Hiren MAHETA

Abstract

4  

Hiren MAHETA

Abstract

બર્થ ડે ગીફ્ટ

બર્થ ડે ગીફ્ટ

5 mins
185


‘હવે તેનામાં કોઈ રીકવરી આવે તેમ લાગતી નથી. ફક્ત વેન્ટીલેટરના કારણે તેના ધબકારા ચાલુ છે. હવે તમારે નિર્ણય લેવો જોઈએ. વેન્ટીલેટર પર રાખવાનો કોઈ અર્થ નથી.’ એ.સી. રૂમમાં પોતાની ખુરશી પર બેઠેલા ડોકટરે સામે બેઠેલા એ ચાર વ્યક્તિઓને જણાવ્યું. વાત સાંભળતા જ એ.સી.ની ઠંડકમાં પણ તેમની અંદર રહેલો ભય પ્રસ્વેદ બનીને તેમના ચહેરા પર ઉપસી આવ્યો. ડૉક્ટર આ વાતની ગંભીરતાને સમજતા હતા, એટલે જ મુકુન્દને બોલાવ્યા વગર તેમની નજીકના એ ચારેય વ્યક્તિને બોલાવ્યા હતા.

ડૉક્ટર અમિતની વાત સાંભળ્યા પછી કોઈ પણ બોલવાની હિંમત કરી શક્યું નહિ. ફક્ત સીલીંગ ફેન ‘ચરરર...ચરરર…’ કરીને એ સુનકાર ભર્યા રૂમમાં અવાજ કરવાની બેવકૂફી કરતો હતો. ડૉક્ટર પોતાની વાત કરીને સામે બેઠેલા ચારેયના ચહેરા વાંચી રહ્યા હતા. એમણે પણ આ વાત કહેતા પહેલા દસ વખત વિચાર કરી જોયેલો. છેવટે હિંમત કરીને તેમના નજીકનાં આ ચારેયને પોતાની રૂમમાં બોલાવ્યા હતા. આવનારી આફત એ આઠેય આંખોમાં પોતાનું પ્રતિબિંબ પાડતી હતી. શૂન્યમનસ્ક બનેલા તેમના ચહેરા જમીન પર મંડાયેલા હતા. શું કહેવું તે સમજાતું નહોતું! 

રુપેશે થોડા સ્વસ્થ થઈને, હિંમત કરીને ડોક્ટરને પૂછ્યું, ‘બીજો કોઈ ઉપાય નથી ? હજી થોડા દિવસ રાખીએ તો ? બીજા કોઈ દેશમાં શિફ્ટ કરીએ તો ?’ મનમાં એક સામટા ઘસી આવેલા બધા જ વિચારોને એણે ડોક્ટરની સામે મૂકી દીધા. મનમાં હતું કે ‘ગમે તે થાય પરંતુ મુકુન્દના દીકરાને મરવા નથી દેવો.’ 

ડૉ. અમિત રુપેશની આંખોમાં જોઇ, નિ:સહાય બનીને કહેવા લાગ્યા, ‘મેં એને બચાવવાના કોઈ ઉપાયો બાકી નથી રાખ્યા. દુનિયાની બેસ્ટ મેડીસીન અજમાઇ જોઈ છે, તેમ છતાં કોઈ જ રીકવરી નથી. મેં બીજા ન્યુરો-સર્જન સાથે પણ ચર્ચા કરી જોઈ, પણ આ પરિસ્થિતિમાં કોઈ જ વિકલ્પ નથી. હું એને વેન્ટીલેટર પર રાખીને તમને ઠાલા આશ્વાસન આપવા માંગતો નથી. મન મજબૂત કરીને તમારે નિર્ણય લેવો પડશે. તમે સાંજ સુધીમાં એમને સમજાવો તો આવતી કાલે સવારે વેન્ટીલેટર કાઢી લેવાય.’

