Ashq Reshmmiya

Others

3  

Ashq Reshmmiya

Others

અલીડોસો

અલીડોસો

5 mins
262


રાતના બારેક થયા હશે. બહાર અડાબીડ અંધારું જામ્યું હતું. હું પ્રેત વિશેની કંઈક વિશિષ્ટ વાર્તા લખવાનો પ્લોટ વિચારી રહ્યો હતો. ભીષણ ઠંડીમાં કંઈ સૂજતું નહોતું. મન વ્યાકૂળ બનતું જતું હતું. શિયાળાની હાડ થીજવતી ઠંડી જાણે યુધ્ધે ચડી હતી. એવામાં અચાનક જ દરવાજો ખખડ્યો ! ને એ સાથે જ હું પણ !

ધીરે રહી, થરકતા મને મે બારણું ઊઘાડ્યું. ડોકિયું કાઢી જોયું, તો પ્રેત ! પરસેવો છૂટી ગયો ! પેન હાથમાંથી સરકી ગઈ અને વિચારો ભયભીત બની ઊભી પૂંછડીએ ખૂણામાં ભરાઈ પડ્યા. અજાગ્રત મનમાં પળમાં જ પત્નીને જગાડવાનો ખયાલ સ્ફૂર્યો. પણ તરત જ અટકી ગયો. એ વિચારે કે એ તો મારાથીયે વધારે આવા ભૂતથી ડરે છે. એને જગાડીને ફાયદો શો ?

દિલમાં નહોંતી છતાંય મે હિંમત કરી. ધીરે રહી બહારની લાઈટ ચાલું કરી, ઝીણી ગભરાટ સાથે. ડોકિયું જોયું તો સાવ દયામણા ચહેરે એક વૃધ્ધ - પૂર્વે કદી ન જોયો હોય એવો- કેડ પર કર ભીડાવી મહામહેનતે લાકડીના ટેકે ઊભો હતો. આંખ જાણે યુગોના અસહ્ય ઈંતજારથી સૂઝી ગઈ હતી. તન ભૂખથી સાવ બેવડ વળી ગયું હતું, એ ભૂખ ભોજનની હતી કે ઈંતજારની ! એ કળી શકાયું નહી. પહેલી નજરે પ્રેત લાગેલ એ મને ઘડીકમાં જ અસલ આદમી લાગ્યો. ને મારી હિંમતમાં ચપટીક શ્રદ્ધા ઉમેરાણી. હું અમથોય આવકાર આપું એ પહેલા જ એણે સાવ જર્જરિત અને સૂકાયેલા ઠુંઠા જેવા હોઠ ખોલ્યા. ભીની આંખે આજીજીભર્યા સ્વરે કહ્યું:" મારી મરિયમનો પત્ર ક્યાં છે ?" અને એણે દશ ફૂટ દૂર રહી મારી તરફ હાથ ફેલાવ્યો. એ છેક મારા સુધી પહોંચી આવ્યો ! એ હાથની દશા જીર્ણશીર્ણ હતી.

હું અચરજભેર હેબતાયો ! શરીરે કંપારી વછૂટી. મનમાં જ બબડ્યો:"આ તો ધૂમકેતુની પેલી 'પોસ્ટ ઑફિસ' નામની વાર્તાનો મહાનાયક અલીડોસો !" પણ એનો સ્વર્ગવાસ થયાને તો કેટલાંય વરસોના વાણા વહી ગયા ? ને એ અહીં ? એ પણ જીવતો જાગતો ? મારી સામે જ ?" મારા ડોળા નીકળું- નીકળું થઈ ગયા.

