અશ્ક રેશમિયા

Romance

3.0  

અશ્ક રેશમિયા

Romance

પારકી પરણેતર

પારકી પરણેતર

8 mins
387


અવિનાશ એનું નામ !

પણ જાણે એ વિના થવા સર્જાયો હોય એમ વિટંબણાઓ એનો પીછો નહોતી છોડતી.

જ્યારથી એણે જવાનીની ઉંબરે પગ મૂક્યો હતો ત્યારથી એની પનોતી બેઠી હતી જાણે !

એક તરફ ભવિષ્યની ચિંતા હતી, બીજી તરફ ઘરની ડામાડોળ આર્થિક પરિસ્થિતિ હતી અને ત્રીજી તરફ પરિવારની તથા પોતાની મૂલ્યવાળા આબરૂ હતી. અને ચોથો સંસારનો પવિત્ર મનાતો પ્રેમ હતો. આમાંથી કયા રસ્તા તરફ પ્રયાણ આદરવુ? એ ચિંતા એને ભમરીની માફક ફોલી ખાતી હતી.

બધું તો ઠીક છે કિંતુ યુવાનીમાં જો કોઈનો લાગણી ભર્યો - સ્પર્શભીનો મધુરો સાથ મળી જાય તો બાકી બધા રસ્તાઓ આપમેળે ખુલી જતા હોય છે. શાંત ચિત્તે ભણતા અવિનાશને એક દિવસ પ્રેમ થઇ ગયો ! એક નહીં પાંચ-પાંચ છોકરીઓથી એને પ્રેમ થઈ ગયો. એ વખતે નાદાનિયતને લઈને એને ખબર નહોતી કે પ્રેમ એ કંઈ જ થાય. અને જ્યારે સમય આવ્યે ખબર પડી ત્યારે એ વિમાસણમાં મુકાઈ ગયો. પાંચમાંથી કઈ યુવતીને હૈયાના હિંડોળે ઝુલાવવી એ સવાલ એના માટે ધર્મ સંકટ બની ગયો. એ તો ઠીક પણ પ્રેમનો એકરાર કેવી રીતે કરવો એ વિચાર એને પાગલ પાગલ કરી મૂકતો હતો.

પ્રેમ તો સહેંજમાં થઈ જાય છે કિંતુ એકરાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એકરાર કરતી વેળાએ સાલી જાન હથેળીમાં આવી જાય છે !

પ્રણયની રસમો અને રિવાજોથી અજાણ અવિનાશ પ્રેમ તો કરી બેઠો પરંતુ એકરાર કરવાની એનામાં હિંમત નહોતી આવી. અને એમ કરતા કરતા બે મહિના સુધી એ પાંચેય યુવતીને પ્રેમ કરતો રહ્યો. પણ એકરાર કર્યા વિના એનાથી રહેવાતું નહોતું.

    જિંદગીમાં ખીલતી જવાની વિદાય થતી નાદાનિયતના અંત સમયે મન સાલું અબુધ બની જાય છે.આ એવો કાળ કે ઘડી છે કે શું કરવું ને ક્યાં રસ્તે જવું? એનું કંઈ જ ચોક્કસ ભાન રહેતું નથી.

     પ્રેમ તો થતા થઈ ગયો કિંતુ હવે એના એકરારનું શું? અવિનાશને હવે જંપ નહોતી વળતી. માવતર, ભણતર અને સંસ્કાર ધડતર આ સઘળું વિસરીને એક દિવસ અબુધતામાં એ અમી નામની યુવતી સાથે એકરાર કરી બેઠો. અને બાકીની ચારને એના અસ્તિત્વના ઓળાથી ઘણી દૂર કરી દીધી. હૈયાના રાજસિંહાસન પર અમીનો ભવ્ય રાજ્યાભિષેક કર્યા બાદ અવિનાશ કિલ્લોલ કરવા લાગ્યો હતો.

