Mariyam Dhupli

Crime Horror Romance

4.6  

Mariyam Dhupli

Crime Horror Romance

બદલો

બદલો

12 mins
1.3K


રાત્રીના અગિયાર થયા હતા. એરપોર્ટ ઉપરથી આવેલી ટેક્ષી ઘરથી થોડા અંતરે થોભી. હાથમાંનો બુકે અને ભેટ પત્નીને સરપ્રાઈઝ આપવા માટે તત્પર હતા. એક દિવસ પહેલાજ ઘરે પહોંચી આયુષીને ચોંકાવવી હતી. ડ્રાઇવરને પૈસા ચૂકવી સુમિત ધીમે ડગલે અને ખુશી ભર્યા હાવભાવો જોડે ઘર ભણી ઉપડ્યો. થોડા ડગલાના અંતરે જ એના પગ થીજી ગયા. નજીક ગોઠવાયેલા એક ટ્રકને પડખે એણે શરીર સંકેલી લીધું. ચોરની જેમ ડોકાયેલી એની આંખો વિસ્મયથી પાર્કિંગમાંથી સડસડાટ બહાર નીકળી રહેલી ગાડીને હેરતપૂર્વક તાકી રહી.

આ સમયે આયુષી આમ ઉતાવળમાં ?

ખિસ્સામાંથી મોબાઈલ કાઢી સુમિતે શીઘ્ર કોલ લગાવ્યો. સામે છેડેથી તરતજ કોલ ઉઠાવવામાં આવ્યો. પાર્કિંગમાંથી બહાર નીકળી રહેલી ગાડીને થોડા સમય માટે બ્રેક લાગી.

“સુમિત, હાવ આર યુ માય લવ ? હજી એક દિવસ તારી રાહ જોવાની છે. જલ્દી આવતો રહે,પ્લીઝ. આઈ રિયલી મિસ યુ.”

“આયુષી ક્યાં છે તું ? શું કરી રહી છે ?”

“આ કેવો પ્રશ્ન છે સુમિત ? આ સમયે હું ક્યાં હોવાની ? ઘરેજ છું."

“આયુષી હું જરા વ્યસ્ત છું. કાલે સવારે કોલ કરીશ."

“ઓકે ડીઅર, લવ યુ. ગુડ નાઈટ.”

કોલ કપાયોને પાર્કિંગ બહાર થોભેલી ગાડી ફરી ઝડપ પકડતી શહેરના રસ્તા તરફ દોડી.

શ્વાસ લીધા વિનાજ સુમિત પાર્કિંગ તરફ દોડ્યો. પોતાની કારમાં પ્રવેશી એણે ઝડપથી એન્જીન શરૂ કર્યું અને બીજીજ ક્ષણે એની ગાડી આયુષીની ગાડીનો છૂપો પીછો કરી રહી.

સ્ટીઅરિંગ સંભાળી રહેલા હાથમાં કંપારી હતી. ડરની કે ક્રોધની ? આયુષીએ એને જૂઠ શા માટે કહ્યું ? આટલી મોડી રાત્રીએ સુમસાન શહેરમાં નીકળવાનું કારણ ? અને જો ક્યાંક જઈ પણ રહી હોય તો છુપાવવાનું શા માટે ? પોતે આયુષીને દરેક પ્રકારની છૂટ આપી તો હતી. એની ઉપર પોતાનાથી પણ વધુ વિશ્વાસ હતો એને. પત્ની નહીં મિત્ર માનતો હતો એ આયુષીને, પોતાની સૌથી શ્રેષ્ઠ મિત્ર...

મનની મૂંઝવણ જેટલી ઝડપે શંકાની દિશામાં આગળ વધી રહી હતી, એટલીજ ઝડપે આયુષીની ગાડી શહેરની સીમા વટાવી હાઈવેના રસ્તે એક સુમસાન ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી રહી હતી. સુમિતની પહોળી આંખો આયુષીની ગાડી પર ચુંબક સમી વળગી હતી. આયુષીને એ વાતની જરાયે જાણ ન થાય એની સતર્કતા જાળવવા બન્ને ગાડી વચ્ચે સુમિતે યોગ્ય અંતર રાખ્યું હતું.

