STORYMIRROR

Leena Patgir

Horror Tragedy Thriller

4  

Leena Patgir

Horror Tragedy Thriller

શેતાન - એક રહસ્ય

શેતાન - એક રહસ્ય

10 mins
286


પ્રિય ડાયરી, 

   આજ સુધી હું મારી સાથે બનતી તમામ ઘટનાઓ મમ્મીને કહેતી આવી છું પણ કેટલાક સમયથી મારી સાથે કાંઈક અજીબ ઘટનાઓ ઘટી રહી છે. એ ઘટનાઓ વિશે હું મમ્મીને કહી પણ નથી શકતી. આખરે એ ઘટનાઓ ઊભી કરવા માટે જવાબદાર પણ હું જ છું.

પ્રિય ડાયરી તું એમ ના સમજીશ કે આ બધું કહીને હું મારા મન પરનો બોજ હળવો કરું છું પણ હકીકત તો એ છે કે મારી ભૂલોને કોઈ પોતાનાં જીવનમાં ફરી કરવાનું સાહસ ના કરે એટલે તને કહી રહી છું. પિતાજીની ડાયરી લખવાની આદતને પરંપરા આદરી મારા જીવનની પીડા કહેવા જઈ રહી છું. ફરક માત્ર એટલો જ કે મારા પિતાજીએ મારા જન્મ બાદ ડાયરી લખવાનું બંધ કર્યું અને હવે હું મારા જીવનની અંતિમ ક્ષણોમાં શરૂઆત કરી રહી છું. તો ચાલ મારી એ ઘટનાઓને વાગોળીને તને હકીકતની દુનિયામાં મારો થઈ રહેલો દબદબો સંભળાવું.

આ ઘટનાઓની શરૂઆત આજથી બે-અઢી મહિના પૂર્વે થઇ હતી. મારો એક્સીડેન્ટ થઇ જવાથી મારી આંખો મારાથી રિસાઈને ચાલી ગઈ હતી. તમસભર્યું જીવન મને આકરું લાગતું હતું. મિત્ર જેવા શબ્દથી હું જોજનો દૂર હતી. પહેલેથી એકલવાયું જીવન જ પસંદ હતું. પિતાજી મહાદેવનાં પંડિત હતાં. મને નાનપણથી ભગવાન પર ઉપેક્ષા જ રહેતી, એમ પણ જે વસ્તુઓ તમારી આસપાસ કાયમ બનતી રહે એનાથી તમે ઉબકાઈ જ જાઓ. મારા મતે તો મારી આ હાલત પાછળ મનુષ્યોનો કહેવાતો ભગવાન જ હતો. એ ભગવાનની નિર્દયતાનાં લીધે હું તેને નફરત કરવા લાગી હતી. મારી હસતી રહેતી જિંદગીમાં અંધકારનું સામ્રાજ્ય પાથરનાર એ વળી કોણ હતો ? મારી પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો હતો અને એ હતો શેતાન !

હોરર વિષય હંમેશાથી મારો મનપસંદ રહ્યો છે. મારું ધ્યાન  એમ પણ ભગવાનથી વિશેષ ભૂતો અને આવી ભૂતિયા પ્રવૃતિઓમાં હંમેશથી વધુ રહ્યું છે. એ રાતે મમ્મી પપ્પા કુટુંબમાં લગ્ન હોવાથી બહાર ગયા હતાં. તેમણે મને આવવા માટે ખૂબ મનાવી પણ મને હવે લોકોથી દૂર રહેવું જ ગમતું. શેતાનને કઈ રીતે બોલાવવો એ હું નહોતી જાણતી પણ મનમાં એવો અટલ વિશ્વાસ જરૂર હતો કે શેતાન મને જરૂર મળશે. ઘણાંનાં મોંઢે એમ સાંભળ્યું હતું કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે, તો પછી મને પણ શેતાન અવશ્ય મળશે !

