Hiren Maheta

Drama Fantasy Thriller

4.5  

Hiren Maheta

Drama Fantasy Thriller

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ

8 mins
676


‘જોજે હમણાં આંખોની પટ્ટી ન ખોલતી હો ! એક જ મિનિટ !’, મૌલિકે ગાડીને બંધ કરતાં પોતાની બાજુમાં બેઠેલી શ્રદ્ધાને કહ્યું. એની આંખો પર ઘરેથી બેસાડી ત્યારે જ એક રેશમી પટ્ટી બાંધી દીધેલી. શ્રદ્ધાએ પૂછ્યું તો કહેલું, ‘એક સરપ્રાઈઝ છે.’ મૌલિક અને શ્રદ્ધાના પંદર વર્ષના લગ્ન જીવનમાં નહીં નહીં તો પંદરસો વાર મૌલિકે આ રીતે સરપ્રાઈઝ આપી હશે. 

શ્રદ્ધાને આવી સરપ્રાઈઝ ગમતી પણ ખરી. એ શરમાતી, ગૂંચાતી, વિચારતી રાહ જોતી અને મૌલિક અચાનક એને ‘સરપ્રાઈઝ !’ કહીને કશુંક એવું આપતો, બતાવતો કે શ્રદ્ધા ખુશીઓના ગુબ્બારાની જેમ હવામાં ઊંચકાઈ જતી. બે પળ તો આનંદમાં આવીને એવી ઉછળે કે જાણે એની ડાળખી પર સોળ વર્ષનું યૌવન ફૂટ્યું હોય ! સરપ્રાઈઝ ગમે તે હોય પણ એ એવી શરમાતી કે જાણે લજામણીની ડાળીની જેમ મૌલિકની બાહોમાં સમાઈ જતી. થોડું શરમાઈને ધીમે ધીમે ગણગણતી, ‘તમે પણ શું….. !’ અને એના શબ્દો હોઠ વાટે મૌલિકની છાતીમાં શોષાઈ જતા. પણ મૌલિક છોડતો નહીં; બે હથેળીમાં એનો ચહેરો ઊંચો કરીને પૂછતો, ‘હું પણ શું ?’ અને શ્રદ્ધા કશુંય બોલ્યા વગર સ્મિત કરીને, આંખો ઢાળી એને વેલ સરીખી વીંટળાઈ વળતી. 

કેટલીક વાર એ કહેતી પણ ખરી, ‘બસ હવે, શું સરપ્રાઈઝ આપ્યા કરો છો ! હવે તો આપણે મોટા થયા; આ બધું બંધ કરો !’ અને મૌલિક એના ખભે કોણી ટેકવીને કહેતો, ‘શ્રદ્ધા દેવી આ સરપ્રાઈઝ ત્યારે જ બંધ થશે જ્યારે તમે મને સરપ્રાઈઝ આપવાનું શરુ કરશો.’ અને શ્રદ્ધા ફરીથી લજવાઈ જતી.

   મૌલિકના પ્રેમે એને છલોછલ છલકાવી દીધી હતી. પોતે કશુંક માંગે એ પહેલા તો મૌલિકે એની આગળ તે હાજર કરી દીધું હોય. મોંઘામાં મોંઘી વસ્તુઓ, નવી ફેશનના કપડાં, નવી ડિઝાઈનના ઘરેણાં, ટેડી બેઅર, ચોકલેટ્સ, પરફ્યુમ્સ અને બીજું ઘણુંય એના બેડરૂમમાં ઉભરાતું હતું. માંડ એક અઠવાડિયું ખાલી જતું હશે અને મૌલિક એની નવી સરપ્રાઈઝ સાથે હાજર થઈ જતો. 