રેલવેની ખુલ્લી ફાટકમાંથી આયુષીની ગાડી ગ્રામ્ય સરહદ ઉપરના એક અંધારિયા ભેંકાર વિસ્તાર તરફ આગળ વધી. પાછળ આવી પહોંચેલી સુમિતની ગાડી થોડી ક્ષણો મોડી પડી. ઘોંઘાટ મચાવતી ટ્રેન પસાર થઇ જાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ શક્યતા જ ન હતી. સુમિત અકળાઈ ઉઠ્યો. આયુષીની ગાડી આંખોથી ઓઝલ થવી જોઈએ નહીં. પણ ટ્રેન તો પોતાનો નિયત સમય લેતી આરામથી પસાર થઇ રહી હતી.

ટ્રેનના પસાર થયા પછી, એના ઘોંઘાટની ગેરહાજરીમાં સુમિતનું ધ્યાન એ વિસ્તારની નીરવતા ઉપર આવી ડોકાયું. કેટલું વેરાન, નીરવ, અંધકારયુક્ત અને ભયાનક સ્થળ હતું એ ! ગ્રામ્ય વિસ્તારની સીમા હોવા છતાં જો અહીંથી એકાદ માનવ ચીસ ઉઠે તો પણ ગ્રામજનો સુધી પહોંચી ન જ શકે. આવા વિસ્તારમાં આયુષી આટલી મોડી રાત્રીએ શા માટે આવી હતી ? એની ગાડી કઈ દિશામાં આગળ ગઈ હશે ? સુમિતનું મગજ ચકરાવે ચઢ્યું હતું. મનના ધબકારા થોડી ચિંતા અને અનન્ય ભયથી જોર પકડી રહ્યા હતા.

અચાનક ગાડીના કાચ ઉપર ટકોરા પડ્યા અને સુમિત રીતસર ચોંકી ઉઠ્યો.

બહાર તરફથી પડી રહેલા ટકોરા વધુ વેગ પકડી રહ્યા. કાળી શાલથી ઢાંકેલું એક શરીર ગાડીની બારીનો કાચ નીચે તરફ ઉતરવાની ઉતાવળે રાહ જોઈ રહ્યું હતું. સુમિતના શરીરમાં કંપન છૂટી રહ્યું. ચ્હેરા ઉપર પરસેવાના ટીપા બાઝી રહ્યા. શું કરવું ? બારી ખોલવી કે ગાડી આગળ ધપાવી દેવી ? કોણ હતી એ વ્યક્તિ ? અહીં આટલી મોડી રાત્રીએ શું કરી રહી હતી ? કોઈ ચોર કે પછી કોઈ હાઈવેની ગેંગ ?

ટકોરાનો વેગ પરાકાષ્ઠાએ પહોંચ્યો. સુમિતે હિમ્મત ભેગી કરતા ફરીથી એ માણસનો ચ્હેરો નિહાળ્યો. કંઈક કહેવું હતું એને, એ પ્રમાણે બારી ખોલવાનો ઈશારો વારંવાર પુનરાવર્તિત કરી રહ્યો હતો.

આખરે બારીનો કાચ સહેજ નીચે ઉતર્યો. એક વીજળીના ચમકારાથી કાળું ગાઢ આકાશ થોડી ક્ષણો માટે પ્રકાશિત થયું અને વરસાદનું જોરદાર ઝાપટું ગાડી ઉપર વરસી પડ્યું. બારીમાંથી પોતાનું ડોકું અત્યંત ઝડપ જોડે અંદર તરફ સરકાવી એ અજાણ્યો માણસ સુમિતના ચ્હેરાની નજીક આવવા મથી રહ્યો.

“સાહેબ તમે પેલી ગાડીનો પીછો કરી રહ્યા છોને,જે હમણાંજ શહેરના માર્ગે અહીં પહોંચી છે ?”

