Nisha Patel

Classics Inspirational

4.8  

Nisha Patel

Classics Inspirational

તૃષા -પૃથા !

તૃષા -પૃથા !

7 mins
368


એ બંને હતી બાળસખીઓ ! બાજુ બાજુમાંજ રહેતી. તેમનાં કુટુંબ વચ્ચેય ઘર જેવો સંબંધ. બંને વચ્ચે લગભગ મહીના- પંદર દિવસનો ફેર હતો. બંનેની માતાઓ પિયરથી સુવાવડ કરી લગભગ એક જ સમયે સાસરે પાછી ફરી હતી, ત્યારથી બંને સાથે હતી ! સાથે જ ઉછરી, રમી, જમી, લડી-ઝઘડી, રડી, હસી, ભણીગણી, જાગી, સુતી ! હંમેશ સાથે ને સાથે, જાણે એકમેકનાં પડછાયા ! સ્વપ્નાઓ પણ જોયાં સાથે ! સ્કૂલ એક, કોલેજ એક અને બંનેનાં કલાસીસ પણ એક ! ભણ્યાં પણ બંને એક સરખું ! કોમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન. 

એકબીજાનાં પડછાયા બનીને જીવતી આ બંને બહેનપણીઓના પરિવારની આમ જુઓ તો જ્ઞાતિ જુદી, વિચારસરણી જુદી, જીવન જીવવાની પધ્ધતિ જુદી, પણ બંને પરિવાર બધાં જ કામમાં, સારનરસાં પ્રસંગે એકબીજાની પડખે ઊભા રહેતાં. સમયને પાંખો લાગેલી હતી જાણે ! ક્યારે બંને મોટા થઈ ગયાં, ભણી લીધું, જાણે ખબર જ ના પડી ! અભ્યાસ પતી જતાં બંનેએ એક જ કંપનીમાં નોકરી લીધી. હવે તો બંનેનાં લગ્નની વાતો ચાલવા લાગી. તૃષાના લગ્ન અમેરિકામાં રહેતા પીનલ સાથે લગભગ નક્કી થઈ ગયા. લગભગ એટલા માટે કે એકમાત્ર તૃષા સિવાય બધાની ‘હા’ હતી. પણ તૃષા પૃથાને છોડી અમેરિકા જવા તૈયાર નહોતી. કુટુંબીજનોએ સમજાવવાના બધા પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ ! 

બસ, એ જ દરમ્યાન પૃથાના પિતાને હાર્ટએટેક આવ્યો અને એ આજીવન માટે અપંગ બની ગયા. ઘર, નાના ભાઈબહેન, બીમાર પિતા અને મા- બધાનો આધાર હવે માત્ર પૃથા અને તેની જોબ હતાં ! હવે તો એ આ ઘર છોડી ક્યાંય જઈ શકવાની નહોતી. તો શું તૃષા પણ તેની જેમ કુંવારી રહે ? તો જ તો એ બંને સાથે રહી શકે ને ! નહીં તો બંનેનો આજીવન સાથે રહેવાનો સંકલ્પ તૂટી જાય ! અને બંને એકબીજાથી છૂટા પડી જાય ! જેમ તૃષા પર લગ્ન કરી લેવાનું દબાણ હતું તેમ પૃથા પર પણ બંને ઘરનાં વડીલોનું દબાણ હતું કે પૃથા તૃષાને પીનલ જોડે લગ્ન કરી લેવાં સમજાવે !

સૌને હતું કે પૃથા સમજાવશે તો તૃષા પીનલ સાથે લગ્ન કરવા જરૂર માની જશે ! બધાં જ પોતપોતાની જગ્યાએ સાચાં તો હતાં ! પીનલ સારો ભણેલો ગણેલો, સમજદાર યુવાન હતો. અમેરિકા વસતો હતો. સારા કુટુંબનો હતો. બધાં એકબીજાને ખૂબ સારી રીતે જાણતાં હતાં. તૃષાને પોતાને પણ પીનલ ગમતો હતો. બસ, તેને પોતાની પરમ સખીને છોડીને આટલે દૂર જવું નહોતું, અને તે પણ ત્યારે કે જ્યારે પૃથાને માનસિક હૂંફની સૌથી વધારે જરૂર હતી ! 

