Nisha Patel

Drama Thriller

4.8  

Nisha Patel

Drama Thriller

મિસ દીક્ષિત

મિસ દીક્ષિત

5 mins
425


નિષ્મા કોલેજમાં અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએટ થવાં આવી ત્યારે તેનામાં એટલો તો થનગનાટ ભરેલો હતો કે તે ખાસ સુંદર ન હોવાં છતાં બધાંનું ધ્યાન ખેંચતી. આનંદ ઉત્સાહનો તરવરાટ એટલો કે ક્યાંય સમાય નહીં. ચકલીની જેમ કલબલાટ કર્યાં કરતી તે લાઇબ્રેરી, પ્રિન્સીપાલની ઓફિસ, ટીચર્સ રૂમ, કોલેજની કેન્ટીન દરેક જગ્યાએ ફરફર કરતી ઊડ્યાં કરતી. ઘરમાં બધાં ભાઈબહેનોમાં તે વચેટ હતી. તેનાંથી ત્રણ વર્ષ મોટો ભાઈ અને દોઢેક વર્ષ નાની બહેન. મમ્મી પપ્પા અને ભાઈબહેનનો પરિવાર સુખી પરિવાર હતો. દાદાદાદી ક્યારેક થોડો વખત આવતાં અને રહી જતાં. બાકી નાના કાકી જોબ કરતાં હોવાથી તેમનાં ઘરે વધુ રહેતાં જેથી તેમને મદદ થઈ જાય. તેનાં બે ફોઈઓમાંથી એક અંગ્રેજીમાં પીએચડી કરી એક પ્રાઈવેટ કોલેજની પ્રિન્સીપાલ હતાં. તેમનાંથી પ્રભાવિત નિષ્માએ અંગ્રેજીને મુખ્ય વિષય પસંદ કરેલો. બાકી માતાપિતાની ઈચ્છા તો બીજાં મોટાંભાગનાં માતાપિતાની જેમ જ એવી હતી કે તે ડોક્ટર બને ! 

તેની અંગ્રેજીના પ્રોફેસર હતાં મિસ દીક્ષિત. સુંદર, લાંબા પાતળાં, મુંબઈ યુનિવર્સિટીનાં ગોલ્ડ મેડલીસ્ટ, ડોક્ટરેટ. કશું પણ પૂછો બધાં જ જવાબ હાજર હોય ! અંગ્રેજી સાહિત્યનાં કોઈપણ લેખક હોય, કોઈ પણ લેટેસ્ટ ન્યુઝ હોય, મેગેઝીન હોય, ઈન્ટરનેટ પર ડાઉનલોડ થયેલ બુક હોય કે વેબીનાર. એમની પાસે એની તમામ માહિતી મળી આવે. તેમને દરેક અંગ્રેજી યુનિવર્સિટીનાં સીલેબસ અને પેપર્સની ખબર હોય! જાણે જીવતાં જાગતાં કમ્પ્યુટર ! નિષ્મા તેમનાંથી તો એટલી પ્રભાવિત હતી કે ના પૂછોને વાત ! ફોઈ મિસ દીક્ષિતની સરખામણીમાં તો કશું ના કહેવાય તેવું તેને લાગતું. મિસ દીક્ષિત તેનાં આદર્શ બની ગયાં. તે તેમનું દરેક રીતે અનુકરણ કરવાં પ્રયત્ન કરતી. 

