End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

અશ્ક રેશમિયા

Romance Thriller


3  

અશ્ક રેશમિયા

Romance Thriller


જંગલ લવ

જંગલ લવ

10 mins 708 10 mins 708

  "લગનના તો પાકા કૉલ નથી આપતી ભૂપત, લેકિન આ ખોળિયામાં પ્રાણ રહેશે ત્યાં લગી આ કાયા પર તારો અબાધિત અધિકાર રહેશે! જા, આ મારૂ તને અફર વચન છે. તું ચાહે ત્યારે કિન્તું મારી અનુકૂળતાએ મને મળી શકશે."

   ‎આ સાંભળીને ભૂપત એના ખોળામાંથી ભડકીને સફાળો ઊભો થઈ ગયો.

 વરસાદની આહલાદક મોસમ હતી. ચોફેર લીલુછમ્મ ઘાસ ઉગી નીકળ્યું હતું. લીલી વનરાઈઓ હળવી હવામાં મંદ મંદ મુસ્કુરાહટ સાથે મોઘમ મલકાટમાં લહેરાઈ હતી.

   ‎'ભૂપત, દીકરા ! મારી કાયા મને સાથ આપે એવા કોઈ અણસાર દેખાતા નથી. માટે આ વખતે તું ગોવાળ બને એવી મારી અદમ્ય ઈચ્છા છે.'

  ‎'પણ બાપું! મારે હજી મૂછનો દોરોય નથી ફૂટ્યો. હું એકલો ગામ આખાની ભેંસો શીદને કાબૂમાં રાખી શકીશ?'

   ‎'બેટા...! આપણા ગામની ભેંસો બહું જ ભોળી છે. ઘાસ ચરવા સિવાય અન્ય કોઈ જ ચાળા એ સમજતી જ નથી. આ મારો ત્રીસ વરસનો અનુભવ છે. અને જંગલ તો આપણા પાદર સમું. તારે કોઈ જ ભે રાખવો નહી હો.'

   ‎'હા બાપું ! તો પછી મારે ક્યારથી ગોવાળી કરવાની છે?' બાપની આંખમાં આંખ ભેરવી ભૂપતે પૂછ્યું.

    ‎ભૂપત એના બાપનો જયેષ્ટ પુત્ર. એને સમજણ આવી ત્યારથી એ જોતો આવ્યો હતો કે ગામની ભેંસ ચારવી એ જ એક એના બાપનો ધંધો. ગોવાળપદું જ જાણે એમને કોઠે પડી ગયું હોય એમ એ દર ચોમાસે ગોવાળ બની જતાં. એક ભેસના બે રૂપિયા લેખે ગામની પચાસેક ભેસોની એ રખેવાળી કરતા. આવી રીતે ગુજરાન ચાલતું.

    ‎આ સિલસિલો છેક ઉતરાયણ સુધી ચાલતો. પછીના સમયગાળામાં એ દાડિયા તરીકે મજૂરી કરતા.

  ‎એ જમાનામાં હજું ભણતરનું આટલું મૂલ નહોતું જ. ગણ્યા ગાંઠ્યા અને નસીબદાર માણસો જ નિશાળનું પાટિયું ભાળતા. બાકીના ગામની ગલીએ, ખેતરે, પાદરે આયખાની મોજ ઉડાડતા.

   ‎એમ કરતા ભૂપત ઉંમરલાયક થયો. એટલે એના પિતાએ એને ગોવાળ બનાવવાની તૈયારી કરી.

   ‎'જો ભૂપત, આજે પાંચમ ને હવે છઠ્ઠ, સાતમ અને એમ કર તું આઠમથી તારા કામના શ્રીગણેશ કર. બે દિ' તારે ફરવું હોય એમ ભાઈબંધો ભેગી મોજ કરી લે. પછી આખું જંગલ તારૂ ને તું જંગલનો છોરૂ.'