સુમિત ચોંક્યો. આ અજાણ્યા માણસને કઈ રીતે....

“સાહેબ હું જાણું છું એ ગાડી ક્યાં છે, જલ્દી કરો નહીંતર ઘણું મોડું થઇ જશે."

સુમિત પાસે લાંબા વિચારો માટે સમય ન હતો. બેજ વિકલ્પ હતા. આયુષી સુધી પહોંચવા જાતે આ સૂના, ભયભીત વિસ્તારમાં આગળ વધે અથવા આ અજાણ્યા માણસનો વિશ્વાસ કરી એને સાથે લઇ લેવો.

સુમિતની નજર ફરીથી એ અજાણ્યા ઉપર ઠરી. વરસાદથી ભીંજાયેલું, કાળી શાલમાં લપેટાયેલું શરીર ટાઢથી થરથર ધ્રુજી રહ્યું હતું.

બીજીજ ક્ષણે ગાડીનો દરવાજો ખુલ્યો. અજાણ્યા માણસે ગાડીમાં પ્રવેશ કર્યો.

“સાહેબ આ તરફ..."

અજાણ્યા માણસે લંબાવેલા હાથની દિશામાં સુમિતની ગાડી અંધકાર અને વરસાદને ચીરતી,બન્ને વાઈપરના કચકચ અવાજ જોડે ચિત્તાની ઝડપે આગળ વધી.

“આપ એમના પતિ છો ?”

અજાણ્યા માણસે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવો જરુરી ન હોય એ રીતે સુમિતની નજર ગાડીની આગળ તરફના કાચ ઉપર સ્થિર હતી.

“તમે આ બધું....આ સમયે અહીં સુમસાન વિસ્તારમાં.....?”

સુમિતના અર્ધ ઉચ્ચારાયેલા વાક્યોથીજ પોતાનો ઉત્તર મળી ગયો હોય એ રીતે એ અજાણ્યો માણસ ભેદી રીતે હસ્યો.

“તો તમેજ એ સ્ત્રીના પતિ છો."

સુમિતના મનનો ક્રોધ એના હાવભાવોમાં ઉતરી આવ્યો. સ્ટીઅરિંગ ઉપરની પકડ વધુ સખત થઇ. પોતાની ઓઢેલી શાલને વ્યવસ્થિત કરતા અજાણ્યા માણસની આંખ સુમિત ઉપર સ્થિર થઇ.

“આપની પત્ની પહેલીવાર અહીં નથી આવી. ઘણીવાર આવી ચુકી છે. રાત્રીના અંધકારમાં, શહેરના ઘોંઘાટથી દૂર, કોઈ જોઈ ન જાય એની કાળજી દાખવી, પોતાના એક પુરુષ મિત્ર જોડે...."

ધીમા મંદ સ્વરે રહસ્ય ખોલી રહેલા એ માણસના શબ્દોથી સુમિત ક્રોધની અગ્નિમાં સળવળી ઉઠ્યો. ગાડીને એક જોરદાર બ્રેક લગાવી એણે એ અજાણ્યા માણસને ગળેથી જકડી લીધો. એ અજાણ્યા માણસનો ચ્હેરો ધીરગંભીર થયો.

“મારી હત્યા કરવાથી તમને શું મળશે સાહેબ ? હત્યા જેની થવાની હતી, થઇ ચુકી છે. જો પુરાવો ભેગો કરવો હોય તો વધારે સમય ન વેડફો.”અજાણ્યા અવાજમાં આછી ધમકી અને હુકમભાવ પડઘાયા.

“હત્યા ? કોની હત્યા ? કોણે કરી હત્યા ? તું કોણ છે ? મારી પત્નીને કઈ રીતે ઓળખે છે ? જવાબ આપ,નહીંતર...”સુમિતના હાથની પકડ વધુ જકડાઈ. બન્ને આંખોમાં જાણે લોહી ઉતરી આવ્યું.