મેં કિચનમાં જઈને ચાકુ ઉઠાવ્યું અને પાછી મારા રૂમમાં આવી ગઈ. ઘડિયાળમાં કાંટાને સ્પર્શીને મેં સમયનો ખ્યાલ લઈ લીધો. રાતનાં બે વાગી ચૂક્યા હતાં. ચાકુની ધાર મારા આંગળીઓ પાસે રાખીને હું શેતાનનું આહવાન કરવા લાગી. શેતાનને ખુલ્લી ચુનૌતી આપી બેઠી કે જો તેઓ પાંચ મિનિટમાં મને નહીં મળે તો હું મારી આંગળીઓ પાંચ પાંચ મિનિટનાં અંતરાલે કાપતી જઈશ. પાંચ મિનિટ થઈ હોવાં છતાં કોઈ ગતિવિધિ હું ના અનુભવી શકી. મેં તરત ચાકુ વડે મારા ડાબા હાથની પહેલી આંગળી કાપી દીધી ને જોરથી ચીસ પાડી ઊઠી. મેં ફરી શેતાનને આહવાન કર્યું પણ ફરી મારી બીજી આંગળી પણ મેં ગુમાવી. ફરી ત્રીજી આંગળીનું પણ મારે દર્દ સહેવું પડ્યું. ચોથી આંગળી કાપતાં તો જાણે મને તમ્મર આવી ગયા. લોહીની ધારો જમીન પર પડતી જતી હતી પણ શેતાન મારી હજુ પરીક્ષા લેવાના મૂડમાં હતો એટલે મેં ફરી તેનું આહવાન કર્યું. પાંચમો અંગુઠો કાપવા મેં માંડ હાથ ઉઠાવ્યો કે એક કર્કશ અવાજ મારા કાને પડઘાયો. 

મારી આગળ અંધકાર મટી સામે એક આકૃતિ ભાસતી હતી. તેનો ચહેરો ખૂબજ બિહામણો હતો. લોહીથી નીતરતો ચહેરો જોઈને મારી જગ્યાએ કોઈ બીજું હોત તો ક્યારનુંય નાસી ગયું હોત પણ મારા માટે તે મારા અંધકારથી વિશેષ ઉજાસ દેનાર પણ હતાં. તેમનાં માથાં ઉપર બે શીંગડા હતાં જેમાંથી અણીનાં ભાગેથી રક્ત નીકળી રહ્યું હતું. મોંઢામાંથી બે રાક્ષી દાંત થોડા વધુ બહાર ઉપસેલાં હતાં, તેમજ મુખાકૃતિ ઉપર એક રહસ્યમય સ્મિત ફરકતું હતું. તેમનાં દેહ પર કોઈ જ આવરણ નહોતું, તેમનો અનાવૃત દેહ જોઈને મારી આંખો ચકળવકળ થઈ ઉઠી. મેં તેમનાં શબ્દો પર ધ્યાન આપવા મંડ્યું. 

"દિતિ હું તારી સાથે તારી પહેલી આંગળી કપાઈ એ પહેલાનો જ છું. તારી દ્રષ્ટિ ના હોવાથી તું મને જોઈ નહોતી શકી. તારી પીડાને સહેવાની શક્તિ જોઈને હું તારાથી પ્રભાવિત થયો છું. તારી ઈચ્છાઓને માન આપીને હું તારી આંગળીઓ ફરી ઠીક કરી રહ્યો છું સાથે જ તને ચક્ષુદાન પણ પ્રદાન કરું છું પણ બદલામાં... "

બદલામાં શેતાને મારી પાસે એવી વસ્તુ માંગી કે જેની મેં કલ્પના પણ નહોતી કરી. મારા પિતા પંડિત હતાં. તેઓ ઈશ્વર પર અપાર શ્રદ્ધા રાખતાં હતાં. મારે તેમને આ દુનિયાથી અલવિદા કરવાના હતાં. જો હું એમ ના કરું તો શેતાનને બોલાવવાનું સાહસ કરવા બદલ મારે પણ આ દુનિયાને અલવિદા કરવાની હતી. શેતાને સ્પષ્ટ સૂચન કર્યું હતું કે જેમ જેમ દિવસ જશે એમ ફરી મારી દ્રષ્ટિ પણ ધૂંધળી બનતી જશે માટે મારે ત્વરિત આ કાર્ય નિપટાવાનું હતું. માણસ ! એક એવો જીવ જે પોતાનાં સ્વાર્થ ખાતર સગા માબાપને પણ વેચી દે, આવું મેં સાંભળ્યું હતું પણ મારે હવે એને સત્ય સિદ્ધ કરવાનું હતું. આખરે હું પણ તો એક માણસ જ હતી. મારા પપ્પાની બલી મારે શેતાનને અર્પણ કરવાની હતી.

