Tanvi Tandel

Drama Horror Thriller

2.4  

Tanvi Tandel

Drama Horror Thriller

ભવ્યા

ભવ્યા

17 mins
14.9K


ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે?

કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.. - બેફામ

કોલેજ નો પ્રથમ દિવસ હતો. આઝાદીની નવી ઉડાન સંગ હું મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. નવા ચહેરાઓ, નવી આશા, નવા તોફાનો ને બીજું ઘણું બધું અહી નવું હતું. એક ખુશી ની લહેર વાતાવરણ માં હતી. ત્યાંજ મારી નજર પડી એક સામેની બેન્ચ પર .. એક તાજું જ ગુલાબનું ફૂલ...જેવી રતાશ હતી એના ચહેરા પર. એ એની એક બહેનપણી સાથે હસીને વાત કરી રહી હતી. એના હાસ્ય માં હું આકર્ષણ અનુભવી રહ્યો. ઝરણાની નજાકતથી ભર્યો સપ્રમાણ દેહ, સુંદર રેશમી લાંબા કમરથી નીચે સુધીના વાળ, ને સાથે એકદમ ફેશનેબલ... સ્કિન ટાઇટ ટોપ. એક નજરમાં જ ઘાયલ કરી દે એવું રૂપ. પહેલાંજ દિવસે આટલો સુંદર નજારો નિહાળવા મળે તો કોલેજ જવાનું મન કોને ના થાય? એક જ ક્લાસમાં હોવાથી એના નામની માહિતી તો મળી ગઈ પણ એ ક્યારેય હાસ્ય તો શું, નજર પણ ન્હોતી એક થવા દેતી. હું કેટલીય વખત એના એક સ્મિતની ઝલક માટે એની આગળ પાછળ ફર્યો પણ ભણેશ્રી ભવ્યા ... હા મેં એનું નામ ભણેશ્રી પાડેલું. એની મિત્ર માનસી અને એ બન્ને સ્કુટી પર આવે કોલેજને પાછા સીધા ઘરે એ સિવાય કોઈ સાથે બહુ વાતો કરે નહિ.

લાયબ્રેરી માં એક વાર હું પુસ્તક લેવા ગયો એ પણ અનાયાસે. એક નોંધ તૈયાર કરવાની હતી. મારે જે પુસ્તક જોઈતું હતું એ કોઈ લઈ ગયું હતું ને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ભવ્યા મેડમ જ લઈ ગયા હતા. હાશ.... એક તક મળી વાત કરવાની. પ્રથમ વાર હું એ બન્ને ની નજીક ગયો ભવ્યા પાસે એ પુસ્તક ની માંગણી કરી. ને પ્રભુ કૃપાથી ભવ્યાએ એ પુસ્તક આપ્યું ને સાથોસાથ એક સુંદર સ્મિત સાથે તૈયાર નોંધ પણ આપી. બસ ત્યારથી શરૂઆત. પરિચય ને ત્યારબાદ મિત્રતા. નોટસ ને કોલેજની વાતો સાથે અમારી રોજ રોજ વાતચીત થવા લાગી. માનસીની સાથે હવે હું પણ ભવ્યાનો મિત્ર હતો. ભવ્યા એક શ્રીમંત પરિવારની દીકરી હતી. સાથોસાથ મોર્ડન વિચારધારાવાળી. તે છતાંય બહુ ઓછું બોલતી. કામ પૂરતી જ વાત. અમે ત્રણેય સાથે મળીને મૂવી જોવા પણ જતા. ઘણીવાર લેક્ચર પતી જાય પછી નાસ્તો કરવા પણ જતા. મને ભવ્યા ખૂબ ગમતી તેની સાથે સમય વિતાવવો મારા માટે સૌથી અમૂલ્ય ક્ષણો હતી.

ભવ્યા અને હું મોબાઈલ પર ખૂબ વાતો કરતા. પણ એને પ્રપોઝ કરવાની હિંમત મારામાં ન્હોતી. એના વિના મને ગમતું નહોતું. ઘરે આવું પછી કોલેજ જવાની જ રાહ જોઉં. ભવ્યા ની લાઈફ સ્ટાઇલ જોઇ હું થોડો પાછળ પડતો. હું ગામડાનો ને એ શહેરની દરેક સુખસુવિધા વચ્ચે પાંગરેલી. માનસીને પણ મારી ભવ્યા પ્રત્યેની ફિલિંગ ની જાણ હતી જ. એક દિવસ કોફી ટેબલ પર ભવ્યાએ સામેથી મને પ્રપોઝ કર્યું. સ્વીકારવાની તૈયારીની તો એના કરતાં વધુ ઉતાવળ મારે હતી. એ જ સમયથી અને મિત્ર મટી 'કપલ ' બની ગયા. એકબીજાને જીવન આખું સાથે જીવવાના વાયદા અમે આપી દીધા.

