Leena Patgir

Drama Thriller

4  

Leena Patgir

Drama Thriller

એરન - એક પ્રેમકથા

એરન - એક પ્રેમકથા

15 mins
434


"હેલો મિત્રો હું છું આપનો કેતન શાહ આજસે ચેનલ પર મારાં શો અનનેચરલ એક્ટિવિટીમાં. તો આજે આપણે અમદાવાદનાં દરેક નાગરિકે અનુભવેલી ઘટનાઓ પર ચર્ચા કરીશું. આપ સહુ દર્શકમિત્રોને જણાવવાનું કે આજે બપોરે 12 વાગીને 24 મિનિટ પર બનેલ અજુગતી ઘટનાઓ પાછળનું કારણ ના પોલીસ જાણી શકી છે ના નેતાઓ!

અમારી સાથે અમારા સ્ટુડિયોમાં ફોનથી સંપર્કમાં હાજર છે મિસિસ રેખા ટાંક, જેઓ ઈસરોનાં ડાયરેક્ટર છે. જે આપણને આ ઘટનાઓ પાછળ પોતાના મંતવ્ય જણાવશે.

નમસ્તે મિસિસ ટાંક."

સામે છેડે રેખાજીએ પણ "નમસ્તે" કહ્યું.

"તો મિસિસ ટાંક મારો પ્રથમ સવાલ છે આપને કે આજે બપોરે 12 કલાક ને 24 મિનિટ પર તમે શું અનુભવ્યું ? એક વૈજ્ઞાનિક થઈને તમારી આસપાસ બનતી આ ઘટનાઓ પાછળ તમારો અભિપ્રાય જણાવશો ?"

"જી. જરૂર. મને ઉત્તરાયણનો કંઈ ખાસ શોખ નથી. હું મારાં ઘરની બાલ્કનીમાં આકાશ તરફ ઊડતા પતંગોને નિહારતી સિગરેટ પી રહી હતી. ઉત્તરાયણનો દિવસ હોવાથી લોકો ધાબે જોરશોરથી ટેપ પર ગીતો વગાડીને પાર્ટી કરી રહ્યા હતાં. પતંગ કાપવાની હોડમાં લોકોની બુમાબુમ માથું ચઢાઈ દે એવી હતી. બાલ્કનીનો સ્લાઈડીંગ ડોર મેં બંધ કર્યો ને હું અંદર આવી ગઈ. મેં દરવાજો બંધ કર્યો હોવા છતાંય બહારનો ઘોંઘાટ હજુય મારાં કાનમાં તમરાની માફક ગુંજી રહ્યો હતો.

રૂમમાં આવીને મેં ટીવીમાં ડિસ્કવરી ચેનલ શરુ કરી. બે મિનિટ થઈ હશે ને ટીવી અચાનક બંધ થઈ ગયું. મારાં મોબાઈલમાં પણ નેટવર્ક નહોતું આવી રહ્યું. મેં ઉભા થઈને વાઈફાઈ ચેક કર્યું તો કનેકશન ચાલુ જ હતું. મને લાગ્યું કે કોઈ એરર આવી હશે. મેં બધું પડતું મૂકીને ફોનમાં ગેમ ચાલુ કરવાનું વિચાર્યું પણ મારો ફોન પણ ઘડીકમાં જાણે સ્વીચ ઓફ મોડમાં જતો રહ્યો હોય એમ વર્ક કરતો બંધ થઈ ગયો. અચાનક ઈલેક્ટ્રિક દરેક આઈટમ ઓફ થઈ ગઈ. મેં બાલ્કનીમાં આવીને જોયું તો મારાં આશ્ચર્ય વચ્ચે આખા શહેરમાં અંધારું છવાયું હતું. બપોરનાં બારને પચીસ થઈ હોવા છતાં રાતનાં બાર વાગ્યાં હોય એવું અંધારું છવાઈ ગયું હતું.

ઉત્તરાયણમાં દરેક ધાબા પર વાગી રહેલા ટેપ પણ બંધ થઈ ગયા હતાં. અમદાવાદમાં ઉત્તરાયણનાં દિવસમાં આવો સન્નાટો મારાં સાઈઠ વર્ષોમાં મેં પહેલીવાર જોયો હતો. ન્યુઝ જોવાનો કે કોઈને કોલ કરીને પૂછવાનો કોઈ અર્થ નહોતો.

લગભગ પંદરેક મિનિટ થઈ હશે કે તરત બધું પહેલા જેવું નોર્મલ થઈ ગયું. આસપાસ ભયના માર્યા બધા પોતપોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતાં. કેટલાક પોતાના ફોન સાથે બહાર આવી ગયા તો કેટલાક પતંગરસિયા તો પતંગ ફીરકી પણ જોડે લઈને નીચે આવી ગયા હતાં.

