Nisha Patel

Abstract Crime Thriller

4.5  

Nisha Patel

Abstract Crime Thriller

કેયાનું સ્વપ્ન કે સત્ય ?

કેયાનું સ્વપ્ન કે સત્ય ?

7 mins
426


કેયા એક ધબકાર ચૂકી ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. લાખ પ્રયત્ન પછી પણ ગળામાંથી અવાજ નીકળી શક્યો નહીં. પણ પગ જાણે બેકાબૂ પક્ષી બની ઊડવાં લાગ્યાં હતાં. કેમ ય કરી રોકાવાં માંગતાં નહોતાં. પગની ગતિ શ્વાસની ગતિ કરતાં ય અનેકગણી હતી. હાંફતાં હાંફતાં એ અચાનક જાણે કોઈ ભીંત સાથે અથડાઈ નીચે પછડાઈ પડી. 

અને…

ધબકાર ચૂકી ગયેલ શ્વાસ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યો. ડરથી આખું શરીર ધ્રુજવાં લાગ્યું. આ તે સ્વપ્ન હતું કે સત્ય !!? પણ સ્વપ્ન હોય તો આ કપાળ પરથી નીતરતું લોહી કેવું !? આખું શરીર પાણી અને કાદવથી લથબથ છે, એ કેવું !? ફાટી ગયેલ વસ્ત્રો … ઓહ ! હે ઈશ્વર ! આ શું બની ગયું ! ઈલેક્ટ્રીસીટી વગરની અંધારી વરસાદી રાત… કાળમુખ ચહેરો… કમકમાટી ભરી ચીસો, લાલસાભર્યુ હાસ્ય… અને એ આ કયાં આવી પહોંચી છે ? અત્યારે એ વાત એની સમજશક્તિની પરે છે. છતાં તેને એટલું તો જરૂર સમજાયું કે તેણે ગમેતેમ કરી અહીંથી ઊભાં થઈ દોડવાનું છે ! દોડવું જ પડશે ! તેણે ભીંતના ટેકે ઊભાં થઈ કાદવ રગદોળાયેલાં પગ ઉપાડ્યાં, પાસેની ઘટાદાર ઝાડીમાં. 

એ નાનાં શહેરની સમજદાર ભણેલીગણેલી યુવતી હતી. એ ઘટાદાર અવાવરું ઝાડીમાં આવી અંધારી રાતે કેવાંય ઝેરીલાં સાપ વીંછી હશે ! કદાચ જંગલી પશુઓ પણ હોય ! પણ અત્યારે શહેરનાં માનવ પશુઓ કરતાં વધુ વિકરાળ અને ઝેરીલાં તો નહી જ હોય ! એ માનવપશુઓનાં પંજાનાં નહોર અને તીક્ષ્ણ દાંતોનાં ધા તેનાં આખાં શરીર પર હતાં. આનાંથી વધુ દર્દનાક અને શરમજનક શું હોઈ શકે !? મા સમાન કાકી ?? તો વિશ્વાસ કોનો કરવો? 

હજુ છ મહીના પહેલાં જ તેણે એકાઉટન્સીમાં માસ્ટર્સની ડિગ્રી લીધી હતી. મા-બાપ, તેનાંથી બે વર્ષ નાનો ભાઈ, કાકા, કાકી, આખાં પરિવારનાં સૌ ખુશખુશાલ થઈ ગયાં હતાં. છ જણાનો સંયુક્ત પરિવાર હતો. કાકા અને પિતાની ઉંમરમાં ખૂબ તફાવત હતો. ઉપરથી કાકાએ થોડો સમય પહેલાં જ લગ્ન કર્યાં હતાં. કાકી જો કે કાકા કરતાં ઉંમરમાં ઘણાં નાનાં હતાં. લગભગ તેની જ ઉંમરનાં. તેથી તો તે બંને વચ્ચે કાકી ભત્રીજીનાં સંબંધને બદલે મૈત્રીભર્યાં સંબંધ હતાં. 