અમે કોલેજ બાદ પણ મળતા પણ માનસી હમેંશા અમારી સાથે હોય. ઘોંઘાટથી દૂર, દરિયાકિનારે હાથોમાં હાથ નાખી બેસવા મળતું નહિ પણ વાતો ખૂબ કરતાં. હજુ કોલેજ ના બે વર્ષ પૂર્ણ કરવાના હતા. તેથી કોલેજના અભ્યાસ બાદ પરિવારને જાણ કરી લગ્ન કરવાનો અમારો પ્લાન હતો. તેથી છુપાઈને મળવું પડતું. હું તો ગામડે ક્યારેક રજાઓમાં જ જતો. અભ્યાસ અર્થે શહેરમાં જ એક રૂમ ભાડેથી રાખી રહેતો એટલે હું ગમે ત્યારે મળવા જઈ શકતો પણ ભવ્યા માટે શક્ય નહોતું. એ માનસી સાથે કંઈ બહાનું બનાવીને નીકળતી. એના પપ્પા ખૂબ સ્ટ્રિક હતા. આમ ને આમ બે વર્ષ પસાર થયા.

એક નાની ઘટના જીવન નો અણધાર્યો ટર્ન લેવા કાફી હોય છે....મારા જીવનમાં પણ એવું જ કંઈ બન્યું...ઇન્ટર કોલેજ સ્પર્ધામાં અમે બન્ને એ ભાગ લીધો હતો. બહુ સરસ નાટકની તૈયારીઓ કરી હતી. જાણે પ્રેમકહાની ના નાટકને અમે બન્ને સાચેજ જીવતા હોય એમ ભજવતા. સ્પર્ધાના દિવસની વાત છે. સ્પર્ધાના દિવસે હું ક્યારનોય મસ્ત સૂટ પહેરી પહોંચી ગયો હતો. અધીરો બની મારી જુલિયટ ની રાહ જોઇ રહ્યો હતો...માનસી સ્કુટી લઈ પહોંચી પણ ભવ્યા સાથે ન્હોતી મને નવાઈ લાગી. માનસીને પૂછતા તેને જણાવ્યું કે આજે કોસચ્યુમ પહેરી એ એના પપ્પા ની કાર લઈને આવી રહી છે. મે અઢળક કોલ કર્યા પણ ભવ્યા આવી જ નહિ. ઉતાવળમાં ઘરેથી કાર લઇ આવી રહેલી ભવ્યા ને એક ડમ્પર ચાલકે ટક્કર મારતાં તેની સાથે ની અથડામણ માં એક્સીડન્ટ થયો હતો. ને બસ, ભવ્યાનું સ્થળ પર જ ... મોત નિપજ્યું હતું.

અકસ્માતની, ભવ્યાના મૃત્યુની વાત મારા કાન સુધી પહોંચી ત્યાં સુધીમાં તો હું અર્ધબેભાન જેવો બની રહ્યો. મારા માન્યામાં ન આવ્યું. હું તરતજ બાઇક લઇ ઘટનાસ્થળે પહોંચ્યો. કારની આસપાસ પોલીસ અને ઘણા લોકો નું ટોળું એકઠું થયું હતું. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ચલાવનાર નું શરીર ત્રણ ભાગમાં વહેંચાઈ દૂર સુધી ઘસડાયું હતું. વાત સાંભળવી પણ શક્ય લાગી નહિ. શરીરમાં ધ્રુજારી પ્રસરી રહી.. બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હું સીધો એના ઘરે પહોંચવા મથામણ કરવા લાગ્યો પણ એનું ઘર - એના પપ્પા સઘળું યાદ આવ્યું. મારી ઓળખાણ ત્યાં કેમ આપવી એ વિચારવામાં હું સીધો સીટી હોસ્પિટલ પહોંચ્યો. તેના પિતા ને થોડા સબંધીઓ રડારોળ કરી રહ્યા હતા તેની મમ્મી દેખાઈ નહિ. હું દૂર થી સઘળું નિહાળી રહ્યો. મારે એક વાર ભવ્યાને જોવી હતી. મારી ભવ્યા ને સ્પર્ષવી હતી. શું વિચારેલું ને શું થઈ ગયું? હું ચૂપચાપ દિગ્મુઢ બની એ સફેદ કપડામાં ઢંકાયેલા પાર્થિવ શરીરને નિહાળી રહ્યો. મારા આંસુઓ કાબૂ માં ના રહ્યા. હું ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને સ્વીકારવા સક્ષમ ન્હોતો. હ્રદય રડું રડું થઈ રહ્યું. આખરી સમયે પણ ભવ્યા ને હું મારી કહી એને એક વાર મળી શક્યો નહીં. રડતા ચહેરે હું ઘર તરફ વળ્યો.

દિવસ રાત હુ એના વિચારો કરીને પાગલ જેવો બની ગયો. બે દિવસથી બસ ખાધા વિના પડી રહ્યો હતો. રાત્રીના બાર ઉપર વાગ્યા હશે. હું પલંગ પર પડી રહ્યો હતો. ગાઢ અંધકાર મારા રૂમ માં પ્રવર્તી રહ્યો. બારી તરફ જોતા આકાશમાં તારાઓ ઝાંખા અજવાશ સાથે વાતો કરી રહ્યા હોય એવું લાગ્યું. એવામાં ઠંડી પવનની લ્હેરખી આવી ને મને સ્પર્શી ગઈ. થોડો પ્રકાશ જેવો પણ થયો. વીજળીના ચમકારા જેવો. એવામાં અવાજ આવ્યો. હું આજુબાજુ જોઈ રહ્યો. કોઈ દેખાયું નહી. ફરી અવાજ આવ્યો .. શિવમ.. શિવમ... મને પ્રેમથી બોલાવતી હતી એ.... એ જ અવાજ ...

