અશ્ક રેશમિયા

Others

3  

અશ્ક રેશમિયા

Others

પ્રેમલગ્ન

પ્રેમલગ્ન

9 mins
302


'દીકરો નહી, દશમન બનીને; અરે, કાળો નાગ બનીને અવતર્યો હતો એ સાલો !' એક જણાએ બળાપો કાઢ્યો.

‎'ન જાણે ક્યાં ભવનું વેર વાળ્યું એણે ? જો દેવ સમાં સગા બાપને કાળું કલંક લગાવીને કાળના- મોતના ખપ્પરમાં હોમી ગયો !' બીજા એકે દુ:ખભર્યો સ્વર મૂક્યો.

'પણ એણે પ્રેમલગ્ન કર્યા એમાં ગુનો શો ? બે મળેલા અને એકમેકને સમર્પિત જીવોને ભેગા થઈ જીવવા દેતા જગતને શું ઝેર ચડતું હશે ?' એક આધેડ જુવાનીયાએ વળી મણકો મૂક્યો.

આંગણામાં લાશ પડી છે. અને એના પર લોકોના ઝુંડ તૂટી પડ્યાક છે, એનું આખરી મો જોવા કાજેજ. રોનારાઓ રૂદન ખાળી શકવા સમર્થ નથી. હકડેઠઠ ભીડ જામી છે. ગામ આખુ, ને આખું પંથક ઊભરાઈ આવ્યું છે. કોઈની આંખો ચોંધાર છે, તો કોઈની આંખે ઝળઝળિયા અવતરે છે. વળી, કોઈ હીબકે છે. તોવળી કોઈના ગળે સૂકોભઠ્ઠ શોષ બાજી ગયો છે. થૂંક ગળવા પણ સમર્થ રહ્યાં નથી.

એક સજ્જનનું મોત કેટલું વસમું હોય છે ! એનું દુ:ખભર્યું વરવું દ્રશ્ય હતું એ. એ નખશિશ સજ્જન એટલે ઉદો.‎ઉદાના અકાળ અવસાને ગામ અને પાસેના પંથકમાં ધગધગતી વેરાની વેરી મૂકી હતી. ‎નામે ઉદો, પણ સૌ એને 'કાકા'ના હુલામણા નામે જ સંબોધતા અને ઓળખતા. 'કાકા' શબ્દ સૌને પોતીકો લાગતો. ઉદાના બાપ ગામના મુખી. પરંતું સ્વરાજ આવ્યા બાદ એમણે મુખીપણાને ગોરાઓ ભેગું પરદેશ મોકલી દીધેલ. છતાંય, લોક સારા - માઠા અવસરે સલાહ-સૂચન કે ન્યાય માગવા આવતા. લોકમા માનમરતબો એવો જ. સૌ રાજીપો મેળવીને આશિષ આપી વિદાય થતાં.

પિતાના અવસાન બાદ બાપના મુખીપણાના અભેમાનમાં જીવવા કરતાં ઉદાએ એક સામાન્ય જનનું જાહેર જીવન શરૂ કર્યું. સેવાના યજ્ઞનો આરંભ કર્યો. ક્યારેક પ્રસંગોપાત લોકો એને મુખી કહેતા એ એને ધીમી ધારે ખૂંચતું. ધીમે ધીમે એણે એ આદત પણ છોડાવી. ઉદાનું ઘર ગામને ગોંદરે જ. ઘણીવાર તો લાગતું જાણે એનું ઘર જ ગોંદરૂ છે. સવાર-સાંજ, આવતાં -જતાં મુસાફરો અહીં પડાવ નાખતા. વટેમાર્ગુઓ તથા ગામલોકોનો અહીં ભવ્ય મેળો ભરાતો. પતિ-પત્ની બેય જણ મનના બહું માયાળું. ભોળા પણ એટલા જ. દગો કરતા એમનું દિલ ડંખી જતું. જે દિવસે આંગણે કોઈના ચરણની રજ ન ખંખેરાઈ હોય એ દિ'એ એમનું ચેન હણાઈ જતું. હૈયે બળાપો ઊઠતો. વટેમાર્ગુઓનો મોટો વિસામો હતો ઉદાનું ઘર. એ એનું એકલાનું નહીં કિન્તું સૌનું સહિયારું હોય એમ એ ફૂલમાળા લઈને અગંતુકને આવકારવા, પોતાનામાં સમાવી લેવા હંમેશ તત્પર રહેતું.આવી માયાળું માનવતાથી એ 'કાકા' ના નામે ખ્યાત થયેલા.

