Nisha Patel

Fantasy Others

4.5  

Nisha Patel

Fantasy Others

રાજકુમારીનો હાર

રાજકુમારીનો હાર

6 mins
283


મારી પૌત્રી બેત્રણ વર્ષની હતી ત્યારથી તેને એક વાર્તા બહુ ગમતી. મને રોજ કહેતી, 

“નીની, મને પેલી મીન ડોશીની સ્ટોરી કહે!” એ મને “નીની” બોલાવે છે. એ જ્યારે જન્મી ત્યારે મેં કહ્યું હતું કે મને “દાદી”, “નાની” કે “બા” નહીં બોલાવવાની ! હું હજુ એટલી ઘરડી થઈ નથી ગઈ ! એટલે મારી દીકરીએ મારાં માટે શોધી કાઢ્યું- “નીની”. નિશાનો ની અને નાનીનો ની, એમ કરીને “નીની”. અને ત્યારથી ઘરનાં બધાંની જ હું “નીની” બની ગઈ છું. જોકે, એ જુદી વાત છે કે તેનાં સિવાય કોઈ પણ મને “નીની” કહીને બોલાવે તે તેને જરાય ગમતું નથી ! 

મારી યાદશક્તિ ખરાબ હોવાથી મને ખાસ કોઈ વાર્તાઓ યાદ નહોતી. એટલે મારે તેને જાતે બનાવી બનાવી વાર્તાઓ કહેવી પડતી. એમાંય પાછી એ કહેતી, “નીની, કાલે કહી હતી તે વાર્તા કહે!” અને મને યાદ જ ના હોય કે મેં શું કહ્યું હતું. પણ પછી એ મને યાદ કરાવતી અને મારી અધૂરી રહેલી કડીઓ જોડતી.

હવે તો એ અગિયાર વર્ષની કિશોરી બની ગઈ છે. છતાં, હું તેને ત્યાં જાઉં ત્યારે એનાં પોતાનાં રૂમમાં સુવાનાં બદલે મારાં રૂમમાં મારી સાથે સૂઈ જાય અને તેની હજુ પણ એ જ ફરમાઈશ હોય! કાલે રાત્રે પણ એ જ ફરમાઈશ- “નીની, મને પેલી મીન ડોશીની સ્ટોરી કહે!”

***

એક દયાળુ રાજકુમારી હતી. તેની પાસે એક હીરાનો હાર હતો, જેમાં લાલ કલરનું જાદુઈ રત્ન જડેલું હતું. એ હાર રાજકુમારી હમેશા પહેરી રાખે ! એનાં લીધે તેની પાસે ખાસ શક્તિ રહેતી, જેનો ઉપયોગ તે લોકોને મદદ કરવામાં કરતી. એક દિવસ તે બધાં દાગીના ઉતારીને સ્નાન કરવાં ગઈ, સાથે તેણે પેલો ખાસ હાર પણ ઉતારીને ગઈ. હવે બન્યું એવું કે રાજાનાં ઊંચા વિશાળ રંગબેરંગી મહેલનાં ઝરૂખાંનો પડદો થોડોક ખુલ્લો રહી ગયેલો. એમાંથી એક કાળા રંગનું પક્ષી ઝડપથી ફરરર કરીને ઊડીને અંદર આવ્યું અને ચીલઝડપે કોઈ દાસીની કે સૈનિકની નજર પડે તે પહેલાં જ પેલો હાર મોંઢાંમાં લઈને ઊડી ગયું. 