શ્રદ્ધા પોતે ખુશ હતી; જીવનમાં એણે બધું જ મેળવ્યું હતું; પ્રેમથી ભીંજાયેલું લગ્નજીવન, સંવેદનશીલ પતિ, સરળ અને સૌમ્ય સાસુ-સસરા, સંતોષથી જીવી શકાય તેટલી સંપત્તિ અને બીજું બધુંય. પરંતુ એક અધુરપ એના મનને પીખ્યાં કરતી હતી. એના મનમાં ઊંડે ઊંડે કશુંક ન મળવાનો વસવસો હતો. એની નજર હજુંય કશુંક પોતાનું શોધતી રહેતી હતી. જીવનની સૌથી વ્હાલી અને સૌથી મોટી સરપ્રાઈઝ મળવાની હજી બાકી હતી. અને એની રાહ જોતા જોતા ઉંમરની ચાળીસીએ આવી પહોંચ્યા હતા. 

મૌલિક અને શ્રદ્ધાના લગ્નજીવનના પંદર વર્ષો પછી પણ એ બંને નિ:સંતાન હતા. ઘરના ખૂણાઓ બાળકની બૂમો વગર સાવ સૂના લાગતા હતા. બેડરૂમમાં લગાવેલા પોસ્ટરમાં બાળકનું સ્મિત જોઈને શ્રદ્ધા અધુરપ અનુભવતી. પોતાની ઉંમરના બધાના ઘરે બાળકો હતા અને ફક્ત પોતે જ બાળક વિનાની. આ વાત તેના તાળવે જળોની માફક ચોંટી ગયેલી અને એનું લોહી ચૂસ્યા કરતી હતી. એનું સ્વપ્ન હતું કે ‘પોતાને પણ સરસ મજાનું બાળક હોય, એ એની સાથે મસ્તી કરે, કાલીકાલી ભાષામાં વાતો કરે, ફૂલડાં વેરતું હસે, કલબલાટ કરી મુકે, નાના પગલે ઘરમાં દોડાદોડી કરે અને હું એને પકડવા જાઉં ત્યારે…’ અને શ્રદ્ધા અટકી જઈને આંખો ભરી બેસતી. અને ફક્ત એનું જ કેમ, મૌલિક અને તેના માતા-પિતાનું પણ આ સ્વપ્ન હતું. પણ પોતાનું આ સ્વપ્ન ક્યારે સાકાર થશે તેનો ઈન્તજાર સૌથી વધારે શ્રદ્ધાને હતો. 

મૌલિક પણ એ વાત બરાબર જાણતો હતો અને એટલે જ તો એ પોતાનો બચેલો સમય શ્રદ્ધા સાથે જ વ્યતીત કરતો. એની સાથે દુનિયાભરની વાતો કરતો, કંઈક નખરા કરીને હસાવતો, કેટલીય વાર સરપ્રાઈઝ આપતો, એને બહાર ફરવા લઈ જતો. પણ શ્રદ્ધાના ચહેરા પરથી આ ચિંતાએ સ્મિતને ઉઠાવી લીધું હતું. હવે તો એ હસે તો પણ કમને હસતી હોય તેવું લાગતું. 

એકવાર શ્રદ્ધાને આંખો ભરી બેઠેલી જોઈ ત્યારે એણે એને કહ્યું પણ હતું, ‘ચાલ, આપણે બાળક દત્તક લઈએ.’ પણ એના શબ્દો પુરા સાંભળે ત્યાં તો શ્રદ્ધા સ્મિત ફેલાવીને બોલી, ‘કેમ ? તમને કોણે કહ્યું કે હું બાળકનું વિચારી રહી છું ? હું તો….’ એમ કહીને એ વાતને બીજે જોડી દેતી. મૌલિક જો વધારે કંઈક કહેતો તો એ આમ કહીને જ એને ચૂપ કરાવી દેતી, ‘મિસ્ટર, આપણા ઘરે એકાદ વર્ષમાં તો આપણું બાળક રમતું હશે. ગઈ કાલે જ મને સવારમાં સ્વપ્ન આવેલું. અને યુ નો…. સવારમાં આવેલું સ્વપ્ન સો ટકા સાચું પડે છે.’ એકાદ વર્ષની આશામાં એના લગ્ન જીવનને પંદર વર્ષ થયા હતા. અને હજુ એ આશા એના મનમાં જીવતી, જાગતી, ઝૂરતી બેઠી હતી. 

