Nisha Patel

Romance

4.7  

Nisha Patel

Romance

મૌન પ્રેમસંબંધ

મૌન પ્રેમસંબંધ

6 mins
345


ગ્રેજ્યુએટ થતાં જ મને શહેરની સૌથી મોટી ખ્યાતનામ દાગીનાનનાં શોરૂમમાં નોકરી મળી ગઈ. અગિયારથી સાત- પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતાં ભણતાં કામ કરવાં માટે આ બહુ લાંબાં કલાકો હતાં. પણ, કામ કરવું બહુ જરૂરી હતું. મારે બે બહેનો હતી જેમાંથી એક હવે કોલેજનાં ત્રીજાં વર્ષમાં આવશે અને બીજી પહેલાં વર્ષમાં. નાનીની તબીયત ખરાબ રહેતી હોવાથી મમ્મીનો વધુ સમય નાની પાસે જતો. તે કોલેજમાં પ્રોફેસર હતી, પણ હાલ તેણે કપાતાં પગારે રજાઓ લીધી હતી. પપ્પા કોર્પોરેટ ઓફિસમાં એક્ઝીક્યુટીવ હતાં. પહેલાં દાદા દાદી અને ફોઈ પણ અમારી સાથે રહેતાં હતાં. દાદાને સ્ટ્રોક આવ્યો અને દાદી કેન્સરથી ગુજરી ગયાં. તેમની દવાઓ અને હોસ્પિટલનાં ખર્ચાં થયાં હતાં. એ દરમિયાન વચ્ચે ફોઈનાં લગ્ન લીધેલાં. આ બધું મમ્મી પપ્પાએ જ કર્યું હતું. ત્યારે તો અમે ભાઈ બહેન નાનાં હતાં. પણ પછી ઈંગ્લીશ મીડીયમની ફી અને ડોનેશન, સ્કૂલ કોલેજનાં બીજાં ખર્ચાં… મમ્મી પપ્પાની તેમનાં ઘડપણ માટે કોઈ સેવિંગ્સ કરી નથી શક્યાં. હજુ બહેનોનાં લગ્ન કરાવવાનાં હતાં. આ કામ ઘરને થોડો ટેકો કરે તેમ હતું. અલબત્ત, મારું આગળ ભણવું પણ એટલું જ જરૂરી હતું. 

મહેનત, લગન, પ્રામાણિક્તા અને બેસ્ટ સેલ્સમેનશીપે છ મહિનામાં મને મેનેજર બનાવી દીધો. બોસનો હું સંપૂર્ણ વિશ્વાસુ બની ગયેલો. બોસની પત્ની પણ લગભગ રોજ શોરૂમ પર આવતી. તે લગભગ ચાલીસેક વર્ષની હતી, સુંદર, જાજરમાન, સ્માર્ટ. હું તેનો પણ વિશ્વાસુ બની ગયેલો. મને તેનો આનંદ થતો. ધીરેધીરે બંને પતિપત્ની મને તેમનાં પર્સનલ કામો પણ સોંપવાં માંડેલાં. મને તેનું અભિમાન થતું. 

એક વાત મારાં મનનાં છાનાં ખૂણે વારંવાર ડોકિયું કર્યા કરતી. મને નિષ્ઠામેમ મનોમન આકર્ષ્યાં કરતાં. સુંદર તો હતાં જ પણ તેમનાંમાં એક સ્ટાઈલ હતી જે લોકોથી જુદી હતી. તેમનું સ્માઈલ જાણે કે તમને આત્મીયતાની ખાત્રી આપે ! થોડો મેક’પ, છુટ્ટાં કથ્થાઈ વાળ, કપાળ અને કાનની આજુબાજુ ફરફર્યાં કરતી એ વાળની લટો ! લાંબા લટકણિયાં કાનમાં હંમેશ હોય ! વેસ્ટર્ન, ઈન્ડીયન બધાં કપડાં પહેરતાં. અને શેમાં વધારે શોભતાં તે હું ક્યારેય નક્કી કરી શક્યો નહોતો. તે રોજેરોજ મને અદ્ભૂત લાગતાં ! આકર્ષક લાગતાં. હું ઘરે હોઉં તો એ મારી નજર સામેથી હટતાં નહીં. એમને જોવાં દુકાને જવાની રાહ જોયાં કરતો. દુકાનમાં એ આવે નહીં ત્યાં સુધી બેચેન રહેતો. આવે જ નહીં તો કોઈ ને કોઈ બહાને ફોન કરી વાતો કરવાનો મોકો શોધ્યાં કરતો. એ દુકાનમાં હોય તો હું તેમની આજુબાજુ ના ઈચ્છવાં છતાં પતંગિયાંની ફરફર્યાં કરતો. મને મનોમન ખાત્રી પણ હતી કે નિષ્ઠામેમને પણ મારી કંપની ગમતી હતી ! 

બે વર્ષમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પતી ગયું. મને ઘરની નજીક નોકરીની પણ સામેથી માંગ આવી હતી. પણ મારે નિષ્ઠામેમની આ નોકરી છોડવી નહોતી. કદાચ એમની પાછળ હું ઘર અને તેના પ્રત્યેની મારી નૈતિક ફરજો ભૂલવાં માંડ્યો હતો ! 