પૃથાના ભારે દબાણ પછી તૃષા માની ગઈ એ શરતે કે સમય જતાં બધું સરખું થઈ જાય, ચાર-પાંચ વર્ષમાં બધા ભાઈ બહેન ભણી લે, ભાઈ જવાબદારી સંભાળી એટલે પૃથા પણ અમેરિકા આવશે. તૃષાના લગ્ન થઈ ગયા. થોડા સમય પછી તે ભારતની નોકરી છોડી અમેરિકા ચાલી ગઈ. સમય સમયનું કામ કરતો ગયો. જીવન ક્યાં કોઈના વિના કે કશાના વિના અટકી જાય છે ? એ તો સતત આગળ વધ્યા જ કરે છે ને ! 

તૃષા-પૃથાનું પણ જીવન આગળ વધતું ગયું. વર્ષો વીતવાં લાગ્યાં. તૃષાને બાળકો થયાં, ઘર, નોકરી, સંતાનો પાછળ એ વધુ ને વધુ વ્યસ્ત રહેવા લાગી. ફોન, પત્રો બધું ઓછું થઈ ગયું. ભારતની મુલાકાત સાવ જ ઓછી થઈ ગઈ ! પૃથા પાસે લીધેલું વચન પણ વીસરાઈ ગયું. આ તરફ ભાઈબહેનો ભણીગણી અમેરિકા વસી ગયાં ! રહી ગયા, વૃધ્ધ બીમાર પિતા, વૃદ્ધ થયેલી મા અને પૃથા ! પૃથા પોતાની એકલતા અને માતાપિતાની ફરજમાંથી મુક્ત ના થઈ શકી ! અલબત્ત, એ થવા પણ નહોતી માંગતી. તેણે તો આગ્રહ કરી નાના ભાઈબહેનને અમેરિકા મોકલી દીધેલાં ! હવે તો એ આ જીવનથી ટેવાઈ ગયેલી ! ઘરનાં કામ, નોકરી, માતાપિતાની સેવા… એ આખો દિવસ વ્યસ્ત રહેતી. પણ રાત્રે એને તૃષા યાદ આવ્યા કરતી. એ શું કરતી હશે ? મને યાદ કરતી હશે ? યાદ કરતી હોય તો કદીયે ફોન કેમ નથી કરતી ?! હવે તો ઈન્ટરનેટથી સહેલાઈથી ફોન થઈ જાય છે. પહેલાં એવું હતું કે ધાર્યાં પ્રમાણે ફોન નહોતાં થતાં. 

સમયનું ચક્ર તો નિરંતર ચાલતું જ રહ્યું ! પિતા ગુજરી ગયા પછી થોડા સમયમાં મા પણ. પૃથા હવે સાવ એકલી પડી ગઈ. આડોશીપાડોશીઓ પણ બદલાવાં માંડ્યાં હતાં. કોઈ કોઈ ખાલી કરી દૂર રહેવા જતાં રહ્યાં, કોઈ કોઈ ગુજરી ગયા ! હવે તો આખી સોસાયટીમાં બધા લોકો નવા જ હતાં. પૃથાને કોઈ સાથે આત્મીયતા નહોતી થઈ અથવા એણે જાણી જોઈને કોઈ સાથે આત્મીય સંબંધો બાંધ્યાં જ નહીં. એની પણ હવે ઉંમર થઈ હતી. વાળ સફેદ થયાં હતાં અને મોં અને શરીર કરચલીઓ હવે સ્પષ્ટ દેખાતી હતી. નોકરીમાંથી નિવૃત્તિ મળી ગઈ હતી. હવે દિવસ અને રાત પસાર થતાં જ નહોતાં. આટલી બધી વ્યસ્તતા પછી આવેલી આ નિષ્ક્રિયતા… એની બેચેની-મૂંઝવણ દિવસે દિવસે વધતી જતી હતી. બાજુમાં આવેલું તૃષાનું ઘર પણ હવે બંધ રહેતું હતું. તૃષાના ભાઈબહેન, માબાપ, બધાં અમેરિકા જતાં રહ્યાં હતાં. હવે તો તેમના કોઈ સમાચાર પણ નહોતાં આવતાં. તૃષાનો ફોન પણ આવ્યે કદાચ બે એક વર્ષ વીતી ગયાં હશે ! 