માણસના સ્વભાવની એક વિચિત્રતા એ રહી છે કે જો માણસ મનમાં કોઈ વસ્તુની કામના કરે અને એ જ ઘડીએ એ વસ્તુ મળી જાય તો એ બહાવરો બહાવરો બની જાય છે. જાણે સ્વર્ગ મળ્યું ન હોય ! અને એ વસ્તુમાં એ એવો તો રમમાણ થઈ જાય છે કે જાણે એ વસ્તુ જ હવે પછીની એની આખી જિંદગી છે.

અમીને પામ્યા બાદ અવિનાશ એના સંગાથે રહીને સોળે કળાએ ખીલવા લાગ્યો હતો. અને અમી પણ અવિનાશના સહારે કલીની જેમ ઘડીએ ઘડીએ મોહરાતી જતી હતી.

    ચડતી જિંદગી હતી. મોંઘમ જવાની હતી. અને દીવાની- દીવાની-સી પ્રણયની રંગીન ઋતુ હતી. આવા અનેરા સંગમની એમની જિંદગી મજાની બની ગઈ હતી.

    પ્રેમનો એકરાર કર્યા બાદ અવિનાશના અસ્તિત્વમાંથી ભય ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો. જો હવે એ ખુલ્લેઆમ પ્રેમ કરતો થઈ ગયો હતો. એની આ વૃતિથી અમી ડરી ડરીને જીવતી હતી. એવામાં એકવાર અવિનાશને પ્રેમલગ્ન કરવાનો ચસ્કો લાગ્યો ! અમી એને ખૂબ જ સમજાવતી પણ એ એકનો બે નહોતો થતો.

    આખરે આ વાત તેના મિત્રો સુધી પહોંચી. અવિનાશના મિત્રોએ પણ એને ખૂબ સમજાવ્યો. એ લોકો કહેતા,"અવિનાશ, પ્રેમલગ્ન કરવા એ કંઈ ખાવાના ખેલ નથી ! જેમ પ્રેમ ધીમું અને મીઠું ઝેર છે એમ પ્રેમ લગ્ન ઝડપી અને કડવું ઝેર છે. એનાથી તું બચી નહીં શકે !" પણ આતો અવિનાશ એ માને તો એ અવિનાશ શાનો? એને તો પ્રેમલગ્નનું સુરાતન ચડવા માંડયું હતું.

     કોલેજ પૂરી કરીને અવિનાશી બી.એડ.નું જોડાણ કર્યું. જ્યારે અમી બારમું પૂરું કરીને અહીંયા કરી ગઈ હતી. એને તો બિચારીને ભણવું હતું, કોલેજીયન જિંદગી માણવી હતી કિન્તુ એનો રૂઢિચુસ્ત પરિવાર એને પડદામાં રાખવા માંગતો હતો અને રાખી.

     બી.એડ. પૂરું થઈ ગયું. અને થતા જ અમી જોડે પ્રેમલગ્ન કરવાનું અવિનાશનું જનુન શરૂ થયું. એના એ જનુનને ઉખેડી ફેંકવામાં અમીએ એને ઘણોય સમજાવ્યો પણ એમ હારી જાય તો એ અવિનાશ શાનો?

     ઘણીવાર અમી એને કહેતી,"અવિનાશ ! તું તારી જવાનીથી આગળ વધી રહ્યો છે અને તારા આ પ્રેમ પર તથા મારા પર બેસુમાર ભરોસો રાખતો થયો છે. કિન્તું તારો આ આંધળો ભરોસો કો'કવાર તને ભરોસે રાખશે !" પણ એમ માને એ એ અવિનાશ ક્યો? એને તો ગમે તેમ કરીને અમીને ભાગવા મજબૂર કરી અને ભડનો દિકરો એક દિવસ એ અમીને ભગાડી પણ ગયો !

     પ્રેમ અને કંઈક બીજું પામી જવાની તીવ્ર તમન્ના માણસને પાગલ બનાવે છે અને એ વાહિયાત પાગલપણું માણસના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો કરે છે.