ડો.અમિત પોતે અમદાવાદના પ્રખ્યાત ન્યુરોસર્જન હતા. એમની કાબેલિયત પર કોઈનેય અવિશ્વાસ ન હતો. તેમણે કલ્પને બચાવવા એક પણ ઉપાય બાકી નહોતો રાખ્યો. તેમણે પોતાના ચાલીસેક વર્ષના અનુભવોનો નીચોડ કલ્પને બેઠો કરવા માટે અજમાવી જોયો હતો. દુનિયાની બેસ્ટ મેડીસીન મંગાવીને તેની સારવાર કરી હતી. તેમ છતાં આજે ઓગણીસમાં દિવસે પણ કોઈ જ સુધારો નહોતો થયો કે થવાનો પણ નહોતો. ફક્ત એક જ સુધારો થવાનો હતો, તેની ઉંમરનો સુધારો. આવતી કાલે તેને ઓગણીસમું વર્ષ પૂરું થઈને વીસમું બેસવાનું હતું. પરંતુ કલ્પ પથારીમાં મોતને આંગણે હતો. 

મુકુન્દ આઈ.સી.યુ.ની બહાર મીટ માંડીને બેઠો હતો. ‘ગમે તે થાય પણ દિકરો સાજો થઇ જાય.’, આવી આશામાં તે બધું જ કરવા તૈયાર હતો. દીકરા માટે તો તે આઈ.સી.યુ.થી પણ દુર જતો નહિ. નજર આઈ.સી.યુ.માં અને મન મંદિરમાં ગોઠવી સતત ઉપરવાળાને કરગરતો, ‘હે પ્રભુ ! કલ્પને સાજો કરી દે. હું તારે ત્યાં હવન કરાવીશ.’ અને આવી તો કેટલીય માનતાઓ એણે રાખી હતી. છેલ્લા ઓગણીસ દિવસથી તેણે સતત પ્રભુને પ્રાર્થના કર્યે રાખી. પરંતુ કલ્પની તબિયતમાં કોઈ જ સુધારો નહોતો દેખાતો. 

આખી જિંદગી પૈસો કમાવવાની હોડમાં ઈશ્વરને ભૂલી બેઠેલો મુકુન્દ છેલ્લા વીસ દિવસથી ઈશ્વરના શરણે હતો. દીકરાને બચાવવા માટે તેણે પોતાની તિજોરીને ખુલ્લી મૂકી દીધી હતી. ‘ગમે તેમ કરીને દીકરાનો જીવ બચાવવો છે.’ તેના મનમાં સતત આ જ વિચારો ફર્યા કરતા હતા. આંખો દરિયો બની ગઈ હતી અને હૃદય અંગારાની ભઠ્ઠી. 

એકનો એક દેવ જેવો દીકરો ઈશ્વરે આપ્યો હતો. ખૂબ લાડ અને વહાલથી ઉછેર્યો હતો. કોઈ વાતની કમી નહોતી થવા દીધી. જે માંગ્યું તે લઇ આપ્યું હતું. પરંતુ તે જ વાત નડી ગઈ. ગયા વર્ષે જન્મદિવસની ભેટમાં આપેલ ચાર લાખનું બાઈક તેને આજે મોતના દ્વાર સુધી લઇ આવ્યું. 

કલ્પ મુકુન્દને હંમેશા કહેતો, ‘પપ્પા, મને મારા જન્મ દિવસ પર જેવી તેવી નહિ, પણ બેસ્ટ ગીફ્ટ જોઈએ છે. શું આપશો મને ?’ મુકુન્દ પણ દીકરાની કોઈ વાતની ના પાડતો નહિ. તેને જે જોઈએ તે લઇ આપતો. બાઈક મળતા જ તેણે કહ્યું હતું, ‘પપ્પા, આ વખતે તો બાઇકથી ચલાવી લઉં છું, પરંતુ આવતી બર્થ ડે માં મારે કોઈ જોરદાર ગીફ્ટ જોઈએ. નહિ તો હું નહિ બોલું.’ પોતાના અતીત પર નજર નાખતો મુકુન્દ ઇન્દ્રાસન ગુમાવી દીધેલા ઈન્દ્રની જેમ અસહાય હતો.

એણે પેલા ચારેય સ્વજનોને ડૉક્ટર પાસેથી આવતા જોયા. તેમના કરમાઈ ગયેલા ચહેરા નિ:સહાય પરિસ્થિતિનો અણસાર આપતા હતા. રુપેશ કે બીજું કોઈ પણ ડોકટરે કહેલી વાત મુકુન્દ આગળ કહી શક્યું નહિ. 

