Nisha Patel

Horror Thriller Others

4.1  

Nisha Patel

Horror Thriller Others

મધ્યપ્રદેશનાં જંગલમાં એક રાત

મધ્યપ્રદેશનાં જંગલમાં એક રાત

8 mins
797


સવારનાં અગિયારેક વાગ્યે અચાનક વાવાઝોડાંની જેમ મેઘન ઘરમાં આવી તેને એ ત્રણેની બહારગામ જવાની બેગ તૈયાર કરવાનું કહી પાછો બહાર જતો રહ્યો. એ જ તો પ્રોબ્લેમ હતો, એ ક્યારેય ઘરમાં બેસતો જ નહીં. ખાવા અને સૂવા સિવાય એ ઘરમાં રહેતો જ નહોતો, અરે, અને તે ય કાંઈ નક્કી તો નહીં જ, આવે પણ ખરો, ના પણ આવે ! તે એને જરા પણ પસંદ નહોતું. મેઘનનાં બહાર નીકળી ગયાં પછી તેણે જરાક ગુસ્સામાં ડોકી હલાવતાં હલાવતાં બેગ કાઢી તેનાં, મેઘનનાં અને મેધાવીનાં કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ યાદ કરીને ભરી દીધી. જોકે એ કામ પણ એટલું તો સહેલું નહોતું. મેઘન શું પહેરશે તે નક્કી કરવું અધરું હતું. એમાં પણ ક્યાં જઈએ છીએ, ત્યાં જઈ શું કરવાનાં છીએ તે જાણ્યાં વિના તો તદ્દન જ અધરું ! વળી, મેધાવી હજુ ચારેક વર્ષની જ છે એટલે કેવી જગ્યાએ જઈએ છીએ તે ખબર હોય તો તે પ્રમાણે તેનો પણ સામાન ભરવાની ખબર પડે !

તેણે આશરે આશરે થોડાં કપડાં અને ટોયલેટબેગ વિગેરે જરૂરિયાતનો સામાન તૈયાર કરી બેગમાં ભર્યાં. મેઘનનો બીજો પ્રોબ્લેમ એ હતો કે જો એ સામાન વધારે જુએ તો પણ ગુસ્સે થઈ જાય અને જ્યાં પણ જઈએ ત્યાં કોઈ પણ વસ્તુ એ માંગે અથવા મેધાવી માટે જરૂર પડે અને તેણે ના લીધી હોય તો પણ ગુસ્સે ! ગુસ્સો એનાં નાક પર ચોવીસ કલાક રહેતો ! તેને સાચવવો અને લોઢાંનાં ચણાં ચાવવાં- બંને સરખું જ મુશ્કેલ ! બધું યાદ કરીને લીધું પણ ઘરમાં બપોરનું જમવાનું હજુ બન્યું નહોતું અને કોરાં નાસ્તા પણ ખાસ કશાં નહોતાં. હવે ‘શું કરવું’ના વિચારમાં હતી તેટલાંમાં તો મેઘન તેમને પીક’પ કરવાં પણ આવી ગયો. કારમાં બેઠાં પછી તેને ખબર પડી કે તેઓ બધાં થઈને પંદરેક જેટલું મિત્રમંડળ જઈ રહ્યાં હતાં. બે મોટી કાર લીધી હતી, જેથી બધાં સમાઈ જાય ! તેણે ખાવાનું યાદ કરાવ્યું પણ મેઘન કહે કે આગળ જઈ લઈ લઈશું ! 