એ જ્યારે જુઓ ત્યારે ક્લાસમાં, લાઇબ્રેરીમાં, ટીચર્સ રૂમમાં, દરેક જગ્યાએ મિસ દીક્ષિતની આજુબાજુ જ હોય ! મિસ દીક્ષિતને સોશ્યલ મીડીયા પર પણ એ સતત ફોલો કર્યાં કરતી. એમની દરેક ગતિવિધિનું ધ્યાન રાખતી. મિસ દીક્ષિતે દીવાળી પછી એમનાં ક્લાસની એક સાપુતારાની ટ્રીપ રાખી. નિષ્માએ પહેલું જ પોતાનું નામ લખાવી દીધું. તેનાં આનંદની સીમા નહોતી. પૂરાં ત્રણ દિવસ મિસ સાથે. સાથે ને સાથે જ. એક તો એ હતી જ પહેલેથી તરવરતી, ગણગણતી, ધમધમતી, બધાંનું ધ્યાન આકર્ષતી. જતી વખતે બસમાં એ બધાંની તોફાનમસ્તીનું કેન્દ્ર રહી. રાત્રે ડીનર પછી બધાં કેમ્પફાયર કરીને હોટલનાં પાછળનાં ભાગમાં બેઠાં. અંગ્રેજી મ્યુઝીક વાગી રહ્યું હતું. બધાં કપલ્સ બની ડાન્સ કરવાં લાગ્યાં. તે ખેંચીને મિસ દીક્ષિતને ડાન્સ કરવાં લઈ ગઈ. અંધારી રાતમાં કેમ્પફાયરનાં વધતાં ઘટતાં અજવાળામાં મિસ દીક્ષિતની ગોરી ત્વચા ચમકી રહી હતી. તેમણે આજે રેડીશ મરુન કલરનો સ્કીન ટાઈટ ટ્વીસ્ટેડ ઘૂંટણ સુધીનો ડ્રેસ પહેર્યો હતો. એ પણ તેમનાં જેટલો જ ચમકી રહ્યો હતો. મનોમન તેને થયું કે કાશ, તે પણ તેમનાં જેટલી સુંદર હોત !

ડાન્સ કરતાં કરતાં મિસે તેને પોતાની સાથે રૂમ શેર કરવાં કહ્યું. એ તો ગાંડી ગાંડી થઈ ગઈ. અડધી રાત સુધી ડાન્સ કરી સૌ સૂવાં ગયાં. નિષ્માને તો રાત્રે સૂવાને બદલે મિસ સાથે વાતો કરવામાં ખૂબ રસ હતો. પણ એવી તો થાકી ગઈ હતી કે તેને પોતાને જ ખબર ના પડી કે તે ક્યારે સૂઈ ગઈ ! 

આંખ ખૂલી ત્યારે… 

તેણે પહેરેલ નાઈટડ્રેસનાં બટન ખુલ્લાં હતાં. જે અસામાન્ય હતું. અને તેનાથી યે વધારે અસામાન્ય હતું કે મિસ દીક્ષિત પણ લગભગ તેવી જ હાલતમાં તેને વીંટળાઈને સૂતાં હતાં. ક્ષણભર તો તેને કશું સમજાયું જ નહીં. પણ સહેજવારે તે સભાન થઈ અને તેને થયું કે તે ખસી જાય. પણ તે એવું કરી ના શકી. યુવાનીનાં ઉંબરે હમણાં જ પ્રવેશેલી તેની કાયાને પણ આ આલિંગન ગમ્યું. આ સ્પર્શને અવગણવાંને બદલે અનાયાસ તે મિસ દીક્ષિતને વધુ વીંટળાઈ. અર્ધજાગ્રત મિસ દીક્ષિત મનોમન હસ્યાં… “ચાલો, એક નવી ઋતુનો પ્રારંભ થઈ ગયો ! …”

બીજી સવારે ઊઠ્યાં પછી તેને ગુનાહીત લાગણી થવાં માંડી. ‘કોઈને ખબર પડી જશે તો’ એમ વિચારી બીક પણ લાગવાં માંડી. પરંતુ તે આ આકર્ષણને ટાળી શકી નહીં, ઉપરથી વધુ ને વધુ ડૂબવાં લાગી. જેમજેમ એ અંદર ડૂબતી ગઈ તેમ તેમ તેનું હાસ્ય, તેનો ગણગણાટ, તેનો કલબલાટ ખોવાતો ગયો. તેને એ પણ ખબર ના પડી કે આખી કોલેજ અને ઘર, બધાંએ જ તેનામાં આવી ગયેલો ફેરફાર નોંધ્યો હતો, જે કોલેજની ચર્ચાનો વિષય હતો તો ઘરનાંની રાહતનો. તેનાં પરિવારને લાગ્યું હતું કે યુવાન થઈ રહેલી દીકરી સમજદાર બની જતાં શાંત બની ગઈ છે ! સમય જતો ગયો તેમ તેમ તેનું લક્ષ ભણવાને બદલે મિસ દીક્ષિતને કઈરીતે ખુશ કરવાં તે જ બની ગયું હોઈ બધાં જ ક્લાસમાં તેનાં માર્ક્સ ઓછાં થવાં માંડેલાં. તે ક્લાસ દરમિયાન પણ એ જ વિચાર્યાં કરતી કે આજે મિસ તેને એમનાં ઘરે બોલાવશે કે નહીં ! 