મારી સામે ભવ્યા ઉભી હતી. ભયાનક કંપન પ્રસરી રહ્યું. હું વિચારતો રહ્યો. સ્વપ્ન કે આભાસ કે પછી બીજું કંઈ,...

ભ..વ્યા તું???

હા..શિવમ હું.. તારી ભવ્યા.... કેમ આવું પૂછે છે?

અરે તારું મૃત્યુ, એક્સીડન્ટ... હું થોથવાતા થો..થવાતા બોલ્યો. જીભ ઉપડતીજ ન્હોતી. મારુ મગજ બહેર મારી ગયું હતું. જે થયું એ સ્વપ્ન હતું કે સામે ઊભેલી ભવ્યા .... શું સાચું માનવું?

યાર... શિવું તું ભાનમાં તો છે ને! શું બોલી રહ્યો છે. હું તારી સામે છું ને તું મારી આવી વાતો....

ચાલ હવે બહાર જઈએ. એક અદ્રશ્ય તાંતણાથી હું ખેંચાઈ રહ્યો હોઈ એવું લાગ્યું. એ મને ઘર બહાર લઈ ગઈ. આજુબાજુ અંધકારનું સામ્રાજ્ય હતું.

શિવું..ચાલ લોંગ ડ્રાઈવ પર. મારા આશ્ચર્ય વચ્ચે બાઈકની ચાવી એના હાથમાં હતું. હું પણ બાઇક પર બેઠો. એ મારી પાછળ બેસી ગઈ. સાડી પહેરેલી હતી એણે એટલે એક સાઇડ પર બેઠી. અમે અસંખ્ય વાર આ રીતે એકબીજાને અડોઅડ બેઠા'તા. અમે હાઈવે તરફ આગળ વધ્યા. એક અજાણ્યા રસ્તે આમ ભવ્યાંને લઈ બાઇક પર જવું ખતરા સમાન હતું છતાં અમે બન્ને આગળ જતાં રહ્યાં. હું કશું બોલતો નહોતો. રસ્તામાં લાઇટ જેવું એક ઠેકાણે દેખાયું. હોટેલ હતી મોટી. ભવ્યા કહે મને ખૂબ ભૂખ લાગી છે તેથી મારી બાઇક થોભાવી. આટલી રાતે હોટેલ માં ખાવા આવનાર કદાચ અમે બે જ હતાં. જમવાનું ત્યાં કશું હતું નહીં બસ હળવો નાસ્તો મળશે એવું એક વેઈટરે કહ્યું. છતાં અમે બન્નેએ ત્યાં નાસ્તો કર્યો.. કેટલી બધી વાત કરી રહી હતી ભવ્યા.. હું એને જોઈ રહ્યો.

ખરી છો, તું આમ રાતે.. નીકળાય ઘરેથી...

ભૂખ લાગેલી ને તારા જેવા પ્રીતમની યાદ વળી. એ બોલી.

ઘડિયાળ માં નજર નાખતા બોલી શિવુ ચાલ... બહુ મોડું થયું.

મેં પણ અંધકારભર્યા આકાશને જોઈ એની હા માં હા મિલાવી. રાત હોવાથી મેં એને ઘરે ઉતારવાનું પૂછ્યા વિના એના ઘર તરફ બાઈક લીધી. એના ઘરના ગેટ પર ઉતારી.

અરે, પપ્પા જોઈ લેશે.. ફટાફટ ભાગ.

એના પપ્પાની બીકે હું એને હવામાં બે ત્રણ વાર હાથ હલાવી બાઈ કહી ઘર તરફ આવી ગયો. સવારે હું ઉઠ્યો ત્યારે હું પલંગમાં હતો. રાતે બનેલ બીના મને સંપૂર્ણ યાદ હતી. ગભરાટ વ્યાપી ગયો.. ગભરાટ સાથે મેં ભવ્યા નો મોબાઈલ નંબર ડાયલ કર્યો. સામે છેડે એના ફોનમાં બસ ડાયલ ટોન જ સંભળાતો હતો. થોડી વારમાં ભવ્યાની સામેથી રીંગ આવી. થોડી હાશ થઈ.

ઊંઘણસિંહ..હજુ ઊઠ્યા નહીં?

ચાલ કોલેજ નથી જવાનું?

ફરી ગભરાટ વ્યાપી ગયો. મને થોડો તાવ હોઈ એવું લાગ્યું. મારી આંખો પણ થોડી સૂઝેલી હતી. શરીરમાં કળતર હોઈ એવું લાગ્યું. તેથી મેં કોલેજ માં આવવાની ના કહી. બપોરે મળીયેનું વચન આપી તરત ફોન કટ કર્યો. થોડું મનમાં ગડમથલ જેવું લાગતા મેં માનસીને ફોન કર્યો..

હેલ્લો,,,, માનસી...

ના હું એનો ભાઈ...તમે?

હું એની કોલેજની - સોરી - ભવ્યાંનો ... મારી જીભ થોઠવાઈ. મારે માનસી સાથે ખુબ જરૂરી વાત કરવી છે.

માનસી મારા મમ્મી સાથે હમણાં જ ફોઈ ના ઘરે નીકળી ઉતાવળમાં ફોન ઘરે જ ભૂલી ગઈ છે.