હસતાં, વાતો કરતાં સમય પસાર થઈ ગયો અને તેમણે મધ્યપ્રદેશનાં એક જંગલમાં પ્રવેશ કર્યો. હવે મેધાવી બરાબર ભૂખી થઈ હતી. તેણે કેટલીવાર યાદ કરાવ્યું હતું તો યે કોઈએ કાર જમવા માટે, જમવાનું લેવાં માટે કે નાસ્તા માટે ઊભી રાખવાની દરકાર નહોતી કરી. જો કે મેધાવી બહુ જ ડાહી હતી. જરાયે કકળાટ કરતી નહીં. પણ છેવટે છોકરું તો હતી જ ને ! હવે તે વારેઘડીએ ખાવાની રટણ લગાવી રહી હતી. તેણે બારીમાંથી બહાર પ્રકૃતિ જોવામાં મેધાવીને વ્યસ્ત કરી દીધી પણ તેને મનોમન મેઘન પર બહુ ગુસ્સો આવ્યો. મધ્યપ્રદ્શનાં એ જંગલમાં જ્યાં એ લોકો જઈ રહ્યાં હતાં, તે જગ્યાએ જવાનો રસ્તો સાવ જ સૂમસામ હતો વળી અડધો કાચો, અડધો પાકો. આજુબાજુ વૃક્ષોની રમણીય હારમાળાં હતી. તો વળી કોઈ કોઈ જગ્યાએ ઊંચાઊંચા પર્વતો અને તેનાં પર ઊગી નીકળેલાં ઊંચાઊંચા વૃક્ષો ! અને એમાં પાછાં ક્યાંક ક્યાંક પાણીનાં નાનકડાં વોટરફોલ ! તો કોઈકોઈ જગ્યાએ નાનાં નાનાં પાણીનાં ઝરણાં પસાર થતાં પણ દેખાતાં ! વાદળો અને થોડી ઠંડકને લીધે ઘણી જગ્યાઓએ ધુમ્મસ જેવું દેખાતું ! તો વળી કોઈકોઈ જગ્યાએ વાદળો આછાં થઈ જતાં તો તેની કિનારીઓ સોનેરી રંગોથી ચમકી ઊઠતી અને તેમાંથી નીકળતાં સોનેરી કિરણો વૃક્ષોની ઝાડીઓમાંથી પસાર થઈ છૂટાંછવાયાં કાર ઉપર પડતાં અને કારનાં કાચ અને પાણીનાં છૂટાંછવાયાં પડતાં ફોરાંને લીધે રંગબેરંગી મેધઘનુષની આભા ઊભી કરતાં. 

અંદર અંદર ઊંડાં ઊંડાં જંગલમાં ગયાં પછી જેને ત્યાં જવાનું હતું તેનું હવેલી જેવું મકાન દેખાયું. આજુબાજુ બીજું કોઈ મકાન નહોતું. એકલીઅટૂલી ઊભેલી તોતિંગ હવેલી રાતનાં અંધારાંમાં કોઈ કોઈ જગ્યાએ સળગતાં દીવા અને ફાનસને લીધે ભૂતિયામહેલની યાદ દેવડાવતી હતી. બધાં હાશ કરીને કારમાંથી ઊતર્યાં ત્યાં તો અંદરથી હાથમાં ફાનસ લઈને નોકર આવ્યો અને તેની પાછળ હવેલીનાં માલિક પોતે બહાર આવ્યાં. બધાં તેમની સાથે વાતચીત કરતાં કરતાં અંદર ગયાં. પોતપોતનાં પર્સ ત્યાંનાં દિવાનખંડમાં મુકેલાં પ્રાચીન વિશાળ સોફાસેટ પર મૂકી પગ છૂટો કરવાં આમતેમ જોતાંજોતાં ટહેલવાં લાગ્યાં. તેણે મેધાવીને ઊંચકી રાખી હતી. ભૂખ, થાક અને કલાકોની જર્નીથી થાકેલી મેધાવીની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી. એ લગભગ ઊંઘી જવાની તૈયારીમાં જ હતી. 