  ‎ભૂપતને હાલ ગોવાળ નહોતું બનવું કે નહોતું કોઈ કામે ચડવું કિન્તું ઘરની ડામાડોળ આર્થિક સ્થિતિએ એને મજબૂર બનાવ્યો. કમને એણે એ કામ ઉપાડવું પડ્યું. એને ગોવાળ બનવા સિવાય ઘરમાં આવકનું કોઈ કેતા કોઈ સાધન જ ક્યાં હતું! જમીન તો એના બાપના કે એના દાદાના કોઈના નામે હતી જ નહી.

   ‎બે દિવસમાં ભૂપતના બાપુએ એને જંગલની રજેરજથી અવગત કરી દીધો. ભેહોને રોકવી, ટોકવી અને તળાવમાંથી બહાર કાઢવાની એવી સઘળી તાલીમ આપી દીધી. ભૂપતે પણ એમાં પારંગતતા ધારણ કરી.

   ‎આઠમ આવી એટલે વહેલી સવારે ગામ આખાની ભેંસ લઈ ભૂપતે વનની વાટ પકડી.

  ‎છેક સાંજે એ ઘેર આવ્યો, થાકીને લોથપોથ. આમ કરતા અઠવાડિયું વીતી ગયું.

  ‎ભૂપતના પિતાજી રોજે રોજ એના જંગલના અનુભવો પૂછે અને જરૂરી સલાહ આપે. શરૂઆતમાં ભૂપતનું કચવાતું મન હવે વનને વહાલ કરવા માંડ્યું. જંગલ એને ગમવા લાગ્યું.

  ‎એક દિવસ ભૂપત ભેંસ લઈને જંગલથી રોજ કરતા થોડે દૂર પહોંચી ગયો. ઊંચા-ઊંચા લીલાછમ્મ ઘાસને ભેંસ મોઢુંય ઊંચું કર્યા વિના ચર્યે જતી હતી. કોઈ જ ભેસ આડી અવળી થાય એવું નહોતું લાગતું. ભૂપત આ લાગ જોઈને ખાખરાના ઝાડે ચડી ગયો. ‎એ શાંત હતો. નવરો હતો. વનની વાસંતી વનરાઈઓને નિહાળવામાં મશગૂલ હતો.

  ‎ગામનું ગોંદરૂ, પાદર અને ભાઈબંધો સાંભર્યા. ઘેર દોડી જવાને મન યુદ્ધે ચડ્યું. પણ ક્ષણમાં જ હારી ગયું. સહસા એના કાનમાં કોઈના ગાવાનો અવાજ ઊતર્યો, સીધો જ હૈયે બેઠો. એ અવાજની શીતળતાએ એના મનને ઠાર્યું. એણે એ મધુરા સાદ ભણી કાન સરવા કર્યા. કોઈ યુવતી ગાતી હતી:    

   ‎ 'હંસરાજ રહી જાઓ ને આજની રાત....

      ‎કરૂ મારા દલડાની વાત, દલડાની વાત...

         હંસરાજ રહી જાઓ ને આજની રાત.....'

    ‎એ કોકિલકંઠી અવાજે ભૂપતના યૌવન ચડતા કાળજાને મોહિત કર્યું. ઉરમાં ન કળાય એવો સળવળાટ થયો. શાંત ભાવે શાંત બનીને એણે ગીત માણવું શરૂ કર્યું.

    ‎થોડીવારે એ ખાખરા પરથી હેઠે ઉતર્યો. પગરખા પગે કર્યા. ગીત ગાતી પગલી ભણી પગ ઉપાડ્યા. ચોફેર દષ્ટિ કરી. યુવતી અને પોતાના સિવાય કોઈ કળાયું નહી. ધ્રાસકો પડ્યો. ફાળ પડી કે એકલી યુવતી કને જતાં શાયદ એના પર આળ નાખે તો? એના ચરણ અટક્યા. અને ભેગો ખુદ પણ અટકી ગયો.