   અવિનાશ અમીને લઈને સીધો જ ગોવા પહોંચી ગયો. બે-ત્રણ દિવસ સુધી તો એ ગોવાની જહોજલાલીમાં ખોવાઈ ગયો. કિન્તું જ્યારે એને ભાન થયુ કે એના પર અમીને ભગાડી જવાનો આરોપ લાગી શકે છે ત્યારે એ જ ઘડીએ એ કોર્ટમાં જઈ લવ મેરેજ કરી આવ્યો. આ બાજુ અવિનાશની ધારણા મુજબ જ એના પર પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ હતી.

    અમીને ભગાડી જવાની ફરિયાદ થતા જ અવિનાશના આખા પરિવારમાં, સમાજમાં અને આખા પાલનપુર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો ! જાણે અવિનાશે કોઈ માસુમનું ખૂન કરી નાખ્યું ન હોય ! એક બાજુ અવિનાશ ગોવામાં રહ્યો રહ્યો સુહાગની ભવ્ય મહેફિલ મનાવી રહ્યો હતો જ્યારે બીજી બાજુ એના શહેરમાં અને એના સમાજમાં લોકો એની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા હતાં. એક બાજુ અવિનાશનું કુટુંબ- પરિવાર ભયથી ફફડી રહ્યું હતું તો બીજી બાજુ એ મસ્ત બનીને આનંદી રહ્યો હતો.

     આજના જમાનામાં માણસ સુખી અને શાંતિ માટે કેટલાય વલખા મારી મારીને થાકી જાય છે કિન્તુ એ મળતી નથી અને જ્યારે આ સુખ-શાંતિ ક્યાંયથી નથી પડતી ત્યારે આજનો માનવી કોઈની ઈર્ષા બદનામી અને બરબાદીના તમાશામાં એ ગોતી લે છે. જાણે એમાં જ જગતભરનું સુખ અને શાંતિ રહેલી ન હોય !

    પાંચ દિવસો પછી ગોવાનું ગોવાપણ ધારણ કરીને અવિનાશ અને અમી ઘેર આવવા નીકળ્યા. અવિનાશના ચહેરા પર, અસ્તિત્વ પર અને જવાની પર અમીને પામ્યાનો આનંદ સમાતો નહોતો ! એ બહુ જ ખુશમિજાજ હતો.

     અવિનાશ જાણે જન્નતની લૂંટીને આવ્યો હોય એમ એણે પાલનપુરની ધરતી પર પગ મૂક્યો અને એ જ ઘડીએ એની ધરપકડ થઈ ગઈ ! અમીના પરિવારજનો અને પોલીસની મિલીભગતથી એવી રીતે તો એની ધરપકડ થઈ કે અદાલતમાં કેસ પહોંચી ગયો ત્યાં સુધી કોઈને એની ગંધ સુદ્ધાં ન આવી કે એ પોલીસના કબજામાં છે.

    અવિનાશ જેલના સળિયા ગણતો હતો ને એવામાં અમીને એના પરિવારે એને ક્યાંક પરણાવી દીધી. અને આ સઘળી ઘટના એવી તો આયોજનબદ્ધ રીતે પાર પડી ગઈ કે અવિનાશ પાલનપુર આવી ગયો છે, અને એ જેલમાં છે તથા અમીના લગ્ન થઈ ચૂક્યા છે. આ બધી જ બાબતોની બહારની દુનિયાને કોઈ જ અણસાર ન આવી શક્યો !

    અવિનાશનો પરિવાર અને એના મિત્રો તો અત્યાર સુધી એમ જ માનતા હતા કે અવિનાશ અમીને લઈને ક્યાંક સુંદર મજાની જિંદગી જીવી રહ્યો છે કિંતુ અવિનાશની હકીકત તો ફક્ત અને ફક્ત અવિનાશ અને અમી જ જાણતા હતા.