"હાં, તે ખરો ઓળખ્યો ! હું એ અભાગિયો બાપ અલીડોસો જ છું. મને ભૂત સમજે તો ભૂત અને અસલ આદમી સમજે તો આદમી ! પરંતું ડરીશ નહીં." જાણે એણે મારા મનની વઆત જાણી લીધી હતી ! મને ગભરામણથી અચરજઘેલો જોઈ એ ડોસો ફરી બોલ્યો:" તમે લોકોએ માન્યું'તું હું મરી ગયો છું, એમ ? હું મારી મરિયમનો પત્ર વાંચ્યા વિના મરતો હોઈશ ! હું એક બાપ છું ! અને બાપ ક્યારેય મરતો નથી ! હું મર્યો નહોતો, અત્યાર સુધી શીત અવસ્થામાં હતો. હું હજી અનેક જનમો સુધી મારી મરિયમનો અને એના પત્રનો ઉઘાડી આંખે ઈંતજાર કરી શકું છું ! કિન્તું પોસ્ટઑફિસ ન આવવાનું મારું એક જ કારણ હતું: મારા બુઢાપાનું હળહળતું થતું અપમાન ! એ સાથે જ એક બાપનું એની દીકરીની ઊભરતી લાગણીનું અપમાન ! એક બાપની હુંફાળી મમતની કદર નહોતા કરી શકતા પોસ્ટઑફિસના એ કારકૂનો ! ને એવામાં વાયરા સંગ અચાનક ઉડતા વાવડ મળ્યા કે મરિયમનો પત્ર આવ્યો છે ! એટલે જાણે મારી રૂક્ષ કાયાને જવાની ફૂટી ! ને એ જ ઘડીએ આ અડધી રાતે બેબાકળો બની દોડતો આવ્યો છું ! મને ખુદને ખબર નથી પડી કે મારી જે કાયામાં ઊભા થવાનીયે હામ નહોતી એ આટલી ત્વરાએ શીદને દોડી શકી !"

"પણ બાપુ, તમારી મરિયમનો પત્ર આવ્યો ત્યારે તો હું હજી જન્મ્યો જ નહોતો, શાયદ ! તો પછી મને કેમ એ પત્રની ખબર હોય ?"

"દીકરા, ગમે તે કર ! આકિશ- પાતાળ એક કર કે ડુંગર ખોદી કાઢ ! કિન્તું મારો એ પત્ર લઈ આવ. પત્ર નહીં, એ મારી દીકરી છે દીકરી ! જીવ કહું તો પણ ઓછું પડે ! તું સાહિત્યકાર છે એટલે પત્રનું મહત્વ સમજે છે. શબ્દોની લીલીછમ્મ લાગણીને તારા જેવા સર્જકો જ જાણી શકે ? મારી વહારે આવ !"

"પણ દાદા, હાલ તો વાચકો પણ એમાં માહેર છે. એ વાર્તાના પાત્રોને જરાય અન્યાય નથી કરતા."

હું દ્વિધામાં પડ્યો. અડધી રાતે અટવાયો. કરવું શું ? પળવારમાં કેટલોય લાંબો વિચાર કર્યો. ઘડીકમાં તો ક્યાંયની સફર ખેડી આવ્યો. ગડમથલથી ચૂંથાતા હૈયામાં અચાનક એક ઉપાય સૂઝ્યો. અને તરત જ માહિતી મેળવવાના અધિકારની અરજી લખીને અલીડોસાને આપી. અને કહ્યું:" માહિતી ખાતામાં અરજી કરો. આપની મરિયમનો પત્ર તમને હેમખેમ મળી જશે !"

અલીડોશો ખુશખુશાલ થઈ ગયો ! એના ગયેલા જીવમાં જીવ આવ્યો. પ્રચંડ લાગણીથી ગળગળો બની, ઉમળકાભેર મને ખ્યાતનામ લેખક થવાના અખંડ આશિર્વાદ આપીને એ રવાના થવાની તૈયારી કરતો હતો કે પાછળથી કોઈએ બૂમ પાડી.

"બાપુ..... ! ! !"

ઉમળકાથી ઉપડેલો અવાજ સહેંજમાં તરડાયો.

પૂર્વે કદી જ ન સાંભળેલા એ વિચિત્ર અવાજથી હું ફરી ગભરાયો. એક ભૂતને માંડ રવાના કર્યું ને વળી બીજુ ક્યાંથી પેદા થયું ? હાડ થીજી નાખતી કાતિલ ઠંડી પોત પ્રકાશી રહી હતી. પણ ન જાણે કેમ એ ઠંડી ડોસાને અસર નહોંતી કરતી !