   ‎યુવતીનું નામ ભૈરવી. ભૂપતના પડોશના જ ગામની વતની. ભૈરવીના માવતરની વિશાળ વાડી હતી. ભેસોનો મોટો તબેલો હતો. ભૈરવી સોળમાં વરસની શાન સમજીને સત્તરના રાજસિંહાસન પર આરૂઢ થઈ રહી હતી. કાયાનો ઠીક ઠીક વિકાસ થઈ રહ્યો હતો. એક ભરપૂર અને નશીલી નાર બનીને એનું જોબનીયું જોબનવંતું થતું જતું હતું.

  ‎'આપણે તે વળી ક્યાં એને ડરાવવી કે ધમકાવવી કે પછી એનું કંઈ લૂંટી લેવાનું છે તે આમ ડરવાનું? ચાલને જીવ એની થોડી નજીક જઈને ગીતની મોજ માણી આવીએ.' મનમાં બબડતા એણે લાંબા અને લપાતા ડગલે ભૈરવી ભણી પ્રણાણ કર્યું.

   ‎ભૈરવી ઝાડના થડને અડીને ઊભી હતી. એક પગ જમીન પર અને બીજો પગ ઢીંચણમાંથી વાળીને થડને ટેકે રાખ્યો હતો. વાળની લટ વાયરા સંગે ઝુલી રહી હતી. આનંદવિભોર બનીને ગીત ગાવામાં મસ્તાન હતી. ‎એવામાં ભૂપત ભૈરવીની તદન સામેના વૃક્ષના ઓથે લપાયો. ગીત સાંભળવામાં મસ્તાન બની મશગૂલ બન્યો.

    ‎ભૈરવીએ શાંત વગડામાં ગીતોના શૂર છેડ્યા. પોતાના કંઠને વાયરાની સંગે વહેતો મૂક્યો:     

'ઈંધણા વીણવા ગઈ'તી મોરી સૈયર...

‎ ઈંધણા વીણવા ગી'તી રે...

  વેળા બપોરની થઈ'તી મોરી સૈયર.....'

    એવામાં ભૂપતના પગે મંકોડાએ ઠસાવીને બચકું ભર્યું. ચીસ ખાળવા છતાંય 'બાપરે' કરતા ધીમો અવાજ નીકળી ગયો.

    ભૈરવીના સતેજ કાને એ અવાજ ઉતર્યો. એ અટકી. એનો કંઠ અટક્યો અને શાંત ધડકનો તેજ બની. છાતી ધમણમાં ફેરવાઈ. દિલમાં ભયની ભેંકાર ફાળ પડી. એ ડરી. એનું ચડતું જોબન ડર્યું. કાયાની કલી ચીમળાવા સમ બની. પોતાની મસ્તાન લીલા સંકોરીને ઊભડક બેઠકે એ ઝાડના થડે બેસી ગઈ.

    "કોણ છે પણે?"‎હળવા હાથે છાતી દબાવી ક્ષણેકવાર રહી એણે ઉચ્ચાર્યુ.

 ‎એક પળ, બે પળ એમ કરતા કેટલીય પળ વીતી કિન્તું કોઈ અવાજ ન આવ્યો કે કોઈ છાયા કળાઈ નહી.

    પકડાઈ જવાની બીકે ભૂપત ભયને બાથ ભરી થડને ચીપકી રહ્યો. ‎ભૈરવી એકટસ એ થડ ભણી તાકીને બહાવરી બેઠી હતી. ‎ઝાઝીવાર બાદ ભૂપતે ભાગી જવા ડગ ઉપાડ્યા. પરંતું બે જ ડગલામાં પગમાં લાકડાનું ઠુંઠ્ઠું આવી જતાં ધડામ કરતા એ પટકાયો.