મારાં ફોનમાં પણ ઓફિસમાંથી ફોન આવવાના શરુ થઈ ગયા."

"મેમ, અમે આ બધી ઘટનાઓ તો જોઈ લીધી પણ અચાનક આની પાછળનું કારણ શું ? અને એક બીજો સવાલ કે આપણા સેટેલાઈટને આ ઘટનાઓ પાછળનું કોઈ કારણ તો ચોક્કસ દેખાયું હશે ને ?"

"ના, મારાં કરિયરમાં આ પહેલીવાર બનશે કે સેટેલાઈટ આપોઆપ 17 મિનિટ માટે ફ્રીઝ થઈ ગયા હતાં. આ કોઈ ચમત્કાર છે કે કોઈ અદ્રશ્ય શક્તિની તાકત પણ આ ઘટનાં બની છે જેને સાયન્સ ક્યારેય નકારી નહીં શકે."

           

ખટ ખટ ખટ.....

"કોણ છે ?" વૃદ્ધએ પથારીમાં સૂતાં સૂતાં જ સવાલ કર્યો.

સામેથી કોઈ જવાબ ના મળ્યો. ફરી દરવાજો ખખડ્યો. 

"અરે ભાઈ રાહ તો જોવો. આવું ત્યાં સુધીમાં તો દરવાજો તોડી દેશો." બોલતાં બોલતાં તે વૃદ્ધએ દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતા જ વૃદ્ધની આંખો પહોળી થઈ ગઈ. તેની સામે 25-30 વર્ષની એક સુંદરી ઊભી હતી. તેનાં શરીરનાં તેજથી જાણે વૃદ્ધની આંખો અંજાઈ જાય એમ તેણે નજર હટાવી દીધી.

તે તરત અંદર પ્રવેશી, વૃદ્ધ પાછા ખસી ગયા. તેણે તરત દરવાજો બંધ કરી દીધો.

"કોણ છે તું ?" વૃદ્ધએ નજરો નીચી રાખતા જ સવાલ કર્યો.

સામે રહેલી છોકરીએ તરત તેની પોકેટમાંથી કંઈક કાઢ્યું અને તેને પોતાના કાનમાં ભરાવ્યું.

"આ શું પેર્યું ? હું તને કાંઈ પૂછું છું ને તું આ બુંગરા કાનમાં ખોશે છે." વૃદ્ધ ચિડાઈને બોલ્યા.

"હેલો, મારું નામ છે એલી." એલીએ હાથ લાંબો કર્યો.

"રણછોડરાય." વૃદ્ધએ નજરો નીચી રાખીને બે હાથ જોડીને પોતાનું નામ જણાવ્યું.

થોડીવાર ઓરડામાં મૌન રહ્યો. એલી બધું ધ્યાનથી જોઈ રહી હતી. સામાન્ય કહી શકાય એવા ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. સામાન તેની જગ્યાએથી હટીને વેરવિખેર પથરાયેલો હતો. રણછોડરાયજીએ થોડું ઊંચું જોઈને એલીની આસપાસ ફરતી નજરોની નોંધ લઈ લીધી.

"બૈરી છોકરા વગરનું ઘર આવું જ હોય. હવે તું કોણ છું એ તો કીધું પણ કેમ આવી છું એ તો કહે."

"મને થોડા દિવસ તમારી સાથે રાખશો ? પ્લીઝ, મારાં મિત્રોથી હું દૂર થઈ ગઈ છું." એલીએ બે હાથ જોડીને આજીજી કરી.

"હા તો એમાં રહેવાની શું જરૂર, ફોન લગાય તારા ભાઈબંધુઓને. ફોન ખોવાઈ ગયો હોય તે લે આ મારો ફોન લઈ લે એમાંથી લગાઈ લે." રણછોડરાયજીએ પોતાનો ફોન આગળ ધર્યો.

"જુઓ, હું તમને કંઈજ નહીં કરું. પ્લીઝ મને અહીં થોડા દિવસ રહેવા દો. તમારો આ અહેસાન હું કયારેય નહીં ભૂલું."

રણછોડરાયજી વિચારમાં પડ્યા. થોડીવાર વિચાર કર્યા બાદ તેમણે એલી સામે ડોકું હલાવી સહમતી આપી.

થોડીવાર બાદ તેમણે રસોડામાં જઈને એલી માટે કંઈક બનાવવાનું વિચાર્યું. એલી તેમનાં હાવભાવ સમજી જતા બોલી, "તમે બહાર બેસો. હું કંઈક બનાવી લાવું છું."

રણછોડરાયજી પોતાના બેડ પર બેઠા. તેમના મગજમાં જાતજાતના વિચારોની ગડમથલ ચાલી રહી હતી.