મે ફોન કટ કરી નાખ્યો. હવે શું કરવું? મારી સાથે જે થયું એ સઘળું શું... કેમ???...... મનમાં ચાલતા વિચારો નું મારી શંકાનું નિવારણ કરવાનું નક્કી કર્યું. બાઈકની કી લઈ હું ઘરમાંથી નીકળ્યો. બાઈક સ્ટાર્ટ કરી પણ સ્ટાર્ટ ના થયું. જોયું તો પેટ્રોલ કાંટો રિઝર્વના નીચે હતો. પેટ્રોલપંપ સુધી જવાઈ એટલું પણ પેટ્રોલ ન્હોતું. તો રાતે બાઈક ચાલી કેવી રીતે? પેટ્રોલ તો કોલેજમાં સ્પર્ધાના દિવસે જ પૂરું થયેલું ને નખાવવાનું રહી ગયેલું. ફરી એ બધું વિચારવાનું મૂકી મે રિક્ષામાં જવાનું નક્કી કર્યું. તરત રાત વાળી હોટેલ, એ લોંગ ડ્રાઈવ ફરી ફરીને યાદ આવી. તેથી હાઇવે તરફ જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. એ રોડ બાજુ પેસેન્જર વાહનો ખુબ ઓછા જતાં. તેથી પેસેન્જર ના મળે એટલે રિક્ષાઓ એ તરફ જતી નહિ. ખાસ્સો અડધો કલાક ઊંભો રહ્યો..પણ રિક્ષા મળી નહિ. ડબલ ભાડુની વાત કરી ત્યારે માંડ એક રિક્ષાવાળો મારી સાથે આવવા તૈયાર થયો. રિક્ષામાં ફટાફટ બેસી હાયવે બાજુ ગયા.

રિક્ષાવાળો વારંવાર પૂછતો હતો કે ક્યાં જવું? પણ મંઝિલ તો મારે પણ શોધવાની હતી. ખુબ દૂર સુધી ગયા પણ એ રસ્તામાં કોઈ હોટેલ મને દેખાઈ નહી. રાતે તો દસેક કિમી ની અંદરજ હોટેલ આવી ગયેલી. . ક્યાં હશે હોટેલ....????

હું વારંવાર હજુ આગળ...આગળ... બસ એટલુંજ બોલતો રહ્યો. ભયથી થોડો થરથરાવતું કંપન હું મહેસૂસ કરી રહ્યો. હોટેલ...એ વેટર,,,નાસ્તો.. એ બધું શું હતું..? મને કશું સૂઝતું નહોતું. મેં રિક્ષાવાળાને આ રસ્તા પર એક હોટેલ હતી તે વિશે પૂછ્યું.

અરે સાહેબ...અહી ૩૦ કિમી સુધી એક પંકચર સ્ટોર પણ નથી હોટેલ તો શું હોય. આ હાયવે પર ૩૦ કિમી ઓછી એક નાનું ગામ આવે છે ત્યાં બે ત્રણ ગલ્લા છે. પણ હોટેલ તો છે જ નહીં.. તમે નવા લાગો છો આ વિસ્તારમાં. મેં ફરી ગભરાતા ગભરાતા ભવ્યા નો નંબર ડાયલ કર્યો. પણ એંગેજ ટોન જ આવતો રહ્યો. .મે વારંવાર ડાયલ કર્યો કર્યો એનો નંબર.....

ધડકન ખુબ તેજ થઈ ગઈ. નાછૂટકે રિક્ષાવાળાની વાત માની અને ફરી સીટી તરફ આવ્યા. બપોરના બારેક વાગ્યા હતા. રાતનો ઉજાગરો હોવાથી આંખો ઘેરાતી હતી. ભૂખ પણ ખૂબ જ લાગી હતી. અશક્તિ વર્તાઈ રહી. શરીર તાવ અને ભયના મિશ્રિત ભાવથી તપી રહ્યું. ઘરમાં દાખલ થઇ તરત ફ્રીજ ફંફોસ્યું. કશું ખાઈ લઉં તો સારું લાગશે..પણ એકલો રહેતો હોવાથી ઘરમાં ખાવાની કોઈ ચીજ જડી નહિ. હું બે દિવસથી કશું લાવ્યોજ નહોતો. એટલામાં જ ડોરબેલ વાગી.

મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાનમાલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહિ. માનસી ને ભવ્યા કોઈક વાર જ......ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોઈ. હજુ ડોરબેલ રણકતી હતી. ફરી ભવ્યા નું નામ યાદ આવતા જ .....

ધીમેથી જઈ મેં બારણું ખોલ્યુ.

ભવ્યા સામે જ ઊભી હતી.

મારુ શરીર ફરી પરસેવે રેબઝેબ થઈ રહ્યું. રાત નું સઘળું પલકારામાં યાદ આવી ગયું..

ભવ્યા હસતી હતી. બ્લેક કલર નું હાફ સ્લિવ ટોપ ને સ્કિન ટાઇટ બ્લૂ જિન્સ. હમણાજ સ્ટ્રેટ કરેલા હોઈ એવા લાંબા લહેરાતા વાળ ...... માછલી જેવી તગતગતી આંખો.... ખુબ જ સુંદર દેખાઈ રહી હતી મારી ભવ્યા. સુંદરતાનો બેનમૂન નમૂનો જ.. ભવ્યના આ રૂપ પાછળ તો હું પ્રથમ નજરથીજ ઘાયલ હતો. એક મિનિટમાં જ તેને જોઈ શરીરમાં માદકતા ની લહેર પ્રસરી ગઈ. ભવ્યા હજુ બહાર જ ઊભી હતી. હું એકીટશે એને જોઈ રહ્યો.