ઘોર અંધારી રાત ! રાત વધતી જતી હતી એમ મારો ડર પણ વધ્યે જ જતો હતો. ડર્યો પણ મે હિંમત રાખી. જે બીના ઘટે એ જોવાની તૈયારી કરી.

અલીડોસાએ જાણે અવાજ પારખ્યો હોય એમ ગદગદિત થઈ ગયો. ઘડીક ચરણ થંંભ્યા, ને તત્ક્ષણ એણે પૂંઠ ફેરવી. એની આંખો ભરાઈ આવી. એ લાગણીથી લથબથ થઈને બોલ્યો:"દીકરી, મરિયમ !"

ને હું ફરીથી બેભાન થતા બચ્યો. ભયંકર અડધી રાતે બની રહેલું કૌતુક મને બીવરાવી રહ્યું હતું. ફરી બારણાની બહાર આવી જોયું તો એક યુવતી દોડતી આવતી હતી. જેમ નદી સાગરને ભેટવા દોટ મૂકે એમ જ !

"આ તો મરિયમ જ !" મને ઝીણો ભાસ થયો. ને નજીક આવતા મે એને ઓળખી. તનમનમાં ઝીણી ઝણઝણાટી થઈ.

અલીડોસાના જીર્ણક્ષીણ શરીરમાં જબરું જોશ ઉપડ્યું. એણેય સામી દોટ મૂકી, જુવાનને પણ ક્યાંય પાછળ પાડી દે એવી !

"બાપું !" બોલતાં જ મરિયમ એને ભેટી પડી ! વરસતી આંખે ધડકતા હૈયે ! ને ઘડીકમાં જ બાપ-દીકરીના હૈયાનો વરસોનો વિરહભર્યો વલોપાત શાંત થયો.

"આપને મારો પત્ર રૂબરૂ થયો નથી. એ જાણીને હું ખુદ આવી ગઈ, બાપું !"

અલીડોસો નાચી ઉઠ્યો. ખુશીનો માર્યો ગળગળો થઈને વરસોની વિરહવેદનાના ઉદધિને આંખ વાટે ઉલેચી રહ્યો.

"આહ ! પત્રનો ઈંતજાર હતો, ને દીકરી મરિયમ ખુદ આવી ગઈ !" મનમાં બબડી એણે આકાશ ભણી નજરો ફેલાવી. બંધ આંખે પરવરદિગારનો આભાર માન્યો. ઈંતજાર ફળ્યો એની સૂના ઉરમાં ભવ્ય ઊજવણી થઈ.

"પણ બાપું !" ડોસાની આંખમાં આંખ પરોવી મરિયમે સવાલ છેડ્યો:" શા માટે આપે મારા પત્રનો ઈંતજાર ખતમ કરી દીધો હતો ? શું મરિયમ પરથી ભરોસો ઊતરી ગયો હતો ? કે એકની એક દીકરુને મરેલી માની લીધી હતી ?"

"ના ના, દીકરા !" અલીડોસા મરિયમને હંમેશા દીકરા કહીને જ સંબોધતા. "હું તને- મારા જીગરજાન દીકરાને શીદ વસરી શકું ? ને ક્યાં કારણે મરેલી માનું ? પણ સાચું કહું દીકરી ? પેલા પોસ્ટઓફિસના અધિકારીઓ મારી મજાક ઊડાવતા હતાં. મારી તો ઠીક, પણ મારા રુક્ષ ઘડપણની પણ આબરૂ કાઢતા હતાં. બસ, દીકરી ! મારા પાપી ઘડપણની લાજ ખાતર જ મે માત્ર પોસ્ટઑફિસ આવવાનું બંધ કર્યું હતું. તારો કે તારા પત્રનો ઈંતજાર હરગિજ ખતમ નહીં !"

વરસોના અખંડ વિજોગી એ બાપ-દીકરીના મિલનનો ઐતિહિક ફોટો પાડવા થઈને હરખભેર હું મોબાઈલ લેવા રૂમમાં આવ્યો. એક જ પળમાં પાછા આવીને બારણે જોયું તો હું અચરજભેર અવાક !

ત્યાં કોઈ નહોતું ! કે નહોતો ઘડીક પહેલા કોઈના હોવાનો અણસાર !


Rate this content
Log in