Nisha Patel

Crime Inspirational

4.0  

Nisha Patel

Crime Inspirational

ઝૂમખાં

ઝૂમખાં

3 mins
177


જીનલને બીક લાગી કે હજું તો તેનાં વિવાહને મહિનો યે નહોતો થયો અને જો તે એમ કહેશે કે તેનાંથી કાનનાં ઝૂમખાં ખોવાઈ ગયાં તો તે ઉપાધિમાં મૂકાઈ જશે ! છો, ઝૂમખાં તો પિયર તરફથી જ હતાં પણ તોયે પતિ, સસરા, સાસુ બધાં જ તેને ઘેરી વળશે અને વઢશે ! તેને બેદરકાર ગણશે ! તેનાં માટે શુંનું શું વિચારી લેશે ! આથી તેણે ગભરાઈને કશું જ વિચાર્યાં વિના નવી કામવાળી સવિતાને માથે આળ ઢોળી દીધું. સવિતાએ આ સોસાયટીમાં હમણાં એકબે મહિનાથી જ બધે કામ બાંધ્યાં હતાં. એ નવી કામવાળી હતી એથી કોઈ તેની વાત પર જલ્દી કોઈ વિશ્વાસ ના કરે તે બહુ સહજ હતું. 

ફરિયાદનો ફોન થતાં થોડીવારમાં પોલીસ આવી પહોંચી પણ સવિતાએ પોતે ચોરી કર્યાંનો ગુનો કબૂલ ના કર્યોં. છેવટે પોલીસે તેની પાસે કબૂલાત કરાવવાં તેની બે ત્રણ વર્ષની છોકરી રસ્તે રઝળતી રાખી, પોતાની સાથે લઈ જઈ જેલમાં પૂરી દીધી. 

આ બાજુ બીજે દિવસે જીનલ તેનું કાયનેટીક લઈ વહેલી સવારે દૂધ લેવાં નીકળી. ઠંડીની વહેલી સવારનું અજવાળું થોડું થોડું પોતાની પકડ જમાતનું જતું હતું. સોસાયટીની બહાર રસ્તાની એક બાજુ તેણે એક મેલાંઘેલાં ફ્રોકમાં એક બે ત્રણ વર્ષની છોકરી ટૂંટિયુંવાળીને લગભગ બેભાનાવસ્થામાં પડેલી જોઈ. તેણે કાયનેટીકની લાઈટ તેના પર નાંખીને જોયું. 

“અરે ! આ તો સવિતાની છોકરી !” નવેમ્બરની ઠંડી સવારમાં એ અધમરેલી હાલતમાં રસ્તા પર પડેલી હતી. ધૂળથી રંગાયેલાં મોંઢાં પર સૂકાઈને થીજી ગયેલાં આંસુનાં સ્પષ્ટ ડાઘાં હતાં. જીનલ સ્કૂટર બંધ કરી ત્યાં બાજુમાં “હવે શું કરવું” વિચારતી ઊભી રહી ગઈ. “શું એને આમ જ રસ્તા પર નિરાધાર છોડી દે ?”

તેનું મન આવી હાલતમાં આવી નિર્દોષ બાળાને મરવાં માટે છોડીને જતી રહે ? જો ઘરે લઈ જશે તો ઘરનાં લોકો તેને જ વઢશે અને પાછી મૂકી આવવાનું કહેશે. તેનું પોતાનું મન પણ તો ગુનેગાર હતું ! તેણે પણ તો જાણ્યાં કર્યાં વિના સવિતા પર ચોરીનો આરોપ મૂક્યો હતો. સવિતાએ ચોરી નહીં કરી હોય તો ? અને તેણે કરી હોય તોયે આ નિર્દોષ બાળાનો શું વાંક ? તે અવઢવમાં ત્યાં જ જડાઈને ઊભી રહી ગઈ ! 

એટલાંમાં તો સાસુમાનો ‘કેટલીવાર છે’ જાણવાં ફોન આવ્યો. હવે જીનલે જલ્દીથી ઘરે પહોંચ્યાં સિવાય છૂટકો નહોતો. જીનલ પેલી બાળાને પોતાનું સ્વેટર ઓઢાડી ગુનાહીત ભાવના છૂપાવતી ઘરે આવી. આખો દિવસ તે ઘરની બહાર જવાં માટે કાંઈ ને કાંઈ બહાનું શોધતી રહી. નવાં નવાં વિવાહ થયાં હતાં એટલે પતિ તેની સાથે બહાર જવાં તૈયાર જ રહેતો હતો ! તે જેવું કાંઈ બહાનું કાઢે પતિ તેને કહેતો, “ચાલ, હું તને લઈ જઉં ! આપણે બંને એ બહાને બહાર આંટો મારી આવીએ !” આખો દિવસ તેને પેલી બાળાનું શું થયું હશે તે જાણવાં મળ્યું નહીં. તેની બેચેની વધતી જતી હતી. 

તે જ દિવસે સાંજે તેની નણંદ તેમને મળવાં આવી. તેના કાનમાં જીનલનાં જ ઝૂમખાં લટકતાં હતાં ! કહે, “જુઓ, મને તમારાં જમાઈએ નવાં ઝૂમખાં લાવી આપ્યાં !” આ સાંભળી જીનલ ક્રોધથી લાલચોળ થઈ ગઈ. નિર્દોષ ગરીબ સ્ત્રી પર ખોટું આળ મૂકવાનાં પસ્તાવાથી જીનલનું કાળજું કપાઈ ગયું.

એ જ રાત્રે જ્યારે સૌ સૂઈ ગયાં હતાં ત્યારે જીનલે એક ચોર પરિવારમાં થયેલાં વિવાહને તોડી નાંખવાનું નક્કી કરી પોતાની બેગ ભરી છાનીમાની ઘરમાંથી નીકળી ગઈ. બહાર આવીને તેણે પહેલાંમાં પહેલાં તો પેલી બાળકીને શોધવાં આજુબાજુ એક બે સોસાયટી જેટલું ચાલી નાંખ્યું. પણ કોઈ તેને મળ્યું નહીં. હતાશ પગલે તે પોલીસ સ્ટેશન તરફ ચાલી. તેણે સાચી વાત જણાવી પોલીસ અને સવિતાની માફી માંગી. પોલીસે સવિતાને છોડી દેતાં એ અને સવિતા ચારેબાજુ રસ્તા પર તેની બાળકીને શોધવાં લાગ્યાં. આ બાજુ પોલીસ સાચી વાત જાણી એટલે જીનલનાં પતિની બહેનને અને બનેવીને પકડવાં નીકળી પડી. 

સવાર થવાં આવતાં એક બસસ્ટેન્ડનાં પાટિયાં પર એક વૃધ્ધ મહિલાની ફાટેલી ગોદડીમાં લપાઈને સૂતેલી તેની દીકરી દેખાઈ ! હર્ષથી બંનેની આંખમાં આંસું આવી ગયાં. 

સવારનાં પહોરમાં જ બારણું ખોલતાંમાં તાજાં વિવાહ કરેલી દીકરીને પતિને બદલે એક ગરીબ મા દીકરી સાથે બારણે જોઈ પિતાનું હૃદય આશંકાઓથી ભરાઈ ગયું. તેમણે બંને દીકરીઓને માટે હૃદયનાં અને ઘરનાં બારણાં ખોલી નાંખ્યાં ! જીનલે ઘરમાં પ્રવેશતાં વિવાહ પછી પોતાની નોકરી ચાલુ રાખવાની સલાહ આપનાર પિતાનો આભાર માન્યો !


Rate this content
Log in

Similar gujarati story from Crime