ઉદો માનવી અને માનવતાનો જબરો ચાહક. ગામમાં કોઈનું બૂરું તો શું કરે, પણ ક્યાંય ખોટું થયાના વાવડ મળતા તો એનો દયાળું જીવ કકળી ઊઠતો. એક પરમ સજ્જન તરીકેની આગવી ઓળખ મેળવી હતી ઉદાએ. આ સઘળા કારણોને લીધે ઝાંઝાં માનપાન મળતાં. ઠેર - ઠેર એનો માનમરતબો ને મોભો જળવાઈ રહેતો. લોક એની આમન્યા રાખતા. ગામ પરગામે એના વખાણના એફિલ ટાવરો બંધાતા પણ ઉદાને આનું કોઈ મૂલ નહોતું. એને તો બસ લોકની સેવાનો હરખ હતો.

ઉદાને સાત ખોટનો એકનો એક દીકરો. દીકરીના અખંડ ઓરતા હતાં પરંતું એ ફળ્યા નહીં. દીકરી વિનાનું ઘર ને આંગણું વેરાન ભાસતા. દીકરીના અભાવનું દુ:ખ ખાળવા એકવાર ગામ આખાની બહેન-દીકરીઓને અતિહેતથી જમાડી, લૂગડાંલતાં આપી ખુશ કરી. છતાંયે કોઈની આશિષ ન જ ફળી. હૈયામાં દીકરીનો અજંપો સદાય ડંખતો. ઉદો સર્વ વાતે સુખી. સમાજમાં માનપાન હતાં. આબરૂ હતી. પાંચ માણસોમાં બેસનાર હતો એ.

'ભેમજી...!' ઉદાના એક જ દીકરાનું નામ ભેમજી. બાળપણથી જ એની કેળવણીમાં ઉદાએ કોઈ મણા નહોંતી રાખી. એના આંગણેથી સંસ્કારોની જે સૌરભ ઉડતી એમાં ભેમજી ઓળઘોળ હતો. ભેમજીમાં લોકો દેવના દીદાર કરતા. એ ભોળો અને જબરો દયાળું. બાપના અને દાદાના બેવડા સુસંસ્કાર ઊતર્યા હતાં એનામાં.

ઘણીવાર લોકો કહેતા :'જેમ ઉદાએ એના બાપનું નામ અમર-ઊજાળી રાખ્યું છે એમ આ ભેમજી ઉદાનું નામ ઊજાળવાનો એમાં બેમત નથી. એ બાપનું અને દાદાનું એમ બેયનું નામ અમર કરી જવાનો.'

‎ભેમજીને ભણાવીને કલેક્ટર બનાવવાની ઉદાની એક મહેચ્છા. કિન્તું, ભેમજીને અને ભણતરને જાણે ગાઉનું છેટું હોય એમ એને ભણવામાં ટપ્પા ન પડે. ભણતરને અધવચ્ચે જ મૂકીને એ ખેતીના કામે જોતરાયો. સો વીઘાની જમીનનો એ ધણી. થોડાંક જ વખતમાં એ ખેતીકામમાં પાવરધો બન્યો. ભેમજીને ખેતીમાં જોઈને કચવાતા મને ઉદો મનમાં હરખાતો. પુત્રને સારી રીતે કેળવાયેલ, સૌની આબરૂનો માનમોભો રાખનારો ભાળીને ઉદો અનેકવાર ભેમજી પર વારી જતો. એ મનમાં ને મનમાં પોરસાતો.

'કહું છું સાંભળે છે ?' કોઠીમાંથી બાજરો કાઢતી પત્નીને ઉદાએ કહેવા માંડ્યું: 'આપણો ભેમજી હવે જવાન થતો જાય છે. વ્યવહારૂ પણ ઠીકઠીક થયો છે. અને ખેતીવાડીમાં તો કેવો માહેર છે !'