શેતાન આટલું કહી અદ્રશ્ય થઈ ગયા. મારા જીવનમાં દ્રષ્ટિ પાછી ફરી હતી. હું પહેલાંની માફક દરેક વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી હતી. શેતાનને મનોમન આભાર માની હું પથારીમાં લાંબી થઈને પપ્પાનો સ્વાહા કરવાની પરિસ્થિતિને ગોઠવી રહી હતી. બીજા દિવસે મમ્મી પપ્પા પાછા ફર્યા હતાં. તેમની આગળ હું હજુ પણ અંધ હોવાનું નાટક રચતી હતી. પપ્પાને મેં સાંજે બહાર જવાં માટે જીદ કરી. મમ્મી પણ સાથે આવવાનું કહેવા લાગી પણ મારે મમ્મીને સાથે નહોતી લેવી તેથી મેં મમ્મીને તેના પિયરમાંથી ખોટો ફોન કરીને તેના પિયર જવાનું ગોઠવી દીધું. તેના ગયા બાદ હું હવે આસાનીથી મારું કામ કરી શકવાની હતી. 

અમાસનું અંધકાર થતાં જ હું મારા રૂમમાંથી આવીને પપ્પાનાં રૂમમાં ગઈ. ત્યાં પપ્પા ઘસઘસાટ ઊંઘતા હતાં. તેમની પાસે જઈને મેં તેમનાં ચહેરા ઉપર ઓશીકું મૂકીને જોરથી દબાવ્યું. તેમનાં ખુલ્લી આંખોનાં ડોળા મને જોઈને વધુ પહોળા થઈ ગયા હતાં. તેઓ શરીરે ભરાવદાર હોવાથી મારું બળ તેમની આગળ ઝાઝું ન ટકી શક્યું ને તેમણે મને જોરથી ધક્કો લગાવ્યો. હું નીચે જમીન પર ફસડાઈ પડી. તેઓ ઊંડા શ્વાસ ભરતાં હાંફી રહ્યા હતાં. મેં તરત ઊભાં થઈને તેમનાં માથાં ઉપર બાજુમાં પડેલો નાઈટ લેમ્પ લીધો ને તેમનાં માથાં પર પ્રહાર કરી દીધો. તેઓ જોરથી ચીસ પાડી ઉઠ્યા. હું ફટાફટ રસોડામાં ગઈ અને ત્યાંથી ચાકુ લઈને તેમનાં રૂમમાં આવી. તેઓ ઊભાં થઈને ફોન જોડવા જતાં હતાં ત્યાંજ મેં પાછળથી તેમની પીઠ પર ચાકુ ઘૂસેડી દીધું. તેમનાં હાથમાંથી રિસિવર નીચે લટકતું પડી રહ્યું. મેં એકસાથે કદાચ દસબાર ઘા કર્યા. હું આખી મારા લોહીનાં અંશથી નવાહી ગઈ હતી. 

અરીસામાં મારો ચહેરો જોયા બાદ હું ખુદ પણ ઘડીક ડરી જ ગઈ હતી. આજસુધી માત્ર ફિલ્મોમાં આ પ્રકારનાં હોરર સીન જોઈને આજે સાચેમાં અનુભવ્યા બાદ કંઈક સુકુન પ્રાપ્ત થતું હતું. મારું આવું રૂપ જોઈને મારા પ્રથમ મર્ડર કર્યાની ખુશીમાં હું અટ્ટહાસ્ય કરતી રહી. શેતાનનું આહવાન કરીને મેં તેમને આ બલી ચઢાવી. તેઓ મારી સાહસિકતાથી પ્રસન્ન થયાં હતાં. શેતાનની નજર મારા માંસલ દેહ પર લપકઝબક થતી હતી ને મેં કાંઈ પણ વિચાર્યા વગર શેતાનની નજર પારખીને પોતાનાં શરીરને તેમને સોંપી દીધું. આ કર્યા બાદ તેમણે મને શેતાની દુનિયાની રાણી બનવાનું સૌભાગ્ય સોંપ્યું. આ માટે તેમણે મને

