Leena Patgir

Horror Tragedy Thriller

4.5  

Leena Patgir

Horror Tragedy Thriller

ગેમઓવર

ગેમઓવર

26 mins
695


જુવાનિયું લોહી ઉકળતી નેન્સી અકળાઈને પગ પછાડતી પોતાનાં ઘર તરફ જઈ રહી હતી. ઘર પાસે આવીને તેણે દરવાજો ખટખટાવ્યો. 

નેન્સીની મમ્મીએ દરવાજો ખોલ્યો કે તરત પોતાની દીકરીની મનોવ્યથા સમજતાં પૂછ્યું, "શું થયું બેટા નોકરી મળી ? " નેન્સીની મમ્મીએ શાંતિથી સવાલ કર્યો.

"ના મોમ, પ્લીઝ લીવ મી અલોન !" આટલું કહીને નેન્સી તરત પોતાનાં રૂમમાં આવી ગઈ. 

બેડ પર સૂતા સૂતા તેણે પોતાનો ફોન ખોલ્યો અને બે ચાર જોબ માટેની એપ્લિકેશન ખોલીને કન્ફર્મ કર્યું કે પોતાને જોબ નથી જ મળી એની જાણકારી મેળવી લીધી. કંટાળીને તેણે પોતાની ફ્રેન્ડ અંજલિને કોલ કર્યો.  

બે રિંગ જતાં ફોન ઉપડ્યો અને ફોન ઉપડતા જ નેન્સીએ નિરાશ સ્વરે પૂછ્યું, "શું થયું અંજી ? તને મળી જોબ ?" 

"હા નેન્સી. મને તો મળી ગઈ." અંજલિએ ખુશ થતાં જવાબ આપ્યો અને પૂછ્યું, "તારા શું હાલ છે ? "

"મને નથી મળી. " કહીને નેન્સીએ આગળ વાત કરવાનું માંડી વાળતાં તરત કોલ કટ કરી દીધો. 

આંખમાં આંસુ સાથે નેન્સી કયારે નિંદ્રામાં સરી પડી એનું તેને ધ્યાન જ ના રહ્યું. 

નેન્સી અને તેની મમ્મી ઘરમાં માત્ર આ બે સભ્યો જ ! નેન્સીનાં પપ્પાની ડેથને ઘણાં વર્ષો થઈ ચૂક્યા હતાં. નેન્સી સોફ્ટવેર એન્જીનીયર થઈ હતી અને છેલ્લા ચાર વર્ષથી નોકરી કરીને ઘરમાં બધું પૂરું પાડતી હતી. કોરોનાનાં લીધે લોકડાઉનમાં નેન્સીની નોકરી છૂટી ગઈ હતી. લોકડાઉન પૂરું થયાંને ત્રણ મહિના વીતી ગયા હતાં પણ નેન્સીને ક્યાંય નોકરી નહોતી મળતી. 

છેલ્લાં કેટલાય દિવસથી એક વ્યક્તિ સતત નેન્સીનો પીછો કરતી હતી. બે દિવસ પહેલાં નેન્સી ખુદ તેની સામે ઊભી રહી અને પીછો કરવાનું કારણ પૂછ્યું. બદલામાં તે વ્યક્તિ નેન્સીનાં હાથમાં કાગળ પકડાવી ત્યાંથી નીકળી ગઈ. નેન્સીએ ચિડાઈને તે કાગળ પોતાની બેગમાં મૂકી દીધો પણ ખોલીને જોવાની તસ્દી તેણે નહોતી લીધી. નેન્સીને ઊંઘમાં આ જ બધું યાદ આવતું હતું ને ત્યાંજ તેની મમ્મીની એક જોરદાર ચીસ સાથે નેન્સી ઊભી થઈ. બહાર આવીને જોયું તો તેની મમ્મી રસોડામાં નીચે પડતાં પડતાં ઊંડા શ્વાસ ભરતી હતી. 

નેન્સી તરત તેમને હોસ્પિટલ લઈ ગઈ. 

***

"મિસ નેન્સી, તમારા મધરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમની હાલત ખૂબ ગંભીર છે. અમારી પાસે જેટલાં વેન્ટિલેટર મશીન ઉપલબ્ધ હતાં એ તમામ પેશન્ટ માટે લાગેલા છે. તમારે એમને બીજે ક્યાંક લઈ જવાં પડશે." સરકારી ડોક્ટર આટલું કહીને જતાં રહ્યા. 

નેન્સી આ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરતી હતી પણ તેને સમજ નહોતી પડતી કે તે શું કરે અને કઈ રીતે આ પરિસ્થિતિનો તાગ મેળવે. 

એટલામાં નેન્સીનાં ફોનમાં મેસેજટોન રિંગ વાગી. નેન્સીએ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું, " જેટલાં પૈસા જોઈએ એટલા મળી જશે પણ એના માટે રમવી પડશે એક ગેમ !" નેન્સીએ તે વાંચીને શું જવાબ આપવો એ તેને નહોતું સમજાતું. નેન્સીએ કંઈક વિચારીને સામે જવાબ આપ્યો, "પહેલાં પૈસા પછી ગેમ." દસ જ સેકન્ડમાં બીજો મેસેજ આવ્યો, "કોઈ ગેમ પહેલાં પૈસા ના મળે." નેન્સી હજુ બીજું કાંઈ વિચારે એ પહેલાં ફરી મેસેજ આવ્યો. "કાલે સવારે 8 વાગે સેવન પ્લાઝા, થલતેજ. " મેસેજ વાંચીને નેન્સી પોક મૂકતી રોઈ પડી. તેની મમ્મીને લઈને ડોકટર સાથે વાતચીત કરી થોડી દવાઓ લઈને તે ઘરે આવી ગઈ. 

મમ્મીને બેડ પર સુવડાવીને દવા આપ્યાં બાદ ઘરે આવીને નેન્સીએ બેગમાં રહેલો કાગળ ખોલ્યો. તેમાં પણ આ જ વસ્તુ લખી હતી. " ગેમ રમો. પૈસા કમાઓ " નીચે એડ્રેસ એ જ હતું જે એને મોકલ્યું હતું. નેન્સીને આ જોઈને ખૂબ નવાઈ લાગી કે શું આ લોકોને મારી પરિસ્થિતિનો પહેલેથી અંદાજ હશે કે આ માત્ર એક સંયોગ હશે ? ! 

તેણે નીચે કાગળ પર જોયું તો બીજા બે નંબર હતાં એની ઉપર નેન્સીએ તરત કોલ કર્યો પણ એ બંધ આવતાં હતાં. નેન્સી કંટાળીને ઊભી થઈને મિરર સામે જોતાં પોતાની જાત સાથે સવાલોનાં જવાબો મેળવવા લાગી. 

"એક ગેમ જ તો છે ! એને રમીને જો ખરેખર પૈસા મળતા હોય તો હું આ તક નહીં છોડી શકું. મારાં માટે તો નહીં પણ મમ્મી માટે તો મારે કરવું જ પડશે. જો મને એનાં રૂલ્સ નહીં ગમે તો હું ના પાડી દઈશ પણ આ લાસ્ટ ચાન્સ ગુમાવવાનું મને હવે તો બિલકુલ નહીં પરવડે !" આટલું મનમાં નિર્ધારિત કરીને નેન્સી સૂઈ ગઈ. 

બીજા દિવસે સાત વાગ્યામાં ઉઠીને તે તૈયાર થવા લાગી. બ્લેક ટોપ અને બ્લુ જીન્સ પહેરીને નેન્સી રેડી થઈને તેની મમ્મીને દવા આપી રહી હતી. 

"ક્યાં જાય છે બેટા ? " નેન્સીની મમ્મીએ ખોંખારો ખાતાં પૂછ્યું. 

"પૈસા માટે જઉં છું મમ્મી, એક બે ફ્રેન્ડને વાત કરી છે. ડોન્ટ વરી. સાંજ સુધીમાં આવી જઈશ. બાજુવાળા ભાભી ખાવાનું દરવાજા પાસે મૂકી જશે. તું પ્લીઝ જમી લેજે અને દવાઓ પણ ટાઈમસર લઈ લેજે. બસ આજનો દિવસ જ કાઢી દે, કાલે હું તને સરસ જગ્યાએ હોસ્પિટલ લઈ જઈશ. સારું હું જઉં છું, જલ્દી આવીશ. જય શ્રી ક્રિષ્ના. " આટલું કહીને નેન્સી નાની બેગ લઈને નીકળી પડી તેની મંઝિલે. 