એલી દસ જ મિનિટમાં રોટલી, શાક ને કંસાર બનાવીને લાવી. રણછોડરાયજીને પોતાની આંખો પર વિશ્વાસ જ ના બેઠો કે આટલી સુંદર છોકરી આટલી કુશળ પણ હશે !

રણછોડરાયજીએ પોતાના હાથ લાંબા કર્યા કે ત્યાં જ એલીએ તેમને રોકી લીધા.

"તમારા હાથ તો ખૂબ કાંપે છે. તમે રહેવા દો. હું તમને ખવડાવી દઉં છું."

રણછોડરાયજીએ ખૂબ આનાકાની કરી પણ એલી એકની બે ન થઈ. તેણે પોતાના હાથેથી કોળિયો ભર્યોને રણછોડરાયજીનાં મોંઢામાં મુક્યો.

રણછોડરાયજીએ હવે ના છૂટકે પણ એલી તરફ ધ્યાનથી જોયું. બદામ જેવી મોટી અને રંગે લીલી આંખો, ભરાવદાર પણ માપસર ગુલાબી ગાલ, ચળકાટ મારતું કપાળ, અણિયારું નાક, હોઠ આછા કેસરી રંગના, સુરાહી જેવી ડોક, ભરાવદાર વક્ષસ્થળ, પતલી કમર ને ગોરું શરીર. તેમને થઈ ગયું કે નક્કી આ કોઈ અપ્સરા જ છે. તેમણે તેમના જીવન દરમિયાન આટલી સુંદર સ્ત્રી નહોતી જોઈ.

"ક્યારની કહું છું મોઢું ખોલો." એલી વધુ ઊંચા અવાજે બોલી ને રણછોડરાયજીનું ધ્યાનભંગ થયું.

"માફ કરજે. તારા જેટલી સુંદર સ્ત્રી આજ સુધી નથી જોઈ." રણછોડરાયજી નિર્દોષભાવે બોલીને ભોંઠપ અનુભવવા લાગ્યા.

એલી આ સાંભળીને હસવા લાગી. એલીનું સુંદર હાસ્ય જોઈને રણછોડરાયજી પણ મુસ્કુરાયા. તેઓ અંદર રસોડામાં જઈને સીંગની ચીકી લાવ્યા.

"આ શું છે ?"

"આજે ઉત્તરાયણ હતી તો ચીકી ને શેરડી બધું લાવ્યો હતો પણ અચાનક દાઢમાં દુખાવો ઉપડ્યો. શેરડીનો તો રસ કરીને પીધો પણ ચીકી કેમ ખાવી ! આ તો તારા હસતા દાંત જોયા એટલે થયું કે તું ખાઈ શકું એટલે લાવ્યો." રણછોડરાયજી બત્રીસી બતાવતા બોલ્યા.

"આ ઉત્તરાયણ શું છે ?"

"આજે લોકો આકાશમાં પતંગ ઊડાવે ડોબી એટલી પણ નથી ખબર."

"અરે મેં તો એમ જ મસ્તીમાં પૂછ્યું." એલીએ વાતને વાળી દીધી.

એલી રણછોડરાયજીની નિર્દોષતા જોઈ રહી.


એલીને આવ્યાને બે મહિના થઈ ગયા હતાં. તે અને રણછોડરાયજી હવે પહેલા કરતા પણ સારી રીતે એકબીજાને સમજીને એકબીજાની સંભાળ રાખતા હતાં. એલી રણછોડરાયજીને રન કહીને સંબોધવા લાગી હતી.

"રન, તમે આટલાં ટાઈમમાં કયારેય મને તમારા વિશે કશું કહ્યું જ નહીં. આજે મારે જાણવું છે." એલીએ જીદ પકડી.

"મારી પરિસ્થિતિ સામાન્ય લોકોનાં જીવનમાં હોય એવી જ હતી. કમનસીબી એટલી કે જયારે મારી પત્ની સુશીલા બાળકને જન્મ આપતી હતી ત્યારે ના સુશીલા બચી કે ના મારું બાળક. લગ્નના વીસ વર્ષ બાદ બાળક આવવાનું હતું પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. છેલ્લા દસ વર્ષથી એકલો આમ જ રહી રહ્યો છું." આટલું કહેતા રણછોડરાયજીની આંખો ભીની થઈ ગઈ.

"તમે ખરેખર ભગવાનને માનો છો ?" એલીએ પોતાના હાથ આગળ કરીને રણછોડરાયજીનાં આંસુઓ લુછ્યા.

"કેમ તું નથી માનતી ?"