થોડાં દિવસ માટે પરેનભાઈ બોસને બહારગામ જવાનું થયું. રાત્રે સાડા આઠે શોરૂમ બંધ કરી નિષ્ઠામેમને ઘણાં દાગીના આજે ઘરે લઈ જવાનાં હોઈ મારું સ્કૂટર શોરૂમ પર જ રહેવાં દઈ હું તેમની સાથે ગાડીમાં તેમનાં ઘરે ગયો. ઘરે તેમનો મોટો દીકરો પ્રીત અને નાની દીકરી યતિકા ડ્રોઈંગરૂમની બાજુનાં રૂમમાં ટ્યુશનમાં બેઠાં હતાં. તેમનાં સાસુ પૂજારૂમમાં હતાં જેમને ડ્રોઈંગરૂમમાંથી સીધાં જ જોઈ શકાતાં હતાં. અને એ પણ ડ્રોઈંગરૂમમાં સીધી નજર રાખી શકતાં હતાં. રસોઈ કરનારાં બહેન કીચનમાં રસોઈ બનાવી રહ્યાં હતાં જેની સુગંધી ઘરમાં આવનાર વ્યક્તિને સીધાં જ જમવાં બેસવાનું મન થઈ જાય તેવી હતી. હું સોફા પર બેઠો અને નિષ્ઠામેમ સીધાં રૂમમાં જતાં રહ્યાં. હું બેસી ઘર અને તેની સુંદર સજાવટને જોઈ રહ્યો. 

થોડીવારમાં નિષ્ઠામેમ નીચે આવતાં ઘરનાં બધાં ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. મેમે આગ્રહ કરી મને પણ તેમની સાથે જમવાં બેસાડ્યો. હું મનોમન મારી જાતને બહુ ખાસ ગણી અભિમાનથી ફુલાઈ ગયો. જમ્યાં પછી થોડીવાર વાતચીત કરી હું નીકળવાં જતો હતો ત્યાં મેમે રોકી લીધો. 

“પ્રથમ, થોડો હિસાબ મળતો નથી. તો તું થોડીવાર બેસ. હિસાબ પતાવીને જા.”

જવાં માટે ઊભો થયેલો હું પાછો બેસી ગયો. તેમનાં સાસુ અને બાળકો સૂવાં પોતપોતાનાં રૂમમાં જતાં રહ્યાં. મેમ અને હું તેમનાં ઘરની ઓફિસમાં બેસી હિસાબ કરતાં કરતાં આમતેમ વાતો પણ કરવાં લાગ્યાં. લગભગ બારેક વાગ્યે બધું પતી જતાં મેં ઘરે જવાની રજા માંગી. મેમ ડ્રાઈવરને ઘરે રાખી જાતે મને મૂકવાં આવ્યાં. રસ્તામાં મેમે આગ્રહ કર્યો એટલે અમે મોડી રાત સુધી ખુલ્લી રહેતી આઇસક્રીમની દુકાન પર આવ્યાં. 

અમે આઈસક્રીમની દુકાનનાં લાકડાંનાં હિંચકા પર બેઠાં. ઝાડપાન અને ફૂલોનાં વેલાંઓ વચ્ચે વચ્ચે છૂટાં છવાયાં બે બે જણ બેસી શકે તેવાં હિંચકાં હતાં. ધીમો ઠંડો પવન આવી રહ્યો હતો, જે મેમનાં ખુલ્લાં વાળ સાથે રમી રહ્યો હતો. પૂનમ નજીકમાં આવતી હોવાથી ચંદ્ર પૂરેપૂરો ગોળ જેવો દેખાતો હતો. તેની ચાંદની વૃક્ષો અને વેલાંઓમાંથી ચળાઈ ચળાઈને નિષ્ઠામેમની સુંદરતા અપ્રતિમ બનાવતી હતી. હું સંમોહિત બની તેમને જોઈ રહ્યો હતો. મને લાગતું હતું કે નિષ્ઠામેમ આ વાત બરાબર જાણતાં હોવાં છતાં જાણે અજાણ હોય તેમ વર્તતાં હતાં. મને લાગ્યું કે તેમને પણ હું ગમું છું ! હું તો જાણે આવી મધુર એકાંત ક્ષણોની રાહ જોતો જ હતો પણ મને લાગ્યું કે મેમ પણ કદાચ આવી ક્ષણોની રાહ જોતાં હતાં. વાતાવરણની મધુરતામાં ભાન ભૂલી અમે બંને એકમેકની હથેળીમાં હથેળી પરોવી મૌન બેસી રહ્યાં. આઇસક્રીમ ઓગળી મિલ્કશેક બની ગયો. 

એક સવારે મને પોલીસનો ફોન આવ્યો,

“પ્રથમ મહેતા ? પરેનભાઈ સોની અને તેમનાં પત્નીનો મુંબઈથી પાછા ફરતાં અકસ્માત થયો છે, તાત્કાલિક સ્ટરલીંગ હોસ્પિટલમાં આવી જાવ.”