રસ્તામાં તેને આ ગેમ કેવી હશે ? કેવા પ્રકારની હશે ? એ વિચારીને તેનું માથું ભમવા લાગ્યું હતું. થોડી વારમાં તે નિયત સ્થળે પહોંચી ગઈ. 

સેવન પ્લાઝા બહુ ઊંચી ઈમારત ધરાવતો કોમ્પ્લેક્સ હતો;જેમાં સન્નાટો વ્યાપ્યો હતો. નેન્સીએ જોયું તો બીજા નવ લોકો તેની આસપાસ ઊભાં હતાં. સોશિયલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરતાં બધા એકબીજાની સામું ટગર ટગર જોતાં હતાં પણ કોઈ સામે ચાલીને વાત કરવાની દરકાર નહોતું કરતું. ત્યાંજ પાંચ મિનિટ બાદ બે મોટી કાળી ઈનોવા આવી અને ડ્રાઈવરે ઉતરીને બધાને અંદર બેસવાનું સૂચન ફરમાવ્યું. બધા ચુપચાપ અંદર ગોઠવાયા. 

ઈનોવાનાં કાચ બહારની દુનિયા જોઈ ના શકાય એવા હતાં. ડ્રાઈવર આગળ હતો કે નહીં એ પણ નહોતી ખબર પડતી કેમકે ડ્રાઈવર સીટ અને પાછલી સીટ વચ્ચે કેબિનેટ આવતું હતું. નેન્સીએ વોચ તરફ જોયું તો નવ વાગી ચુક્યા હતાં. ગાડીમાં બેઠા બેઠા બધાનાં ચહેરા જાણે અકળાયા હતાં. પાસપાસે બેસવા છતાં હજુ લોકોમાં શાંતિ છવાયેલી હતી. નેન્સીને લોકોની આવી ચૂપકીદી ખટકતી હતી.

દોઢ કલાક બાદ ગાડી થોભી. બધા વારાફરતી નીચે ઉતર્યા. તેમની સામે એક ઊંચી ઈમારત હતી. બાંધકામ હજુ હમણાં જ થયું હોય એવું અનુમાન લગાવી શકાય એમ હતું. નવાઈની વાત એ હતી કે આસપાસ બીજી કોઈ જ ઈમારત કે ઓફિસ જેવું કાંઈ નહોતું દેખાતું. તેમને બધાને લાઈનમાં અંદર લઈ જવામાં આવ્યા.

નેન્સીએ અંદર તરફ જોયું તો એક વિશાળ મોલ જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું પણ તેમ છતાં તે બિહામણો ભાસતો હતો. આટલાં વિશાળ હોલમાં માત્ર એક જ વ્યક્તિ તેમનું સ્વાગત કરતી ઊભી હતી. તે પણ કોઈ જ પ્રકારનાં હાવભાવ વગર એક પછી એક તમામનાં મોબાઈલ ફોન જપ્ત કરી રહી હતી. ફોન જપ્ત કર્યા બાદ તે કાળી શાહી વડે બધાનાં હાથમાં ટેટુ જેવાં સિક્કા લગાવવતી હતી. તેની ઉપર "ગેમ ઓવર" લખેલું હતું. શાહી નેન્સીને કંઈક વિચિત્ર લાગી રહી હતી કેમકે એને લગાવ્યા બાદ તેને કોઈક મશીન વડે સ્કેન કર્યા બાદ નેન્સીને સાધારણ દુખાવો થવાં લાગ્યો હતો. કોઈને સમજમાં નહોતું આવતું કે તેમની સાથે આ શું થઈ રહ્યું હતું. ત્યાંજ બધાની જોડે જે વધારાનો સામાન હતો એ બહાર મૂકીને બધાને આગળ લઈ જવામાં આવ્યા. દરેક વ્યક્તિએ પોતાની બેગ તો મૂકી દીધી પણ બેચાર લોકો પોતાનો મોબાઈલ ખિસ્સામાં ચૂપકેથી સેરવીને આગળ વધવા લાગ્યા. તેમને એક રૂમમાં મોકલવામાં આવ્યા ને ધડામ કરીને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. 

હવે એ બંધ રૂમમાં માત્ર દસ વ્યક્તિઓ અને ભેંકાર સન્નાટો હતો. બધા એકબીજાની સામું અને રૂમની અંદર રહેલ વસ્તુઓ જોવા લાગ્યાં. 

ઓરડો ખૂબજ સુંદર વસ્તુઓથી સજાવેલો હતો. ના તો તેની સજાવટ વધુ ભભકાદાર લાગે કે ના તો તે થોડું સામાન્ય લાગે. એક પરફેક્ટ રૂમની સાજશણગાર કરવામાં આવી હતી. ખરેખર રૂમની બનાવટ માટે તેનાં આર્કીટેકને શાબાશી આપવી પડે !ધીરે ધીરે બધા એકબીજા સાથે વાતચીત કરીને થોડું સામાન્ય બનવાનો પ્રયત્ન કરતાં હતાં. તેમાંથી જ એક છોકરો નેન્સી પાસે આવ્યો. 

"હાય હું મોહિત છું. તમે ? " 

"નેન્સી. " તેણીએ સંકોચપૂવર્ક જવાબ આપ્યો. 

"તમે પણ ગેમ રમવા આવ્યા છો ?" મોહિતે નયનો ઝુકાવેલ નેન્સી તરફ આંખો તેની દિશામાં સ્થિર કરતાં પૂછ્યું. 

"હા. પૈસાની સખત જરૂર છે." નેન્સીએ ઊંડો શ્વાસ છોડતાં કહ્યું. તેણે પોતાનાં મનનો બળાપો ઠાલવી જ દીધો. 

"મારે પણ એવું જ છે. પૈસા નહીં મળે તો મારેય મરવાનો દિવસ આવશે." મોહિતે પણ સંકોચ સાથે જવાબ આપ્યો. 

ત્યાંજ એક માઈકમાંથી કાંઈક અવાજ આવ્યો અને લોકોનો ગણગણાટ બંધ થયો. 

"વેલકમ ટુ ધ મોસ્ટ એડવેન્ચર એન્ડ થ્રિલર ગેમ. લેવલ નંબર 10 માં આપનું સ્વાગત છે. આપ દસ વ્યક્તિઓ એવી છો હાલમાં જેને ગેમ જીત્યા બાદ પૈસા નહીં મળે તો એમનો મરવાનો દિવસ આવશે. ચિંતા ના કરશો અમે એટલે જ આને વધુ સરળ બનાવીએ છીએ. દસ વ્યક્તિ દસ લેવલ. દરેક લેવેલમાં આઉટ થનાર વ્યક્તિનું સ્વાહા ! હાહાહા ગેમનાં નિયમો ઉપર તમે નીચે જ સહી કરીને આવ્યા છો. તમે અહીંયા બૂમો પાડશો, ચીસો પાડશો પણ તમારી બુમ સેંકડો માઈલો સુધી કોઈનાં કાને પણ નહીં અથડાય. લાસ્ટ લેવલમાં તમારો ભેટો મારી સાથે થશે અને જો તમે જીતશો તો તમને મળશે દસ કરોડ રૂપિયા કેશ." આટલું કહીને એ અવાજ અટકી ગયો. લોકોનાં ધબકારા વધી ગયા હતાં. બધા ડરના માર્યા એકબીજા સામું જોઈ રહ્યા હતાં. એક તરફ દસ કરોડ કેશની લાલસા સૌ કોઈનાં મન મસ્તિષ્ક પર છવાઈ હતી તો બીજી તરફ તેમની સાથે કઈ પ્રકારનું ટોર્ચર કરવામાં આવશે એની કલ્પનાથી નેન્સીનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. 

હજુ કોઈ કાંઈ વધુ વિચારે એ પહેલાં તો પંદર મિનિટનાં ટાઈમર સાથે બીપ બીપ અવાજ થવા લાગ્યો. 

"આપણી પાસે માત્ર દસ જ મિનિટ છે. આપણે આ બંધ રૂમમાં ફસાયા છીએ એનો મતલબ આપણે એસ્કેપ રૂમમાં છીએ. જેમાંથી આપણે ચાવી કે રસ્તો શોધીને બહાર નીકળવાનું છે. " નેન્સીએ પાંચ મિનિટ આંખો બંધ કરીને તે પરિસ્થિતિનો તાગ મેળવતા તરત બધા સામું જોતાં કહ્યું. 