“કહું છું સાહેબ, ગાડી આગળ તો ધપાવો. નહીંતર જીવંત પુરાવો હાથમાંથી સરી જશે.”

ગુસ્સાના આવેગમાં સુમિતે એ અજાણ્યાને સીટ તરફ પરત ધકેલ્યો અને ગાડી આગળ ધપી, સાથે સાથે અજાણ્યાની વાત પણ.

“સાહેબ પાસેના ગામમાં રહું છું. ગરીબ માણસ છું. ખેતી કરી જીવનનું ગાડું ચાલતું રહે છે. આખા દીવસની દોડધામ પછી અહીં થોડી શાંતિ ખોજવાને,બીડી પીવા આવી જાઉં છું. ઘણીવાર તમારી પત્નીને એક પુરુષ જોડે નિહાળી હતી. એકબીજાના આલિંગનમાં ખોવાયેલા તો ક્યારેક...."

ગાડી ચલાવી રહેલ સુમિતના દાંત ભીંસાયા અને અજાણ્યા માણસે પોતાનું વાક્ય અધૂરુંજ છોડી નવું વાક્ય ઉદઘાર્યું.

“અત્યંત મંદ સ્વરમાં થતી રહેતી એમની વાતો ક્યારે સાંભળી તો નહીં. પણ આજે સાંજે જયારે હું અહીં આવ્યો ત્યારે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી. બન્નેથી છુપાતો હું ધીમે ડગલે એક વૃક્ષની પાછળ લપાઇ બધુજ સાંભળી રહ્યો હતો.”

સુમિતની આંખો આગળનું રાત્રિનું અંધકાર અચાનક અદ્રશ્ય થયું અને આજે સાંજે ઘટેલી એ ઘટના અજાણ્યાના શબ્દો થકી દ્રશ્ય સમી ભજવાઈ રહી.

“સુમિતની હત્યા કરી એની બધીજ સંપત્તિ બે સીધા ભાગમાં વહેંચાઈ જશે. એક તારો ભાગ અને એક મારો.”

“રજત, સુમિત સાથે લગ્ન મારા થયા છે. એ મારો પતિ છે. તો એની હત્યા પછી સંપત્તિ પણ મારીજ.”

“એટલે ? તું કહેવા શું માંગે છે ? જો સુમિતને જાણ કરી દઈશ આપણા સંબંધ અંગે ને હત્યાની યોજના અંગે તો તું સીધીજ જેલમાં."

“એની જરૂર પડવાની નથી...."

આયુષીની રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી સીધી રજતની છાતીમાં ધપી અને લોહીના છાંટા જાણે પોતાના ચ્હેરા પર ઉડ્યા હોય એ રીતે સુમિતની આંખો હેબતથી મીંચાઈ ગઈ.

“સાહેબ અહીંજ ગાડી અટકાવી દો.”

અજાણ્યાના આદેશ અનુસાર સુમિતે ગાડીને બ્રેક લગાવી. જોરદાર વીજળી ત્રાટકવાનો અવાજ અંધકારને વધુ બિહામણું બનાવી રહ્યો. સુમિતની લાલચોળ આંખ બદલા માટે પ્યાસી બની હતી. એની ઊંડી શ્વાસો એનો સ્પષ્ટ પુરાવો આપી રહી હતી.

“સાહેબ પેલી ટેકરી દેખાય છે,એની નજીક પગપાળા જઈ તમે નીચે તરફ જોઈ શકો છો. તમારી પત્ની ત્યાંજ હશે. સાંજે એણે લાશને એક ખાડામાં છુપાવી ઉપર વૃક્ષની ડાળખીઓ નાખી દીધી હતી. મોડી રાત્રે એ લાશને દફનાવવાનો યોગ્ય સમય છે.”

“તે સાંજે જ પુલિસને જાણ કેમ ન કરી ?” સુમિતની નજર શંકાથી વીંધાઈ ઉઠી.

“ગરીબ માણસ છું, સાહેબ. પુલિસના લફરાઓમાં પડવું શેને ? હું નીકળું સાહેબ. મારું નામ પુલિસને ન કહેતા, આટલી મહેરબાની કરજો, સાહેબ."

બે હાથ જોડતો, પોતાની શાલને શરીર પર વ્યવસ્થિત લપેટતો એ અન્ય દિશાની વાટ પકડી રહ્યો.ગાડીમાંથી ઉતરી સુમિતના ડગલાં પોતાનો બદલો લેવા કડકાઈથી ઉપડ્યા. અચાનક ફરીથી અજાણ્યાના શબ્દો પાછળ તરફથી કાને અથડાયા.

“સાહેબ, બદલો લેવો હોય તો દિમાગથી લેવો. આ મન આપણને મરાવે છે. કાયદો હાથમાં ન લેતા, કાયદાનો હાથ થામજો."

આટલું કહેતા એ અજાણ્યું શરીર રાત્રીના ભયાવહ અંધકારમાં ધીમે ધીમે કશે ખોવાય ગયું. એના જતાજ સુમિતના ડગલાં સાવચેતી દાખવતા ટેકરી ભણી ઉપડ્યા. પોતાની હાજરીની જાણ ન થાય એની દરેક તરફથી સાવચેતી એ રાખી રહ્યો હતો. ટેકરી ઉપરના વૃક્ષની પડખેથી એણે ધીરે રહી નીચેની દિશામાં દ્રષ્ટિ ફેંકી અને નજર આગળના દ્રશ્યથી શરીર અને આત્મા બન્ને સુન્ન થઇ રહ્યા.

વૃક્ષની ડાળખીઓને એક તરફ કરી, કાપડથી ઢાંકેલા મૃતદેહને આયુષીએ ખાડામાં વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. સાથે લઇ આવેલ ખોદકામના સાધનોથી એણે માટી નાખવાની શરૂઆત કરી.

ગુસ્સા અને બદલાના આવેગમાં સુમિતનું શરીર ફરી સળવળ્યું. કાનમાં અજાણ્યાના શબ્દો સ્મૃતિ ઉપર અફળાયા.

“સાહેબ બદલો લેવો હોય તો દિમાગથી લેવો. આ મન આપણને મરાવે છે...."

કાયદો હાથમાં લેવાથી કે આયુષીને મારવાથી પોતે જેલની હવા ખાવી પડશે. ચૂપચાપથી મોબાઈલનો કેમેરો ઓન કરી એણે આખું દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું. આયુષી લાશને દાંટી, કઈ પણ પુરાવો ન છોડ્યાના સંતોષ જોડે ગાડી લઇ,નીચે તરફના માર્ગે શહેર તરફ નીકળી પડી.

ટેકરી ઉપરથી નીચે ઉતરી, સુમિતની ગાડી પાછળના માર્ગે, શહેરના પુલીસ સ્ટેશન ભણી ઉપડી. થોડા કલાકો પછી એજ સ્થળે પુલિસની ટુકડી કાર્યરત હતી. સુમિતના મોબાઈલની વીડિયો કલીપ એક માત્ર છતાં મહત્વનો પુરાવો બની પુલિસને હાથ લાગી ચુકી હતી. લાશ જમીનમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી. આયુષીના હાથ કાયદાથી બંધાઈ ચુક્યા હતા. પુલિસની ગાડીમાં એને ગોઠવી દેવામાં આવી હતી. એક પણ શબ્દ એણે ઉચ્ચાર્યો ન હતો.

સુમિતનો બદલો લેવાય ચુક્યો હતો.

“સર, આપની પત્ની આપને મળવા ઈચ્છે છે. પુલીસસ્ટેશન માટે નીકળવાનું છે. આપની પાસે પાંચ મિનિટ છે.”

પુલિસની ગાડી નજીક ઉભેલો સુમિત અત્યંત કડક દેખાઈ રહ્યો હતો. શરીરના હાવભાવોમાં પણ એકસમાન કડકાઈ હતી. ભાવનાઓના વહેણ હવે અસ્તિત્વ ધરાવતા ન હતા. લાગણીઓ મૃત હતી. હય્યાની વેદના મરી પરવારી હતી. હવે કોઈ પણ શબ્દ મલ્હમ બની શકે એની કોઈ શક્યતા ન હતી.

અન્ય દિશામાં તકાયેલી સુમિતની જડ આંખો આયુષીને નિહાળવા પણ તૈયાર ન હતી. આયુષીએ રજતની નહીં પોતાના વિશ્વાસ અને પ્રેમની હત્યા કરી હતી. વિચારોના વમણમાં તરી રહેલો સુમિત પીઠ ફેરવી આયુષી નજીક ઉભો હતો. આંખોના ઉષ્ણ વહેણ આયુષી સમક્ષ દર્શાવવા વ્યર્થ હતા.

મૌન શાંતિને તોડતો ધીમો અવાજ પીઠ પાછળથી શ્રવણ ઇન્દ્રિયો સુધી પહોંચ્યો :

“એનું નામ રજત હતું. મારો જૂનો પ્રેમી હતો.”

સુમિતના હાથની મુઠ્ઠીઓ ચુસ્ત વળી.

“આઈ લવ યુ સુમિત...”આયુષીના આંખનું પાણી આખરે છૂટ્યું અને એનો સ્વર આક્રન્દયુકત બન્યો.

સુમિતનું શરીર એક જીવિત લાશ સમું અકબંધ ઉભું રહ્યું.

“તે પુલીસ ને જાણ શા માટે કરી સુમિત ? એકવાર મારી જોડે વાત કરી હોત, મને પ્રશ્નો પૂછ્યા હોત..."

આગળ એક પણ શબ્દ સાંભળવો ન હોય એ રીતે સુમિતનું શરીર આગળ વધ્યું. પાછળથી આયુષીના શબ્દો આગળ વધ્યા અને ફરીથી સુમિતના ડગ થંભી ગયા.

“લાલચી હતો એ. એટલેજ એને છોડ્યો હતો. એની કુટેવોથી જયારે માહિતગાર થઇ ત્યારે દરેક સંબંધ તોડી નાખ્યો એની જોડે. પણ જયારે એને જાણ થઇ કે મારા લગ્ન એક ધનવાન બિઝનેસ મેન જોડે થયા છે, ત્યારે એણે મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. અમારી કેટલીક જૂની અંગત તસવીરો એના મોબાઇલમાં હતી. એને ઇન્ટરનેટ ઉપર અપલોડ કરવાની ધમકી પણ આપી. હું ડરી ગઈ હતી. સુમિત, તારા જીવનમાં આવ્યા પછી હું પ્રેમનો સાચો અર્થ સમજી છું. તારા સિવાય મારા જીવનમાં હવે કોઈનું સ્થળ ન હશે, મારી અંતીમ શ્વાસો સુધી. રજત એ સમજી ચુક્યો હતો. હું એને એક પણ ફૂટી કોડી આપવા તૈયાર ન હતી. એણે આજે સાંજે મને અહીં આ સુમસાન સ્થળ ઉપર બોલાવી હતી. સ્વરક્ષણ માટે હું મારી પિસ્તોલ સાથે લઇ આવી હતી. એણે મને પૈસા માટે ધમકાવી. એટલુંજ નહીં, એણે મારો બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને સ્વ રક્ષણમાં. ”આયુષીના બન્ને હાથ એના ચ્હેરાને ઢાંકી રહ્યા. આંસુનો ધોધ ગાડી બહાર વરસી રહેલા મેઘ કરતા પણ વધુ પ્રબળ હતો.

સુમિત ધીમે રહી પીઠ ફેરવી આયુષીની દિશામાં ફર્યો. આયુષીની નજરોમા આશાની કિરણ ચમકી ઉઠી.

“સુંદર વાર્તા છે. એવોર્ડ મળી શકે એવી.”