સૌ સાથે મળી મોટાં અંબાજી દર્શન કરવાં ગયાં. ત્યાંથી નાનાં સૌ એ આગ્રહ કરીને ઉપર માઉન્ટ આબુ જવાં માટે વડીલોને મનાવી જ લીધાં. તેનાં આનંદનો પાર નહોતો. સખી સમાન કાકીનાં હાથમાં હાથ રાખી તે આખાં આબુમાં ફરી. હમેશાં આનંદનો સમય ટૂંકો જ લાગે છે. ત્રણ દિવસ તો જોતજોતાંમાં વીતી ગયાં. તેઓ ઘરે પાછાં આવવાં નીકળ્યાં. કાકા ડ્રાઈવીંગ સીટ પર, પપ્પા તેમની બાજુમાં, છેક પાછળની સીટ પર ભાઈ અને મમ્મી અને વચ્ચેની સીટ પર તે અને તેની પરમ મિત્ર કાકી ! સમય તો સવારનાં અગિયારનો જ હતો. પણ કાળાં ડિબાંગ વાદળોએ સવારને રાતમાં પલટી નાંખી હતી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તો અમે નીકળ્યાં ત્યારથી ચાલુ જ હતો. 

કાકા ખૂબ સાચવીને ડ્રાઈવીંગ કરતાં હતાં છતાં અમારાં સૌનાં જીવ અધ્ધર હતાં. પહાડોમાંથી નીકળતો ગોળ ગોળ રસ્તો, કસમયનો વરસાદ અને કસમયનું અંધારું ! પડીકે બંધાયેલ જીવ સાથે અમે પહાડી રસ્તો પૂરો કર્યો અને હાશ કરી. કાકાએ પણ નિરાંતનો શ્વાસ લીધો ને એ જ ક્ષણે અચાનક ત્રણ ચાર કુતરા ક્યાંકથી લડતાં લડતાં સામે ગાડીની રસ્તા વચ્ચે આવી ગયાં. કાકાએ ગાડીનો કંટ્રોલ ગુમાવ્યો. ગાડી એકતરફ આવેલાં ઝાડ સાથે અથડાઈ ગઈ. અમારાં સૌ પર વીન્ડશીલ્ડનાં કાચની કાચ્ચરો પડી. અમને સૌને માથાં, પગ અને પીઠ પર વાગ્યું. થોડી ક્ષણો તો બધાં અવાક બની ગયાં, પછી ચીસાચીસ મચી ગઈ. 

પપ્પા અને કાકાએ ત્યાં જ શ્વાસ છોડી દીધો. મમ્મી બેભાન બની ગઈ અને એ જ અવસ્થામાં પપ્પાને મૃત્યુ પછી પણ સાથ આપવાં નીકળી પડી ! હોસ્પિટલમાંથી ઘરે આવ્યાં, પછી કેટલાંય દિવસ ઘર રુદન અથવા મૌનથી ભરેલું રહ્યું. 

ત્યારથી તેનાં મનમાં વરસાદ, કુતરાં અને આબુ માટે ઘૃણાં ભરાઈ ગઈ. એક કાકી અને નાના ભાઈ સિવાય બધાને તેણે ગુમાવી દીધાં હતાં. પણ કાકી કંઈક વિચિત્ર જ વર્તતી નથી હવે ! પહેલા જેવો પ્રેમ તો બતાવતી, પણ છતાંયે … 

સમય વીતવા લાગ્યો. તેણે લોનું ભણવાનું ચાલુ કરી દીધું. ભાઈની કોલેજ પણ ચાલુ હતી. કાકી હવે આખો દિવસ એકલી પડવાં માંડી. તેમનાં વર્તનમાં બદલાવ? કેયાને શંકા ઘેરવાં માંડી હતી. તેણે ઘણાં ફેમીલી જોયાં હતાં, જયાં પતિના અથવા પરિવારના મુખ્ય સભ્યના મૃત્યુ પછી બધું જ બદલાઈ જતું હોય છે ! અરે ! ભાઈ પણ તો બદલાયેલો લાગતો હતો. એ બહાર જ વધુ સમય કાઢતો હતો. ઘરમાં આવતો તો ચૂપચાપ જમીને પોતાની રુમમાં ભરાઈ જતો. હું વાત કરવા જાઉં તો બહુ ટૂંકા જવાબ આપતો. 

કલબલાટ અને ખુશખુશાલ ઘરને કોઈની ખરાબ નજર લાગી હતી. પણ તેને એકમાત્ર કાકી ખુશ લાગતી. જાણે છાનીમાની હસતી હોય એવું લાગતું. પડોશીઓ પણ ખબર નહિ શું ગુશપુશ કરતાં હોય એમ લાગતું ! મમ્મી પપ્પા જતાં જ જાણે આખું જગત બદલાઈ ગયું !