એમ ને એમ બે વર્ષ પતી ગયાં. એણે ગ્રેજ્યુએશનનાં ત્રીજાં અંતિમ વર્ષમાં પ્રવેશ કર્યોં. તે જ વર્ષે તેની નાની બહેને પણ સ્કૂલ પતાવી તેની જ કોલેજમાં તેનાં અને ફોઈનાંથી પ્રભાવિત અંગ્રેજી મુખ્ય વિષય લઈ પ્રવેશ લીધો. બંને બહેનોનાં દેખાવ અને સ્વભાવમાં આસમાન જમીનનો ફેર હતો. ગ્રીષ્મા પહેલેથી જ શાંત સ્વભાવની હતી. દેખાવે પણ નિષ્મા કરતાં સુંદર અને આકર્ષક હતી. કોલેજમાં તે હંમેશ પોતાની ઓળખાણ નિષ્માની બહેન તરીકે જ આપતી. મિસ દીક્ષિતને તેણે એ રીતે ઓળખાણ આપી ત્યારે તેમની આંખમાં એક નવી ચમક આવી ગઈ અને ચહેરાં પર માદક સ્મિત ! મનોમન ગણગણી ઊઠ્યાં, 

“નવી ઋતુ આવી ! સમય જતાં ઋતુએ બદલાઈ જ જવું પડતું હોય છે !”          

એક દિવસ સાંજનાં ગ્રીષ્માએ આંસુ સાથે મિસ દીક્ષિતનાં ચારિત્ર્યની વાત કરી. નિષ્માનું લોહી ગરમ થઈ ગયું. તે તો સમજતી હતી કે મિસ દીક્ષિત અને તે એકબીજાંનાં પ્રેમમાં છે. જ્યારે મિસ દીક્ષિત તો..

એ સીધી પહોંચી મિસ દીક્ષિતનાં ઘરે. મિસ દીક્ષિત થોડાં દિવસ પહેલાં લીધેલી પરીક્ષાનાં પેપર તપાસી રહેલાં. અચાનક વંટોળની જેમ આવી પડેલી નિષ્માને તેમણે શાંત કરી. તેમનાં ઘરનાં છૂપા કેમેરાથી ઉતારેલ નિષ્મા અને તેમનાં વીડીયો બતાવ્યાં, કે જેમાં તેમનો ચહેરો તો દેખાતો જ નહોતો. અને એ વીડીયો એવીરીતે સેટ કરીને ઉતાર્યાં હતાં કે માત્ર નિષ્માને જ સરખી જોઈ શકાય. નિષ્મા ગુસ્સા અને હતાશામાં ત્યાં જ ઢગલો થઈ ગઈ. તેને પોતે કરેલી ભૂલ સમજાઈ. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું… ને મિસ દીક્ષિતનાં જીવનની ઋતુ બદલાઈને લોહિયાળ ઋતુ બની ગઈ !

બીજાં દિવસનાં દરેક મીડીયા, દરેક સમાચારપત્રોનાં સમાચારોનું કેન્દ્ર રહ્યાં એક ખાસ સમાચાર… છેલ્લાં વર્ષની કોલેજની વિદ્યાર્થીનીએ સતત બે પરીક્ષામાં નાપાસ થતાં ગુસ્સામાં મિસ દીક્ષિત જેવી હોનહાર પ્રોફેસર પર કર્યાં ચપ્પાંથી અનેકવાર ! નિષ્મા જેલમાં અને આઈસીયુમાં છેલ્લાં શ્વાસ લેતાં મિસ દીક્ષિત ! 


Rate this content
Log in

Similar gujarati story from Drama