હું હાંફળોફાંફળો હોસ્પિટલ પહોંચ્યો. પરેનભાઈનું તો તત્કાળ અવસાન થઈ ગયું હતું. નિષ્ઠામેમ આઈસીયુ યુનિટમાં હતાં. તેમણે જ મને બોલાવડાવ્યો હતો. આઘાતથી મને કોને બોલાવવાં, શું કરવું તે થોડીવાર તો સૂઝ્યું જ નહીં. 

પરેનભાઈનો મૃતદેહ અમે કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો. આશા હતી કે અઠવાડિયામાં નિષ્ઠામેમ સારાં થઈ જશે તો પછી તેમની હાજરીમાં પરેનભાઈની અંતિમ વિધિ કરી શકાશે ! હું ઉદાસ વદને આઈસીયુ યુનિટની બહાર સતત બેસી રહ્યો. ચારપાંચ દિવસ પછી મેમ થોડી વાત કરી શક્યાં. તેમણે મને કહી તાત્કાલિક તેમનાં વકીલને બોલાવ્યાં. તેમનાં સાસુ, તેમનાં બાળકો અને તેમની તમામ મિલ્કત મને સોંપી ઉચિત કરવાંની સૂચના આપી કાયમ માટે આંખો બંધ કરી દીધી ! 

મારાં માટે આ આઘાત જીરવવો સહેલો નહોતો. મને ધ્રુસકે ધ્રુસકે રડવું હતું પણ છાનાં આંસું સારી હું ચૂપ રહ્યો. બીજી બાજુ બધાંને આશ્ચર્ય થતું હતું કે તેમનાં કોઈ સગાંને બદલે તેમણે મને કેમ આ બધું સોંપ્યું ! ? અરે ! હું પણ તો એ ક્યાં સમજી શક્યો નહોતો ? ! 

સમયને સરતાં ક્યાં વાર લાગે છે ! બા ગુજરી ગયે પણ પાંચેક વર્ષ થઈ ગયાં. આજે પ્રીત બીઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરી યુએસએથી પાછો આવી રહ્યો હતો. હું અને યતિકા એને લેવાં એરપોર્ટ આવેલાં હતાં. આવતીકાલે સવારથી પ્રીત અને યતિકા શોરૂમ અને તેમની તમામ મિલ્કતનાં સરખાં ભાગીદાર બની જશે અને બંને શોરૂમ સંભાળી લેશે. 

મેં મનોમન નક્કી કરેલું કે એક મૌન, નામ વગરનાં પ્રેમસંબંધ પ્રત્યેની ફરજ પૂરી કરવાં માટે જે માતાપિતા પ્રત્યેની નૈતિક ફરજો અવગણી હતી, ત્યાં હવે પાછાં ફરવું. હવે તો પ્રીત અને યતિકા બંને એકલાં રહી પોતાની જિંદગી જીવવાં સક્ષમ છે ! જ્યારે મારાં માતાપિતા બંને લગભગ સીત્તેરનાં થવાં આવ્યાં હશે ! હવે મારી બહેનોને તેમની સેવાની જવાબદારીમાંથી મુક્ત કરી, હું એ ઋણ પૂરું કરું ! મારી એ નૈતિક ફરજ પણ પૂરી કરું ! 

નિષ્ઠામેમનાં ઘરની, શોરૂમની બધી ચાવીઓ, જરૂરી કાગળો આપી જરૂરી વાતો પ્રીત અને યતિકાને સમજાવી હું મારાં રૂમમાં આવ્યો. મેં બેગ ભરીને તૈયાર જ રાખી હતી. મારી એકલતાની અને નિષ્ઠામેમનાં મારાં પરનાં વિશ્વાસની સાક્ષી રૂપી એ એકાંત રૂમની દિવાલો સામે જોઈ ભૂતકાળની થોડી સ્મૃતિઓમાં ડૂબકી લગાવી હું બેગ લઈને બહાર ડ્રોઈંગરૂમમાં આવ્યો તો અચંબિત રહી ગયો. મમ્મી પપ્પા પ્રીત અને યતિકા સાથે બેસી ચા પીતાં પીતાં અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. મમ્મીપપ્પાનો બધો સામાન સામેનાં પ્રીત યતિકાનાં નાનપણનાં ટ્યુશનરૂમનાં ખુલ્લાં બારણાંમાંથી થોડો થોડો દેખાઈ રહ્યો હતો. 

“અંકલ, હવે અમે બા દાદાને પણ અહીં લઈ આવ્યાં છીએ. હવે તમારે અમને મૂકીને ક્યાંય જવાનું નથી !”

એ રાત્રે મને ઊંઘ ના જ આવી. હું પથારીમાં સૂતાં સૂતાં પડદાં ખુલ્લાં રાખી બારીની બહાર નજર રાખી જોઈ રહ્યો અને વિચારતો રહ્યો, “આ સંબંધને જ પ્રેમસંબંધ કહેવાતો હશે ?”


Rate this content
Log in

Similar gujarati story from Romance