અમુક જરૂરી વસ્તુઓ લાવવાનું સૂચવ્યું. મારા પિતાના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતાં ને હું શેતાનની દુનિયામાં પ્રવેશવાનાં પ્રયાસોમાં લાગી હતી. ઘરમાં તોડફોડ કરીને લોકોને એવું લાગતું હતું કે કોઈએ ઘરમાં ચોરીની સાથે મર્ડર કર્યું હતું પણ વાસ્તવિકતા સમજવા આ પામર મનુષ્યો હજુ ઘણાં પાંગળા હતાં. 

તે દિવસે ઘરેથી નીકળીને મેં પહેલી વસ્તુ મેળવવાનો પ્રયાસ આદર્યો જે હતું ચામાચીડિયાની પાંખ જે મને શેતાની દુનિયામાં ઊડવા માટે કામ લાગવાની હતી. અથાગ મહેનત બાદ મેં તે મેળવીને પહેલું સોપાન ચઢી લીધું હતું. ત્યારબાદ બીજી વસ્તુ હતી જંગલી ભેંસનાં શીંગડા જે મારા માથે લાગવાના હતાં જેનાથી મારી કાર્યક્ષમતા બમણી વધી જવાની હતી. ત્રીજી વસ્તુ હતી બિલાડીની આંખો જે અંધારામાં પણ સો માઈલો જેટલું જોઈ શકતી તેમજ શેતાની દુનિયામાં આવી જ દિવ્યદ્રષ્ટિની જરૂર પડવાની હતી. ચોથી વસ્તુ મેળવવી મારી માટે અઘરી હતી કેમકે એ હતું જંગલી વરુનાં તીક્ષ્ણ દાંત ! એ દાંત વડે હું શેતાની દુનિયામાં ખવાતા જાનવરોને સરળતાથી આરોગી શકું એમ હતી. પાંચમી અને અંતિમ વસ્તુ હતી મારા જ શરીરમાંથી મારું હૃદય કાઢીને શેતાનને સોંપવું !

એક મહિનાનાં અથાગ પ્રયત્નો બાદ મેં એ તમામ વસ્તુઓ મેળવી લીધી હતી. હું શેતાની દુનિયામાં પ્રવેશવા માટે દિલોદિમાગથી સજ્જ હતી પરંતુ મારી બેત્રણ દિવસથી તબિયત લથડી પડી હતી. મારા દિમાગમાં ચમકારો થતાં મેં મારો ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કર્યો જે પોઝિટિવ આવી ગયો હતો. આ ખબરથી મારે ખુશ થવું કે દુઃખી એ મને નહોતું સમજાતું. શેતાનને આ વાતની જાણ કેમની થઈ એ ખબર નહીં પણ તેમને આ જાણ થયાં બાદ તેઓ અતિ પ્રસન્ન થયાં. હું પણ મનોમન ખુશ થઇ જ ગઈ કે મારી અંદર શેતાની બાળક જન્મ લેવાનું હતું જેનાં લીધે મારો શેતાની દુનિયામાં દબદબો કાયમ રહી શકે એમ હતો. 

શેતાને મને સૂચવ્યું કે જ્યાં સુધી બાળક જન્મ ના લે ત્યાં સુધી મારે અહીંયા રહીને જ તેની સંભાળ રાખવાની હતી. શેતાની બાળક માત્ર ત્રણ જ મહિનામાં આ દુનિયામાં આવી જતું હોય છે. આ વાતને મહિનો વીતી ચૂક્યો. મારું પેટ છ મહિનાનાં બાળક સમું બહાર આવી ચૂક્યું હતું. મમ્મીને મારી ગર્ભાવસ્થાની જાણ થતાં તે ખૂબજ તૂટી પડી હતી. મેં તેને બહાનું આપ્યું કે જે દિવસે મારો એક્સીડેન્ટ થયો ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી પણ મેં તેમને જણાવ્યું નહોતું. મમ્મી મારી સંભાળ સારી રીતે રાખવા લાગી હતી. તેના મતે બાળક રહ્યા બાદ મારી દ્રષ્ટિ પાછી ફરી હતી માટે તે આવનાર બાળકને ચમત્કારિક માનવા લાગી હતી એથી હવે હું તેના માટે અંધ નહોતી.