"ભગવાન જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. હોય છે તો આપણું દિમાગ. આપણું દિમાગ એટલું પાવરફુલ હોય છે કે આપણે ધારીએ એ કરી શકીએ. એનીવે હું તો માનું છું કે જે થાય એ સારા માટે થાય. તમારી પત્ની સુશીલા હોત તો અત્યારે આપણે બે આમ સાથે ના બેઠા હોત." એલીએ આંખ મારી.

"તું ખરેખર પાગલ છું પણ એક વાત કહું. તારા આવ્યા બાદ મને જીવન ફરી જીવવાની ઈચ્છા થઈ રહી છે. ઉંમર પંચાવનની થઈ પણ જીવવાની ઈચ્છા મરી પરવારી હતી. પહેલા તો બસ દરવાજો ખખડે તો એમ થતું કે યમરાજા આવી જાય તો સારું પણ હવે મોતથી દૂર રહેવાનું મન થઈ રહ્યું છે. તને ખબર છે મને પહેલા રાતે માંડ ઊંઘ આવતી પણ સરસ મજાની ઊંઘ આવે છે. હું નથી જાણતો કે હું તારી સાથે રહીને સાચો છું કે ખોટો પણ સારું ચોક્કસ લાગી રહ્યું છે." રણછોડરાયજી સ્મિત કરતા એલી સામું જોઈ રહ્યા.

એલી પણ રણછોડરાયજીની આંખોમાં જોઈ રહી હતી. એલીએ આગળ વળીને રણછોડરાયજીને કિસ કરી લીધી. રણછોડરાયજીએ એલીને દૂર કરી.

"આ બધું શું કરે છે ? તારી ડગળી ચસ્કી ગઈ છે ?"

"રન, મને ખરેખર ખબર નથી પડતી કે હું શું કરું પણ જ્યારથી તમારી સાથે રહેવા લાગી છું ત્યારથી કંઈક અજીબ ફીલિંગ આવી રહી છે. મને તમારો સ્પર્શ શરીરમાં ઝણઝણાટી કરાવી દે છે. આઈ રિયલી લવ યુ." કહીને ફરી એલી રણછોડરાયજીના હોઠો પર ચૂમવા લાગી.

રણછોડરાયજીએ પણ પોતાની મર્યાદાનાં બાંધને છૂટો મૂકી દીધો. બેઉ શરીર સહવાસની સાથે પ્રેમનાં ઝરણાંમાં ડૂબકીઓ લગાવીને પોતાને તૃપ્ત કરવા લાગ્યા.

        

સમય વીતતો ગયો. ફરી બીજા બે મહિના વીતી ગયા. એલી બાથરૂમમાં ઊભી રહીને વોમિટ કરતી હતી. રણછોડરાયજી ઘરે આવ્યા ને એલીને આ પરિસ્થિતિમાં જોઈ ગયા.

"હે ભગવાન, આ શું મોટી ભૂલ થઈ ગઈ મારાથી ?" રણછોડરાયજી પોતાનું માથું કૂટવા લાગ્યા.

"આ તો આપણા પ્રેમની નિશાની છે." એલીએ રણછોડરાયજીનો હાથ પોતાના પેટ પર મૂકાવતાં કહ્યું.

"મારી ઉંમર તો જો. આ ઉંમરે આ બધું ના શોભે." રણછોડરાયજી દુઃખી અવાજે માથું કૂટવા લાગ્યા.

"અચ્છા, ક્યાં લખ્યું છે આ બધું ? મને બતાવી દો તો હું હમણાં જ આ બાળકને પડાવી દઈશ."

"એલી તારી જોડે આખી જિંદગી પડી છે. તું કાયમ મારી સાથે નહીં રહી શકું. મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે ચીઠી ફાટે એમ છે." આંસુઓ લૂછતાં રણછોડરાયજી ત્યાંથી ઊભા થઈને બહાર જતા રહ્યા.

રણછોડરાયજીના બહાર ગયા બાદ એલીની આંખોમાં આંસુ આવી ગયા. તે મિરર સામે ઊભી રહી.

પોતાના પ્રતિબિંબને જોતા એલી બોલી,"તું જાણું છું કે તું માત્ર થોડા મહિનાઓની મહેમાન છું તો આટલી બધી લાગણી અને પ્રેમ શા માટે ?!"

"એલી..........." બહારથી જોરથી બુમ સંભળાઈ. એલી અવાજની દિશા તરફ દોડી. તેણે સામે જોયું તો રણછોડરાયજીનો એક્સીડેન્ટ થયો હતો. તેઓ બેભાન અવસ્થામાં જતા રહ્યા હતાં. આસપાસ લોકોની ભીડ તમાશો જોતી વિડીયો લઈ રહી હતી.