પરંતુ મુકુન્દ પરિસ્થિતિ પામી ગયો. તેમની ગુસપુસ પરથી તેના કાન સુધી ‘વેન્ટીલેટર’, ‘કાલ સવાર’ જેવા શબ્દો ઉડીને તેના ધ્યાને આવ્યા હતા. સાવ બેચેન થઇ ગયો. પોતાના લાખ લાખ પ્રયત્નો છતાંય દિકરો સાજો નહોતો થતો અને વળી, આ લોકો ડોકટર પાસેથી કંઇક અમંગળ સમાચાર લાવ્યા હતા એ જાણીને તો એ પરસેવે રેબઝેબ થઇ ગયેલો. 

‘ડોકટરે એમને શું વાત કરી હશે ? શું મારો દિકરો નહિ બચે ? કાલે સવારે વેન્ટીલેટર કાઢી દેશે ?’ આવા પ્રશ્નોએ એને ગૂંગળાવી મુક્યો. ‘શું કરું તો દિકરો બચી જાય ? હે ભગવાન ! એને પાછો આપ.’ ભગવાનને અંતિમ ઘા નાખી રહ્યો. પરંતુ સત્ય તો એને પણ ખબર હતી. રાત આખી કાંટાળી બની ગઈ હતી. અરે ! જીવન ખુદ કાંટાળું થઇ ગયું હતું. પોતાનો એકનો એક દિકરો આવતીકાલે નહોતો રહેવાનો. ઉંઘ તો આવે જ શાને ? આખી રાત મુકુન્દ એક તરફ અને પેલા ચાર એક તરફ. 

મુકુન્દ પડખા ફેરવતો રહ્યો અને કલ્પ વિશે વિચારતો રહ્યો, ‘કેવો ગોરો, ઉંચો અને હોંશિયાર દિકરો ! જોડે ઉભો હોય ત્યારે મિત્ર જેવો લાગે. ભણવામાં પણ એની ક્યારેય ફરિયાદ નથી આવી. નથી કોઈ વ્યસન. ફક્ત વાહન સ્પીડમાં ચલાવવાનો શોખીન. એનો શોખ આજે તેને મૃત્યુનાં દ્વાર પર લઇ આવ્યો છે.’ મનોમન તે પોતાના પર પસ્તાતો પણ હતો, ‘મને ખબર હોત તો હું એને બાઈક જ ન લાવી આપત. આજે જો બાઈક ન હોત તો મારો દીકરો આમ હોસ્પીટલમાં ન હોત.’ તેનું ગળું ભરાઈ આવ્યું. 

સવારે પાંચ વાગ્યા ત્યારે આઈ.સી.યુ.માં થોડીક હલચલ થઇ. ડોક્ટર્સ અને નર્સીસ પોતાના કામમાં વ્યસ્ત હતા. વેન્ટીલેટરનો નિર્ણય લેવા રુપેશ અને પેલા બીજા આઈ.સી.યુ.માં ડોકટર જોડે ચર્ચા કરી રહ્યા હતા. હજુય તેમણે મુકુન્દને કોઈ માહિતી આપી નહોતી. મુકુન્દ સાંભળશે ત્યારે શું થશે ? કેવી રીતે સાચવીશું એને ? એ વિચારો તેમને પજવતા હતા. ડોકટર તેમને આગળની પ્રક્રીયાની માહિતી આપી રહ્યા હતા. 

એટલામાં પાછળથી આવાજ આવ્યો, ‘સાહેબ, વેન્ટીલેટર કાઢી દો અને બાકીની પ્રક્રિયા પૂરી કરીને અમને બોડી આપો. અમને ઘરે પહોંચતા અહીંથી બે કલાક થશે.’ મુકુન્દ આમ બોલીને ફટ કરતાંક પીઠ ફેરવી ગયો જાણે તેનો કોઈ સંબંધ જ ન રહ્યો હોય. બધી આંખો તેની સામે મંડાઈ રહી. તે જેવો આઈ.સી.યુ.નો ગેટ ખોલવા જાય છે કે તેના ફોનમાં એલાર્મ વાગ્યું. તેણે ખોલીને જોયું તો લખ્યું હતું, ‘હેપ્પી બર્થ ડે, કલ્પ.’ મનોમન તે બબડ્યો, 'બેસ્ટ બર્થ ડે ગીફ્ટ !’ અને જાણે આભ ફાટ્યું હોય તેમ રડી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract