સમયનો ખેલ
સમયનો ખેલ
હું છું કેશવ. નાનપણથી જ વાત વાત પર ગુસ્સો કરવાનો મારો સ્વભાવ થઈ ગયો છે. મેં કોલેજમાં પ્રવેશ મેળવ્યો, એન્જિનિરીંગ કોલેજમાં મારા સારા એવા મિત્રો બની ચૂક્યા હતાં, બધા મારા સ્વભાવ વિશે જાણી ચૂક્યા હતાં, કોલેજમાં પ્રથમ વર્ષ પૂરું થયું અને બીજું વર્ષ ચાલુ થયું, અમારી વખતે સિનિયર લોકો રેગિંગ કરતા જેમાં હું બાકાત રહ્યો હતો મારા તેવરથી. . હવે અમારો વારો હતો. અમે પણ નવા વિદ્યાર્થીઓની ખૂબજ રેગિંગ કરી. એટલામાં એક ફ્રેન્ડ મને બોલાવવા આવી, હું ગયો અને જઈને જોયું તો એક છોકરી મારા ફ્રેન્ડ જોડે ઝગડી રહી હતી. એનો પાછળનો ભાગ જ મને દેખાતો હતો, હું આગળ ગયો અને પૂછ્યું એને કે, 'શું પ્રોબ્લેમ છે ?'
તેને જોઈ તો જાણે મારા કાન સુન્ન પડી ગયા હોય એવું લાગવા લાગ્યું, આહા આટલુ સુંદર પણ કોઈ હોઈ શકે ? એને જોઈ તો બસ જોયા જ કરું. એટલામાં મારા મોંઢા આગળ ચપટી વાગી અને હું મારા ઘડીકના સ્વપ્નમાંથી બહાર આવ્યો.. તે બોલી, 'એ શું સામું જો જો કરે છે ? કોઈ દિવસ ભાળી નથી છોકરી ? '
અને હું પણ બોલી પડ્યો, 'તારા જેવી તો નથી જ ભાળી'
એટલામાં મારો મિત્ર રાઘવ બોલ્યો, 'અરે આને કોઈ સેન્સ જ નથી કેશવ, મેં એને ખાલી એટલું કીધું કે જા જઈને પેલા છોકરાને ગુલાબ આપ તો ઝગડવા લાગી મારી સાથે '.
'હા તો હું શું કામ એને ગુલાબ આપું? એ મારો કોઈ બોયફ્રેન્ડ નથી તો હું એને ગુલાબ આપું! 'એ છોકરી ગુસ્સામાં બોલી,
મેં રાઘવને કીધું, 'રાઘવ સાચું તો કે છે મિસ ? ' તેની સામું જોયું ને
'રાધિકા 'તે બોલી,
'હા મિસ રાધિકા બરાબર છે, મારા મિત્ર તરફથી હું માફી માંગુ છું, તમને હવે કોઈ તકલીફ નહિ પડે. '
અને રાધિકા તો મારું પૂરું વાક્ય સાંભળ્યા વગર જ નીકળી ગઈ.
એના ગયા પછી મારા મિત્રોએ મને ખૂબજ લીધો પણ મેં બધાને ચૂપ કરાવી દીધા, ત્યારપછી હું ધીરે ધીરે રાધિકાની નજીક જવા લાગ્યો, અમે બંને એકબીજાને ખૂબજ પ્રેમ કરવા લાગ્યા પણ હજુ સુધી એ પ્રેમનો એકરાર કરવાની હિંમત કોઈએ ના બતાવી. પણ છેવટે એ દિવસ પણ જલ્દી આવી ગયો. વેલેન્ટાઈન ડે.
આખી કોલેજની સામું ઘૂંટણિયે બેસીને મેં રાધિકાને કહ્યું, 'રાધિકા હું તને ખૂબજ પ્રેમ કરું છું, આ ગુલાબની જેમ તું પણ મારા જીવનમાં આવીને મારું જીવન ખીલાવી દે અને એને સુવાસિત કરી દે. વીલ યુ મેરી મી ? '
***
એટલામાં બાથરૂમનો દરવાજો ખટખટે છે અને મારી પત્ની બૂમો મારી રહી છે.