  ‎ભૈરવીની ચકોર નજરોએ એ ઓળાને જોયો. 'પુરૂષ' મનમાં બબડતી એ થથડી ઊઠી. એ પુરૂષ ભાગતો હતો એટલે ચોર-લૂંટારૂ તો ન જ હોઈ શકે એવી પ્રતિતિ થઈ. એય ડરીને ભાગતો હતો એ જાણીને ભૈરવીમાં થોડી હિંમત આવી. ગભરાયેલા હ્રદયમાં કળ વળી. સફાળે દોડતી આવીને એ પુરૂષને ઊભો થવામાં મદદ કરે એટલીવારમાં તો એ જાતે જ ઊભો થયો. કપડા ખંખેર્યા. પકડાઈ ગયાની બીકે એ છોભીલો પડ્યો. એણે લાગ જોઈને ઝટ દોડી જવાની તૈયારી કે તરત જ એનો હાથ ભૈરવીના હાથમાં ભરાયો.  

 ‎ભૂપત ગભરાયો. 'હવે શું? આબરૂના નાહક ધજાગરા ઉડી જવાના!' એ ભારે ભયથી સ્વગત બોલ્યો.

 ‎"કોણ છો તમે ? અને અહી શા માટે ? છુપાઈને શું જોતા હતાં?" સવાલોના સમરાંગણમાં ભૈરવ અટવાયો.

  ‎એ મૌન રહ્યો. ન હોઠ ઉપાડ્યા કે ન આંખ. ડરની ભયંકર રેખાઓ એના વદન પર વિષાદ બનીને ઊભરી આવી.

  ‎ભૈરવી જ્યારે ભૂપતનો હાથ ઝાલીને સવાલ કરી હતી ત્યારે એણે અનુભવ્યું કે એના અંતરમાં અકળ્ય સળવળાટ સરકી રહ્યો હતો. એના ઉરમાં મીઠી કંપારી વછુટી રહી. રોમરોમ મધુરી ગડમથલથી નાચી રહ્યાં. એક નવું જ પરિવર્તન અનુભવાયું. એણે સફાળે ભૂપતનો હાથ છોડી મૂક્યો. ઘડીક પોતાના ડિલ ભણી અને ઘડીક ભૂપતની આંખને એ તાકી રહી. છતાંય એક અજાણ્યું ખેંચાણ ભૂપતનો હાથ પકડી રાખવા જાણે એને મજબૂર કરી રહ્યું.

    ‎ભૂપતને પણ અનેક રોમાંચક લખલખા અનુભવાયા. અજાણી યુવતીના હાથમાં પોતાનો હાથ પડતાં જ એનું અંગેઅંગ આહલાદકતાથી ફરફરી ઊઠ્યું. જીવનમાં પ્રથમવાર આટલી નજીકથી અને રોમાંચકતાથી યુવતીને જોઈ. એની પુરૂષસહજ લાગણીઓ ઝટાક કરતી જવાન થઈ ઊઠી. દિલમાં પ્રેમનો લીસો સળવળાટ થયો. લાગણીઓનો મહેરામણ કિનારો ઓળંગી જવા હિલ્લોળે ચડ્યો. એકટસ બની એ ભૈરવીને તેજ છતાં કોમળ નજરે તાકી રહ્યો.

   ‎ઘડીકવાર પહેલા બંનેના દિલમાં જે હતો એ ભય ઓસર્યો અને લીલી લાગણીઓએ વિશાળ સામ્રાજ્ય સર્જ્યું.

   ‎ભૈરવી શરમાઈ. લજ્જા એના આયખાને ઘેરી વળી. સ્ત્રી સહજ ઊર્મિઓ ઉમંગભેર ઉછળી. ‎છાતીનો ભરપૂર વિકાસ ભાળીને એકવાર એની માં એ શીખામણ આપી હતી:'દીકરી, ભૈરવી! તું હવે જવાન થઈ રહી છે. ડિલને આમ ઉઘાડું ન રખાય. પુરૂષની નજરે ન પડે એ ખાતર તારે હવે સાડલો ઓઢવો જ રહ્યો.'

   ‎અને બીજા જ દિવસે ભૈરવીએ નવો નક્કોર સાડલો ડિલને ઓઢાડ્યો હતો.

   ‎સૂરજ માથા પર આવી ચૂક્યો હતો. ભેસો પેટ ભરીને છાંયડે આરામ ફરમાવી રહી હતી. ભાતું ખાવાનો વખત વીતી રહ્યો હતો. બંને એકમેકને તાકતા ઊભા હતાં.

   ‎ઝાડની ડાળીએ લટકતા શીશા પર ભૂપતની નજર પડી. ભૈરવીએ એને પાણી પાયું. પાણીની ધાર ભૂપતના ખોબામાં રેડતી-રેડતી ભૈરવી વિચારના વહાણે આરૂઢ થઈ. એને યાદ આવ્યું કે એની માં શરીરે કપડું ઢાંકવાનું શા સારૂં કહેતી હતી, એનો જવાબ એ મહેસૂસ કરી રહી.

   ‎પાણી પીધા બાદ બંને બેઠા. પરિચય કેળવાતો ગયો. પળમાં એકમેકના અંતરમાં ઊતરી ગયા. પ્રેમના પારણે પ્રથમ પરિચય થયો. ‎હવે રોજ વનમાં મિલનની મહેફિલ જામતી. પ્રણયના ફાગ ખેલાતા. દિવાળી આવતા સુધી તો બેય જીવ એક બની બેઠા. સાંજ વસમી અને રાત વેરણ લાગતી.

   ‎વખત વીતતો ગયો. ત્રણેક વરસના વાણા વહી ગયા.

   ‎ઘરમાં એના વેવિશાળની વાતો થતી એ ભૈરવી સાંભળતી અને બેભાન બની જતી. હૈયું ધ્રુજવા લાગતું. ભૂપત નજરે ચડતો.

   ‎'પરાયાના પનારે તો હું કેમ કરીને ભવ પૂરો કરીશ! વરીશ તો હું ભૂપતને જ, નહી તો કોઈ ખાલી કૂવો પૂરીશ!' એ રોજ મનમાં બબડતી.

   ‎એક દિવસની વાત છે.

   ‎સાંજનો મશરૂમ વખત. ગામમાં નવરાતનો ઢોલ ઢબુકતો હતો એવે વખતે ભૈરવીના બાપું ગામતરૂ કરીને આવ્યા. પાણી પીધા બાદ એમણે પત્નીને કહ્યું:'કહું છું સાંભળે છે? ભૈરવીનું સગું ગોઠવીને આવ્યો છું. છોકરો સારો છે, મહેનતું છે અને શરીરે પણ ઠીક ઠીક કાઠો છે. ઘેર વિશાળ વાડી છે. આપણી દીકરી ત્યાં ખુશ રહેશે.'

  ‎ ઉકળતા ચરૂ સમાં આ શબ્દો ભૈરવીના કાને સડસડાટ કરતા ઊતર્યા. એ તત્ક્ષણ તમ્મર ખાઈને ઢળી પડી.

    પળવારે કળ વળી. ભૂપત, મહોબ્બત અને વનની મધુર યાદો સ્મૃતિપટ્ટે ઉપસી આવી. કિન્તું હવે શું? કોઈ આરો જ ક્યાં બચ્યો હતો!

   ‎'ભૂપત પણ પ્રથમ વેળાએ અજાણ્યો જ હતો ને ? ને છતાંય એની હારે કેવું મન મળ્યું ને ગમવા લાગ્યો હતો! બસ, એમ જ એ અજાણ્યા જણ સાથેય પનારો પડી જશે.' એણે અનુભવ્યું.

  ‎'બકા, ભૈરવી! તારૂ આ મુખકમળ આજે આમ વીલાઈ કેમ ગયું છે?'        

  ‎ભૈરવી મૌન રહી. કોશિશ કરવા છતાંય આંખો છલકાઈ આવી. ઘો ની માફક એ ભૂપતને ભેટી પડી. હૈયે હીબકા સમાતા નહોતાં.

  ‎ભૂપતે એને સાચવી. એ શાંત થઈ. આંસું લૂછ્યા.

