સ્નેહા પરિવાર
સ્નેહા પરિવાર
રોજ તે નાની દોહિત્રીને પાસેના પાર્કમાં રમવાં લઈ જતી. આજે એ રમતાં રમતાં પડી ગઈ અને ચાર ટાંકાં આવ્યાં. એટલે હવે તો છેલ્લાં આશરા સમાન દીકરીનાં ઘરનાં બારણાં પણ તેને માટે બંધ થઈ ગયાં. એક નાની બેગમાં તેનાં બેચાર જોડી કપડાં અને જરૂરિયાતનો થોડો સામાન ભરી રાતનાં અંધારામાં તે ધીમેધીમે ચાલતી પેલા પાર્કમાં જ આવી. બીજે ક્યાં જવું તેને સૂઝતું નહોતું. તે પાર્કની લાઈટનાં આછાં અજવાળામાં એક બેંચ પર બેસી પડી. આંખમાંથી આંસું વહી રહ્યાં હતાં. હવે ક્યાં જવું એનો કોઈ જવાબ નહોતો.
છૂટાછેડા પછી બેંકમાં નોકરી કરી, ભાઈનાં ઘરમાં રહી તેણે બંને બાળકોને ઉછેરેલાં. બંનેનું ભણવાનું પતતાં જ સારી નોકરી માટે ડોનેશન આપવામાં તેનાં પ્રોવીડન્ડ ફંડનાં જે પૈસા હતાં તે પણ તેણે આપી દીધાં હતાં. રીટાયર્ડ થતાં હવે મહિને થતી આવક તો બંધ જ થઈ ગઈ હતી. નોકરી મળતાં જ એ ત્રણેને ભાઈભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યાં. ભાઈનાં ઘરમાં એ બંનેને સતત થતાં અન્યાય અને મારઝૂડ માટે બંને તેને જ જવાબદાર ઠેરવતાં. આથી બંને ના તો તેનો આદર કરતાં કે ના તેને પ્રેમ કરતાં. આખી જિંદગી તેણે જે કાંઈ સહન કર્યું, જે કાંઈ ત્યાગ કર્યો, પોતાનું સમગ્ર જીવન હોમી દીધું, તે સર્વે વ્યર્થ હતું જાણે !
દીકરી લગ્ન કરી જુદી રહેવા જતી રહી. પછી દીકરાએ પણ લગ્ન કરી લીધાં. હવે તેને માટે દીકરાનાં ઘરમાં પણ જગ્યા રહી નહોતી. આથી દીકરી સાથે રહ્યા સિવાય તેનો છૂટકો નહોતો. અને આજે તો એ દ્વાર પણ બંધ થઈ ગયું. તે બંને ઘૂંટણ વચ્ચે માથું મૂકી શૂન્યમનસ્ક બેસી રહી હતી. ધીમેધીમે અજવાળું થતાં આસપાસનાં લોકો પાર્કમાં ચાલવાં અને એક્સરસાઈઝ કરવાં આવવાં લાગ્યાં. મોટાભાગનાં લોકો તેને ઓળખતાં હતાં. તેણે મોંઢું વધુ ઘૂંટણની અંદર નાંખી દીધું.
“અરે, તૃષાબેન, તમે અહીં ? આટલી સવારે ?” પ્રશ્નથી તેણે સફાળા ઊંચે જોયું.
“અને આ બેગ ?” ત્યાં તો બીજો પ્રશ્ન આવ્યો. “કશે જાવ છો ?” એ મિલનભાઈ હતાં. રોજ સવારસાંજ પાર્કમાં ચાલવાં આવતાં અને પછી બેચાર કલાક બાંકડે બેસી રહેતાં. તેમનાં જેવાં નિવૃત પુરુષો રોજ ત્યાં ભેગાં થતાં, હસીમજાક કરતાં, ઘરમાં પુત્રવધૂઓને આડે આવવાં કરતાં અહીં પ્રકૃતિની છાયામાં બેસી રહેવું સારું ને !