મારી આંખોમાં જોઈ -

અંદર બોલાવીશ કે ઘર બહાર જ ઊભી રાખવી છે ચોકીદાર પેઠે.

હું નિ:શબ્દ બની રહ્યો. હોટેલ પ્રકરણ હું વીસરી ગયો હોઈ એવું લાગ્યું. થોડી યાદ ઝાંખી પડી.

આ મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ. તે ફોન કર્યા હશે નહિ.. એટલે જ બપોરે મળવાનું કહ્યું તું અને તું કોલેજ પણ ના આવ્યો એટલે સીધી તારા ઘરે જ આવી ગઇ. - બોલતાં બોલતાં જ અંદર આવી ગઈ.

ભવ્યા તું ?. શું બોલવું કંઈ ખબર પડી નહિ. અજંપો, થોડો ભય ... મને ઘેરી વળ્યાં. મારો હાથ ઝાલી તે સીધી મને અંદર ખેંચી લાવી. હું બારણા પાસે જ ઊભો હતો.

અરે .. તારું શરીર....આટલું ગરમ? કપાળ પર હાથ ફેરવતાં બોલી.

તને તાવ છે? દવા લીધી? કહ્યું કેમ નહિ.? પ્રશ્નોની ઝડી વરસાવી રહી.

ના થોડું....

તરત જ તેના પર્સમાંથી પેરાંસિતામોલ કાઢી અને સીધી કિચન તરફ ગઈ. હું એને જોઈ રહ્યો. પાણીનો ગ્લાસ ભરી ને મારી તરફ આપી મને દવા આપી. મે ચૂપચાપ દવા પીધી. થોડું પાણી પીધું. ક્યારનુંય પાણી સુધ્ધાં મે પીધું ન્હોતું. કશું બોલવાની સ્થિતિ માં હું નહોતો.

તેં કશું ખાધું ? ....અરે નહીં જ બનાવ્યું હોય...નહિ?

હું બસ નકારમાં માથું ધુણાવી રહ્યો. એ આમતેમ જોઈ રહી. કશું ના દેખાતા મને ગુસ્સાથી તાકી રહી. એનો ગુસ્સો પણ મને મીઠો લાગતો. એ ગુસ્સે ભરાઈ ત્યારે તેનો ચહેરો થોડી ગુલાબી છાંટ સાથે મને વધુ ઉત્તેજિત કરતો.

ઘરમાં દૂધ સુધ્ધાં લાવતો નથી , ખાય છે શું...? હું હમણાં જ આવું કહી બારણા તરફ ગઈ. હું જોતો જ રહ્યો ....એ બહાર નીકળી ત્યાં સુધી મેં અપલક નજરથી નિહાળી એને.

દવાની થોડી અસર વર્તાઈ છતાં અશકિત હતી. સોફા પરથી ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાયું નહિ. હું ત્યાજ પડી રહ્યો. હજુ તો માંડ પાંચ દસ મિનિટ થઈ હશે ને ફરી ભવ્યા આવી. હાથમાં થોડી થેલી હતી. કદાચ દૂધ ને કંઈ નાસ્તો લાવી હશે. કિચનમાં જઈ દૂધ ગરમ કરવા લાગી. ગરમ દૂધનો પ્યાલો ને ડિશમાં સફરજન લઈને મારી નજીક આવી. મને અડોઅડ સોફા પર બેઠી.

હું કઈ બોલું તે પહેલા તો - આટલું પૂરું કર. પછી વાત કરીએ. ભૂખ જેવું તો હતું જ. મેં દૂધનો પ્યાલો લેવા હાથ લંબાવ્યા. ધ્રુજતા હાથે પ્યાલો તેના હાથમાંથી લીધો. એનો હાથ અડતાજ અજીબ કંપારી શરીરમાં પ્રવેશી હોઈ એવું હું અનુભવી રહ્યો. થોડી ઝણહનાટી થઈ. વીજળીનો આંચકો લાગ્યો હોય એવું જ કંઇક.

અરે, શિવમ આવું કેવી રીતે ચાલે? ચાલ... ફટાફટ દૂધ પી લે. હું તરત જ ઘબરાટ માં જ કદાચ - તેની બીકે દૂધ પી ગયો. થોડું સારું લાગે તો સ્વસ્થ થઈ હું પેલું એક્સીડન્ટ,, પેલી રાત ની હોટેલ...બધા વિશે ભવ્યાને પૂછવા માંગતો હતો..

ભવ્યા ... હું માંડ એનું નામ ઉચ્ચારી શક્યો.

શિવમ..તારી તબિયત સારી નથી બોલવાનું રહેવા દે.આરામ કર. પછી શાંતિથી વાત કરીશું.

પણ...હું..... કઈ બોલું પહેલા તો એણે મને રીતસરનો સુવડાવી દીધો. મારા મનની ગડમથલ ઉકેલવી હતી. પણ શું બન્યું ખબર નહિ..કદાચ ઉજાગરો, દવાનું ઘેન કે માનસિક દ્વંદ્વ યુદ્ધ ... મારી આંખો ઘેરાવા લાગી...હું ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી.