તેણે ખૂબ સાચવીને તેની ઊંઘ ઊડી ના જાય તેમ સોફામાં સુવાડી. પણ બધાંની વાતો, હસાહસી, ચહેલપહેલ સાંભળી મેધાવી હવે જાગ્રત થઈને બેઠી થઈ ગઈ. બધાં પુરુષોએ ડ્રીંક્સ ચાલુ કર્યું. સાથે કાજુ, બદામ, ચીઝ, સીંગ, ચણાં, ગરમાગરમ ત્રણચાર જાતનાં ભજીયાં, પાપડ, ડુંગળી, ટામેટાં, કાકડી… જાતજાતનાં સ્નેક્સ હતાં. બધી પત્નીઓએ પણ સોફ્ટ ડ્રીંક્સ અને સ્નેક્સથી રીફ્રેશ થવાં માંડ્યું. એક એના સિવાય કોઈ બાળકોને સાથે લાવ્યું નહોતું. એટલે બધાં બેફિકરાઈથી ફરતાં ફરતાં ઠેરઠેર મૂકેલાં ફાનસનાં અજવાળાંમાં પ્રાચીન હવેલીનું પ્રાચીન ફર્નિચર અને સજાવટ જોતાંજોતાં તેના વિશે જ ચર્ચા કરવાંમાં પડ્યાં. જરાક પગ છૂટો થયો એટલે મેધાવીને બાથરૂમ લઈ જવાં એ ત્રણચાર જણાં એક નોકર સાથે ફાનસ લઈને હવેલીનાં એકાંત ભાગમાં આવ્યાં. 

એક ખૂણાંમાં એકદમ અંધારામાં બાથરૂમ હતું. એક જણ હાથમાં ફાનસ પકડીને ઊભું રહ્યું એટલે તેણે મેધાવીને બાથરૂમ કરવાં બેસાડી. તે લોકોએ બાથરૂમનું બારણું ખૂલ્લું રાખેલું. એક તો વરસાદ અને ઉપરથી ચારે તરફ ઝાડપાન હોવાને કારણે ખૂબ સરસ ઠંડોઠંડો પવન આવી રહ્યો હતો. એક પછી એક બધાં બાથરૂમ યુઝ કરતાં હતાં એવાંમાં પવનનાં એક ઝોકાં સાથે ફાનસ ઓલવાઈ ગયું અને બારણું ધડામ દઈને બંધ થઈ ગયું. બધાંની જોરથી ચીસો નીકળી ગઈ. બારણું જૂનાં લાકડાંનું હતું અને વરસાદની સીઝનને લીધે ફૂલી ગયું હતું અને હવાઈ પણ ગયું હતું તેથી સજ્જડ થઈ ખૂલતું નહોતું એટલે હવે બધાં જરાંક ગભરાયાં. નોકર તો બાથરૂમ બતાવી તરત પાછો જતો રહ્યો હતો. જેટલાં બહાર હતાં તેમણે બૂમાબૂમ કરતાં કરતાં બારણું ખેંચવાં માંડ્યું પણ બારણું હલવાનું નામ પણ નહોતું લેતું. 

બે જણાં દોડીને બધાંને બોલાવાં ગયાં. પણ તે અંધારાંમાં ક્યાં જતાં રહ્યાં તે જ સમજાયું નહીં. હવે તે અને મેધાવી બાથરૂમની બહાર અને એક જણ બાથરૂમની અંદર એમ ત્રણ જ જણ ત્યાં રહ્યાં હતાં. ત્યાં તેને અંધારાંમાં ગણગણાટ અને પગલાંનો અવાજ આવવાં લાગ્યો. તેને થયું કે જે પેલાં બે બોલાવવાં ગયાં હતાં તે બોલાવી પાછા ફરી રહ્યાં છે. તેને થોડી હાશ થઈ. અવાજ નજીક ને નજીક આવતો ગયો અને પછી પાછી એકદમ શાંતિ છવાઈ ગઈ. એ જ સમયે એક ધક્કા સાથે બારણું ખૂલી ગયું. બીકનાં માર્યાં તેણે મેધાવીને લઈને કશું વિચાર્યાં વિના દોડવાં માંડ્યું પણ અંધારામાં રસ્તો સૂઝતો ના હોવાથી અથડાવાં કૂટાવાં લાગી. એકબેવાર મેધાવીનું માથું પણ ભીંતે અફળાઈ ગયું. હવે તેને ગભરામણથી પસીનો છૂટવાં માંડેલો. બીજી બાજુ મેધાવીની ચિંતા અને કશું દેખાતું ન હોવાની ગૂંચવણ ! 