   બીજાના કહેવાથી એણે માનતાઓ પણ રાખી જોઈ હતી. દેવ-દેવીઓના મનામણા પણ કર્યા હતા. વળી કોઈએ એને સલાહ પણ આપી હતી કે ‘જગ્યા બદલી જોવો. સારા સમાચાર મળશે.’ અને એટલે મૌલિકે શ્રદ્ધાને કહ્યા વગર નવું મકાન પણ ખરીદ્યું હતું. 

   મૌલિક આજે એને નવા ઘરે લઈ આવ્યો હતો, સરપ્રાઈઝ આપવા. એણે એને ધીમેથી ઉતારી અને ઘરની અંદર લઈ ગયો. ત્યાં જઈને પટ્ટી ખોલી અને બોલ્યો, ‘સરપ્રાઈઝ !’ શ્રદ્ધાએ આંખો ખોલી તો નવા ઘરને જોઈને ખુબ આશ્ચર્ય પામી. ઘરની સુંદરતાએ એને નવાઈ અને આનંદથી ભરી દીધી. મૌલિક સામે ફરીને પૂછ્યું, ‘ક્યારે લીધું ?’ મૌલિકે એને કહ્યું, ‘એ છોડને… આ મકાન જો. ફક્ત આપણા માટે.’ અને શ્રદ્ધા ચહેરા પર આનંદની રેખાઓ સાથે નવા ઘરના ખૂણે ખૂણે જઈ વળી. એની અંદરની અધુરપ નવા મકાનની સરપ્રાઈઝ તળે દબાઈને શાંત થઈ ગઈ હતી. 

   એમનો બેડરૂમ ઉપરના માળે હતો. સીડીઓ પર ઠેકડા ભરતી ઉપર જઈ પહોંચી. બેડરૂમનો દરવાજો ખોલ્યો. જોયું તો બેડરૂમ ફર્નીચર સાથે તૈયાર હતો. સરસ મજાનું ઈન્ટીરીયર ડેકોરેશન પણ કરેલું. બેડની બરાબર પાછળની દીવાલ પર એનો અને મૌલિકનો એક મોટો ફોટો લગાવેલો હતો. બેડની જમણી બાજુએ બારી પડતી હતી. બેડની બરાબર સામે મોટો મિરર લગાવેલો. બેડની આસપાસના ખાનાઓ પર ફૂલદાની અને સામેના ખૂણામાં સરસ મજાનું ડ્રેસિંગ ટેબલ. શ્રદ્ધા ખુશ થઈ. 

એણે હળવેકથી બારી ઉઘાડી જોઈ. એ પાછળના મકાન તરફ ખુલતી હતી. એની બારીની બરાબર સામે પાછળના મકાનના ઉપરના રૂમની બારી પડતી હતી. એણે જોયું એ ખુલ્લી હતી. એક ચહેરો એમાંથી દેખાયો. આશરે બારેક વર્ષનો હશે. માથાના વાળ ફેંદાયેલા, આંખો મોટી, કપાળમાં પસીનો જામેલો. એ તાકીને શ્રદ્ધા તરફ જોઈ રહેલો. એના ચહેરો એકદમ લાગણીહીન અને બરછટ. શ્રદ્ધાને થોડી ફડક પેસી ગઈ. એણે ફટ કરતાં બારી બંધ કરી દીધી. 

થોડાક દિવસો પછી એ ત્યાં રહેવા પણ આવી ગયા અને બધું જ બરાબર ગોઠવાઈ ગયું. પણ જ્યારે જ્યારે તે પોતાના બેડરૂમની બારી ખોલતી કે પેલો ચહેરો સામે જ જોવા મળતો. એ જ ભાવહીન આંખોથી તાકતો રહેતો. કોઈકવાર એ સામે જોઈને હસતો પણ ખરો. પણ એની આંખો કંઈક અજબ લાગતી હતી. શ્રદ્ધાને હતું કે ‘આ કોઈ ગાંડો લાગે છે.’ શ્રદ્ધાને એનું આમ તાકી રહેવું ગમતું નહીં. મનમાં એના પ્રત્યે ધ્રુણા બંધાયેલી. એ હસે તો પણ શ્રદ્ધા હસ્યા વગર જ પોતાનું મ્હો ફેરવી લેતી. 