એ જોતાં જ દાસદાસીઓ અને સૈનિકોમાં હોહા અને દોડાદોડી મચી ગઈ. બધાંએ જઈને રાજાને સમાચાર આપ્યાં. રાજા ખૂબ જ ક્રોધમાં આવી ગયાં અને એ પક્ષી જ્યાં પણ ઊડીને ગયું હોય ત્યાંથી તેને પકડી લાવવાં કહ્યું. આ બાજુ રાજકુમારી સ્નાન કરીને બહાર આવી આ સમાચાર જાણ્યાં. તે મૃત રાણીની નિશાની હતી, અને પોતાની મૃત માતાની નિશાની આવી રીતે પક્ષી લઈ જતાં તે એકદમ બેબાકળી બની ગઈ. અને હારને શોધવાં પોતે જ નીકળી પડી. હારની શોધમાં ને શોધમાં તે દૂર ને દૂર નીકળતી ગઈ. 

સાંજે મોડાં તે રાજ્યની બહાર આવેલાં જંગલમાં પ્રવેશી. લગભગ અડધું જંગલ પસાર કર્યાં પછી દૂર સુધી પથરાયેલી ખાલી જમીન અને તેની વચ્ચોવચ એક કાળા અને ભૂખરાં રંગની અત્યંત વિશાળ હવેલી દેખાઈ. રાજકુમારીનું મન કહી રહ્યું હતું કે નક્કી આ જ જગ્યાએ તેનો હાર છે. બધાં ઉતાવળે ઉતાવળે ત્યાં આવ્યાં. રાતનું અંધારું ખૂબ ગાઢું હોવાથી બહાર ચારેબાજુ કશું દેખાતું નહોતું. હવેલીની નજીક આવતાં રાજકુમારીએ બધાં સાથે આવેલ સૈનિકો અને દાસીઓને ચારે બાજુ દબાતાં પગલે ફેલાઈ જઈ પછી અંદર જોવાની સૂચના આપી. પોતે પણ એક દાસી અને સૈનિકને સાથે રાખી હવેલીની જમણી તરફ ગઈ. અલબત્ત, બધી બારીઓનાં પડદાં બંધ હોવાથી અંદર કશું દેખાતું નહોતું. 

ચાલતાં ચાલતાં એક બારી પાસે તે ઊભી રહી ગઈ. પડદાંની પાછળથી થોડો જુદો જ લાલ રંગનો પ્રકાશ પડદાંમાંથી પણ બહાર આવી રહ્યો હતો. તે જોતાં જ તે સમજી ગઈ કે અહીં જ તેનો હાર છે. હવે અંદર કેવીરીતે જવું તે બધાં વિચાર કરવાં માંડ્યાં. હવેલીનાં તોતિંગ બારણાંઓ પર મોટાં મોટાં રજવાડી તાળાં લટકતાં હતાં. તો બારીઓ એક ખાસ પ્રકારનાં કાચથી બનાવવાંમાં આવેલી કે જેને સો ભાલાંઓ કે તીર મારતાં પણ તૂટે નહીં. આખી રાત ચર્ચામાં નીકળી ગઈ. જો એકવાર રાજકુમારી હાર સામે આવી જાય તો પછી હાર લેતાં વાર ના લાગે! પણ અંદર જવાનો કોઈ ઉપાય કે રસ્તો મળતો નહોતો. વિચારણાં કરતાં કરતાં સવાર પડવાં આવી એટલે બધાં પાછાં ઝાડીઓમાં સંતાઈ ગયાં. 

દિવસ ઊગતાં પેલી હવેલીમાંથી એક નહીં ઘોડો કે નહીં વિશાળકાય કૂતરો એવાં વિચિત્ર દેખાવ વાળાં પ્રાણી પર બેસી એક વિકરાળ વિચિત્ર મોંઢાંવાળી અને લાલ લાલ મોટી આંખોવાળી ડોશી નીકળી. તેનાં સફેદ છૂટ્ટાં વાળ વિખરાયેલાં હતાં. તેનાં માથા પર પશુઓનાં શીંગડાંમાંથી બનાવેલો મુગટ હતો. તેણે કાળાં રંગનું ચમકતું રેશમી ગાઉન પહેર્યું હતું. હાથમાં અને ગળામાં હાડકાંની બંગડીઓ અને માળાઓ સાથે રાજકુમારીનો લાલ રત્નવાળો હીરાનો હાર અત્યંત પ્રકાશ ફેંકતો હતો. તેનાં પ્રકાશમાં બીજું બધું ઝાંખું લાગતું હતું અને ગાઢ જંગલમાં તે હારનાં પ્રકાશનાં અજવાળાંને કારણે દૂર દૂર સુધીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. બધાંનાં મોંઢાં આશ્ચર્યથી ખૂલી ગયાં. કેમકે જ્યારે રાજકુમારી પહેરતી ત્યારે બધું સાવ સામાન્ય લાગતું. આવો કોઈ પ્રકાશ તેમાંથી નીકળતો નહીં. 