તેનાં હ્રદયનાં ધબકારાં વધી ગયાં હતાં અને મેધાવીએ બીકનાં માર્યાં રડવાં માંડેલું. તેને થયું કે એ આ ક્યાં આવી ગઈ ? આ કેવી બીક લાગે તેવી જગ્યા છે ! તે અહીંયાં આવી જ કેમ ? ! મનોમન તે મેઘન પર ગુસ્સે થઈ એક તો એ આવી જગ્યાએ લઈ આવ્યો અને ઉપરથી પાછો ડ્રીંક્સ અને દોસ્તો સાથે ગપાટાં મારવામાં તે બંને સાથે આવ્યાં છે આવી અજાણી જગ્યાએ તો તેમનું ધ્યાન રાખવાનું પણ તે વિચારતો નહોતો. સહેજવારે ગળામાં દબાઈ ગયેલો અવાજ કાઢી તેણે બૂમો પાડવાં માંડી. તેનો અવાજ સાંભળી એક સફેદ કહી શકાય તેવાં તદ્દન આછાં કલરનાં વસ્ત્રોવાળી સ્ત્રી હાથમાં દીવો લઈને આવી. અને તેને દૂરથી પોતાની સાથે આવવાં ઈશારો કરવાં લાગી. ગભરામણને લીધે કશું પણ વિચાર્યાં વિના રાહતનો શ્વાસ લઈ તે એની પાછળ ચાલી. અટપટાં લાંબાં લાંબાં હોલવે, થોડાં આડાંઅવળાં પગથિયાં અને બેચાર રૂમો પસાર કર્યાં ત્યારે દૂર ખુલ્લાં ચોક જેવામાં બધી ટોળકી દેખાઈ. તે દોડી. મેધનને જઈ તે અને મેધાવી વીંટળાઈ વળ્યાં. મેધાવી ધ્રુસકાં ભરવાં લાગી. બધાં સડક થઈ ગયાં. ‘શું થયું, શું થયું’ એકસાથે પ્રશ્નો ઊઠ્યાં.

સહેજવારે શ્વાસ હેઠો બેસતાં તેણે બધી વાત કરી, વાત પૂરી કરતાં જ તેને બે વાતનો ખ્યાલ આવ્યો. એક તો, કે પેલી સ્ત્રી ક્યાં ગઈ, અને બીજો, તેની સાથે બાથરૂમ ગયેલાં બધાં ક્યાં ગયાં !? જેની હવેલી હતી તેણે તો કહ્યું કે ત્યાં તો કોઈ સ્ત્રી વર્ષોથી નથી રહેતી. બધાં નોકર જ છે તે પણ કુંવારાં અને તે પોતે પણ તો કુંવારા છે ! બધાં દ્વિધાથી અવાક બની ગયાં અને તેની સાથે બાથરૂમ ગયેલાંને શોધવાં લાગ્યાં. આખી હવેલીનો ખૂણેખૂણો ફરી વળ્યાં પણ કોઈ મળ્યું નહીં અને ના તો પેલી સ્ત્રી પણ દેખાઈ. બધાં જ હવે ચિંતાથી ઘેરાઈ ગયાં. તેને અને મેધાવીને એક નોકર સાથે એક રૂમમાં બેસાડી બાકી બધાં જ, મેઘન પણ, પેલાં લોકોને શોધવાં લાગ્યાં. તેની અને મેધાવીની બીક હવે વધતી જતી હતી. તેણે મનમાં ભગવાનનું રટણ ચાલું કરી દીધું અને બહારથી મેધાવીને પોલું આશ્વાસન આપવાં માંડી. 