‎'હા, પણ એટલેથી હવે શું ?'

'એય ને હવે આપણે વાડીએ જવાનું બંધ ! હવે તો લોકોની વધારે સેવા કરીને માધવની માયાના મીઠા મેવા મેળવવા સારૂ આવતાં જતાં માણસોની સેવાની મોજ ઉઠાવીએ.'

‎'ઠીક, પણ ભેમજી સગપણને લાયક થયો છે એનું શું ?'

'ઓહ! એ તો હવે એકાદ વરહમાં હું એને ઠેકાણે પાડી દઈશ.' વળી, પત્નીની ચિંતાને હરતા ઉમેર્યું: 'આપણા ભેમજી હાટું કન્યાનો ક્યાં તોટો છે! ચપટીએકમાં ભેમજી ચૉરી ભગો થયો સમજો.'

'ગોઠવવાનું તો ઠીક, એ ક્યાંય આડે માર્ગે ફંટાઈ ન જાય એનું ધ્યાન રાખજો.'

‎'હું કોણ? હું ઉદો. અને ભેમજી મારો લાલ. મારો કાંધનો હકદાર.' પત્નીના હાથને હળવે શ્પર્શીને એણે વાત આગળ વધારી: 'એ મારો દીકરો છે. મે એને કેળવવામાં કોઈ ઓછપ નથી રાખી. કાળા-ધોળાની પરખ એને ક્યાં નથી? સીધી લીટીનો જવાન છે એ. માર્ગેથી વિચલિત નહી થાય.'

"હા, છતાં પણ જાળવજો. ધ્યાન રાખજો. આ તો ભૂંડી જવાની....! આડી અવળી થયા વિના નહી રહેવાની!"

'ઠીક છે, મારી ચાતક નજરે રહેશે એ.' કહી ઉદાએ વાત સમેટી.

વહાલો વખત વીતતો ગયો. ‎એક સમયે જરાક કામ અર્થે ભેમજી બાજુના ગામતરે ગયો. કામથી પરવારીને એ ઘેર-ગામ આવવા નીકળ્યો. ચોરાથી થોડેક આઘે ગયો કે એણે ગામકૂવે નીર સિંચતી કન્યા જોઈ. એની નજરો કન્યાની વળાંક લેતી નમણી કેડે અટકી. તરતજ પછી એના નાગણસમાં ચોટલે ઊતરી. ભેમજીને કંઈક થયું. અનાયાસે જ એ પેલી કન્યાને તાકી રહ્યો. કમખાની કમનીય કમાનસમી દોરી જોઈ એણે ચરણ ચાલું કર્યા. કમરની લચક ભાળી મોહાતુર બન્યો. પળમાં પ્રણયવિહવળ થઈ કન્યાની સન્મુખ થયો. યુવતીના મોહક મોં ને નજરે કર્યું. "આહ ! કેવું અફલાતુન વદન! ચાંદનેય ઝાંખો પાડી દેનારું !" પ્રણયાતુર મન બબડ્યું. આંખ ઠરી. હૈયું ઊછળ્યું. રોમ રવાડે ચડ્યા. જોબન સાત ઘોડલે સવાર થયું.

‎પાણી સીંચતી નવયૌવનાના વિખરાયેલ છતાં પરસેવાથી ઊઘાડી પીઠે ચોંટેલ જુલ્ફો, છાતીએથી સરી ગયેલ પાલવ અને પરસેવાથી નીતરતી ડોક આંખે કરી ભેમજીનું અસ્તિત્વ પ્રણયાતુર થયું. એણે નખશિશ એ યુવતીને હૈયા સૌંસરવી કરી. 

'લ્યો ભઈ, પાણી પી લ્યો.' પાલવ સરખો કરી પોતાને અમિનેષ નજરે તાકી રહેલ ભેમજી તરફ ડોળ નમાવતી એ યુવતીએ કોયલસો ટહુકો વેર્યો. ભેમજીના દિલની કુંજગલિઓમાં એ ઉતર્યો. સતત ચોથીવાર 'લ્યો ભઈ, પાણી પી લ્યો' એવા ટહુકા થયા બાદ ભેમજી સ્વસ્થ થયો.