બધા તરત હરકતમાં આવીને રૂમમાં કોઈ રસ્તો કે ચાવી શોધવા લાગ્યા. હવે માત્ર પાંચ જ મિનિટ બચી હતી. ત્યાંજ નેન્સીએ છત ઉપર જોયું તો ઝુમ્મરની બાજુમાં એક ચોરસ હોલ હતો., જે લોખંડની પેટી માફક બંધ હતો. નેન્સીએ જોરથી બધાને તેની તરફ ઈશારો કરીને બતાવ્યો. બધા તેની ઉપર જવાં માટે મથવા લાગ્યા પણ તે આશરે દસ ફૂટ જેટલું ઊંચું હતું. નેન્સીએ બધાને કબાટ લાવવા કહ્યું અને બે ત્રણ વ્યક્તિઓ તરત દોડીને કબાટ ખેંચી લાવી. તેની ઉપર ટેબલ મૂક્યું. એક વ્યક્તિનાં સહારે તેઓ એ દરવાજો ખોલીને બહાર નીકળવા લાગ્યા. એક પછી એક કરતાં આઠ જણા તે દરવાજાની બહાર નીકળી ચૂક્યા હતાં. હવે માત્ર એક જ મિનિટ બચી હતી અને રૂમમાં નેન્સી અને એક બીજો છોકરો સાહીલ જ હતાં. સાહીલે નેન્સીને ઉપર ચઢાવી. નેન્સીએ ઉપર ચઢીને સાહીલ માટે હાથ લંબાવ્યો. એક પ્રચંડ ધડાકા તરફ નેન્સીનું ધ્યાન ગયું તો ત્યાં નીચેથી જાણે જમીન ફાટી હોય એમ કબાટ સાથે સાહીલ પણ તેમાં સમાઈ ગયો. સાહીલનો હાથ પકડવાં મથતી નેન્સી આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહી. નેન્સીની આંખોમાં આંસુ આવી ગયા. મોહિતે તે લોખંડનો દરવાજો બંધ કરી દીધો. 

હવે એ લોકો જ્યાં હતાં ત્યાં ભેંકાર અંધારું હતું. કોઈને કશું જ દેખાઈ નહોતું રહ્યું. બેચાર મોબાઈલ લાવનાર લોકોએ પોતાનો મોબાઈલ કાઢીને ફ્લેશ લાઈટ ઓન કરવાનું વિચાર્યું પણ બધાનાં આશ્ચર્ય વચ્ચે તેમનો ફોન બંધ થઈ ચૂક્યો હતો. ત્યાંજ એક તીણા અવાજ સાથે પ્રકાશનો ફોક્સ એક જગ્યા પર સ્થિર થયો. બધાની નજર ગઈ તો ત્યાં એક ચેર પડેલી હતી. તેમાં ઉપરનાં ભાગે શૉક આપવાનાં વાયર જોડેલા હતાં. મોહિતની નજર પાછળની દીવાલ ઉપર ગઈ તો ત્યાં "શૉક ખાઓ, જીત જાઓ." એમ લખ્યું હતું. 

"મોહિત એનો મતલબ દરેક લેવલ પર એક અલગ જ ગેમ છે. આ લેવલ નંબર 9 આવ્યું. આપણે કાંઈ પણ કરીએ પણ તે લોકો દરેક લેવલે કોઈ એકને કોઈ પણ રીતે હરાવીને મારી નાખશે. " નેન્સી શૂન્યવત ખુરશી સામું જોતાં બોલી. ત્યાંજ અડધો કલાકનો બીપ બીપ ડેન્જર સાઉન્ડ વાગવાં લાગ્યો. 

નેન્સીએ બધાને ખુરશી ઉપર બેસવા કહ્યું. પણ બધા શૉકનાં ડરથી બેસવાની આનાકાની કરવા લાગ્યા. હવે માત્ર વીસ જ મિનિટ બચી હતી. નેન્સીએ આગળ વધીને પોતે બેસવાની તૈયારી દર્શાવી. તેના બેસતાં જ તેના હાથમાંનું કડું બંધ થઈ ગયું એમ જ પગ પાસે પણ કડા બંધ થયાં. નેન્સીએ આંખો બંધ કરી દીધી પણ તેના આશ્ચર્ય વચ્ચે એક મિનિટ સુધી તે બેસી રહી પણ તેને કોઈ જ જાતનો શૉક ના અનુભવાયો. એક મિનિટ બાદ તેને લાગેલા કડા આપમેળે ખુલી ગયા. 

નેન્સી ઊભી થઈને બધાને સમજાવા લાગી કે આ માત્ર એક ડર ઊભો કરવા માટે લગાવ્યું છે. તમે પણ બેસો, કંઈજ નહીં થાય. નેન્સીની વાત માનીને બધા એક પછી એક બેસવા લાગ્યા. 

હવે માત્ર ત્રણ જ મિનિટ બચી હતી પણ કોઈએ સમય પર ધ્યાન આપ્યાં વગર બેસવા મંડ્યું. છેલ્લે મોહિત અને આશ્વી કરીને બે જ બચ્યા હતાં. આશ્વીનો ડર દૂર ના થયો હોવાથી તેણે મોહિતને બેસવા માટે કહ્યું. મોહિત બેસીને ઊભો થયો. હવે આશ્વિનો વારો હતો. આશ્વી જેવી બેસી કે એના હાથ પગ પર કડા બંધાઈ ગયા. ત્યાંજ સામેથી દરવાજો ખુલ્યો. હવે માત્ર એક જ મિનિટ બચી હતી. બધા દરવાજો ખુલ્લો જોતાં એ તરફ દોડી ગયા. નેન્સી અને મોહિત આશ્વીની મદદ માટે રહ્યા. 

અચાનક આશ્વીની બૂમથી નેન્સીનું ધ્યાન પડ્યું. આશ્વીને શૉક લાગતા જતાં હતાં. તેની આંખોના ડોળા બહાર આવી ગયા હતાં. તેનો દેહ હવામાં ખુરશી પર ઉપરનીચે હલી રહ્યો હતો. ઘણીય વાર સુધી તરફડ્યા બાદ તેનો દેહ શાંત પડી ગયો. શૉક આશ્વીને લાગ્યાં હતાં પણ નેન્સી સ્થિર થઈને આ જોઈ રહી હતી. તે શૉકની પીડા જાણે તે પોતે અનુભવતી હોય. મોહિત તરત ઘડિયાળમાં સમય જોઈને શૂન્યવત ઉભેલ નેન્સીને પકડીને દરવાજાની બહાર ખેંચી ગયો અને સમય સમાપ્ત થતાં જ એ દરવાજો આપમેળે બંધ થઈ ગયો. 

નેન્સી હજુ પણ ઘેરા શૉક સાથે ઊભી હતી. તેને રડવું હતું પણ તેની નજર સામેથી બે મૃત્યુ ખસતાં જ નહોતાં. ફરી અંધકાર થઈ ચૂક્યો હતો ઓરડામાં. મોહિત અને બાકીનાં લોકો પણ હવે ગેમ વિશે સમજવા લાગ્યા હતાં. ત્યાંજ માઈકમાંથી આવતાં અવાજે બધાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 

"હવે તો આપ સૌ ગેમ વિશે સમજી જ ચૂક્યા હશો. વેલકમ ઈન લેવલ નંબર 8. ટ્રસ્ટ મી હજુ તો ઘણી મજા આવશે તમને રમવામાં ! સામે બાથટબ દેખાય છે. તેમાં એક મિનિટ સુધી બેસી રહેવાનું છે. "

"નહીં બેસીએ જા. શું કરી લઈશ તું ? " નેન્સીએ ચિડાઈને જવાબ આપ્યો. 

"આઈ નો. મને અપેક્ષા હતી જ આવાં જોમની પણ આ જોમ ગેમમાં લગાવશો તો બચી શકશો સાથે જ દિમાગનો સાચી રીતે ઉપયોગ કરશો તો જીવની સાથે દસ કરોડ રૂપિયા તમે મેળવી શકશો. તો સામે પડેલાં બાથટબ ઉપર વારાફરતી બેસો અને આ ગેમમાંથી બહાર નીકળીને નવાં લેવલે પહોંચો. યાદ રાખજો પેટર્ન પ્રમાણે નહીં જાઓ તો છોડી દેશે સમય તમારો સાથ ! " આટલું બોલ્યા બાદ રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. 