બે દિવસ પૂર્વે હું મમ્મીનાં રૂમમાં ગઈ હતી. આ શેતાનનાં બચ્ચાએ મારું જીવવું હરામ કરી દીધું હતું. તેના મારા પેટમાં થતી હલચલથી મારા શરીરમાં અતિશય દુખાવો થઈ ઉઠતો. હું ડોક્ટર પાસે પણ જઈ નહોતી શકતી. મમ્મીનાં રૂમમાં પેઈન કિલર હતી એ શોધવા હું કબાટનાં ખાનાઓ ફંફોસતી રહી. કબાટમાંથી મને એક ભૂખરા રંગની ડાયરી મળી આવી. દવાની સ્ટ્રીપ અને ડાયરી લઈને હું મારા રૂમમાં આવી ગઈ. 

ડાયરી ખોલીને પ્રથમ પાનું જોયું તો એમાં પિતાજીનું નામ હતું. પિતાજી આવી ડાયરી પણ લખતા, તે જોઈને મને નવાઈ લાગી. ડાયરી ઉપર સાલ જોઈ તો હું અચંબિત થઇ ગઈ. 1995 ની સાલ હતી. પપ્પા એ વખતે બનારસમાં રહેતા હતાં. મેં ડાયરીને પપ્પાએ લખ્યું એ મુજબ વાંચવા લાગી. 

આગળનાં પાનાંઓમાં તેમની પંડિત બનવાની વિધિઓ, બાપુજીનાં સંસ્કાર ને તેમની કાશીમાં રહીને વિદ્યાઓ શીખવાની રીત આલેખી હતી. મને તેમાં ઝાઝો રસ ના પડ્યો. મેં થોડા વધુ પાનાંઓ ઉથલાવ્યું તો મને તે પાનું વાંચીને રસ પડ્યો જે કાંઈક આ મુજબનો હતો. 

2 જી ફેબ્રુઆરી 1995

આજે ફરી સુધા મને દેખાઈ. તેને જોઈને મારા શરીરમાં વીજળી દોડવા લાગે છે. સુધાને જોઈને તેને અનહદ પ્રેમ કરવાનું મન થઈ ઊઠે છે. કાલે બાપુજીને સુધાનાં બાપુ સાથે વાત કરવાનું કહેવું છે. હે રામ ! સુધાનાં બાપુ માની જાય બસ !

10 ફેબ્રુઆરી 1995 

સુધા અને હું આટલાં વર્ષોમાં પ્રથમ વખત એકલામાં બેસીને વાત કરી રહ્યા હતાં. અમારાં લગ્ન ટૂંક સમયમાં લેવાના હતાં. ઘરમાં બધા લગ્નની તૈયારીઓમાં લાગી ચૂક્યા હતાં. 

21 ફેબ્રુઆરી 1995

આજે સુધાને લઈને હું હોટેલમાં ગયો. અમારાં લગ્નને હજુ મહિનો બાકી હતો પણ અમે અમારી ઈચ્છાઓને દબાવી ના શક્યા અને અડધું સિનેમા મૂકીને અમે હોટેલમાં એકબીજાનો સહવાસ પામ્યો. અમારો પ્રથમ સહવાસ ખૂબ સુંદર રીતે પૂર્ણરૂપે ખીલ્યો હતો. 

22 ફેબ્રુઆરી 1995 

ગઈકાલે અમાસ હતી તેમજ ચંદ્રગ્રહણ પણ હતું. આ સાંભળીને મને મારી જાત પર ગુસ્સો થઈ ગયો કે આટલાં ખરાબ સમયમાં મેં સહવાસ પામવાની ઈચ્છા પણ કેવી રીતે કરી ! હવે લગ્ન પહેલાં સુધાને ના મળવાની ગોઠવણ કરી હું મારા ઇષ્ટદેવ પ્રભુ રામની ઉપાસના કરવા લાગ્યો. 

25 માર્ચ 1995

આજે મારા લગ્ન લેવાયા. સુધાએ પ્રથમ રાત્રીમાં જ અમારાં આવનારાં બાળકનાં સમાચાર આપ્યાં. સુધા આગળ મન ભરીને આ ખુશી વહેંચી પણ મનોમન મારા મગજમાં એ ગ્રહણની અસર વિશે ઘુમરાતું હતું. 

10 સપ્ટેમ્બર 1995

પાંચ દિવસ પૂર્વે મારા ઘરમાં સીતા માતા જેવી સુંદર બાળકીએ જન્મ લીધો. તેનું કુંડળી બનાવવાનું કામ મારા બાપુજીએ હોંશે હોંશે ઉપાડ્યું. દીકરીની કુંડળી જોઈને બાપુજીએ તેનું નામ દિતિ રાખ્યું પણ તેમનાં મતે દિતિ આગળ ભવિષ્યમાં અમારાં જીવનમાં તોફાન લાવે એમ હતી. તેનું જીવન ખૂબજ ટૂંકા ગાળાનું હતું. બાપુજીનું આટલું કહેતાં તેમનાં ચહેરા ઉપર ડરની રેખાઓ છવાઈ ગઈ હતી. મને હજુ લાગતું કે તેઓ આનાથી વિશેષ કાંઈ જાણે છે પણ તેઓ મને કહી નથી શકતાં. બાપુજીએ હવે આજીવન કુંડળી જોવાનું કામ બંધ કરવાનો નિર્ધાર કર્યો. મેં પણ આ સાથે હવેથી આ રોજનીશી લખવાનું માંડી વાળવાનું વિચાર્યું છે. 

આટલું વાંચ્યા બાદ મારી આંખોમાં બોર જેવડાં આંસુ આવી ગયા. ડાયરીને હું બાજુમાં રહેલ ટેબલ પર મુકવા ગઈ ત્યાંજ એક કાગળ તેમાંથી સરકીને નીચે જમીન પર પડ્યો. કુતુહલવશ ઉઠાવીને જોયું તો એમાં પિતાજીએ મારી આંખોનાં ઓપરેશનની એપોઇન્મેન્ટ લીધી હતી એ લખ્યું હતું. મને આંખો આપનાર વ્યક્તિનું નામ જોયું તો મારી આંખોના ડોળા બહાર ઉપસી આવ્યા. તેમાં પિતાજીનું નામ લખ્યું હતું. મારી આંખોમાંથી અનરાધાર આંસુઓ વહી રહ્યા હતાં. પેટમાં વાગતી લાતોનું જોર વધતું જતું હતું. મારાથી આટલી મોટી ભૂલ થઇ એનું ભાન આવતાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું. 

મારી કરેલી ભૂલોને હવે સુધારવાનો અવસર આવી ચૂક્યો હતો. આ ડાયરી લખીને મારા જીવનની દાસ્તાન માત્ર આ ડાયરી પૂરતી જ સીમિત રાખવાનું વિચારું છું. પ્રિય ડાયરી તું મને સાથ આપીશ ને મારા અંતનું આલેખન કરવામાં ! હા, તારે જ કરવું પડશે ! કેમકે મારા અંતની સાથે એક શેતાની જીવનો પણ અંત કરવા જઈ રહી છું. 

આટલું લખતાં તો દિતિનાં શરીરમાં અસહ્ય પીડા ઉપસી આવી. તેમ છતાં પોતે ટેબલ મૂકી પંખા પર દોરડું લગાવી મોતને ભેટવાની તૈયારીઓ કરતી રહી. આખરે દોરડું ગળામાં ભરાવી ટેબલને ધક્કો લગાવી તેનું શરીર છટપટાવા લાગ્યું. દિતિની છેલ્લી નજર સામે પડી તો શેતાન પોતાની આંગળી નીચે બતાવીને અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. 

(આ માત્ર કાલ્પનિક વાર્તા છે. જેનો હેતુ માત્ર મનોરંજન સાધવાનો છે. કોઈની લાગણી દુભાય તો માફ કરજો.)


Rate this content
Log in

Similar gujarati story from Horror