ડોશી આ હારની મદદથી આખી દુનિયાની તમામ સુંદર છોકરીઓને મારી નાંખી પોતે સૌથી સુંદર બની અને અમર બનવાં માંગતી હતી. પણ તેણે જો એવી શક્તિ જોઈતી હોય તો તેણે રાજ્યનો અને આજુબાજુ તમામ જંગલોનો નાશ કરવો પડે! જે માટે તેણે ખૂબ લડાઈ કરવી પડે તેમ હતી. હારની મદદથી તેને અમુક પ્રકારની શક્તિઓ તો મળતી હતી પણ તે બધી શક્તિઓ તેને તો જ મળે જો રાજકુમારી તેને રાજીખુશીથી આ હાર આપી દે. જો તેમ ના કરે તો હારમાં રહેલી બધી જ શક્તિઓ નકામી બની જાય. આ વાત તેણે પક્ષી બની હાર ઉઠાવી હવેલી પર લાવ્યાં પછી જ જાણી. તેથી તે ક્રોધથી લાલચોળ બની રાજકુમારીને ઉઠાવી લાવવાં નીકળેલી. દૂર સંતાઈને ઊભેલી રાજકુમારી આ પ્રકાશનાં કિરણો તેનાં પર પડતાં જ સમજી ગઈ હતી. તેને આ વાતની જાણ તો હતી જ કે અનાધિકૃત વ્યક્તિ પાસે આ હાર હશે તો આવું જ કાંઈક બનશે. 

ડોશી જંગલમાંથી બહાર નીકળી જતાં રાજકુમારી બધાંને લઈ હવેલીનાં ખુલ્લાં રહી ગયેલાં બારણાંમાંથી અંદર ગઈ. બધાં છૂટાંછવાયાં સંતાઈ ગયાં. સાંજ સુધી ડોશી પાછી ફરી નહીં. બધાં એક તો સંતાઈને કંટાળ્યા હતાં ને ઉપરથી ભૂખ્યાં થયાં હતાં અને તરસ પણ લાગી હતી. રાજકુમારીને પોતાને પણ ભૂખતરસ લાગી હતી. છેવટે તેણે વિચાર્યું કે હવેલીમાં જે કાંઈ 

મળે તે ડોશીનાં પાછાં ફરતાં પહેલાં ખાઈને પાછાં બધાં સંતાઈ જાય! બધાં આખી હવેલીમાંથી જેને જ્યાં જે મળે તે ખાવાંપીવાં લાગ્યાં. રાજકુમારીએ એક માટીનાં ઘડાંમાં સફેદ રંગનું પ્રવાહી જોયું. તેમાંથી કાંઈક વિચિત્ર વાસ આવી રહી હતી. થોડી નવાઈ સાથે રાજકુમારીએ એ ચાખી જોયું. ને ચાખતાંમાં જ તે કાળાં રંગનું પક્ષી બની ગઈ. તેણે બહુ પ્રયત્ન કર્યો પણ પાછાં પોતાનાં સ્વરૂપમાં કેવી રીતે આવવું તે ખબર પડી નહીં.  

