સાને પ્રેમમાં પલટી નાખ્યો અને આજે આપના એ તમાચાઓનું રૂણ અદા કરવા આવ્યો છું. કદાચ 2એ દિવસે આપશ્રીએ મને તમાચા સાથે ટોણો માર્યો ન હોત તો આજે હું આ સ્થાન પર ન હોત ! માટે આપનો આભાર સાહેબ....!'
આચાર્ય કંઈ બોલે એ પહેલા ફરી અમલદારે ક્હ્યુ, સાહેબશ્રી આપની બીજી વિચિત્ર આદત છે:'શાળામાં મોડા આવનાર વિદ્યાર્થીને એનો જવાબ સાંભળ્યા પહેલા જ ચપાચપ બે તમાચા ઝીંકી દેવાની ! હવે જો બને તો એમાં સુધારો કરજો. બાળકોને પહેલા સાંભળજો, સમજજો પછી જ હાથને છૂટો મૂકજો.
આચાર્યશ્રી દરવાજાથી દૂ...ર સરકતી ગાડીને ક્યાંય લગી તાકી રહ્યા...!