એણે રોમાંચથી ગલગલિયાભર્યા સાદે સફાળે  ઉચ્ચાર્યું:' છોકરી, ફરીથી ભાઈ કહેવાની ગુસ્તાખી કરીશ નહી. કિન્તું હાં, મારા ઘરનું પાણી ભરવાની હામ હોય તો જ પાણી પાવાની કોશિશ કરજે !' એના નયનેથી મુશળધાર નેહ વરસી રહ્યો હતો એ પેલી યુવતીએ કળ્યું.

છોકરી ભેમજીનો ઈશારો અને ઈરાદો પળમાં પામી ગઈ. ક્ષણમાં એ વધારે સ્વસ્થ થઈ. પીઠનો પરસેવો લૂછ્યો. ફૂલેલી છાતી પાલવ પૂંઠે સંતાડી. કેડે હેલ મૂકીને વિના ઉત્તરે એ ઘર તરફ રવાના થઈ. જતાં જતાં પૂંઠે પ્રેમાળ નજરોની મીઠી ફોરમ રેલાવતી ગઈ ! ભેમજી એને જતી જોઈ રહ્યો. મોહાતુર નજરે ને ડહોળાયેલા ચિત્તે ! રાત્રે એને ચેન ન થયું.

બીજા દિવસે ફરી એ પેલી યુવતીની આંખે ચડ્યો. વેવિશાળનો પ્રસ્તાવ મૂક્યો:' છોકરી! ગઈ કાલે તારા પર મોહિત થવાયું છે.'

'એ કાલ હતી, ગુજરી ગઈ. હવે આજે શું છે?'

"આજે એમાં ઘુઘવતી ભરતી આવી છે. ને મોહ મેદાને ચડ્યો છે. તમે જામ થઈને હૈયે ઊતર્યા છો અને નશો બનીને નયનોમાં રમી રહ્યાં છો."

'કંઈ હેસિયતથી ?'

'ખબર નથી. પણ ઉરમાં લાગણીના અશ્વો તમને ઉપાડી જવા હણહણાટભેર તલસે છે. શાયદ પુરૂષપણું હોઈ શકે, વિજાતીય આકર્ષણ હોઈ શકે કે પછી લાગણીની લીલીછમ્મ લીલાઓ!'

'મોહ મૃત્યુ તરફ ધકેલે છે એ ખબર છે તમને?'

'ના, સંસારની ઝાઝી ખબર નથી, કિન્તું ફિકર પણ નથી.'

'બેફિકર લોકો મને પસંદ નથી! મોહબ્બતે કંઈ કેટલીયે જીંદગી ઝેર કરી છે જાણો છો.'

'હશે, લેકિન મને શું?'

'મોહ, માયા, મોહબ્બત અને મને વીસરી જવામાં જ સાર છે.'

'અશક્ય છે!'

 'બદનામ-બરબાદ થવાશે. વહાલી જીંદગીને વખ ઘોળવાનો વખત આવશે.'

'હું છું ને! સઘળું હેમખેમ પાર ઉતારીશ.'

'શહેંનશાહ સમાં પણ બચી શક્યા નથી, 'કિન્તું...!??'

'કિન્તું, પરંતું બરંતું કઈ જ નહી ચાલે. સ્નેહ જાગ્યો હોય તો માત્ર સહર્ષ સ્વિકાર જ!'

પળમાં જ પ્રણયસંધાન થયું. પરિચય કેળવાયો. હૈયાની અદલાબદલી થઈ.

'ભેમજી! જીવનભર મને સાચવી રાખવાની ત્રેવડ હોય તો અને તો જ મને સ્વિકારજો, આગળ વધજો. આ જીવન છે, રમત નથી. હજી વખત છે.'

"ચંદ્રાવતી!" કહીને ભેમજીએ ભીષ્મપ્રતિજ્ઞા લીધી. પછી તો લાગણીઓએ બુલેટ ટ્રેનની ગતિ પકડી. વાડીની જવાબદારી સંભાળ્યા બાદ ભેમજી ઘેર ઓછો આવતો. એનું ભાતું ને વાળું વેળાસર ખેતરે પહોંચી જતું. 