એવામાં તો બારણાંનો મોટો અવાજ આવ્યો અને ડોશી હવેલીમાં પાછી અંદર આવી. બધાં જ ઝટપટ સંતાઈ ગયાં. ડોશીને માણસોનાં શરીરની ગંધ આવી અને શ્વાસોશ્વાસનાં અવાજો આવ્યાં. એક તો રાજકુમારી ના મળવાથી તે ગુસ્સે તો હતી જ ઉપરથી તેની હવેલીમાં ચોરો??? તેણે ક્રોધથી ત્રાડ નાંખી. એટલે પહેલી જ રાજકુમારી સામે આવી. જેવી પેલાં હારની બરાબર સામે આવી કે તરત જ તે પાછી પક્ષીમાંથી પોતાનાં ખરાં સ્વરૂપમાં આવી ગઈ! ડોશીએ તેનાં હાથ ચારપાંચ ફૂટ લાંબાં કરી રાજકુમારીને ચારે તરફથી વીંટાળી દીધાં. રાજકુમારી ડોશીનાં હાથનાં બંધનમાં આવી ગઈ. આ જોતાં જ બધાં જ સૈનિકો અને દાસીઓ ત્યાં આવી પહોંચ્યાં. સૈનિકોએ ડોશી પર પોતાનાં ભાલાંથી નિશાન સાંધ્યાં. પણ રાજકુમારી તેમને રોકી લીધાં,

“વૃધ્ધ સ્ત્રી, મારો હાર મને પાછો આપી દે. તે અમારાં વંશની માલિકીનો અને મારી માતા મહારાણીએ મને આપેલો હાર છે. તું જબરદસ્તી કરીને રાખીશ તો તારો ચોક્ક્સ વિનાશ થશે!”

ડોશીનાં પીળાં કથ્થાઈ બહાર નીકળેલાં દાંત વધુ બહાર આવી ગયાં અને તેનું અટ્ટહાસ્ય આખી હવેલી ગજવી રહ્યું. 

“હું અમર છું. મને કોઈ મારી નહીં શકે!” અને ફરીવાર તેનું અટ્ટહાસ્ય ગાજી ઊઠ્યું. 

હસતી વખતે તેની આંખો ક્ષણાર્ધ મીંચાઈ અને તેનાં હાથની પકડ ઢીલી થઈ. એટલે રાજકુમારીએ છલાંગ મારી ઊંચો કૂદકો માર્યોં અને તેનાં ગળાંમાંથી હાર તરાપ મારી છીનવી ફરી હવામાં ગુંલાટી મારી. આંખનાં પલકારાંમાં આ બધું બની જતાં બધાં સ્તબ્ધ બની ગયાં. પણ તરતની ક્ષણોમાં જ રાજકુમારીની બૂમ અને ડોશીની ત્રાડથી સભાન બની ડોશી પર ત્રાટક્યાં. ડોશીને તે કાંઈ જાદુ કરી છટકે તે પહેલાં ભાલાની અણીએ બંદી બનાવી દીધી. 

હાર લઈ મહેલ પર પાછાં આવતાં તેમણે ડોશીને પણ બંદી બનાવી સાથે રાખી હતી. મહેલ પહોંચતાં બપોરનો તડકો થઈ ગયો હતો. જે ડોશીનાં શરીર પર પડતાં જ ડોશી રસ્તામાં જ બળીને રાખ બની ગઈ. 

અને પછી રાજા, રાજકુમારી અને રાજ્યની પ્રજાએ ખાઈપીને મોજ કરી!

***

કહો, મિત્રો, મારી પૌત્રીની  સૌથી પ્રિય તેવી મારી રચિત આ નવીન પરીકથા આપ સૌને કેવી લાગી ? મારી પૌત્રી પાસેથી ફરી આજે રાત્રે પણ આ જ વાર્તાની ફરમાઈશ આવશે, હું વચ્ચે વચ્ચે કશું ભૂલી જાઉં તો તમે યાદ કરાવવાં આવશો ને !  


Rate this content
Log in

Similar gujarati story from Fantasy