એલી કંઈજ વિચાર્યા વગર રણછોડરાયજીને પોતાના હાથોમાં ઊંચકીને દવાખાના તરફ દોડવા લાગી. ત્યાં પહોંચીને તેણે ફટાફટ રણછોડરાયજીની સારવાર ચાલુ કરાવી દીધી.

થોડા કલાકમાં રણછોડરાયજીને ભાન આવ્યું. તેઓ એલીના નામનું રટણ કરતા હોવાથી ડોકટરે એલીને મળવાની પરમિશન આપી. એલી અંદર રૂમમાં પ્રવેશી.

"એલી.... એલી.........."

"રન, આજે હું તમને મારા જીવનનું સત્ય કહેવા માંગુ છું. હું નથી જાણતી કે આગળ આવનારા સમયમાં આપણી જિંદગી કેવો મોડ લેશે પણ જો આ વાત નહીં કહું તો તમારી સાથે છેતરામણી કરી એ ડર કાયમ રહી જશે."

"આ તું શું બોલી રહી છું એલી ?"

"રન, મારું નામ એલી છે પણ હું આ પૃથ્વી પર નથી રહેતી. મારું ઘર એન્દ્રિયામાં છે."

"એનીદયા એ વળી શું છે ?"

"જેમ તમારા પ્લેનેટનું નામ પૃથ્વી છે તેમ મારાં પ્લેનેટનું નામ એન્દ્રિયા છે. ઉત્તરાયણનાં દિવસે અમે અહીંયા આવ્યા હતાં. મારે અહીંયા વર્ષ સુધી રોકાવાનું છે. આવતી ઉત્તરાયણ પર હું પાછી જતી રહીશ."

"તું મજાક કરે છે હેં ને ? આટલું ચોખ્ખું ગુજરાતી બોલતાં ત્યાનાં લોકોને ક્યાંથી આવડે છે ?" રણછોડરાયજી હસવા લાગ્યા.

એલીએ પોતાના કાન અને માઈન્ડમાંથી એક ચિપ કાઢી.

"આના કારણે. આ લેન્ગવેજ ડિકોડર માઈક્રોફોન છે. આને ફિટ કરીને હું તમારા દ્વારા બોલાતા દરેક સવાલનો જવાબ તમારી જેમ જ તમારા શબ્દોને સ્કેન કરીને પાછા સમજીને જવાબ આપી શકું છું એ સાથે જ માઈંડમાં પણ ચિપ રાખેલી છે જે તમારી ભાષાને અમે અમારા માઈંડમાં સરળતાથી ફિટ કરી શકીએ."

મશીન જોઈને રણછોડરાયજીની આંખો પહોળી થઈ ગઈ. તેમને આગળ શું વાત કરવી એની સૂઝ નહોતી પડતી.

થોડીવાર બેઉ છેડે ચુપકિદી સેવાઈ રહી. 

"તારું અહીંયા આવવાનું કારણ શું છે ?" રણછોડરાયજીનું મગજ થોડું સ્થિર થતાં તેમણે સવાલ કર્યો.

"પૃથ્વી પર મળતી ઊર્જા. અમે અહીંયા આવીને એ ઊર્જાનો અમારી શક્તિઓને વધારવા માટે કરીએ છીએ. અમારા પ્લેનેટમાં બધું પૃથ્વી કરતા ઘણું અલગ છે. એક વસ્તુ નથી એ છે ઊર્જા. ઊર્જા સૂરજના કિરણોથી વાતાવરણમાં ભળે. અમારા પ્લેનેટમાં ઊર્જાનો અભાવ હોવાથી અમારે ત્યાં હવે દર વર્ષે ગુરુત્વાકર્ષણબળ ઘટતું જાય છે. જેના પરિણામ સ્વરૂપ પ્રાણીઓ ને માનવીઓ મરતાં જાય છે. હું પણ અહીંયા એક મિશન પર આવી છું."

"શું મિશન ? શેનું મિશન ?"

"સમય આવશે ત્યારે ચોક્કસ જણાવીશ." 

ત્યાંજ ડોક્ટર અંદર આવી જતા તેમની વાત અધૂરી રહી ગઈ.

"મિસ એલી તમે વાત કરીને મારી કેબિનમાં આવજો. રિપોર્ટ્સ વિશે વાત કરવી છે." ડોક્ટર એલીની સામું જોતા બોલીને નીકળી ગયા.

એલી રણછોડરાયજીની આંખોમાં નજરો મેળવીને ત્યાંથી નીકળી ગઈ.

એલીએ ડોક્ટરની કેબિનનો દરવાજો ખોલ્યો.

"આવો મિસ એલી. મારે તમારા ફાધર વિશે જરૂરી વાત કરવી હતી."

"ડોક્ટર, તેઓ મારાં ફાધર નથી. તે મારાં બોયફ્રેન્ડ છે. અમે લીવ ઈનમાં રહીએ છીએ."