શ્રદ્ધાએ આ વાત મૌલિકને પણ કરેલી. પણ એણે કહેલું, ‘હશે હવે કોઈ ! આપણે શું ! એ તને કંઈ જ નહીં કરે. ડોન્ટ વરી.’ પણ એનો ચહેરો શ્રદ્ધાને કંઈક ડરાવતો રહેતો. એને જોઈને એના મનમાં અનેક પ્રશ્નો ઊભાં થતા હતા, ‘કોણ હશે ? કેમ ઉપર જ રહેતો હશે ? અમારા આવ્યા પહેલા પણ એ આમ જ કરતો હશે કે શું ?’ પણ એ બધા પ્રશ્નો અનુત્તર રહેતા. 

   શ્રદ્ધા મનમાં નક્કી કરતી, ‘મારે એ બારી ખોલવી જ નથી.’ પણ બેડરૂમમાં એ એકલી હોય ત્યારે અનેક વિચારો એને ગૂંગળાવી દેતા, ‘કોણ હશે ? શું કરતો હશે ? શું એ અત્યારે પણ…’ અને એની વધતી જતી જીજ્ઞાસા બારીને ખોલાવીને જ જપતી. ધીમેથી સ્ટોપર ઉઠાવીને એ બારી ખોલીને જોતી તો એ ચહેરો ત્યાં જ બારીમાં ટગર ટગર તાકતો જોવા મળતો. એને જોઈને સ્મિત કરતો. અને એ પાછી બારીને બંધ કરી દેતી. એ ચહેરાની સરપ્રાઈઝ એને વધારે અકળાવતી હતી. એનું રહસ્ય હજુ વણઉકલ્યું હતું. 

થોડા દિવસો પછી પાડોશી જૈમીનીબેન ઘર જોવા આવેલા. ઉપરનો બેડરૂમ જોવા આવેલા ત્યારે પેલાને બારીમાં જોઈને કહેલું, ‘બિચારો’. શ્રદ્ધાને નવાઈ લાગેલી. એણે એના વિશે વધારે પૃચ્છા કરી. જૈમીની બેને કહ્યું, ‘બિચારો ! મા વગરનો છોકરો. પોતે પેલા રોગથી પીડાય છે… શું નામ છે એનું.. ડીસ્લેયા….’ થોડીક જહેમત કરી યાદ કરવાની પણ યાદ ન આવ્યું. 

‘ડિસ્લેક્સિયા’, શ્રદ્ધાએ એમને યાદ આપાવતા કહ્યું. 

‘હા, હા, એ જ. પણ એની મા સાવ નાનો હતો ત્યારે જ બીજા સાથે ભાગી ગયેલી. અને આ સાવકી મા એને રૂમમાં પૂરીને રાખે છે’, જૈમીનીબેને એક પછી એક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. 

‘રૂમમાં પૂરી રાખે છે !’, શ્રદ્ધાની આંખો પહોળી થઈ ગઈ. 

‘હા, બધા એને ગાંડામાં ખપાવે છે. પણ છે બહુ ડાહ્યો અને હોંશિયાર. આખો દિવસ ‘મમ્મી-મમ્મી’ કહ્યા કરે. પણ એને સાંભળે કોણ ! ઘણીવાર તો બિચારો રડતો હોય છે.’

‘હા, મેં ગઈકાલે રાત્રે જ કોઈને રડતા સાંભળ્યું હતું’, શ્રદ્ધાને ગઈ કાલે સંભળાયેલા ડૂસકાં યાદ આવ્યા. 

‘બિચારો ઘરે એકલો જ હોય છે ! એના ઘરના બધા નોકરીએ જાય અને છેક રાત્રે આવે. ત્યાં સુધી તે અહીં પૂરાયેલો રહે. જે આપ્યું હોય તે ખાય.’

જૈમીનીબેનની વાત સાંભળ્યા પછી શ્રદ્ધાને વધારે ગૂંગળામણ થવા લાગી. કપાળમાં પરસેવો જામી ગયો. જૈમીનીબેનને વળાવ્યા પછી પાછી પોતાના બેડરૂમમાં આવેલી. બેડરૂમની અગાશી ખોલીને તેને બિસ્કીટનું પેકેટ આપેલું. તેની સામે જોઈ પહેલીવાર હસેલી. અને તે પણ કોઈ પ્રતિબિંબ પાડતો હોય તેમ ખુશ થઈ ગયેલો. 