માઈકની જાહેરાત બાદ નેન્સી અને મોહિત સિવાયનાં લોકો બેસવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. બધા બેસવા લાગ્યા પણ કડું આપમેળે નહોતું વસાતું. બધા મારી મચડીને બંધ કરવા ગયા પણ બધું વ્યર્થ ! નેન્સીએ આંખો બંધ કરી તો તેને તેની મમ્મી યાદ આવી. આંખો ખોલતાની સાથે તેણે હાર ન માનવાનું નક્કી કર્યું. ત્યાંજ ટાઈમર પંદર મિનિટનો બીપ બીપ સાઉન્ડ કરવા લાગ્યો. 

"સાંભળ્યું નહીં કોઈએ. પેટર્ન પ્રમાણે નહીં જાઓ તો સમય સાથ છોડી દેશે. બધા જોતાં રહો. એમણે જેમ પેટર્ન નક્કી કરી હશે એમ જ કડું ફિટ થશે." નેન્સીએ ઊંચા અવાજે કહ્યું. 

આ સાંભળીને મોહિત કપડાં કાઢીને અન્ડરવેર પહેરી અંદર બેઠો તો કડું તેના હાથમાં વીંટાયું. મોહિત પાણીની ગરમીથી ચીસ પાડી રહ્યો હતો. છેલ્લી દસ સેકન્ડમાં તો મોહિતની ચીસની તીવ્રતા ખૂબજ વધી ગઈ હતી. મોહિતનો સમય પૂરો થતાં જ બીજા બધાએ પેટર્ન પ્રમાણે બેસવાનું શરુ કર્યું. 

છ લોકોનાં બેસી ગયાં બાદ હવે માત્ર નેન્સી અને ખુશાન બે જ બચ્યા હતાં. સમય માત્ર પાંચ જ મિનિટનો હતો. ખુશાને બેસીને જોયું તો કડું નહોતું બંધ થતું એટલે તેણે સામેથી નેન્સીને બેસવા માટે કહ્યું. નેન્સી આંખો બંધ કરીને તેની મમ્મી અને ભગવાનને યાદ કરવા લાગી. તેનો સમય પૂરો થઈ ગયો હતો. નેન્સીને નવાઈ લાગી કે મોહિત જે પ્રમાણે ચીસ પાડતો હતો પાણી એટલું પણ ગરમ નહોતું. નેન્સીને હલાવીને ખુશાને ઊભી કરી પણ નેન્સીનું કડું ખુલવાનું નામ નહોતું લેતું. એક ની જગ્યાએ બે મિનિટ વ્યર્થ ગઈ. નેન્સીનું કડું ખુલતા જ ખુશાન બેઠો અને કડું તેના હાથ અને પગમાં લોક થયું. અડધી મિનિટ વિત્યા બાદ સામેથી એક દરવાજો ખુલ્યો. લોકો એ તરફ ભાગવા લાગ્યા. 

"નેન્સી આ લોકોએ હાથે કરીને આ ઊભું કર્યું. હજુ આપણી પાસે સમય હતો પણ હવે નથી. ચાલ આપણે અહીંથી નીકળવું પડશે. " મોહિતે નેન્સીનો હાથ પકડીને કહ્યું. 

ખુશાન મદદ માટે બુમાબુમ કરતો રહ્યો. નેન્સી છેલ્લી નજર નાખીને એ રૂમમાંથી બહાર આવી. નેન્સી સહીત દરેક વ્યક્તિનાં ચહેરા ઉપર ભય સ્પષ્ટ દેખાતો હતો. હવે માત્ર સાત જ વ્યક્તિઓ હતી. 

"મોહિત આ લેવલ 7 કોઈ ભૂલભૂલૈયા લાગે છે." નેન્સીએ સામે નજર કરતાં મોહિતને કહ્યું. 

"નેન્સી અહીંથી સાત રસ્તા નીકળે છે. એનો મતલબ આપણામાંથી દરેક જણ આ રસ્તાની અંદર જશે અને ભૂલભૂલૈયામાંથી રસ્તો મેળવશે. " મોહિતનાં આટલું કહેતાં જ ટાઈમર ઉપર પાંચ મિનિટનો સમય દેખાવા લાગ્યો. 

મોહિતે બાકીનાં લોકોને આ સમજાવ્યું. મોહિતની વાત સાંભળીને બધા એક એક રસ્તે જવાં લાગ્યાં. ધીરે ધીરે રસ્તો શોધતા નેન્સી આગળ વધવા લાગી. નેન્સીએ પોતાનાં હાથ ઉપર પાડવામાં આવેલ ટેટુ પર કાંઈક દર્દ અનુભવ્યું. નેન્સીએ નજર કરી તો એ ટેટુ એક બે સેકન્ડ માટે ગાયબ થઈને ફરી તેના હાથ પર અંકિત થઈ ગયું. ચાલતાં ચાલતાં નેન્સીએ જોયું તો સામે દરવાજો હતો. સમય પૂર્ણ થતાં જ નેન્સીનો દરવાજો ખુલી ગયો. સામે એક બીજો નવો જ રૂમ હતો. મોહિત અને બાકીનાં લોકોને જોઈને નેન્સી ખુશ થઈ. ત્યાંજ મોહિતનું ધ્યાન તેમની સાથે ન રહેલ દેવ પર ગયું. 

"નેન્સી દેવ આઉટ થઈ ગયો આ વખતે. " મોહિતે નિરાશાભર્યા સૂરમાં કહ્યું. આ સાંભળીને નેન્સી જોરજોરથી હસવા લાગી. 

"શું થયું તને ? આમ કેમ હસે છે ? " મોહિતે નવાઈ પામતાં પૂછ્યું. 

"મોહિત આ લોકોની ગેમ હું સારી પેઠે સમજી ગઈ. લેવલ 6 માં-" નેન્સીનાં આટલું કહેતાં જ દસ મિનિટનો ડેન્જર સાઉન્ડ બીપ બીપ કરવા લાગ્યો. બધા એકબીજાને કરવાનું શું છે એવો સવાલ કરવા લાગ્યાં ! તેમની સામે વાયરોની ભૂલભૂલામણી હતી. એમાંથી સામે દરવાજો નીકળતો હતો જેની ઉપર EXIT લખ્યું હતું. 

વિશ્વા નામક વ્યક્તિ આગળ આવીને તે વાયરોમાંથી સાચવીને પસાર થવા લાગી. ક્યાંક ક્યાંક વાયર તેના શરીરે અડતાં તેને શૉક લાગી જતો પણ તે સહેજ પણ ગભરાયા વગર આગળ વધતી ગઈ. બે જ મિનિટમાં તે સામેનો દરવજો ખોલીને બાકીનાં લોકોને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરતી રહી. નેન્સી પણ વિશ્વા બાદ મક્કમતાથી આ લેવલ પાર કરી ગઈ. ફરી નેન્સીએ પોતાનાં હાથ પર રહેલ ટેટુ ઉપર કાંઈક દર્દ અનુભવ્યું અને ફરી એક બે સેકન્ડ માટે અસ્થિર બની ટેટુ સ્થિર થયું. આ જ વસ્તુ નેન્સીએ વિશ્વાના હાથમાં પણ જોઈ પણ ડરનાં લીધે તેનું ત્યાં ધ્યાન જ ન પડ્યું. નેન્સીએ સામેથી આવતાં બાકીનાં લોકોનાં હાથ પર નજર કરી. 

"શીતલ જશે આ લેવલમાં !" નેન્સીનાં હોઠ આટલું કહેતાં ફફડ્યા. 

"તને કેમની ખબર ? " વિશ્વાએ અચરજ પામતાં પૂછ્યું. 

"જોઈ લેજે. જો હું સાચી હોઈશ તો આગળનાં લેવલમાં કહીશ તને. " નેન્સી વિશ્વા સામું જોતાં બોલી. અંતે શીતલ અને રાજ જ બચ્યા હતાં. નેન્સીએ શીતલને આવવા માટે કહ્યું. હજુ પાંચ મિનિટ હતી. શીતલ ડરીને આગળ વધી. ત્યાંજ તેના શરીર ઉપર ઈલેક્ટ્રિક વાયરોનો જથ્થો પડ્યો અને તેનું શરીર તરફડવા લાગ્યું. આ જોઈને રાજનાં મોતિયા મરી ગયાં. 