"ઓહ સોરી." ફાધર શબ્દ કરતાંય બોયફ્રેન્ડ શબ્દએ ડોકટરનાં ચહેરાની લકીરો ફેરવી દીધી.

"હા તો શું રિપોર્ટ્સ આવ્યા છે ?"

"રણછોડરાયજીને અલ્ઝાઈમરનો ત્રીજો સ્ટેજ છે. તેઓ ધીરે ધીરે પોતાની યાદોને ભૂલતા જશે. બની શકે કે તેઓ તમને પણ ભૂલી જાય. હજુ સમય છે, છ મહિના બાદ તેમને થોડી થોડી અસર થશે."

"ડોક્ટર તો આપણે મગજનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ ?"

"શું ? આ શું બોલો છો ? હજુ સુધી આ વસ્તુ બની નથી મિસ...."

"એલી."

"યસ. મારા મતે તો જરૂર પડે ત્યારે કોઈ સારા પાગલખાનામાં ઈલાજ કરાવો એ વધારે બહેતર છે."

"સોરી ડોક્ટર પણ હું એમની જોડે રહીને એમને સાચવીશ." આટલું કહી એલી ઊભી થઈ ગઈ. 

એલી જે સ્પષ્ટતાથી બોલી તે જોઈ ડોક્ટર ખુલ્લા મોંઢે એલીને જતા જોઈ જ રહ્યા.          

એલી રણછોડરાયજીને લઈને ઘરે આવી ગઈ. દિવસો વીતતા ગયા. એલીને આવ્યાને નવ મહિના થઈ ચૂક્યા હતાં જયારે તેને ગર્ભાવસ્થાનો સાતમો મહિનો જઈ રહ્યો હતો.

એલી રણછોડરાયજીને રોજ પોતાનામાં આવતા ફેરફાર બતાવતી અને બધી વાતો કર્યા કરતી.

એક દિવસ એલી અંદરના રૂમમાં પોતાના કપાળ પર આંખો બંધ કરીને હાથની આંગળીઓ ગોળ ગોળ ફેરવી રહી હતી.

"થેન્ક ગોડ કનેક્ટ થઈ ગયું. લિસન ક્રિટા, હું બહુ જ ટેંશનમાં છું."

"કેમ શું થયું ?"

"મને કાલે જેસનીફે કીધું કે મારી અંદર જે બેબી છે એનું માઈન્ડ બહુજ પાવરફુલ છે અને તે એને લેબમાં એક્સપરીમેન્ટ તરીકે વાપરશે. સિરિયસલી ક્રિટા ! માય બેબી ઈસ સો ઈનોસન્ટ."

"એલી, તું જેમની સાથે રહી રહી છું એ માણસની જિંદગીનો કોઈ ભરોસો નથી. એમ પણ ત્રણ મહિના પછી તને લેવા પ્લેન પાછું આવશે એટલે તારે બધું પડતું મૂકીને અહીંયા આવવાનું છે. બેબી એવું તને લાગે તો મૂકી દેજે ક્યાંક. તું તારો મકસદ ભૂલીશ નહીં. તે પોતે જ એ માણસને ત્યાં રોકાવાનું એટલે પસંદ કર્યું હતું કે એ એકલો છે ને ઉંમરલાયક છે જેથી તું તારું મિશન આસાનીથી તેને ઉલ્લુ બનાવીને પૂરું કરી દઉં તો હવે આટલી સિમ્પથી કેમ ?"

"એલી......" રણછોડરાયજી પાછળથી આવીને બોલ્યા. એલીએ તરત ક્રિટા સાથેનો સંપર્ક કાપી નાખ્યો.

"કોની જોડે અને શું વાતો કરતી હતી ? તારી ભાષા તો ઘણી અલગ છે." 

"રન, મને નથી ખબર પડી રહી કે હું શું કરું. મેં મિશનના નામે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે પણ હું ખરેખર તમને બહુ જ પ્રેમ કરું છું." એલી રણછોડરાયજીનાં ખભે માથું મૂકીને રડવા લાગી.

"આ શું બોલે છે તું ? મને કંઈ સમજ નથી પડતી. શું મિશન ? કયું મિશન ?"

"હું અહીંયા મિશનથી આવી છું. મારું મિશન છે અહીંયા રહેતાં અમુક લોકોનાં મગજને કાઢવાનું."

"હેં... શું કીધું તે ?"