કોઈ કોઈવાર તે વોટ્સએપ મેસેજ કરતી. પણ તૃષાનો જલ્દી જવાબ આવતો નહીં. જીવનનાં અંતની જ હવે રાહ જોવાની ને ! ઘણીવાર તો તે સાવ નિરાશ થઈ જતી. 

એક દીવાળી પર બધાં ભાઈબહેનોએ ભારત આવવાનું નક્કી કર્યું. તેઓ કદીયે પૃથાએ કુટુંબ માટે કરેલાં ત્યાગને ભૂલ્યાં નહોતાં. પણ છોકરાંઓની સ્કૂલો અને વ્યવસાયનાં ચક્કરમાં બધાં એક સાથે ભારત આવી શકતાં નહોતાં. પૃથાને અઢળક આજીજી કર્યાં પછીયે પૃથા કોઈ દિવસ અમેરિકા આવવાં તૈયાર થઈ નહોતી. હવે બધાંનાં છોકરાંઓ મોટાં થઈ ગયાં હતાં તેથી બધાંએ સહકુટુંબ ભારત આવી પૃથા સાથે દીવાળી મનાવવાનું નક્કી કર્યું. આટલાં બધાં એક સાથે આવવાનાં હોઈ જે પૃથા આજ સુધી રીનોવેશન ટાળતી હતી તેનો હવે ઘર સરખું કરાવી બધી આધુનિક સગવડો કરાવ્યે જ છૂટકો હતો ! બધાંની રીનોવેશનને લગતી નવી નવી ફરમાઈશો આવતી. છોકરાંઓ પણ માસીને અને ફોઈને વીડીયો કોલ કરી પોતાની ખાસ ખાસ માંગણીઓ કરતાં. અને કહેતાં, “હવે તો અમે બધાં દર વર્ષે તમારી સાથે થોડાં થોડાં દિવસ રહેવાં આવીશું, માટે આપણે આ બધી સગવડો કરાવી જ લઈએ !”

જોકે, તેમનો આશય મૂળ તો એવો હતો કે પૃથા ઘરમાં ઢળતી ઉંમરે થોડી આરામની જિંદગી જીવે ! આખી જિંદગી તેણે એક સાંધતાં તેર તૂટે એવી અવસ્થામાં જ કાઢી હતી. પપ્પાની માંદગી પાછળ એ તન, મન, ધનથી ઘસાઈ હતી. પણ ક્યારેય કોઈની મદદ સ્વીકારતી નહોતી. એટલે હવે બધાં થોડો થોડો પોતાનો સમય તેની વૃદ્ધાવસ્થામાં આપવાં માંગતાં હતાં. પૃથા પણ આ વાત સમજતી હતી. આટલાં વર્ષથી મદદ લીધાં વિના સ્વાવલંબનથી સ્વમાનભેર જીવતાં હવે તેને આ બધાં પાસે રીનોવેશનનાં પૈસા લેવાં ગમતાં તો નહોતાં.  છતાં તેણે બધાંની લાગણીઓનું માન રાખ્યું હતું. એમાં વળી બાજુમાં તૃષાનાં ભાઈનો અમેરિકાથી ફોન આવ્યો હતો. તેને પણ તેનાં ઘરમાં બધું બદલી તદ્દન નવું જ આધુનિક સગવડોવાળું ઘર બનાવી દેવું હતું ! 