કિન્તું, રોજ એકાંતરે માવતર ભેગું વાળું કરવાનો એનો નિત્યક્રમ. રોજ રાત્રે બાર વાગ્યાથી છેક હરણા આથમવાની વેળા સુધી ભેમજી ચંદ્રાવતીની સોડમાં રહેતો. લીલાછમ્મ ખેતરમાં લાગણીની લીલાઓ રચાતી.

"કાકા!" ઉદાની પડખે બેઠક લેતા એક જણાએ કહેવા માંડ્યું: 'તમારા માન્યામાં નહી આવે પણ એ સત્ય છે કે ભેમજીનો પગ કોઈ કાળકુંડાળામાં પડ્યો હોય એવા અણસાર છે !'

'હે! શું થયું મારા લાલને?' ઉદો બેબાકળો બન્યો.

'કાકા!' ઉદાની પીઠ થાબડતા આગળ કહ્યું:'વાત એમ નથી, વાત જાણે એમ છે કે ભેમજી પડોશના ગામની કો'ક છોરી હારે અતારથી ફાગ ગાતો થઈ ગયો છે !'

'હે ? જા જા, જુઠ્ઠા! બદનામ કરવા શું હાલી પડ્યા છો લ્યા!' કહેતા ઉદાએ જીવનમાં પ્રથમવાર હાથ ઉગામ્યો. ભાન થતાં જ એ ચેષ્ટાને કૉરે કરી. સ્વસ્થતા અપનાવી. ગુસ્સો ઠંડો કરી તાજા જ સૂકાયેલા ગળે ઉતાર્યો.

'કાકા, હું હાવ સાચું જ કહું છું.'

'ના, ના. તારી કોઈ ભૂલ થાય છે. મારો ભીમો, મારો કેળવાયેલ એ આવી ખતા કરી શકે જ નહી!' ભેમજી ટેવ મુજબ ઘેર આવ્યો.

ઉદાએ જમાનાની પીધેલ આંખ ઝીણી કરીને નખશિશ કર્યો. વરસોની પારખું નજરો ભેમજીના ડિલને જાણે ટકોરા મારીને એની ખાતરી કરી રહી. કાયા કંચનસમી જાણે રણકી. ક્યાંય કોઈ અજુગતું થયાના અણસાર ન દીઠાં. કળ વળી. ભરોસો બેઠો. મનોમન અંતરના ઓવારણા લીધા.

'બેટા, ભેમજી ! મને ઠીક નથી. કાયામાં કળતર થાય છે જરીક. કદાચ વૈદ્ય કનેય જવું પડે. તું બે દિ' ઘેર જ રહે એવી મંછા છે.' સાંભળેલી વાતનો તાગ જાણવા ઉદાએ વિચાર્યું.

'જી, બાપુજી.'

ત્રીજી રાત્રે પેટમાં વાળું પહોંચાડીને ભેમજી વાડીએ જવા ઉપડ્યો. ઉદાના મનમાં જે જરાક જ વહેમ હતી એ બે દિવસમાં પણ દીઠી નહી. પાક્કો વિશવા બેઠો. ભેમજીને સ્વસ્થ અને શાંત ચિત્તે જતો જોઈ ઉદાએ રાહતનો દમ લીધો. 'ખરો મારો ભેમજી ! દીકરો નહી દેવ છે દેવ!' ઉદો મનમાં જ બબડ્યો. જાતે જ પીઠ થાબડી.

***

'ચંદ્રી' રાત્રિના અંધકારમાં ચંદ્રાવતીના ચહેરા પર હાથ ફેરવતા ભેમજીએ કહેવા માંડ્યું: 'સૃષ્ટિના ઉદયકાળથી પ્રેમ અસ્તિત્વમાં છે. જમાનો સૌને પ્રેમ કરતો આવ્યો છે. આટઆટલી ખુનામરકી થવા છતાંય લોકો એને સ્વિકારતા કેમ નથી? પ્રેમીઓને સંગાથે જીવવા દેતા આ જમાનાને થાય છે શું?'