"રાજ તને કાંઈ પણ નહીં થાય. આવતો રે સાચવીને. " નેન્સીએ રાજને ઉદ્દેશીને કહ્યું. 

નેન્સીની વાત સાંભળી રાજ સાચવીને ત્યાંથી આવી ગયો અને તેઓ નવાં રૂમમાં પહોંચ્યા. 

વિશ્વા નેન્સી પાસે આવીને બોલવા લાગી, "તે કેવી રીતે કહ્યું કે શીતલ હારશે ? બોલ તું આ બધામાં સામેલ છું ને સાચું બોલ ?" 

"તમારા બધાનાં હાથ પર ટેટુ છે એ જોવો. "ગેમ ઓવર" મતલબ સિમ્પલ જેનાં હાથમાં ટેટુ નહીં રહે તે આઉટ થઈ જશે." ત્યારબાદ નેન્સીએ પોતાની સાથે ઘટેલ ટેટુની વાત કરી. 

"વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ ન્યુ લેવલ નંબર 5. તમારી સામે એક બાઉલ પડ્યું છે. એની અંદર તમે વારાફરતી ચિઠ્ઠી ઉપાડશો અને એની અંદર કીધેલ વસ્તુ કરશો. સમજી ગયાં. રેડી ફોર ધ ગેમ !" 

લોખંડની ટેબલની વચ્ચોવચ કાચનું બાઉલ હતું. એની અંદર કોઈ ચિઠ્ઠી નહોતી દેખાતી. રાજ આગળ વધ્યો તો બાઉલની અંદર નીચે ખાનું ખુલીને ચિઠ્ઠી આવી ગઈ. રાજે તરત ચિઠ્ઠી ઉપાડી ને વાંચી, "નેવર હેવ આઈ એવર ગોટન ડ્રન્ક !" રાજે આટલું વાંચીને બધાને કહ્યું, "મેં સાચેમાં કયારેય નથી પીધું. " 

"તો આજે પીવું પડશે. " દર્શે કડક અવાજે કહ્યું. સામે ટેબલ ઉપર બોટલ પડી હતી. રાજે બોટલ ખોલીને પીવા માંડ્યું. નવી ચિઠ્ઠી કોઈનાં આગળ આવવા છતાં નહોતી બહાર આવતી. 

"લાગે છે જ્યાં સુધી રાજ પોતાનો દાવ પૂરો નહીં કરે ત્યાં સુધી આપણે નવી ચિઠ્ઠી નહીં ઉપાડી શકીએ. " નેન્સીએ રાજ તરફ જોતાં કહ્યું. 

રાજ પહેલીવારમાં એકસાથે આટલું બધું પીવા અસક્ષમ હતો. દર્શે આગળ આવીને રાજનાં મોંઢામાં બોટલ ઊંધી વાળી દીધી. ત્યાંજ ટાઈમરનો ડેન્જર સાઉન્ડ પંદર મિનિટ બતાવતું બીપ બીપ કરવા લાગ્યું. રાજે આખી બોટલ પી લીધી અને જમીન પર ખુલ્લી આંખે પડી રહ્યો. દારૂનો નશો વધતો જતો હતો.  

વિશ્વા આગળ આવી અને પોતાની ચિઠ્ઠી ઉપાડીને વાંચવા લાગી, "નેવર હેવ આઈ એવર બ્રોક સમબડી'સ બોન !" વિશ્વા વાંચીને ખૂબ ડરી ગઈ. તેણે આવું પહેલાં કયારેય નહોતું કર્યું. તે આગળ વધીને કાંઈક વિચારી રાજ પાસે આવી અને આંખો બંધ કરીને તેના હાથ ઉપર જોરથી બાજુમાં પડેલ સળીયો લઈને માર્યો. આ સાથે જ રાજનું કાંડુ ભાંગી ગયું. તે દર્દનો માર્યો ચીસો પાડવા લાગ્યો. ત્યાં ઉભેલા દરેક વ્યક્તિ વિશ્વાની પરિસ્થિતિ સમજી શકે એમ હતાં. 

નેન્સી આગળ આવી ને તેની ચિઠ્ઠી બહાર આવી. નેન્સીએ ખોલીને વાંચી, " નેવર હેવ આઈ એવર બિકમ ન્યૂડ ઈન પબ્લિક !" આ વાંચતા તો જાણે નેન્સીનાં માથે આભ આવ્યું. તે કયારેય શોર્ટ્સ પણ નહોતી પહેરી પણ આજે જીવ બચાવવાં તેણે ખૂબજ કપરું કામ કરવાનું હતું. નેન્સી અશ્રુઓ વહાવતી પોતાનાં શરીર પરનાં આવરણો દૂર કરવા લાગી. સંપૂર્ણ નગ્ન થયાં બાદ મોહિતે આગળ આવીને નેન્સીને દુપટ્ટાંથી લપેટી દીધી. 

દર્શે પોતાનો દાવ લીધો જેમાં તેણે ડ્રગ લેવું પડ્યું. ત્યારબાદ મોહિતને પોતાનાં કાનમાં મશીન વડે પિયર્સિંગ કરવું પડ્યું. નિધિને નોનવેજ ખાવું પડ્યું. બધાનાં ટાસ્ક પૂરા થઈ ગયાં. સમય માત્ર બે જ મિનિટનો બચ્યો હતો. ત્યાંજ દરવાજો ખુલ્યો. વિશ્વા, નિધિ, દર્શ જવાં લાગ્યાં. 

"મોહિત રાજ આઉટ થઈ ગયો જો એનું ટેટુ !" નેન્સીએ આંગળી વડે મોહિતને ઈશારો કર્યો તો એના આશ્ચર્ય વચ્ચે રાજનાં હાથમાં ટેટુ ગાયબ હતું. રાજ બેભાન અવસ્થામાં પડ્યો હતો. મોહિતે સમય જોતાં માત્ર ત્રીસ સેકંડ બચી હતી અને નેન્સીનો હાથ પકડીને તેને ખેંચી. તેમનાં નીકળતાં જ દરવાજો જોરથી બંધ થઈ ગયો. 

"વેલકમ ટુ લેવલ નંબર 4. ગેમ ઈસ ટ્રુથ એન્ડ ડેર ! છે ને મજાની ગેમ. તો ચલો રેડી થઈ જાઓ આ ગેમ માટે ! " માઈકનો અવાજ સાંભળી વિશ્વા જોરજોરથી ગાળો ભાંડવા લાગી. 

"વિશ્વા એને આમ કરવાથી કોઈ જ ફરક નહીં પડે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી ગેમ રમવા સિવાય ! " દર્શે વિશ્વાને સમજાવતાં કહ્યું. 

પાંચ જણા ટેબલ ઉપર ગોઠવાયા. બોટલ આપમેળે સ્પિન થઈ. બોટલ નિધિ પર રોકાઈ. સામે સ્ક્રીન ઉપર સવાલ આવ્યો. "TRUTH OR DARE " નિધિએ truth પસંદ કર્યું. બધાની નજર સ્ક્રીન પર અટકી. 

"તમારા બધામાંથી સૌથી ડરપોક કોણ છે ? " 

નિધિએ દર્શનું નામ લીધું. ફરી બોટલ સ્પિન થતાં નિધિનાં ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ. આટલી સરળતાથી તેનો દાવ પૂરો થશે એવું તેણે વિચાર્યું પણ નહોતું. બોટલ દર્શ તરફ રોકાઈ. દર્શે સામે નજર કરી તો માત્ર "DARE" જ લખેલું હતું. 

"દર્શ એકવાર ટ્રુથ પછી ડેર ફરજીયાત લાગે છે. " નેન્સીએ ગેમ સમજતાં કહ્યું. 

દર્શ ડેર બોલ્યો અને સામે સ્ક્રીન પર નજર કરી.