   ‎'પોતાની આવી વલે છે તો સગપણની વાત સુણીને ભૂપત પર શી વીતશે? કંઈ તાકાતથી એ જીરવી શકશે?' આવા ખયાલે એણે ભૂપતને કશું જ નહી કહેવાનું ઉચિત ધાર્યું.

   ‎થોડા દિવસો બાદ ભૂપતે લગનની વાત છેડી. 'બકું,ભૈરવી! હવે આપણા લગનની વય વીતી રહી છે. તું તૈયાર હોય તો આપણે પરણી જઈએ.'

   ‎'પરણવું શું આમ સાવ સહેલું છે?'

   ‎'કેમ વળી, શું થઈ જવાનું છે?'

   ‎'તને ખબર નથી ભૂપત? આપણું પરણવું તલવારની ધાર સમું છે. અરે, લગન તો ઠીક પરંતું ઘેર લગનની વાત ઉપાડતા જ ડોકે તલવાર બેસશે.'

  ‎ભૈરવીનેય ભૂપત સંગ પરણવું તો ક્યાં નહોતું? એય પરણવાના કેટલા કૉડ સજાવી બેઠી હતી? પ્રણયની પહેલી પળે જ એણે ભૂપતને પતિ માની લીધો હતો. રોજ સવારે જંગલમાં ઉપડતી વેળાએ જાણે એ સાસરે જતી હોય, પતિ જોડે જતી હોય એવા ઉમળકા ક્યાં નહોતા અનુભવતી!

   ‎કિન્તું હવે ક્યાં કોઈ આરો ઓવારો જ બચ્યો હતો?

    ‎એણે હૈયા ઉકલત વાપરી.

   ‎ભૂપતને પ્રેમથી-સમજદારીથી સમજાવવા માંડ્યું:'ભૂપત ! લગનનો તો પાક્કો કૉલ નથી આપતી પરંતું જીવતેજીવ આ ખોળિયા પર તારો અબાધિત હક રહેશે. તને જ પરણાશે એની ખાતરી તો નથી પણ તું જ ભરથાર રહ્યો છે અને ભવોભવ રહેશે.'

  ‎ આ સાંભળતા જ ભૂપત ભૈરવીના આગોશથી તિતરવિતર થઈ છટકી ગયો.

   ‎એણે ઝનુનભેર કહેવા માંડ્યું:'નહી ભૈરવી નહી, તારે પરણવું તો મને જ પડશે! અને હુંય પરણીશ તો તને જ!'

   ‎'નહીતર?'

   ‎'નહીતર હોળી પૂરીશ!'

   ‎'ભૂપત, ગાંડો થયો કે શું?' ભેંસ તરફ નજર કરી આગળ કહે, 'લગન શું આપણા હાથની વાત છે?'

    ‎ફરી ભૂપતને ટાઢો પાડવાના ઉપાય તરીકે કહ્યું:'મારા પ્રાણનાથ, ભવોભવના ભરથાર, મનના મોહક માણીગર મારેય લગન તારી હારે જ કરવા છે. તુજ વિના મુજને કલ્પી જ ક્યાં શકું છું? તારી હાજરી વિનાની વેરણ રાત યુગો જેવડી લાગે છે, તો તારા વના ભવ શે ગુજારીશ?'

  ‎'તો પછી ભૈરવી, ઝટ થઈ જા તૈયાર. હાલ જ પરણી જઈએ!'

  ‎'ભૂપત!' એની ઉઘાડી છાતીએ ચુંબન ભરીને એ બોલી:'આપણે કુંવારા જ ક્યાં છીએ! કહીને મલકાઈ ઊઠી. ભૂપતને પણ ખુશી ઉમટી. એણે ચુંબનોથી ભૈરવીને નવડાવી દીધી.

   ‎'કાલે તારા માવતરને પૂછી આવજે. એ હા પાડે એટલે હું તૈયાર છું.' ભૈરવીએ સઘળો ભાર ભૂપતને માથે છોડ્યો.