સુમિતની નજરનું વ્યંગ એના સ્વરમાં પણ અનુસર્યું. પુલિસની જીપનું એન્જિન શરૂ થયું. આયુષીની આંખો કરગરતી સુમિતને તાકી રહી. જીપની બહાર સંભળાઈ રહેલ વાદળોની ગર્જના વચ્ચેથી આયુષીનો ચીખવાનો અવાજ હળવો હળવો સંભળાઈ રહ્યો.

“સુમિત, મારો વિશ્વાસ કર. સુમિત હું તને અને ફક્ત તનેજ પ્રેમ કરું છું. તેં પુલિસને જાણ શા માટે કરી ? સુમિત, સુમિત, સુમિત...."

પુલિસની જીપ આયુષીની ચીખો જોડે શહેર તરફ આગળ વધી. પોતાની કાર તરફ આગળ વધી રહેલા સુમિતની નજર અચાનક લાશ ઊંચકીને લઇ જઈ રહેલ પુલીસકર્મીઓ ઉપર પડી. વરસાદની ભારે ઝપટોથી લાશ ઉપરનું કાપડ હવામાં લહેરાઈ રહ્યું. પુલીસકર્મીઓએ ફરીથી કાપડ વ્યવસ્થિત કરી, લાશનો ચ્હેરો ઢાંકી દીધો.

કારની ચાવી ફેરવી રહેલ સુમિતની આંખો હેરત અને ડરથી પહોળી થઇ ઉઠી.

“ના, એવું ન થઇ શકે !”

આખું શરીર અતિ ઠંડા વાતાવરણમાં પણ ભયથી દાઝી રહ્યું. વરસાદના ટીપાંઓ જોડે સંમિશ્રિત પરસેવો કાન પાછળથી રેલા સ્વરૂપે ઉતરી આવ્યો.

એ દોડ્યો, અત્યંત વેગ જોડે. એમ્બ્યુલન્સ પાસે પહોંચેલા પુલીસકર્મીઓ ડરથી ધ્રુજી રહેલ સુમિતને મુંઝવણથી તાકી રહ્યા. કંપી રહેલ હાથ જોડે સુમિતે લાશના ચ્હેરા ઉપરથી કાપડ સરકાવ્યું. વીજળીનો એક ભયંકર ચમકારો થયો અને ક્ષણિક પ્રકાશના મોજામાં લાશનો ચ્હેરો ભયંકર, સ્પષ્ટ ચમકી રહ્યો.

“ર....જ....ત......?”

એમ્બ્યુલન્સમાં શીઘ્ર લાશ ગોઠવી પુલિસની ટુકડી ત્યાંથી રવાના થઇ ગઈ. વેરાન, ઉજ્જડ વિસ્તારમાં એકલું સુમિતનું શરીર ભોંયભેગુ થયું. લાશનો ચ્હેરો.... એજ અજાણ્યાનો ચ્હેરો...અચાનક અજાણ્યાએ કહેલા શબ્દો સુમિતના રોમેરોમમાં ફરી વળ્યાં.

“સાહેબ બદલો લેવો હોય તો દિમાગથી લેવો, આ મન આપણને મરાવે છે.”

ક્રોધ અને હતાશા જોડે સુમિતના હાથ જમીન ઉપર પછડાયા. પણ બહુ મોડું થઇ ગયું. એણે પુલિસને જાણ કરી દીધી હતી. બધુજ સમાપ્ત થઇ ચૂક્યું હતું.

એ અજાણ્યો માણસ ન ગરીબ હતો, ન ખેડૂત. એના દરેક શબ્દો સત્યને પરે હતા. અસત્યનો એક ચાલાક માયા જાળ, જેનો ઉદ્દેશ્ય તદ્દન લક્ષ્યયુક્ત હતો. સુમિતને આયુષી અંગે ઉશ્કેરી, પોતાની હત્યાનો બદલો લેવો.

બદલો લેવાય ચુક્યો હતો. પણ સુમિતનો નહીં, રજતનો,

એક આત્માનો...


Rate this content
Log in

Similar gujarati story from Crime