વારંવાર હવે કાકીનાં સગાં ખબર કાઢવાં આવતાં. ત્યારે તો કાકી ખાસ ખૂબ ખુશ દેખાતાં. અવારનવાર તેમની સાથે તે બહાર પણ જતાં. રાત્રે મોડાં પાછાં ફરતાં. કયાં જતાં હતાં તેનો જવાબ તેને હમેશાં શંકાસ્પદ લાગતો. તેમણે કાકા અને પરિવારનાં વડીલોનાં મૃત્યુનો શોક તો કયારનોય મુકી દીધો હતો. 

આજે એ કોલેજથી સીધી એક નવી મિત્રને ત્યાં ગઈ હતી. ઘરે પાછાં જવાનું કોણજણે કેમ મન થતું નહોતું. કાકીને તેણે ફોન કરી દીધો હતો. બપોરથી જ કાળાંકાળાં વાદળ ઘેરાયેલાં હતાં અને ઝરમર વરસાદ ચાલુ હતો. મન અત્યંત ઉદાસ હતું. પેલી અકસ્માતની રાતની સ્મૃતિ ઘેરી વળી હતી. મમ્મી, પપ્પા અને કાકાની યાદથી એ રડું રડું થઈ રહી હતી. રાત થવાં આવી અને વરસાદ પણ વધી ગયેલો. પણ એને કોણજાણે કેમ આજે ઘરે જવાનું મન જ નહોતું થતું. છેવટે દસેક વાગ્યે તે પરાણે ઘરે જવાં નીકળી. 

રસ્તામાં ચારેબાજુ પાણી ભરાઈ ગયાં હતાં. લાઈટ વગરનાં રોડ, ચારેબાજુ પાણી, ખાડાં ખાબોચિયાં… કાદવ ઊડી ઊડી એનાં પર ચોંટતો અને ઉપરથી પડતો વરસાદ એ કાદવ સાફ કરતો જતો ! પંદર મિનીટનો રસ્તો પુરો કરતાં તેને લગભગ કલાક બે કલાક થઈ ગયાં. રોડ અને સોસાયટીની લાઈટો બંધ હતી. વાવાઝોડાં અને વીજળીઓ સાથેનાં વરસાદને લીધે બધાં લોકોએ ઘરોમાં પૂરાઈ ઘરો બંધ કરી દીધાં હતાં. ઈલેક્ટ્રીસીટી ન હોવાને લીધે બધે તદ્દન જ અંધારું હતું. કંપાઉન્ડનો ગેટ ખોલી એ અંદર પ્રવેશી. ઘરમાં તેને મીણબત્તીનું આછું અજવાળું હોય તેવું લાગ્યું. જ્યારે ચારેબાજુ સુમસામ હતું ત્યારે તેને પોતાનાં ઘરમાં ઘોંઘાટ સંભળાયો. હસવાનો, જોરશોરથી સ્ત્રી-પુરુષોનાં મિક્સ અવાજનો કોલાહલ..જેમતેમ આશ્ચર્યચકિત તેણે બારણું ખખડાવ્યું. પણ બારણું અડતાંની સાથે જ ખુલી ગયુ.

અંદરનાં દ્રશ્યથી તે અવાક બની ત્યાં જ જડાઈ ગઈ ! અંદર મીણબત્તીનાં આછાં અજવાળાંમાં દારુ અને બીજાં કોઈ નશાની મહેફિલ ચાલતી હતી. દસ પંદર નાની મોટી ઉંમરનાં છોકરા-છોકરીઓ ચારેબાજુ બેહૂદાં હાલતમાં પડ્યાં હતાં. તેમાં કાકી પણ સામેલ હતી. અવાક બનેલી તેની આંખો વધુ પહોળી થઈ ગઈ જ્યારે તેણે ભાઈને એક ખૂણામાં બેભાન બનેલો અને તેનાં પર તૂટી પડેલાં સ્ત્રી પુરુષ જોયાં ! હવે તેનાં ગળાંમાંથી ઘ્રુસકાં સાથે કારમી ચીસો નીકળી ગઈ. બધાની નજર હવે તેનાં પર ગઈ ! બધાં તેને ઘેરી વળ્યાં. એક રૂપાળી સ્ત્રી, પાણીથી લથબથ, ચોંટી ગયેલ વસ્ત્રો… તે બધાંની નશાયુક્ત ઢળી પડતી આંખોમાં સમાઈ ગયાં... ડરથી તે બેભાન જ બની ગઈ ! 