જોતજોતાંમાં સવાર પડી ગઈ. બધાં પેલાં લોકોને શોધીને પાછાં આવ્યાં. બીકનાં માર્યાં બધાંનાં જ ચહેરાંનાં રંગ ઊડેલા હતાં. ચૂપચાપ જેને જ્યાં જગ્યાં દેખાઈ ત્યાં બેસી ગયાં. ‘હવે શું કરીએ ?’ પ્રશ્ન મોં ફાડીને ઊભો ! 

થોડીવારે બધાં તરત જ પાછાં જવાં સંમત થયાં અને કારમાં બેસી ગયાં. આઠ કલાકમાં મારતી ગાડીએ ઘરે પહોંચ્યાં ત્યાં સુધી બધાં ચૂપ જ રહ્યાં. ના તો કોઈએ આગલાં દિવસે કશું ખાધેલું, સિવાય કે પેલાં હવેલીમાં ખાધેલાં થોડાં સ્નેક્સ. અને ના તો કોઈને તે આખો દિવસ પાછાં ફરતાં ભૂખ લાગી. તેને લાગ્યું કે બીકને લીધે બધાંનાં પેટમાં તેની જેમ જ વમળો થતાં હશે ! મેધાવી પણ સહેમી ગઈ હતી એટલે સૂનમૂન તેનાં ખોળાંમાં બેસી રહેલી ! 

એ દિવસ પછી મેઘનનાં વર્તનમાં એકદમ જ ફેરફાર થઈ ગયેલો. તે મોટાભાગે ઘરે જ રહેતો. કામ સિવાય બહાર જતો નહીં. જાય તો એ બંનેને સાથે લઈને જતો. તે બંનેને જરાપણ એકલાં છોડતો નહીં. અને એક એક મિનિટે ગુસ્સે થનાર મેઘન હવે ગુસ્સે થતો નહોતો ! 

થોડાં દિવસો પછી કળ વળતાં બધાં ફરી ભેગાં થયાં અને એ દિવસની ઝીણી ઝીણી વિગતો ચર્ચવા લાગ્યાં. પણ કોઈ વાતનો તાગ મળ્યો નહીં. એમનો મિત્ર, જેની તે હવેલી હતી તેની સાથે તો કોઈ દિવસ કોઈ અસામાન્ય બનાવ બન્યો જ નહોતો ! એનાં પોતાનાં પણ આશ્ચર્યનો પાર નહોતો.

એ વાતને હવે તો એક વર્ષ થવાં આવ્યું પણ હજુ બધાં ભેગાં થાય ત્યારે એ જ ચર્ચાનો  વિષય રહે છે. કેટલાં પ્રશ્નો હતાં જે હજુ યે અનુત્તર હતાં. પેલી સ્ત્રી કોણ હતી ? અને તેની સાથે બાથરૂમ આવેલ સ્ત્રીઓ આખી રાત ક્યાં હતી અને કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ ? સવાર સુધી કેમ મળી નહીં ? સવારે બહાર પીપળાંનાં વૃક્ષ નીચે કેવી રીતે પહોંચી ? બધાં સાથે હતાં કે જુદાંજદાં ? ખોવાઈ જનારને પણ કશું જ ખબર નથી અને યાદ નથી. તેમનાં ઘરનાંને લાગે છે કે તેમનાં વર્તનમાં બહુ જ બદલાવ આવી ગયો છે ! તેઓનું વર્તન વિચિત્ર બની ગયું છે ! શું થયું હશે એ રાત્રે મધ્યપ્રદેશનાં એ જંગલની વચ્ચે આવેલી હવેલીમાં ?


Rate this content
Log in

Similar gujarati story from Horror