"તમારી જમણી બાજુમાં બેસેલ વ્યક્તિનાં ચહેરા ઉપર એસિડ ફેંકો. " દર્શે જમણી બાજુ નજર કરી તો નિધિ બેઠી હતી. બધાનાં ચહેરા પર તંગ રેખાઓ છવાઈ. નિધિ ના ના કહેતી ઊભી થવા ગઈ પણ તે તેની સીટ ઉપરથી ઊભી નહોતી થઈ શકતી. દર્શ આંખમાં આંસુ સાથે બાજુનાં ટેબલ પરથી એસિડ લઈને નિધિનાં ચહેરાં ઉપર રેડવા લાગ્યો. બધાની આંખો આ જોઈને બંધ થઈ ગઈ. આટલું ટોર્ચર ત્યાં રહેલ કોઈ વ્યક્તિએ એમના જીવનમાં નહોતું અનુભવ્યું. નિધિની કારમી ચીસોથી બધાની આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. 

વિશ્વાએ આગળ ગેમ રમવાનું સૂચવ્યું. ફરી બોટલ સ્પિન થઈ. જે નેન્સી તરફ રોકાઈ. નેન્સીએ ધ્રુજતા ચહેરે સામે નજર કરી. 

"TRUTH OR DARE " 

નેન્સીએ TRUTH પસંદ કર્યું. 

"દર્શ અને મોહિત આ બે માંથી કોનો જીવ બચાવશો ?" 

નેન્સીએ દર્શ અને મોહિત તરફ નજર કરી. ખૂબ મન મક્કમ કરી તેણે મોહિતનું નામ લીધું. ફરી બોટલ સ્પિન થઈ. વિશ્વા તરફ રોકાઈ. વિશ્વાને ડેર જ પસંદ કરવું પડ્યું. 

"તમારી જીભ કાપીને ગ્લાસમાં મુકો. " વાંચતા જ વિશ્વા જોરજોરથી આક્રંદ કરવા લાગી. દર્શે તેને સમજાવતાં કહ્યું, "જો જીવ જાય એની કરતાં જીભ જાય એ વધુ ઉચિત રહેશે પ્લીઝ જલ્દી કર નહીં તો તારી સાથે અમે પણ અહીંયા મરી જઈશું. " 

દર્શની વાત માનીને વિશ્વાએ ભારે હૈયે આંખો બંધ કરીને છરી લઈને પોતાની જીભ કાપી નાખી. તે સાથે જ એક મૂંગો અવાજ લોકોનાં કાન ફાડી રહ્યો. નેન્સીએ જોયું તો નિધિનાં હાથમાંથી ટેટુ ગાયબ હતું. ફરી બોટલ સ્પિન થઈ. જે મોહિત પાસે જઈને અટકી. 

"TRUTH OR DARE"

મોહિતે TRUTH પસંદ કર્યું. નિધિનાં શ્વાસ ઓછા થતાં હતાં. મોહિતે સ્ક્રીન પર નજર નાખી. 

"આગળનાં લેવલમાં નેન્સી અને પોતાનાંમાંથી કોનો જીવ બચાવીશ ?"

મોહિત નેન્સી સામું એકધારું જોઈ રહ્યો. થોડીવાર બાદ તે "નેન્સી" નું નામ બોલ્યો. નેન્સી નવાઈ પામતી મોહિત સામું જોઈ રહી. ત્યાંજ દરવાજો ખુલ્યો. નિધિ સિવાય દરેક વ્યક્તિ પોતાની સીટ પરથી ઊભી થઈ શકી અને દરવાજા તરફ જવાં લાગી. બધાનાં આવી ગયાં બાદ દરવાજો બંધ થઈ ગયો. નેન્સી અવાકપણે મોહિત સામું જોઈ રહી. 

"વેલકમ ટુ ધ ન્યુ લેવલ નંબર 4. બહુ જ સરળ ગેમ છે. લુડોની ગેમ તમારે સાચા પાસાંની મદદથી રમવાની છે. ચાર પ્લેયર. જે લાસ્ટ પ્લેયર હશે એ આઉટ થઈ જશે. " 

નેન્સી, મોહિત, દર્શ અને વિશ્વા પોતાનું સ્થાન લઈને ઊભાં રહ્યા. પાસા ફેંકીને તેઓ રમત રમવા લાગ્યાં. વિશ્વા અને દર્શ બીજાની કુકરી પાછળ રહે એથી સમજદારીથી ગેમ રમીને બીજાની કુકરી મારવાં લાગ્યાં. ગેમનો અંત થવા જઈ રહ્યો હતો. દર્શ પ્રથમ રહ્યો. નેન્સીએ મોહિતનાં હાથ તરફ નજર કરી તો તેનું ટેટુ ગાયબ થઈ રહ્યું હતું. નેન્સી મોહિતની ઘર પાસે પહોંચેલી કુકરી મારી શકતી હતી પણ નેન્સીએ સમજીને એ ચાલ જવાં દીધી. જેવી એ ચાલ ગઈ ત્યાં જ મોહિતનાં હાથમાં રહેલ ટેટુ પાછું આવી ગયું અને નેન્સીએ જોયું તો વિશ્વાના હાથમાં ટેટુ ગાયબ થઈ ગયું. મોહિત બીજા ક્રમાંકે જીતી ગયો. છેલ્લે નેન્સી અને વિશ્વા જ બચ્યા હતાં. નેન્સીને જીતવા માટે સાત પોઈન્ટની જરૂર હતી અને વિશ્વાને માત્ર બે ! વિશ્વાએ દાવ લીધો તો પાંચ પોઈન્ટ આવ્યા. નેન્સીનો દાવ આવ્યો તો તેને છ પડ્યા અને છનો ફરી દાવ લેતા તેને બે પડી ગયાં. એ સાથે જ દરવાજો ખુલ્યો. વિશ્વાનાં ડોળા બહાર આવી ગયાં. તે ચીસો પાડવાં છતાં અવાજ ના કાઢી શકી. તેનો પગ નીચે જમીન પર જાણે જકડાઈ ગયો. નેન્સી વિશ્વાને સોરી કહીને દરવાજાની બહાર આવી ગઈ અને દરવાજો બંધ થઈ ગયો. 

"મોહિત આ લેવલમાં ગમે તેમ કરીને તારે જીતવાનું છે. " નેન્સીએ મોહિત સામું જોતાં કહ્યું. 

"નેન્સી આગલી ગેમમાં તો તે બચાવ્યો પણ દરેક ગેમમાં આવું નહીં બને. " મોહિતે નેન્સીની આંખોમાં જોતાં કહ્યું. 

નેન્સીએ આગળ આવીને મોહિતનાં કાનમાં કાંઈક કહ્યું. ત્યાંજ માઈક પર ફરી એ કર્કશ અવાજ આવ્યો. 

"વેલકમ ટુ ધ ન્યુ લેવલ નંબર 3. સાપસીડીની રમત વિશે તો જાણતા જ હશો. બસ આ જ ગેમ રમવાની છે અને જલ્દી બહાર આવવાનું છે. બેસ્ટ ઓફ લક ! "

દર્શ, નેન્સી અને મોહિત તેમનાં પાસાં સાથે ઊભાં રહ્યા. નેન્સી અને દર્શ આગળ વધતા રહ્યા. મોહિત જીતથી ઘણો દૂર હતો. દર્શને માત્ર બે જ પોઈન્ટ જોઈતા હતાં ત્યાં જ તેનો દાવ આવ્યો અને એક અંક આવ્યો જેની ઉપર સાપ હતો, જેથી દર્શ સીધો નીચેની હરોળમાં આવી ગયો. મોહિત તેનાથી તો આગળ જ હતો. નેન્સી પ્રથમ આવી ગઈ. મોહિત અને દર્શમાં ટક્કર જામી હતી. દર્શ ફરી બે પોઈન્ટની દૂરી પર હતો અને મોહિત ચાર પોઈન્ટની. દર્શનો દાવ આવ્યો તો એને ફરી એક અંક આવ્યો ને નિરાશ થતો તે નીચે આવીને મનોમન મોહિતની હારનું રટણ કરવા લાગ્યો. મોહિતને ચાર અંક આવી ગયાં અને એ સાથે જ દરવાજો ખુલ્યો. નેન્સી અને મોહિત સોરી કહીને આગળ વધી ગયાં. દર્શનાં પગ જમીન પર જકડાઈ ગયાં હતાં. તેણે પાસે એક ધારીયા જેવું પડ્યું હતું એ લઈને પોતાનાં પગ પર ઘા કરી દીધો. પગ કપાતાં જ તે નીચે જમીન પર પડ્યો. ચીસો અને આક્રંદ કરતો તે દરવાજા તરફ ઘસડાઈને આવવાનાં પ્રયત્નો કરવા લાગ્યો. તે માત્ર એક ગજની દૂરી પર હતો ને દરવાજો ધડામ કરતો બંધ થઈ ગયો.