તેને શું બોલવું સમજ નહોતી પડતી. તે ક્ષુબ્ધમને સહેજવાર તાકી રહી ત્યાં તો તેની આંખમાં વણનોતર્યે આંસુઓ દોડી આવ્યાં. થોડીવારે ડૂમો નીકળી ગયા પછી તેણે ધીરેધીરે માંડીને વાત કરી. વાત પૂરી થતાં પહેલાં તો મિલનભાઈની ટોળી આખી ધીમેધીમે ભેગી થઈ ગઈ હતી અને ચૂપચાપ તેની વાત સાંભળી રહી હતી. બધાં મધ્યમવર્ગનાં હતાં. વળી પુરુષની જાત હતાં, સીધી મદદ કરવાં જતાં આપણી સંસ્કૃતિ પર ગૌરવ કરનારાં, સ્ત્રીનાં ચારિત્ર્યનો ઠેકો લઈ ફરનારાં દંભી દોગલાં લોકો તૃષાબેનનાં ચારિત્ર્યની રખેવાળી કરવાં દોડી આવી તૃષાબેનને જ વધુ ખરાબ પરિસ્થિતિમાં મૂકશે તેવું તે મંડળી સમજતી હતી. તો સ્ત્રીપુરુષનાં સંબંધમાં સ્વચ્છ મૈત્રીની કલ્પના ના કરી શકનાર સમાજમાં રહેતો તેમનો પરિવાર સીધી મદદ કરવાં દે તેમ નહોતો.
છેવટે આજની કસરતો અને આપ મનોરંજન સભા માંડી વાળી આખી મંડળી બાજુની સોસાયટીમાં રહેતાં એક મનોરમાબેન નામનાં વિધવા બહેનને ત્યાં તૃષાબેનને લઈ આવ્યાં. મનોરમાબેન પતિ ગુજરી ગયાં પછી લોકોનાં ટિફિન બનાવી પોતાનું અને પોતાની એકમાત્ર મંદબુદ્ધિની દીકરીનું ગુજરાન ચલાવતાં હતાં. પતિ ઘરનું ઘર અને બીજી થોડી મિલકતો મૂકીને ગુજરી ગયાં હોવાથી મનોરમાબેન ઈશ્વરે આપેલ ભેટસ્વરૂપ દીકરી ખાસ કોઈ આર્થિક મુશ્કેલી સિવાય ઉછેરતાં હતાં. મનોરમાબેન અને સ્નેહા સાથે તૃષાબેનની રહેવાનું નક્કી કરી મંડળી વિદાય થઈ.
તૃષાબેન બેંકમાંથી નિવૃત થયેલ ભણેલગણેલ સમજુ અને સરળ સ્ત્રી હતાં. તેમણે મનોરમાબેનને ટિફિનમાં મદદ કરવાં માંડી. સાથે સાથે સ્નેહાને પણ તેમણે મંદબુદ્ધિનાં બાળકોની શાળામાં મૂકી તેનાં માનસિક વિકાસમાં સહયોગ આપવાં માંડ્યો. થોડાં દિવસો પછી એક ઢળતી બપોરે મિલનભાઈ પોતાની મંડળી સાથે તૃષાબેનની ખબર કાઢવાં આવ્યાં. તે દિવસે મનોરમાબેનને કોઈ ટિફિન બનાવવાનાં હતાં નહીં. આથી તેમણે આખી ટોળીને બેસાડી ચાનાસ્તાની ગોઠવણી કરી. આટલાં દિવસમાં તેમને તૃષાબેનની સમજશક્તિ અને બુદ્ધિક્ષમતા પર માન થઈ ગયેલું. આથી ચાનાસ્તો કરતાં કરતાં તેમણે જ વાત શરૂ કરી.
“મિલનભાઈ, તૃષાબેન અને બીજાં તમામ ભાઈઓ, જ્યારથી તૃષાબેન અહીં રહેવાં આવ્યાં છે ત્યારથી મને એક વાત સૂઝી છે. તે કહેવાં માટે હું તમને સૌને આમ પણ મારાં ઘરે બોલાવવાની જ હતી. સારું થયું કે આજે તમે બધાં આવ્યાં !”
“મિલનભાઈ, આપણે બધાં ભણેલાં છીએ. તો આપણે બધાં મળીને એક આપણો પરિવાર બનાવીએ તો ?”
બધાં એક નવાં જ વિચારથી ક્ષણભર વિચારમાં પડી ગયાં.
“એટલે કેવો પરિવાર ?” એમાંથી એક જણે મૌન તોડતાં વાત આગળ સાંભળવાની ઉત્સુકતા બતાવી.