'કલાકના શું કરો છો અંદર ? તમને તો એક અલગ રૂમજ આપી દેવો જોઈએ જેમાં તમારું મનપસંદ ટોયલેટ હોય. આખો દિવસ ત્યાં ને ત્યાં પડ્યા રહો છ
ો '
અને હું રાધિકાની વાતો પર હસવા લાગ્યો, આજે અમારી પ્રથમ એનિવર્સરી છે, એને મેં જયારે પ્રપોઝ કર્યું હતું એ જ એને આપેલું છેલ્લું ફૂલ હતું. એ પછી તો મેં કયારેય એને નથી આપ્યા, હા ખરેખર નથી આપ્યા, જીવનની ભાગદોડમાં એ વાતનું હું ભાન જ ભૂલી બેઠો. પણ આજે આપીને એને ખુશ કરીજ દઈશ.
અને પછી સાંજે અમે બહાર જવાનાં હતાં. હું એને ગાડીમાં બેસાડીને ફૂલ લેવા જતો હતો અને એક જોરદાર ધડાકો. . હા બૉમ્બ બ્લાસ્ટ. . મારી ગાડીની સાથે મારી રાધિકા પણ. . મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું.
થોડા દિવસ ગયા અને હું એમજ મારી વ્યથા ડાયરીમાં લખતો હતો અને અચાનક મારું ધ્યાન રાધિકાની ડાયરી પર ગયું, મેં ફટાફટ ખોલી અને વાંચવા લાગ્યો. .
જેમાં રાધિકાની વ્યથાઓ લખેલી હતી કે હું એને લગ્ન પછી સમય અને પ્રેમ નહોતો આપી શકતો. રિસાવાનું અને મનાવવાનું મારી ડિક્શનરીમાં હતું જ નહિ. પછી એક કાગળ નીચે પડ્યો અને ખોલીને વાંચ્યો જેમાં કંઈક આવું લખેલું હતું,
પ્રિય, કેશવ,
તે જયારે મને પ્રપોઝ કર્યું હતું ત્યારે તે આપેલું મને એ છેલ્લું ગુલાબ મેં હજુ આ ડાયરીમાં સાચવેલું છે, મને એમ હતું કે ભલે તું કેશવ ને હું રાધા નામના પણ આપણા બે નો પ્રેમ રાધા કૃષ્ણ જેવો નહિ થાય. પણ સોરી કેશવ આજે હું આ વાતને માની ગઈ કેમકે તે મને લગ્ન પછી જોઈએ એવું મહત્વ જ નથી આપ્યું, તું નાની નાની વાત પર કાંઈ પણ જાણ્યા વગર મારી પર ગુસ્સો કરતો હોય છે, અત્યાર સુધી મેં તને સામેથી મારી લાગણીઓ અભિવ્યક્ત ના કરી પણ આજે આપણા લગ્નની પ્રથમ એનિવર્સરીએ હું તને કહેવા માંગુ છુ કે તું પ્લીઝ લગ્ન પહેલાવાળો કેશવ બની જા, ગુસ્સો ઓછો કર. કેમકે હવે તારા ગુસ્સાનો ભોગ હું આપણા બાળકને નહિ બનવા દેવા માંગતી, હા બાળક. હું પ્રેગ્નેટ છું, તું પપ્પા બનવાનો છું, તને સામેથી કહેતા શરમ આવે એટલે કાગળ પર લખીને કહું છું તો હવે તું મને સમજીશ એ આશા સાથે આ કાગળ તને આપું છું.
ફ્રોમ, રાધિકા
અને ડાયરીના 14ફેબ્રુઆરીના પાને મેં રાધિકાને આપેલું એ છેલ્લું ફૂલ હતું.
એ કરમાયેલા ફૂલને જોઈને મને પણ મારી કરમાઈ ગયેલી જિંદગીમાં પસ્તાવો થઈ રહ્યો છે.
સમય મળે ત્યારે સાચવી લો એ વ્યક્તિને જે તમને સાચવી રહી છે. નહિ તો સમયનો કોઈ ભરોસો નથી. કયારે એ વ્યક્તિ દૂર થઈ જાય.