"વેલકમ નેન્સી એન્ડ મોહિત. લેવલ નંબર 2 માં આપનું સ્વાગત છે. તમારી સામે બે ખુરશી પડી છે. જેમાં બેસીને તમારે કાર રેસિંગ કરવાનું છે પણ આને સરળ સમજવાની ભૂલ ના કરશો. જો ભૂલથી કાર રોડ સિવાય ક્યાંય પણ અથડાઈ તો ઉપરથી તમારા માથાં ઉપર પથ્થરોનો મારો થશે. જો એ મારો ત્રણ વખત થયો અને ત્યારબાદ ફરી ભૂલ કરી તો તમે ઉપર રહેલ લોખંડનાં ચોખંડાથી નીચે કચડાઈ મરશો. રેડી ફોર ધ ગેમ !"

આ સાંભળતા જ નેન્સી અને મોહિતનાં હાથ પગ ઠંડા પડી ગયાં. નેન્સીએ પોતાનાં હાથમાં ટેટુ જોયું, જે હમણાં તો સ્થિર હતું. મોહિતે નેન્સીને ગળે લગાવી અને કાનમાં કાંઈક કહ્યું. નેન્સી અને મોહિત છુટા પડીને સીટ બદલીને ગોઠવાયા. નેન્સી અને મોહિતે ધ્યાનપૂર્વક સ્ટિયરિંગ પકડીને રમત શરુ કરી. નેન્સી અને મોહિત કારને ધીરે ધીરે આગળ જવાં દઈ રહ્યા હતાં. તેમની સ્ક્રીન પ્રમાણે પાંચ જ મિનિટનો સમય હતો અને તેમણે પચાસ કિલોમીટર અંતર કાપવાનું હતું. 

"મોહિત સ્પીડ ઘટાડવાથી કાંઈ નહીં વળે, પાંચ મિનિટમાં પચાસ કિલોમીટર કાપવું અઘરું પડશે. " નેન્સીએ મોહિતને અવાજ કરતાં કહ્યું. 

"નેન્સી ધીરે ધીરે સ્પીડ વધાર અને પૂરું ધ્યાન ગેમ ઉપર જ આપ." મોહિતે ઊંચા અવાજે આદેશ આપ્યો. 

નેન્સી ધ્યાનપૂર્વક ગેમ રમી રહી હતી. ત્યાંજ મોહિત પર પથ્થર પડ્યા. નેન્સીનું ધ્યાન હટતાં તેની ઉપર પણ પથ્થર પડ્યાં. ફરી નેન્સી ઉપર પથ્થર પડ્યાં પણ મોહિતે ધ્યાન ભટકાવ્યાં વગર રમવાનું ચાલું રાખ્યું. થોડીવાર બાદ ફરી મોહિત ઉપર પથ્થર પડ્યાં અને નેન્સીનું ધ્યાન તૂટતાં તેની ઉપર પણ પડ્યાં. નેન્સીને ત્રણ વખત પડી ગયાં અને મોહિત પર બે વખત. નેન્સીને હવે એક મિનિટમાં માત્ર દસ જ કિલોમીટર કાપવાનું હતું, જયારે મોહિતને માત્ર સાત જ કિલોમીટર. ત્યાંજ મોહિત જેવો લાઈન ક્રોસ કરવા જતો હતો કે ફરી ભેદ રચાયો અને મોહિત ઉપર ઉપરથી લોખંડનો ચોસલો જોરથી ભટકાયો. નેન્સી આ સાંભળીને આંખમાં આંસુ સાથે ગેમ પૂરી કરતી રહી. ગેમ પૂરી થયાં બાદ દરવાજો ખુલ્યો. નેન્સી મોહિતને બુમ લગાવતી રહી.

નેન્સી ધ્રુજતા પગે દરવાજાની બહાર આવી.

"વેલકમ નેન્સી ઈન લેવલ નંબર 1." નેન્સીનું ધ્યાન ગયું તો સામે આખા ઓરડામાં ચેસની રમત ગોઠવેલી હતી. ત્યાંજ પાછળથી બૂટનાં પગરવ સંભળાયા. નેન્સીએ પાછળ નજર કરી તો એક સૂટ પહેરેલ વ્યક્તિ આશરે પચીસ ત્રીસ વર્ષનો તેની તરફ જ આવી રહ્યો હતો. 

"વેલ ડન નેન્સી. " તે વ્યક્તિએ નેન્સીની સામે ઊભાં રહીને નેન્સીનાં પીઠે હળવો ધબ્બો માર્યો. 

"કોણ છે તું ? " નેન્સીએ તેનો હાથ હટાવતાં પૂછ્યું. 

"એનાથી કોઈ જ ફરક નથી પડતો. તારે મારી સાથે આ ગેમ રમવાની છે. " 

"જ્યાં સુધી તું નહીં કહે કે તું કોણ છું, ત્યાં સુધી હું ગેમ નહીં રમુ." નેન્સીએ ઊંચા અવાજે કહ્યું. 

"સ્માર્ટ ! ઓક્કે તો હું છું અજીત મિશ્રા ઉર્ફ અજીત ડોન. મને પહેલેથી ગેમ્સમાં ખૂબ રસ પડતો પણ નાનપણમાં મારા મિત્રો મને કયારેય એમાં જીતવા નહોતાં દેતાં. તેઓ હાથે કરીને ચીટિંગ કરી મને હરાવી દેતાં. મારી વર્ષોથી ઈચ્છા હતી કે હું મારી પોતાની ગેમ ઊભી કરું અને એમાં એ લોકોને હરાવું. "

"તારો આ માસુમો સાથે શું સંબંધ તો તે એમને મોત આપી ?" નેન્સીએ અશ્રુભીની આંખે ઉગ્ર અવાજે પૂછ્યું. 

"જેટલાં પણ લોકો મર્યા એ તમામ સાથે મારે સંબંધ છે સોરી હતો. કારણ વગર હું થોડી કોઈને મારતો હોઈશ !" અજીતે શાંત અવાજે જવાબ આપ્યો. 

"અચ્છા તો મારી સાથે શું સંબંધ છે ?" નેન્સીએ અજિતની આંખોમાં જોતાં પૂછ્યું. 

"ભૂલી ગઈ આટલી જલ્દી ?"

"શું ?" નેન્સીએ નવાઈ પામતાં પૂછ્યું. 

"યાદ કર. 2 જી સપ્ટેમ્બર 2006, એ દિવસે તું તારા ગામ આવી હતી. ત્યાં તે મારી સાથે ખૂબજ રમતો રમી હતી અને મને બધામાં હરાવી દીધો હતો. તારા ગયાં બાદ મારે જે અપમાનનો સામનો કરવો પડ્યો એની તું કલ્પના પણ નહીં કરી શકે." અજીતે આંખનાં ખૂણા ભીના થતાં અનુભવ્યા. 

"તું અજ્જુ છું ? મારા ગામડે બાજુનાં ઘરમાં રહેતો અજ્જુ ?" નેન્સીએ અજીતની ઓળખાણ લેતા પૂછ્યું. 

"હા હું અજ્જુ જ હતો પણ હવે અજીત ડોન છું. હવે સમય ગુમાવ્યા વગર ગેમ શરુ કરીએ. "

"અજીત હું કાંઈ પણ કરું, તું ગમે તેમ કરીને પણ મને હરાવી જ દઈશ. તારે મને એટલી નાનકડી ભૂલ માટે મારવી છે તો મારી નાખ. આ ગેમનો ડ્રામા બંધ કર પ્લીઝ !" નેન્સીએ અજીતની નજીક આવતાં કહ્યું. 

"તને હરાવીને જે સુકુન મળશે એ મને તને મારી નાખીને થોડો મળશે ! તને હરાવીશ પછી જ તને મારીશ. " અજીતે રહસ્યમય સ્માઈલ લાવતાં કહ્યું. 

"અજીત મારા મર્યા બાદ પ્લીઝ મારી મમ્મીને પૈસા આપજે જેથી એ સારવાર લઈ શકે. " નેન્સી આજીજીભર્યા સૂરમાં બોલી. 