   ‎માવતર સાંભર્યા ને ભૂપત ભોંઠો પડ્યો. પરજાતિની યુવતી જોડે લગન કરવાથી માવતર પર શી વીતશે એ સાંભર્યું.

    ‎બીજા દિવસે ભૂપતને તાવ ચડ્યો.

    ‎ત્રણેક દિવસો સુધી એ વનની વાટે જઈ શક્યો નહી. ભૈરવી રોજ એના ઈંતજારે ઝુરતી. અસંખ્ય બુરા ખયાલો એના ઉરને ચીરી જતા. આકુળવ્યાકુળ થઈ ઉઠતી.

   ‎'આજે તો ઠીક, પણ આવતી કાલે હું ભૂપતની સીમમાં જઈશ.' એણે વિચાર્યું.

   ‎'ભૈરવી, કાલે તારો પતિ તને મળવા આવવાનો છે. જંગલના પેલા ઊંચા ખાખરા નીચે એ તારી રાહ જોશે.' એક સ્ત્રીએ ભૈરવીને વાવડ આપ્યા. 

ભૈરવીના બળતા જીગરમાં જાણે ઘી હોમાયું.

   ‎સાંભળતાં જ ભૈરવી ડઘાઈ. કોઈ ઉપાય રહ્યો નહી. બહાવરા મને એ તૈયાર થઈ. વળી, પાછો ભૂપત સાંભર્યો, 'એ આવી જશે તો? અમને મળતા જોઈ જશે તો?' મનમાં અસંખ્ય વમળો ઉમટ્યા. પાછા ફરી પોતે જ એના સવાલનો ઉત્તર આપતી, 'શાયદ ભૂપત હવે નહી જ આવે!'

    ‎સવારનો ખુશનુમાં સમય હતો. ભૈરવી એના પતિને મળી. વાતવિમર્ષ થઈ. વેલ બનીને વીંટળાઈ પડી. અલવિદા કરવાનો વખત હતો.   ‎

     ને ભૂપતે જંગલમાં દેખા દીધી! એ બહાવરો બનીને આમતેમ ભૈરવીને શોધવા લાગ્યો. બૂમ પાડવાની તૈયારી કરતો હતો ને એની નજર ભૈરવી પર પડી.

   ‎ભૈરવીને જોતાં જ જેની આંખો ઠરતી એવા ભૂપતને આજે ભયંકર આઘાતે ઘેરો ઘાલ્યો. ફાટી જ પડ્યો. પરંતું તરત જ કળ મેળવી. એણે ધારી ધારીને જોયું. હજુંયે ભૈરવી કોઈને બાથ ભરીને ઊભી હતી.

   ‎ભૂપતના ગુસ્સાએ સાતમું આકાશ ભેદ્યું.

   ‎'હં..., તો આવા બે નંબરના ખેલ ખેલવા જ મને લગનની ના પાડતી હતી કેમ? સાલી દગાખોર! મારી સંગે આવડો દગો?' એણે લાકડાનું ડાળું હાથમાં લીધું. ભૈરવીને ભાંગી નાખવા જ. 'મારા જીવતેજીવ તો અન્યો સંગ પ્રણયના આવા ખેલ ખેલી જ શાની શકે?' એણે દોટ મૂકી. ભૈરવીનું કાસળ કાઢી નાખવા જ.

   ‎એ થોડો નજીક ગયો. જોયું તો ભૈરવી એ પુરૂષથી છૂટવાની જાણે કોશિશ કરી રહી હતી. તરત જ અફર નિર્ણય ફર્યો. સમજાયું કે પેલો પુરૂષ ભૈરવી સંગ જબરજસ્તી કરી રહ્યો છે. એ સફાળે વધારે ઝનુનથી દોડ્યો.

 ‎લાકડાના એક જ ઝાટકે એણે પરણ્યા પહેલા જ ભૈરવીને વિધવા કરી મૂકી.


Rate this content
Log in

More gujarati story from અશ્ક રેશમિયા

Similar gujarati story from Romance