જ્યારે હોશ આવ્યાં ત્યારે તે ઝાડીમાં દોડી રહી હતી. તેને થયું કે સવાર પડતાં જ તે પોલીસ પાસે ફરિયાદ કરવાં પહોંચી જશે ! ત્યાં સુધી આ ઝાડીઓ જરૂર તેની રક્ષા કરશે ! એક કાંટાળી ઝાડી પાસે તે બેસી પડી. બીજો કોઈ સમય હોત તો તેને કાંટા વાગ્યાંનો અનુભવ જરૂર થાત ! પણ અત્યારે તેની વેદના બીજી જ કોઈ હતી ! ધીરેધીરે તેની નજર સામે બધું જાણે સ્પષ્ટ થવાં લાગ્યું અને તે જ વખતે એક જોરથી ફટકો તેના માથામાં વાગ્યો અને તે ફરી બેભાન બની ગઈ.

તે ભાનમાં આવી ત્યારે તે જેનાં ઘરે ગઈ હતી તે મિત્ર અને કાકી તેની બાજુમાં બેઠાં હતાં. તેનાં વસ્ત્ર કોરા અને સ્વચ્છ હતાં. માથાં પર મોટો પાટો બાંધ્યો હતો અને શરીર પર નાની મોટી મલમપટ્ટી કરેલ હતી. તેને કશું જ સમજાતું નહોતું. કશું બોલવાની પણ જાણે શક્તિ નહોતી. તેની અવાજ વગરની વ્યાકુળતા સમજી જઈને તેની મિત્રે કહ્યું કે તે રાત્રે તેના ઘરેથી નીકળી અને તે ઘરે જ ના પહોંચી. કાકીએ અડધેથી વાત પૂરી કરતા કહ્યું કે એ રાત્રે મોડે સુધી ઘરે ના પહોંચતા કાકી અને ભાઈ તેને શોધવાં નીકળેલાં. 

તેની નજર બારી પાસે ઊભાં રહી બહાર જોતાં ભાઈ ઉપર પડી. તેને લાગ્યું કે ભાઈ તેને જાગેલી જોઈ ચૂપચાપ બહાર ચાલી ગયો. કાકીએ વાત આગળ ચલાવી કે તે રસ્તામાં કાદવમાં ફસાઈ પડી હતી. એ બંને તેને કોઈની મદદથી ઘરે લઈ આવ્યા હતા અને ડોક્ટર ઘરે બોલાવી તેની ટ્રીટમેન્ટ કરાવી. આજે ત્રણ દિવસે વરસાદ બંધ થઈ વાતાવરણ સારું થતાં તેની મિત્ર ખબર જોવાં આવી અને તેને ભાન પણ આવ્યું છે ! તેની આંખો સામે દૂર દૂર જાણે પેલાં તેણે જોયેલાં દ્રશ્યો નાચવાં લાગ્યાં. શરીરમાં અને મનમાં એક અસહ્ય પીડા ઊઠી. તેણે ભારોભાર તિરસ્કારથી કાકી તરફ જોયું. પણ કાકી તો જાણે તેનાં તિરસ્કારથી તદ્દન અજાણ બની, ઊભાં થઈ ગયાં, “ચાલો, હું તમારાં બંને માટે ચ્હા બનાવી લાવું” અને એ રૂમની બહાર નીકળી ગયાં. તેણે તે જ વખતે ભાઈની રુમનું બારણું જોરથી બંધ થતાં સાંભળ્યું.

તેનું સમગ્ર અસ્તિત્વ એક જ પ્રશ્ન પૂછી રહ્યું હતું. એ ખુલ્લી બારીમાંથી દેખાતાં આકાશમાં શૂન્યપણે તાકી, જાણે પૂછી રહી હતી ! તેણે જોયેલ કમકમાટી ભર્યાં દ્રશ્યો અને તેણે અનુભવેલ વેદના સ્વપ્ન કે સત્ય ?


Rate this content
Log in

Similar gujarati story from Abstract