   અમીના લગ્ન થઇ ગયાના ચોથા દિવસે અવિનાશ જેલમાંથી છૂટ્યો. અને એ જ ઘડીએ દુનિયાને અવિનાશ અને અમીની હકીકતની જાણ થઈ. અવિનાશે તો દુનિયાને દેખા દીધી કિન્તુ અમીનું કઈ જ ઠેકાણું નહોતું પડતુ. આરોપોના ભયંકર જૂઠા સકંજામાંથી છૂટ્યા બાદ અવિનાશે અમીની ભાળ મેળવવા માટે આકાશ પાતાળ એક કર્યા. અમી વગરનો એ સાવ રઘવાયો રઘવાયો બની ગયો હતો. અમી માટે થઈને એણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. કિંતુ અમીનો પત્તો ક્યાંય નહોતો જડતો. દુનિયા ની હકીકત છે કે સચ્ચાઈ ક્યારે છૂપી રહેતી નથી એમ એક દિવસ આ અવિનાશને વાવડ મળ્યા કે અમીને બળજબરીપૂર્વક પરણાવી દેવામાં આવી છે. ત્યારે એ નિષ્પ્રાણ જેવો બની ગયો. કાપો તો લઈ ન નીકળે એવો એ બાઘો બની ગયો હતો.

    દિલમાં સહેંજ કળ વળતાં જ એણે અમીના પરિવારને રંજાડવા માંડ્યું. દુનિયાને અને અમીના પરિવારજનોને એણે દિવાનાપણાની અસલી તાકાત બતાવવા માંડી. ગાડાતૂર બની ગયેલા હાથીની જેમ એ અમીના પરિવારને પીડા આપવા માંડ્યો પણ એકલા માણસનું ગજું કેટલું ! જો એ અમીના આખા પરિવારને પહોંચી વળી શકે. એક દિવસ અમીના પરિવારે ખૂંખાર બની ગયેલા અવિનાશને સાવ બૂરી રીતે ધીબી નાખ્યો કિંતુ મોતથી આમ સહેંજે ડરી જાય તો એ અવિનાશ શાનો? એણે તો પોતાના દીવાનાપણાનું ઝનુન ચાલુ જ રાખ્યું.

એક દિવસ એ બગીચામાં બેઠો હતો. પ્રણયના શૂરાતનને એક બાજુ મૂકીને શાંતિથી તે વિચારતો હતો. એવામાં એને એક સુંદર વિચાર આવ્યો. જો એણે અદાલતના દ્વાર ખખડાવ્યા. અને પોતાની પત્ની અમીને સંતાડી દીધાની તેમજ બીજે પરણાવી દીધાનો કેસ દાખલ કર્યો.

લગ્ન થવાના અમૂક દિવસ સુધી અમી અવિનાશ અને એની યાદોને પંપાળી રહી પણ આવતા દિવસથી એને અવિનાશના અને એના પ્રેમને લીલા લાકડે દઈ દીધો ! એ એમ જ સમજતી હતી કે અવિનાશ પોતાના પિતાજીથી ધમકીથી ડરી જઈને કોઈ ખૂણામાં ભરાઈ પડ્યો હશે અથવા વધારે પડતી ઉચાપત કરવાના કારણે એને એવી તો માર પડી હશે કે એ પ્રેમના શૂરાતનને વિસરી જઈને ક્યાંક ફંગોળાઇ ગયો હશે ! અને આ વિચારે એને એક નવો જ રાહતનો દમ લીધો.

પિયરમાં પિતાજીની આબરૂને કલંક લગાડવાનું દુઃખ હતું તો સામે પક્ષે સાસરિયામાં સર્વેથી પ્રેમાળ નાતો બંધાઈ ગયાનો આનંદ હતો. ઘણીવાર એ વિચારતી રહેતી કે ક્યાં અવિનાશ ને ક્યા હું ! શું અત્યારે હું જે આનંદની જહોજલાલીમાં ખીલી રહી છું એ આનંદ અવિનાશ આપી શકવાનો હતો? અને આ વિચારે એ બબડી પડતી,'ખેર કુદરતે જે કંઈ કર્યું છે તે સારું જ કર્યું છે !' આવા વિચારે એ પોતાના પરિવાર અને અવિનાશ તરફના સ્નેહને -પ્રેમને પોતાના પતિ તરફ વહેવડાવવા માંડ્યો.