નેન્સીની વાત સાંભળીને અજીત જોરજોરથી હસવાં લાગ્યો. "પાગલ તારી માઁને આ બીમારીમાં ધકેલનાર હું પોતે જ હતો ને, તને એવું લાગે છે કે તારા મર્યા બાદ હું તારી માઁની મદદ કરીશ ? " આટલું કહી અજીત ફરી જોરજોરથી હસવા લાગ્યો. ત્યાંજ ડેન્જર સાઉન્ડનું ટાઈમર બીપ બીપ કરવા લાગ્યું. અજીતે પોતાનો માઈક્રોફોન કાઢીને ટાઈમર બંધ કરવા કહ્યું પણ કોઈનો સામેથી જવાબ નહોતો આવતો. આ જોઈને નેન્સી જોરજોરથી હસવા લાગી. 

"ઓયય કેમ હસે છે ?" અજીતે ગુસ્સે થઈને પૂછ્યું. 

"તારા મોંઢા ઉપર એ ભય જોઈ રહી છું જે તું બીજાનાં મોંઢા ઉપર લાવીને ખુશ થતો હતો. " નેન્સીએ હસતાં હસતાં જવાબ આપ્યો. 

"તને તો... " એમ કહીને અજીત નેન્સીને મારવાં આગળ વધ્યો ત્યાં જ પાછળથી અજીતનાં માથે લોખંડનો સળીયો કોઈકે માર્યો. એ મારનાર બીજું કોઈ નહીં પણ મોહિત જ હતો. અજીત નીચે જમીન પર ફસડાઈ પડ્યો. તેની ધૂંધળી દ્રષ્ટિ મોહિત ઉપર પડી તો તેને આંચકો લાગ્યો. 

"તું જીવતો ! કેવી રીતે ? " અજીતે દર્દથી કણસતા પૂછ્યું. 

"મિસ્ટર ગેમર તમારી વિડીયો ગેમની સીટ ઉપર હું વ્યવસ્થિત બેઠો જ નહોતો માટે જે પણ થયું એ તને ભ્રમિત કરવા માટે થયું. જેવો લોખંડો ચોસલો પડ્યો કે હું સીટની નીચે લપાઈ ગયો. "

"તો અજીત ઉર્ફ અજ્જુ આટલી ગેમ અમારી સાથે રમ્યો તો એક ગેમ અમે તારી સાથે રમ્યાં. મોહિતની જગ્યાએ હું બેઠી અને મારી જગ્યાએ મોહિત. મારું ટેટુ ગાયબ થઈ ગયું એટલે જ મોહિતે આ પ્લાન બનાવ્યો. તો કેવી લાગી ગેમ ? મજા આવી ને !" નેન્સીએ અજીતનાં માથાનાં વાળ ખેંચીને પૂછ્યું. 

"મને માફ કરી દો. તમે જતાં રહો. હું કોઈને કાંઈ પણ નહીં કહું." અજીત પોતાનાં જીવની ભીખ માંગવા લાગ્યો. 

"મોહિત આને મારી નાંખ. " આટલું કહીને નેન્સી ઊભી થઈ ગઈ. અજીત નેન્સીને બૂમ લગાવીને કાંઈક કહેવા જતો હતો ત્યાં જ મોહિતે અજીતને સળિયા વડે જ્યાં સુધી તેના પ્રાણ ના ગયાં ત્યાં સુધી માર માર જ કર્યું. મોહિત આખો લોહીથી નવાહી ગયો. 

નેન્સીએ બહાર નીકળવાનો દરવાજો શોધ્યો અને મોહિત સાથે ત્યાંથી બહાર નીકળી ગઈ. મોહિતને કાંઈક યાદ આવતાં જ તે ફરી અંદર ગયો અને હાથમાં બેગ લાવીને બહાર આવ્યો. 

"આ શું છે ?" નેન્સીએ બેગ તરફ જોતાં પૂછ્યું. 

"દસ કરોડ !" 

"તને કેવી રીતે ખબર પડી કે અંદર જ હતાં આ પૈસા ?" નેન્સીએ નવાઈ પામતાં પૂછ્યું. 

"મેં અંદર જોયું તું. અજીત કાંઈક કરતો હતો આ બેગમાં એટલે !" મોહિતે હકલાતા જવાબ આપ્યો. 

દરવાજાની બહાર નીકળીને જોયું તો તેઓ એક દસેક માળની ઊંચી ઈમારતમાં હતાં. તેઓ છેલ્લી મંઝિલે ગેલેરીમાં ચાલતાં જઈ રહ્યા હતાં. નેન્સી ચાલતી ચાલતી રેલિંગ પાસે ઊભી રહી. બહારનું દ્રશ્ય જોઈને તેના ચહેરાં ઉપર સ્માઈલ આવી ગઈ. નેન્સી પાછળ ફરી ત્યાં તો મોહિત તેને મારવાં માટે ચાકુ લઈને દોડ્યો પણ નેન્સીનાં ખસી જવાથી તે સીધો રેલિંગથી અથડાઈને રેલિંગનાં સળીયે લટકી ગયો. નેન્સી આ બધું જોઈ હેબતાઈ ગઈ. 

મોહિત બચવાં માટે બચાઓ બચાઓની બૂમો મારવાં લાગ્યો. 

"મોહિત શું કામ ? " નેન્સીએ મોહિતનાં હાથ પકડી લીધા.

"નેન્સી આ ગેમ બનાવનાર બીજું કોઈ નહીં પણ હું જ હતો. આ પ્લાન મારો અને અજીતનો હતો. અજીતને એવું હતું કે હું એની સાથે છું પણ પૈસાનાં લીધે મેં જ તેને દગો દીધો. તને આ ગેમ વિશે ખબર હતી એટલે તને હું જીવતી ના જવાં દઈ શકું. પ્લીઝ મને ઉપર ખેંચી લે. હું તને એક કરોડ આપીશ. પ્લીઝ !" મોહિત પોતાનાં જીવની ભીખ માંગવા લાગ્યો. 

નેન્સીની આંખોમાં આંસુ આવી ગયાં. તે મોહિત તરફ આકર્ષિત થઈ હતી જેનાં લીધે મોહિતની આવી દગાખોરીથી તેનું દિલ દુભાયું હતું. તેમ છતાં પોતે મોહિતને મોતનાં મુખમાં નહોતી ધકેલવા માંગતી. ત્યાંજ એક પક્ષી મોહિત પાસે આવ્યું અને મોહિતનો હાથ છૂટી ગયો. નેન્સી મોહિતને નીચે પડતાં જોઈ જ રહી. તેની સામે મોહિતની લાશ જમીન પર પડીને લોહીથી રંગાઈ ગઈ. થોડીવાર બાદ નેન્સી સ્વસ્થ થઈને બેગ હાથમાં લઈ નીચે આવી. ત્યાં એ જ બ્લેક ઈનોવા ઊભી હતી. નેન્સીને નીચે આવતી જોઈને ડ્રાઈવર મૂંઝાયો. 

"હું કહું ત્યાં લઈ લે. હું તને એક લાખ રૂપિયા આપીશ. " નેન્સીનાં શબ્દો સાંભળીને ડ્રાઈવરે ગાડી નેન્સીનાં ઘર તરફ જવાં દીધી. પૈસા કાઢીને નેન્સીએ ડ્રાઈવરને આપ્યાં. 

"આ વાતને અહીં જ દફન કરીને નવી જિંદગી શરુ કરજે. " આટલું કહીને નેન્સી કારમાંથી નીચે ઉતરી. બેગ લઈને તે ઘર તરફ જવાં લાગી. 

ઘરે આવીને તેણે મમ્મીને બુમ લગાવી પણ દરવાજો ના ખુલ્યો. ચાવી તેની બેગમાં રહી ગઈ હતી. નેન્સીએ પાડોશમાંથી બીજી ચાવી લઈને દરવાજો ખોલ્યો તો નેન્સીની આંખો પહોળી થઈ ગઈ. તેની મમ્મી જમીન ઉપર મૃત પડ્યાં હતાં. તેમની આંખોનાં ડોળા બહાર આવી ગયાં હતાં. નેન્સી શૂન્યમયન્સક નજરે ઘડીક બેગ તરફ તો ઘડીક તેની મમ્મીનાં શબ તરફ જોતી રહી.  


Rate this content
Log in

Similar gujarati story from Horror