'જમાનાને નહી, માનવીને કહો. જમાનો તો એ જ રફ્તારમાં વહે છે. એ કોઈને કનડતો નથી. એનો સ્વભાવ જ એવો નથી. નિર્દયી જુલ્મો તો આ માણસો કરે છે માણસો!'

'તો શું આપણે ગુનો કર્યો છે?'

'હા, લોકો માટે. લોકોની નજરે. પરંતું....' એણે ભેમજીના ગાલે ચુંબન ચોટાડ્યું. આગળ કહ્યું:'જ્યાં સુધી આપણે કરેલા કાર્યો લોકો સ્વિકારે નહી ત્યાં સુધી એ ગુનો જ છે.'

'લોક સમજતું શાને નથી? બે જીવ મળે એમાં એમને શું?' ભેમજીએ બળાપો કાઢ્યો.

'હું ખુદ આવા લોકોને ધિક્કારું છું જે લોકો અન્યોના પ્રણયસંબંધને પાપગુનો ગણે છે. પણ મને એક વાત આજલગી સમજાણી નથી!'

'શું ? કંઈ વાત??' ભેમજીએ વચ્ચે જ પૂછયું.

'એ કે જે લોકો પ્રણયના શૂરા મારગે મુસાફરી ખેડી ચૂકેલ છે અથવા જે લોકો હજીયે અન્યો સંગ પ્રણયથી બંધાયેલ છે એ જ લોકો અન્યોના પ્રણયસંબંધને શાને સ્વિકારી શકતા નથી? અથવા અન્યોને શાને બદનામ-બરબાદ કરવા મેદાને પડતા હશે?'

વળી કંઈક વિચારીને ચંદ્રાવતીએ વાત આગળ વધારી: 'પ્રિયંવર, હજું ચાર મહિના પહેલની જ ઘટના છે. મારા ગામમાં જ એ ઘટેલ. જેમાં મળેલા બે હૈયાઓને લોકોએ ખુલ્લામાં નિર્વસ્ર કરીને ફાંસીએ લટકાવ્યા હતાં. એમાં નવાઈની વાત એ હતી કે એ ગોઝારા કાંડમાં એવા માણસો જ વધારે સામેલ હતાં જે માણસો કોઈને પ્રેમ કરતા હતાં. જે ગુના સબબ પેલા બે જણને મોતને ઘાટ વળાવ્યા હતાં એવા જ ગુના એ આચરી રહ્યાં હતાં. એમાંથી ઘણાને તો મે મારી સગી આંખે રંગરેલીયા માણતાં જોયા. બોલ, દેવ ! જે લોક કોઈના પ્રણયમાં હતાં એ જ બીજાના પ્રણયને જોઈ ન શક્યા? પછી જમાનાને બિચારાને દોષ આપ્યે શું વળે?' ચંદ્રાવતીનો ચહેરો આંસુંએ નહાઈ રહ્યો.

'દીકરા ભીમ, હવે તું ઉંમરલાયક થયો છે. તારું વેવિશાળ ગોઠવી દઈએ તો કેમનું રહેશે ?'

'જેવી આપની ઈચ્છા, પિતાજી.' ભેમજી માત્ર આટલું જ ઉચ્ચારી શક્યો હતો.

      

ચોથા દિવસે કોઈએ ઉડતા વાવડ પહોચાડ્યા કે ભેમજી ચંદ્રાવતી સંગ વિવાહ કરીને આવી રહ્યો છે. કહેનારની વાતમાં ને ઉડતા આવેલ સંદેશા પર ભરોસો ન બેઠો. થોડીકવારે ચંદ્રાવતીનું આખું ગામ ઉદાના આંગણે ઉતર્યું. ઉદો તાગ જાણી ગયો.

'અરરરરર.... મારી આબરૂ ! મારી કેળવણી ! મારો ભેમજી !' ઉદાને ભયંકર આઘાત થયો. ઘડીકમાંજ એ જમીનદોસ્ત થયો.

ચંદ્રાવતી અને ભેમજી અદાલતમાં એકમેકને વરમાળા પહેરાવી રહ્યાં હતાં જ્યારે ઘેર વૈદ્ય કને જતાં પહેલાં જ ઉદાના પ્રાણપંખેરૂં સ્વર્ગની વાટે થયા હતાં.


Rate this content
Log in