આ બાજુ અવિનાશના કેસને લઈને અદાલતે અમીને હાજર કરીને તેણીને અવિનાશને સોંપી દેવાનું ફરમાન બહાર પાડયું. આ ઘટના એ જ દિવસે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થઈ ગઈ. આ સમાચાર જ્યારે અમીના પતિના જાણમાં આવ્યા ત્યારે એણે કંઈ જ વિચાર્યા વિના ગામને શણગારવા માંડ્યું ! ચોફેર લીલા તોરણ બાંધવા માંડ્યા. લોક ઘેલા બનીને વિના અવસરના આ કૌતુકને જોઈને અચરજથી વિચાર્યે જતાં હતા. ગામમાં સૌને આમંત્રણ મળ્યું: લગ્નમાં મહાલવાનું ! પણ કોઈ એ જાણી શક્યું નહીં કે કોના લગ્ન છે ! ત્રીજા દિવસે અવિનાશને એક સંદેશો મળ્યો. જેમાં લખ્યું હતું: મિ. અવિનાશ ! તમારી અમાનતને વાજતે ગાજતે લઈ જાઓ. મને જો મારા લગ્નને દિવસે ખબર હોત કે અમી તમારી મોંઘેરી અમાનત છે તો હું એ જ દિવસે એને તમારે હવાલે કરી દેત ! અને એ પણ મીઠા સમાધાનથી ! પણ ખેર જે થઈ ગયું એનું તમારા કરતા પણ વધારે દુ:ખ મને થઈ રહ્યું છે. પારકી પરણેતરને મે મારા ઘરમાં લાવી એનો મને રંજ છે. મારી આ ખતા બદલ બને તો મને માફ કરજે દોસ્ત ! હવે, આખરી એક જ ઉપાય છે, માંડવા સજાવી આવો અને તમારી અમીને કાયમી માટે પરણી જાઓ.'

ચિઠ્ઠી વાંચીને અવિનાશને નવાઈ લાગી ! આ તો કંઈ કળજૂગ છે કે સતયુગ ! પોતાની પત્નીને કોણ આમ અન્ય સંગે વાજતે ગાજતે હેમખેમ બીજાને પરણવાવવાની ચેષ્ટા કરતું હશે ! ગમે એમ પણ અવિનાશ હવે ઢીલો પડ્યો. એનું મન અમીને લાવવાની હોંશમાંથી મરી પરવાર્યું !

"એક પતિ જો પોતાની પત્નીને એના આશિકને આંગણે વળાવી શકતો હોય તો હું ક્યાં ઊકરડાની માટીનો બનેલો છું કે અન્યની પત્નીને આમ સરાજાહેર અપનાવી શકું ! હું નુગરો થોડો છું !" આમ વિચારી એણે અમીને અપનાવવાના અરમાનોને સળગાવવા માંડ્યા.

એણે અમીના પતિને વળતા વાવડ મોકલાવ્યા કે તમે જે ઉદારતા મારા તરફ વાળી છે એ જ મીઠી ઉદારતાને મે તમારા મારગે વાળી છે. હવે અમી પર મારો કોઈ જ હક રહેતો નથી. તમે ખુશેથી જીવો એ જ અભિલાષા !

પણ એમ આશિકોને આગમાં શેકતા રહેવા દે એવી વાતનો અમીનો પતિ નહોતો જ. એણે તત્ક્ષણ અવિનાશને વરરાજાના વેશમાં ઘોડે ચડાવી એના આંગણે લાવ્યો. ને એની પોતાની જ પેઢીએ મંગળચોરી ગોઠવી અમીને અવિનાશ સંગે પરણાવી આપી. એક પતિએ પોતાની પત્નીના લગ્ન લીધા ! દાન દક્ષિણા આપીને કરિયાવરની ભેટસોગાદો સહ અમીને એના આશિકને આંગણે વળાવી આપી.


Rate this content
Log in

Similar gujarati story from Romance