હવે, પૃથા પાસે બે ઘરને તદ્દન આધુનિક અને નવાં જેવાં જ બનાવી દેવાય તેટલાં પૈસા તો ભેગાં થયાં નહોતાં. વળી, તૃષાનાં ભાઈને તેણે વિવેક ખાતર પણ કહી દીધેલું કે પૈસાની કોઈ ચિંતા નહીં કરતાં. એ બધું કરાવી દેશે અને પછી જ્યારે એ લોકો ભારત આવશે ત્યારે જે હશે તે હિસાબ કરી લેશે. એટલે આમ પણ તો તેને પૈસાની સગવડ તો કરવી પડે તેમ હતી જ. તેણે એકલાં હાથે બધાં ભાઈબહેનને ભણતર પૂરું કરાવ્યું હતું, ઘર ચલાવ્યું હતું, આખી જિંદગી પોતાની જ કમાણી પર માતાપિતાની દવાદારૂ કર્યાં હતાં. એટલે તેની પાસે બચત પણ કેટલી હોઈ શકે ? 

દીવાળી આવતાં સુધીમાં તેણે દોડાદોડી કરીને બંને ઘર એકદમ નવાં જ કરી દીધાં ! કોઈ માની ના શકે તેટલાં સુંદર બનાવી દીધાં ! એક જોતાં સારું જ થયેલું. તેનાં તદ્દન નિરાશ અને હતાશ, નિષ્ક્રિય દિવસોમાં આ કામને લીધે એવી તો ચહેલપહેલ થઈ ગઈ હતી કે તેને પોતાને જ ખબર ના પડી કે તેનાં જીવનનાં આ દિવસો કેવીરીતે ઊડી ગયાં ! 

બધાંને આવવાનો દિવસ આવી ગયો. સફેદવાળને વ્યવસ્થિત ઓળી આછાં પરપલ કલરની કુર્તી પહેરી એ એરપોર્ટ પહોંચી. કોણજાણે કેમ પણ આજે તેનું હ્રદય કાંઈક જુદી જ ધૂન વગાડતું હતું, જેને તે પોતે પણ સમજી શકી નહોતી. 

***

એરપોર્ટથી બધાંને લઈ જ્યારે સાત સાત મોટી ગાડીઓ એ જૂની સોસાયટીનાં નવાં બનાવેલાં બે ઘર આગળ ઊભી રહી ત્યારે સાંઈઠ વર્ષની પૃથા સોળ વર્ષની બની થનગનતી હતી. આજે તેનાં આનંદની કોઈ સીમા નહોતી ! બંને ઘર વર્ષો પછી બધાં સંબંધો ફરી પાછાં તાજાં કરતાં ધમધમી રહ્યાં હતાં. પૃથા તો નાની કિશોરી બની તૃષાનો હાથ છોડવાં જ તૈયાર નહોતી ! આજે આટલાં વર્ષે બંને બહેનપણીઓએ નાનપણમાં એકબીજાને આપેલ સાથે રહેવાનું પૂર્ણ કરવાં થનગની ઊઠી ! પોતનાં સંસારમાં આટલાં વર્ષો વ્યસ્ત રહ્યાં પછી છેવટે પૃથા અને તૃષાએ પોતાનાં માટે સમય કાઢી જ લીધો.

તૃષા અને પીનલ હવેથી હંમેશ માટે અમેરિકાને વિદાય આપી પાછાં વતનમાં આવી પૃથાની બાજુમાં રહેવા આવ્યાં હતાં ! અને તે બંનેની અતૂટ મૈત્રીનાં આટલાં વર્ષો પછીનાં આ મેળાપનાં સાક્ષી બની બંનેના કુટુંબીઓ એક અનેરો આનંદઅવસર ઉજવવાં બંને ઘરને દીપોની હારમાળા પ્રગટાવી સજાવી દીધેલું ! ! !


Rate this content
Log in

Similar gujarati story from Classics