પછી તો બસ ! બધાંએ ભેગાં થઈ મનોરમાબેનનાં વિશાળ ઘરનો સદઉપયોગ કરવાનું નક્કી કર્યું. તૃષા જેવાં કેટલાંય વૃદ્ધો હશે કે જેમને કોઈ ને કોઈ પ્રકારે મદદની જરૂર હશે. કોઈને ઘરની સમસ્યા હશે તો કોઈને માણસની સંગતની. કોઈને સ્વાસ્થ્યની સમસ્યા હશે તો કોઈને કાયદાકાનૂનની. કોઈને પૈસા કેવીરીતે ગોઠવવાં જેથી પાછલાં દિવસો શાંતિથી નીકળી શકે તેની સમસ્યા હશે. કોઈને ઘર હશે તો ખાવાં નહીં મળતું હોય. તો કોઈને કશે જવા આવવા મદદની જરૂર હશે. આમ તેમનાં જેવાં વૃધ્ધ માટેની એક સંસ્થા. લોકો મહિલામંડળો ચલાવે છે. અનાથાશ્રમો ચલાવે છે. પણ વૃદ્ધોનું શું ? વૃદ્ધાશ્રમમાં રહેવાની જરૂર ના હોય પરંતુ આવી નાની મોટી બીજી જરૂર હોય તેનું શું ? !
મનોરમાબેનનાં ઘરે ‘સ્નેહા પરિવાર’ નામનો એક પરિવાર બનાવવામાં આવ્યો. જેમાં કોઈ જન્મની સગાઈથી, લગ્નની સગાઈથી, લોહીની સગાઈથી પરિવાર નહોતું. પરિવાર માણસાઈનો પરિવાર હતો. બહાર પરિવારનાં નામનું બોર્ડ લગાવી દીધું. એક ઓળખીતા પત્રકારની મદદથી એક કોઈ કોઈવાર ટચૂકડી જાહેરાત આપવાનું ચાલુ કર્યું. મૌખિક પ્રચાર તો ખરો જ. આ પરિવારમાં કોઈ નિવૃત વકીલ હતાં તો કોઈ નિવૃત જજ. કોઈ નિવૃત ડોક્ટર હતાં તો કોઈ ફાઈનાન્સર. કોઈ ઈન્સ્યોરન્સનાં જાણકાર તો કોઈ યોગાનાં. કોઈ આયુર્વેદ જાણકાર, કોઈ હોમિયોપથી. કોઈ શરીરે સ્વસ્થ હતાં તો તેમણે જેમને બહાર જવા આવવા મદદની જરૂર પડતી તેમને પોતાની સેવા આપવા માંડી. કોઈ નર્સ હતું તો તેણે એ પ્રમાણે. આમ, દરેક જણે જ તે મદદ કરવાંની શરૂઆત કરી દીધી. મનોરમાબેને ખાવાપીવાની વ્યવસ્થા સંભાળી. સાથે જેમને રહેવાની સગવડ ના હોય તેવાં વૃદ્ધોને કાયમી રહેવાની સગવડ ના થાય ત્યાં સુધી રહેવાની સગવડ પણ આપતાં. તૃષા, મિલનભાઈ અને બીજાં નિવૃત્ત મેનેજરે વ્યવસ્થાપકની સેવાઓ આપવાં માંડી.
એક સાંજે પાર્કમાં થોડું ચાલીને આવી તૃષા બેંચ પર બેઠી. એક નાની પાંચ સાત વર્ષની બાળા તેની મમ્મીને લઈ ત્યાં રોજ રમવાં આવતી. તૃષાએ પર્સમાંથી ચોકલેટ કાઢી તેની મમ્મીને પૂછ્યું કે તે જો એને ચોકલેટ આપી શકે તો. આમ ઘણીવાર તેઓ વાત કરતાં. એક દિવસ પેલી બાળાની મમ્મીએ પૂછ્યું,
“આંટી, તમારાં ફેમીલીમાં કોણ કોણ છે ?”
“મારે તો બહુ મોટું ફેમીલી છે, બેટા !”
“એમ ! તો તો તમારે ગ્રાન્ડ ચીલ્ડ્રનેય વધારે હશે, નહીં !”
તૃષા તેને ઘડીભર જોતી બોલી,
“ના, એકેય નહીં. પણ મારો પરિવાર બહુ મોટો છે, બેટા !” ને તેણે વિચાર કરતાં કરતાં ત્યાંથી ઘર તરફ પગ વાળ્યાં.
“શું પરિવાર સંતાન અને તેમનાં સંતાનો જ ? પરિવાર એટલે એ નહીં કે જે ખરાં સમયે તમારી પડખે છે ?”