"હા રન. અહીંયા આવવાનું બધું પહેલેથી જ નિર્ધારિત હતું. તમને પણ મેં જ નક્કી કર્યા હતાં કેમકે તમારી ઉંમર વધારે હતી અને એકલા પણ હતાં તો તમે મારાં કામમાં આડે ન આવતા. મેં તમને પહેલા કહ્યું એમ અમારા પ્લેનેટ પર ઊર્જા નથી. લોકો મરી રહ્યા છે. જો એમને બચાવવાં હોય તો અહીંયાનાં લોકોનું દિમાગ અમારા શરીરમાં નવી ઊર્જા બનાવીને અમને બચાવી શકે છે, એટલે હું અહીં આવી છું. રોજ કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારું છું પણ જ્યારથી આ બાળક પેટમાં છે ત્યારથી આ બધું નથી કરી શકતી. જેના લીધે અમારા લીડર અકળાયા છે પણ મારાં બાળક ઉપર એક્સ્પેરીમેન્ટ કરવાનું વિચારીને તેઓ મને બક્ષી રહ્યા છે. તેઓ વર્ષ પછી એટલે કે તમારો તહેવાર ઉત્તરાયણ પર મને અને આ બાળકને કાયમ માટે લઈ જશે." એલી પોતાના પેટ પર હાથ રાખીને બોલી.

"હું બધું સમજી ગયો પણ મગજ જો તું લોકોને મારીને લાવતી હોય તો પહોચાડું છું કેવી રીતે ?"

"રન, અમારું મગજ તમારા લોકો જેવું છે પણ અમે તેનો ઉપયોગ તમારાથી વધુ કરીએ છીએ. અમે આ દુનિયાથી ઘણા આગળ છીએ. આતો આવી તકલીફ પડવા લાગી બાકી એન્દ્રીયાને કોઈ દિવસ કોઈ બાબતે કોઈની કમી નથી રહી. હું જે પણ વસ્તુ અડીને તેને મારાં માઈંડથી કંટ્રોલ કરીને સ્થિર કરું તો હું એને ઈચ્છું ત્યાં મોકલી શકું છું. મગજની સેન્સિસ મોકલ્યા બાદ તેને એન્દ્રિયાનાં લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય છે પણ છેવટે તેઓ અમારા જેટલાં સ્માર્ટ તો નથી રહેતા પણ એમનો જીવ જરૂર બચી જાય છે. મારાં બાળક પર એક્સ્પેરીમેન્ટ કરીને તેઓ આ ટ્રાન્સપ્લાન્ટને 40 થી 100% સફળ બનાવવા માંગે છે."

"તમે અમદાવાદમાં જ આવવાનું કેમ પસંદ કર્યું ?"

"સ્પેસથી પૃથ્વી પર આવવા માટે અમારા યાનને ચુંબકીય તરંગોની જરૂર પડે જેથી જ્યાં કોઈ સ્પેસનું રિસર્ચ સેન્ટર હોય ત્યાંથી જ આ વસ્તુ શક્ય બને. સોરી એવું કહેવું ના જોઈએ પણ દુનિયાનાં બાકી દેશો કરતા અહીંયા આવવાનું વધુ સરળ અને સુરક્ષિત હતું. અમે આસાનીથી અહીંના લોકો પર નજર રાખી શકીએ અને તેમના સેટેલાઈટ ફ્રીઝ કરીને ઈચ્છીએ એમ કંટ્રોલ કરી શકીએ."

"એલી, આ બધું મને નથી ખબર પડતી કે કેમનું શક્ય છે પણ જો તારી પાસે આખી જિંદગી પડી છે. મારાં જીવનનો કોઈ ભરોસો નથી. તું ઈચ્છે તો આ બાળક તારું જ છે એને તું સંશોધનનો હિસ્સો બનાવે એ તારી મરજીની વાત છે. જ્યાં સુધી તું છું ત્યાં સુધી આપણે હવે દૂર થઈ જઈએ એ વધુ યોગ્ય રહેશે."

"રન, આપણે એકબીજાથી કયારેય દૂર નહીં થઈએ. આઈ પ્રોમિસ હું હંમેશા તમારી સાથે રહીશ." એલીની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે રણછોડરાયજીને વળગીને કંઈક ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ.

          

"રન, મને ખૂબ દુખે છે. ડોક્ટરને બોલાવો પ્લીઝ." એલી રાતનાં બે વાગે જોરથી પીડામાં કણસતા બોલી.

રણછોડરાયજીએ તરત તેમનાં ઓળખીતા દાયિમાંને બોલાવ્યા જે ઘરે જ ડિલિવરી કરાવતા હતાં.

બે કલાકની મહેનત બાદ આવનાર દાયિમાંએ રણછોડરાયજીનાં હાથમાં નવજાત શિશુને મૂક્યું. રણછોડરાયજી તેની લીલી આંખોમાં ટગર ટગર જોઈ જ રહ્યા.

"આટલી સુંદર બાળકી મેં મારાં જીવનમાં નથી જોઈ. બિલકુલ તેની માઁ પર ગઈ છે." આટલું કહેતા રણછોડરાયજીની આંખોમાંથી આંસુ આવી ગયા.