આંખો ખુલી ત્યારે આજુબાજુ જોયું. ક્યાંય ભવ્યા દેખાઈ નહિ.

ભવ્યા............... અરે ક્યાં ગઈ?????

ફરી પેલા વિચારો ઘર કરવા લાગ્યા. મોબાઈલ માં જોયું તો રાતના આઠેક વાગ્યા હતા. આખો દિવસ હું સુઈ રહ્યો હતો. ઊભો થયો. બાથરૂમ બાજુ જઈ ફ્રેશ થઈ આખું ઘર ચેક કરી લીધું. કિચન પ્લેટફોર્મ પર ઘણું બધું દેખાયું. એક તપેલીમાં દાળ ભાત સાથે મને ખૂબ પ્રિય એવું પનીરનું શાક અને ડબ્બામાં રોટલીઓ હતી. આ બધું.... હું વિચારતો રહ્યો.

ફોનમાં મેસેજ ટોન આવ્યો. બ્લિંક થયેલ ફોન ને હાથ માં લીધો. . ભવ્યાનાં મેસેજ હતા.

ઊઠીને જમી લે જે. તારી મનપસંદ રસોઈ બનાવીને મૂકી છે. દવા ટેબલ પર છે પીજે પાછો. તું ઊંઘમાં હતો એટલે ડિસ્ટર્બ કર્યા વિના નીકળી ગઈ. સી યુ સુન..લવ યુ.

લાંબો લચ મેસેજ. .મારી ચિંતા એના મેસેજમાં ડોકાતી હતી. મે તરત જ " ફિલિંગ ગુડ..લવ યૂ ફોર એવરી થીંગ..." લખી રિપ્લાઈ કર્યો.

ખરી છે આ છોકરી..મે ફટાફટ જમી લીધું. એના હાથોમાં જાદુ હતો. રસોઈ એકદમ એના જેવીજ ટેસ્ટી - સ્વાદિષ્ટ હતી. કેટલું બધું ધરાઈને જમ્યો. દવાના લીધે શરીર માં આજે સારું લાગ્યું. કેટલી સેવા કરી મારી એણે. એને કોલ કર્યો પણ બે ત્રણ વાર આખી રીંગ પૂરી થઈ પણ રીસિવ ના કર્યો. એને મળવા બોલવું કે ઘર જાઉં એવું વિચાર્યું પણ રાતના નવ ઉપર થયા હતા. આટલું મોડું. .ઠીક ન લાગ્યું... કદાચ એને પપ્પા મમ્મી સાથે હશે એટલે માંડી વાળ્યું. એના મેસેજ ફરી વાંચી રહ્યો.

એનો સ્ક્રીન પર નો ફોટો નિહાળી રહ્યો. યાદોના મોજા ઉછળતા હોઈ, કોઈક યાદ થોડાજ કલાકો પહેલાની એ મારી સેવા કરતી ભવ્યા, ને કોઈ યાદ બે વર્ષ કોલેજમાં સાથે વિતાવેલ પળોની.. સતત ગૂંથાતું રહ્યું બધું. એકબીજા સાથે રહી રહીને સતત એની વાતો મારા માનસપટ પર આકાર લઇ રહી. મારી ભવ્યા.. એની સાથે વિતાવેલ સુખદ..મીઠી મધુરી યાદી હુ વાગોળી રહ્યો. ને સરકી ગયો એની સાથે મારા સ્વપ્ન પ્રદેશમાં - અમારી દુનિયામાં- જ્યાં બસ હું ને ભવ્યા, પતિ પત્ની હતા. એ મારા બે બાળકોની માતા, મારી અર્ધાંગિની.. મારાં માટે ઑફિસનું ટિફિન બનાવી મને જતા સમયે ચૂંબન થી બાય બાય કરતી. મને એને પ્રેમ માં ભીંજવી મૂકતી.... હું ઊંઘી ગયો હતો.

બીજા દિવસે તરતજ ભવ્યાં ના ઘરે જવા તૈયાર થઇ ગયો. એને એક કોલ પણ કર્યો પણ એને ફરી રિસિવ ના કર્યો. ફરી ડોરબેલ વાગી. નક્કી ભવ્યા જ હશે. . મે દરવાજો ઉઘાડ્યો.. હા. મારુ અનુમાન સાચું પડ્યું એ જ હતી.

આવ., અંદર આવ. તારા ઘર પાસે તને લેવા જ આવતો હતો. કોલેજ જઈએ આજે.

ઓહ હો...ને તેમાં જ હું ટપકી એમ ને હસતા હસતા બોલી.

તને કેટલા ફોન કર્યા. રિસિવ કરાય ને બીકણ. તારા ફોનમાં એ ફીચર્સ નથી લાગતું.

અરે.. ઘરમાં મમ્મી પપ્પા હોય. એટલે વાત ના થઈ શકી. તને સારું છે ને? જમ્યો તો રાતે..દવા પીધેલી કે?

હા બાપા હા. હવે મારે આખી જિંદગી આવી સ્વાદ વિનાની રસોઈ ખાવાની ટેવ પડવાની છે તો, તને સહન કરવાની જ ને..! એટલે ખાધી હતી. હું હસીને બોલ્યો.

મને ગાલ પર મીઠી ટપલી મારી. ફરી થોડી શરમાઈ. આ એક્સપ્રેશન માં પણ મસ્ત લાગતી મારી ઢીંગલી.

ચાલ હવે મોડું થશે. કોલેજ જઈએ. મે કહ્યું.

નહિ યાર આજે કોલેજ નથી જવું. ક્યાંક ફરવા જઈએ. માનસી એના કોઈ ફોઈ ના ઘરે ગઈ છે. ચાલ મોકાનો ફાયદો ઊઠાવીએ. બસ આપણે બે. એ બોલી.

ઓહો.. ભણેશ્રી ભવ્યા મેડમ...સૂરજ કઈ બાજુ ઊગ્યો છે? તમે તો ત્રીજા વર્ષમાં પણ હાજરી સાચવનાર,

હા, પણ હવે ત્રીજા વર્ષમાં તો થોડી મજા કરીએ નહિ તો કોલેજ એમ જ પૂરી થઈ જશે. એમ પણ હવે પરીક્ષાઓ આવશે તેથી હાજરીની બહુ નોંધ ના લેવાય. ચાલ કઈ બાજુ જઈએ? બોલ ને શિવમ, ... હાઈવે તરફ? હું કાર લઇને આવી છું.

હાઈવે નું નામ આવતાં જ મારા હોશકોશ ઉડી ગયા. આખા શરીરે પરસેવો થઈ ગયો.

ના.... હું જોરથી ચીસ પાડી બોલ્યો.

શું થયું શિવમ, કેમ.... સારું ચાલ તું કહે ત્યાં, તારી પસંદની જગ્યાએ. બસ.

મારે બધી વાતો કરવી હતી. તેથી પરસેવો લૂછતાં લૂછતાં, હા ગાર્ડન બાજુ નજીકમાં જઈએ. મારે તને ઘણું કહેવાનું છે.

ઓકે. બે મિનિટ આપ.બોલતાં બોલતાં વોશરૂમ બાજુ ગઈ. ત્યાં સુધીમાં હું પણ પોકેટ ને મોબાઈલ લઈ તૈયાર થઈ ગયો. આજે એણે પર્પલ કુરતી અને વાઇટ પ્લાઝો જેવું કંઇક પહેરેલું હતું. મસ્ત લાગી રહી હતી. મારુ અંગે અંગ ફરી તેનામાં ખોવાઈ ગયું.

આ રૂપ માં તેને જોતાં જ હું તેને મેળવવા તરસી રહ્યો. એ મને જોઈ મારી થોડી નજીક આવી. મારા એક ધક્કાએ અમે બન્ને અનાયાસ સોફા પર પડ્યા. એ મારી ઉપર હતી. તેના છુટ્ટા લહેરાતા ઘટાદાર લાંબા વાળમાંથી સુંદર શેમ્પૂની મ્હેંક આવી રહી હતી. મારા તન બદનમાં રોમાંચ પ્રસરી રહ્યો. પ્રેમભર્યો જુસ્સો વધી રહ્યો હતો. એક અજીબ હૂંફનો અહેસાસ હતો અમારી વચ્ચે. એના હાથ મારા હાથ પર ... એના સ્તન સાથે ઘર્ષણ થયું. ગરમ શ્વાસો શ્વાસનો સંગમ થયો. આટલી નજદીકી પહેલીજ વાર. હું સઘળું ભાન ભૂલી ગયો. એણે પણ કોઈ પ્રતિકાર ના કર્યો. હું ઝડપથી એની ઉપર આવી ગયો.. એક મીઠી આહ સાથે અમારો રોમાંચ પૂર્ણ થયો. પ્રથમ વાર અમે આ રીતે બંધનમાં બંધાયા હતા. એક અદ્ભુત સમન્વય નો આનંદ. એની આંખોમાં પરિતૃપ્તિ ના ભાવ ડોકાઈ રહ્યા.

તું પણ શિવું...

ને અમે બન્ને એ અદભૂત ક્ષણોમાં એકમેકની સાથે સહ શયન માણતા રહ્યાં. સમયની પરવા કર્યા વિના.

થોડીક ક્ષણો બાદ... એ ઉઠી. ચાલ હવે બહુ મોડું થયું. ભૂખ લાગી છે. શરમાળ ચહેરે બોલી.

હા, ચાલ ..નજીકમાં ક્યાંક જમી આવીએ. અમે બન્ને ફ્રેશ થઈ જમવા નીકળ્યા. અમે એક હોટેલમાં જમવા બેઠા. ત્યાંનો સ્ટાફ મને વિચિત્ર રીતે જોઈ રહ્યો. પણ મારા દિલોદિમાગ માં નશો હતો.. એક કૈફ... ભવ્યાને તૃપ્ત કર્યાનો. ને મને પણ એ ક્ષણ ખૂબ ગમેલી. અમે બન્ને ખાસ કરીને હું એમાં જ મગ્ન હતો. ત્યાં અમે બન્ને એ અમારું ફેવરિટ ફૂડ ઢોસા ને ચાઈનીઝ ખાધું. લંચ પતાવી અમે બન્ને ઘરે જવા નીકળ્યા. ભવ્યા કાર ચલાવી રહી હતી.

શિવું...હું તને કંઈ કહેવા માંગુ છું. હું હમેશા તારી બનવા માંગતી હતી. હંમેશા મારી સાથે રહેજે હો. મને ક્યારેય ભૂલતો નહિ. આટલું બોલતા બોલતા તો તેનો ચહેરો રડવા જેવી થઈ ગયો.. હોં..એની આંખો માં આંસુ સરતું જોઈ શક્યો.

કેમ આવું બોલે છે ભવ્યા.? હું તારો જ છું તને શું કરવા ભૂલું? અને તું ભૂલવા દે એવી કઇ ચીજ છે.

અમે વાતો કરતા હતા. બે મિનિટના અંતરે જ મારુ ઘર હતું. એ મને જોઈ રહી એક અજીબ નજરે. એવામાં જ સામે છેડે એક ટ્રક આવી ને અચાનક આવેલી ટ્રક જોઈ એમને બંને ગભરાયા. એનું બેલેન્સ ના રહ્યું...ને ... ગમખ્વાર અકસ્માત સર્જાયો.

મને કંઈ ખબર પડી નહિ. હું બેભાન જ હતો. થોડીવાર પછી મારી આંખો ખુલી ત્યારે હુ ઘરમાં હતો. મારા મમ્મી પપ્પા અને હા માંડી એનો ભાઈ બધા મારી પાસે ઉભા હતા.

બેટા... કેવું છે તને? સારું લાગે છે.?

હું.... મમ્મી તમે...અહીંયા ક્યારે?... અને ભવ્યા કયા છે? એને કેવું છે?

હું બૂમો પાડી રહ્યો પણ કોઈ કશું બોલ્યું નહી. ભવ્યાને વાગ્યું નથી ને, ક્યાં છે? માનસી પણ ઊભી રહી પણ કશું બોલી નહિ.

અરે શિવમ, તું શું બોલે છે? ને શું કરતો હતો રસ્તા વચ્ચે બાઈક લઈને? તું વાહન ની અડફેટે આવી ગયેલો પણ તને વાગ્યું ન્હોતું. ચમત્કારિક રીતે એકેય ઇજા પહોંચી નથી. સામેની હોટેલ વાળો પણ કહેતો હતો કે અજીબ વર્તન કરેલું ત્યાં. રોડ પર એક્સીડન્ટ થયું ત્યારે પછી પણ તું બેભાન રહ્યો ને છેક આજે આઠ દિવસ પછી તું ભાન માં આવ્યો છું. અને ભવ્યા તો.... માનસી રડી પડી.

અરે પણ હું તો ભવ્યા ની સાથે કારમાં .......

હું ફટાફટ ઉભો થયો. દોડતો જ એના ઘરે જવા નીકળ્યો. આવી હાલતમાં મને એકલો દોડતો જોઈ માનસી અને એનો ભાઈ પણ મારી પાછળ આવ્યા. હું ઘરના જ કપડામાં એના ઘરે પહોંચ્યો. મે ક્યારેય એના ઘરમાં પ્રવેશ કર્યો નહોતો. છતાં આજે અજીબ સ્ફૂર્તિ આવી. અંદર દાખલ થતા જ જોયું ભવ્યાનિ મમ્મી શ્વેત વસ્ત્રો પહેરી એક ખૂણે બેસી રહ્યા હતા. થોડા નજીકનાં સંબંધીઓ સાથે બેઠા હતા. મને આશ્ચર્ય ભરી નજરે સૌ તાકી રહ્યા.

મારી સામે એ જ નિર્દોષ હાસ્યથી... પેલા જ જાંબુડિયા રંગના ટોપમાં સજજ ભવ્યા ની તસ્વીર હતી. અને તેના પર સુખડનાં ફૂલોનો હાર...

હું હતભ્રત બની જોઈ રહ્યો. કાપો તો લોહી ન નીકળે તેવી મારી સ્થિતિ હતી. તેના પપ્પા મારી પાસે આવી મને કંઇક પૂછી રહ્યા હતા. માનસીએ તેમને મારી ઓળખ આપી. એમની આંખોમાં ઝળહળિયા થઈ ગયા. ભવ્યા ની મમ્મી ફરી ચોધાર આંસુડે રડી રહી.

મેં ભવ્યા ને મારી મુલાકાત, એ એક્સીડન્ટ, એ મારા ઘરે ડિનર સઘળી વાતો કહી. બધા વિસ્ફારિત નેત્રે મને તાકી રહ્યા. ભવ્યાના મૃત્યુ પામ્યા ને આજે બાર દિવસ થઇ ગયા હતા. .. ને હું.. .. તેની....આત્મા...રહ....સાથે

ભવ્યા....

હું જમીન પર ફસડાઈ પડ્યો. મને પામવા, મને સાચવવા ને મને જોઈ લેવા આખરી વાર... ભવ્યા... ભવ્યા ની બૂમો પાડી એને બોલાવતો રહ્યો... કદાચ મારી પાસે પાછી ફરે... ને ત્યાજ મારા શ્વાસે પણ ફરી આવવાનો શિરસ્તો છોડી દીધો.

કોઈ થપ્પો આપીને એવે ખૂણે સંતાઈ ગયું.

હું શોધું જિંદગીભર તોય ના શોધી શકું!


Rate this content
Log in

Similar gujarati story from Drama