   એને સાવ બદમાશ ધારી લેવાનો રંજ હજુય એને હતો. એમના હૃદયના સાવ નિર્જન ખૂણામાં માતૃત્વનું બીજ ફણગેલું. હવે તો તે રોજ એને કંઈ ને કંઈ નાસ્તો આપતા, એની સાથે વાતો કરતા. અને એ પણ ખુલ્લા દિલે ડાહ્યા માણસની જેમ વાતો કરતો. મૌલિક પણ એ બાબતે ખુશ હતો. 

એકવાર ભરબપોરે એના રડવાનો અવાજ આવ્યો. ‘ઓ મરી ગયો રે !’, કહેતા એણે જ પોક મૂકેલી. શ્રદ્ધા પોતાના બેડરૂમની ગેલેરીમાંથી જોયું તો એને કોઈ મારતું હતું અને એ બિચારો પોતાના બચાવમાં ફક્ત બૂમો પાડતો હતો. શ્રદ્ધાએ તરત જ પોતાના ઘરની પાળી કૂદીને એને ત્યાં જઈ પહોંચી. પેલો મારનાર પિતા જ હશે એમ ધારીને જ એમના હાથમાંથી લાકડી લઈ લીધી. 

‘તમે અમારા ઘરની બાબતમાં માથું ન મારશો’ એણે રૂઆબથી શ્રદ્ધાને કહ્યું.

‘હું માથું મારવા નહીં, પણ આ દીકરાને બચાવવા આવી છું’, શ્રદ્ધાએ એને પોતાની તરફ ખેંચ્યો. 

‘તો શું તમારે ઘેર લઈ જશો ? લઈ જાવ એટલે ખબર પડશે’, એની કરડી આંખો શ્રદ્ધા પર પોતાનો રોષ પ્રગટ કરતી હતી.

‘હા, હું મારા ઘરે લઈ જઈશ. એને સાચવીશ’, ખબર નહીં પણ શ્રદ્ધાના મોઢામાંથી આ શબ્દો સારી પડ્યા. આજે તે મક્કમ હતી. તેના મનમાં કોઈ નિશ્ચય થઈ ચૂક્યો હતો. એના માથે હાથ મૂકીને બોલી, ‘ચાલ બેટા !’ અને જરા પણ ગભરાયા વગર એનો હાથ પકડીને ચાલી નીકળી. પેલો જોતો જ રહ્યો. 

એ સાંજે જ્યારે મૌલિક ઘરે આવ્યો ત્યારે શ્રદ્ધાએ એને દરવાજો ખોલતા કહ્યું, ‘સરપ્રાઈઝ !’ જીવનમાં પહેલીવાર આ રીતે શ્રદ્ધાએ એને કહ્યું હતું. મૌલિકને નવાઈ લાગી. રોજ કરતા આજે શ્રદ્ધા થોડી અલગ દેખાતી હતી. એના ચહેરા પર ખુશીની લહેરો ઉછળતી હતી, આંખોમાં અજબ ઉત્સાહ હતો, અંગોમાં થનગનાટ હતો. મૌલિકનો હાથ પકડીને સીધી અંદર લઈ ગઈ અને મૌલિકે જોયું તો પેલો છોકરો રમતો હતો. એણે મૌલિક તરફ જોઈને સ્મિત વેર્યું અને પાછો પોતાની મસ્તીમાં પરોવાઈ ગયો. 

શ્રદ્ધાએ મૌલિકને પૂછ્યું, ‘કેવી છે સરપ્રાઈઝ ?’ એણે ફક્ત એને પોતાની બાહોમાં સમાવીને કહ્યું, ‘બેસ્ટ સરપ્રાઈઝ ! અભિનંદન ! તને મા બનવા બદલ !’ અને શ્રદ્ધાએ શરમાઈને કહ્યું, ‘તમને પણ અભિનંદન ! બાપ બનવા બદલ !’


Rate this content
Log in

Similar gujarati story from Drama