દાયિમાંને તેમની રકમ ચૂકવી રણછોડરાયજી એલી પાસે આવ્યા.

"હું નથી જાણતો આગળ ભવિષ્યમાં આપણી અને આ બાળકીની જિંદગી કેવો વળાંક લેશે પણ આજે આને જોઈને એને મારાથી દૂર કરવાનું મન નથી થઈ રહ્યું."

"રન આ બાળકી અને હું કાયમ તમારી સાથે રહીશું, આઈ પ્રોમિસ."

રણછોડરાયજી એલીની આંખોમાં ગૂઢ રહસ્યતા જોઈ શકતા હતાં.         


"રન... રન...." એલી રણછોડરાયજીને હલાવતી બુમ મારી રહી હતી.

"હં....."

"રન, હું એલી. લો આ પી લો જલ્દી."

"મને માફ કરી દે એલી. હું ખબર નહીં અચાનક ભૂલી ગયો હોઉં એવું લાગ્યું પણ તારી આંખોમાં ધ્યાનથી જોતા બધું યાદ આવી ગયું." ગ્લાસ પી ને એલીના હાથોમાં આપતાં કહ્યું.

"રન, અજીબ ઘબરાટ થઈ રહી છે."

"કેમ ?"

રણછોડરાયજીનો ભોળા ભટ્ટ જેવો ચહેરો જોઈને એલીની આંખોનાં ખૂણા ભીના થઈ ગયા.

"કાલે ઉત્તરાયણ છે. આઈ એમ સોરી રન."

"સો.....રી ? શે......." આટલું બોલતાં રણછોડરાયજી બેભાન અવસ્થામાં જતા રહ્યા.

રણછોડરાયજીએ ધીરે ધીરે આંખો ખોલી. હાથથી બેઠા થવા જેવા હાથ ઊંચા કર્યા ત્યાં જ તેમને ઝટકો લાગ્યો. તેઓ તરત સફાળા બેઠા થયાં અને પોતાના શરીરને ફાટી આંખોએ જોઈ રહ્યા.

રણછોડરાયજીએ ઘરનાં કબાટમાં રહેલા અરીસા પર પોતાને જોયા અને તેમને તેમની આંખો પર વિશ્વાસ જ ના થયો.

"હું પંચાવન વર્ષથી સીધો પચીસ વર્ષનો કેવી રીતે થઈ ગયો."

"રન,"

રણછોડરાયજીએ પાછળ ફરીને જોયું તો એક લાઈટ જેવું નાનું ડિવાઈસ હતું. તેમાંથી એલીની પ્રતિકૃતિ દેખાઈ રહી હતી.

"રન, તમે જયારે મને અહીંયા જોતા હશો ત્યારે હું આ યુનિવર્સને સદાય છોડી ચૂકી હોઈશ. તમારા મગજમાં અત્યારે ઘણા બધા સવાલો ઘુમરાતા હશે પણ એટલું જ કહીશ કે તમને મેં કહ્યું હતું એમ હું તમારી સાથે હંમેશા રહીશ. તો મારું મગજ મેં તમારા મગજને બદલે રિપ્લેસ કરી દીધું છે. તમારું શરીર મેં જ યુવાન કર્યું છે. મારી બોડીના સેલ્સ તમારી અંદર નાખીને તમારા સેલ્સ હવે યુવાન શરીર ધરાવતા થયાં છે. તમે મારી જેમ જ વધુ હોંશિયાર હશો પણ મને ખબર છે તમે મારી જેમ કોઈ ખરાબ કામ નહીં કરો. આપણા પ્રેમની નિશાની એરનને તમારી સાથે મૂકીને જઉં છું. મને નહોતી ખબર કે ઉત્તરાયણનાં આજના દિવસે જયારે હું તમારા ઘરે આવી હતી ત્યારે મને કોઈ વ્યક્તિથી આટલો બધો પ્રેમ થઈ જશે અને (હસતા ) એક જ વર્ષમાં હું માઁ બની જઈશ એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું. એરન બહુ જ કલેવર ગર્લ છે. તમે એનું હંમેશા ધ્યાન રાખજો. તમારે જ હવે એને માઁ અને બાપ બંનેનો પ્રેમ આપવો પડશે. આઈ લવ યુ ફોરેવર." 

આટલું બોલીને તે પ્રતિકૃતિ ગાયબ થઈ ગઈ.

રણછોડરાયજીએ બાજુનાં બેડમાં સૂતી એરનને પોતાના હાથોમાં લીધી અને પોતાના ઘરનાં ધાબે ઊભા રહીને આકાશમાં લહેરાતા પતંગને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama