Vaishali Radia

Classics Inspirational

4  

Vaishali Radia

Classics Inspirational

સોરી રાધા

સોરી રાધા

6 mins
15.1K


ગોકુળમાં યમુના નદીના કિનારે એક બેઠા ઘાટનું નાનું પણ સુંદર દેખાતું ઘર, મકાન નહિ ઘર ! એમાં પહેલા માળે આવેલ બે બેડરૂમમાં માસ્ટર બેડરૂમમાં સુંદર ગોળાકાર બેડમાં એક નમણી રમણી સફેદ કુર્તી અને સફેદ લેગીન્સમાં કોઈ પરી જેવી લાગતી ઊંધી પડી-પડી કોઈ પુસ્તક વાચી રહી હતી. એ રમણીનું નામ પણ એટલું જ રમણીય હતું, રાધિકા. ગોરી કાયા અને કૃષ્ણની માયા ! એના બેડરૂમના વોલ પેઇન્ટિંગસ પર નજર કરો એટલે સમજાય જાય. એક આખી વોલ પર કૃષ્ણનું તમામ જીવન આવી જાય એમ કેટલાં નાના-નાના ચિત્રો ભેગા થઇ એક મોટું વોલ પેઇન્ટિંગ બનતું હતું ! અન્ય દિવાલો પર પણ રાધા-કૃષ્ણ હિંચકે ઝૂલતાં હોય, રંગોથી હોળી રમતાં હોય એ પ્રકારના પેઇન્ટિંગસ નજરે ચડે. આધુનિક ગોકુળની આધુનિક રાધાનો રૂમ જોઈ લ્યો!

******

કૃષ્ણ ગોકુળ છોડીને જઈ રહ્યા છે એ સાંભળતા રાધા અધીરી થઈને યમુના નદી તરફ દોડી. કદંબ વ્રુક્ષ પર બેઠો-બેઠો કાનો વાંસળી વગાડી રહ્યો હતો. આમ નિરાંતે એને વાંસળી વગાડતો જોઈ રાધાની આંખોમાંથી ક્રોધમાં આંસુ વહેવા લાગ્યા. એણે ગામ તરફ પાછાં જવા પગ ઉપાડ્યા ત્યાં કાનાના અવાજે એના પગ રોકાઈ ગયા, “રાધે, હંમેશ માટે ગોકુળ છોડીને જાઉં છું, મળીશ નહિ મને ?”

******

રાધિકા પુસ્તક વાંચતી હતી ત્યાં મોબાઈલમાં રીંગ વાગી... શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ... .મનગમતો ચહેરો અને મનગમતું એક નામ સ્ક્રીન પર ઝળક્યું અને ખીલેલા ચહેરે ટેરવાથી ગાલ પર વહાલ કરતી હોય ને એમ સ્ક્રીન ટચ કરી ફોન રીસીવ કર્યો. સામા છેડે આવતો અવાજ એના ચહેરાને ફૂલ જેમ ખીલવી રહ્યો અને રાધિકા બોલી, “બસ પાંચ જ મિનીટમાં પહોંચી ક્રીશુઉઉ... સો સ્વીટ...”

સફેદ કુર્તીને મોરપિચ્છ રંગના દુપટ્ટાથી શોભાવતી, બે-બે પગથિયા એકસાથે ઠેકતી, એક હાથમાં મીનીપર્સ અને બીજા હાથમાં ફોન સાથે એકટીવાની ચાવી ઝૂલાવતી બોલતી ગઈ, “માઆઆ..દાદીઈઈઈ...હું ક્રિશને મળવા જાઉં છું.” અને નીલુબેન હસતાં-હસતાં કહેવા લાગ્યા, “રૂપાવહુ, ક્યાં આપણો જમાનો અને ક્યાં આ જુવાનીયાનો જમાનો ? સગાઇ થઇ નથી કે ફોન આવ્યો નથી કે સવારી ઊપડી નથી !”

રાધિકા ‘કૉફીપોઈન્ટ’માં પ્રવેશીને સીધી કોર્નર પરના એમના ફેવરીટ ટેબલ પર બેઠેલા ક્રિશ તરફ હસતી-હસતી ચાલી. “હાય ક્રિશુ, હાઉ આર યુ માય લવ?” અને એક આંખ મીંચકારતા ટેબલ પર રહેલો ક્રિશનો હાથ દબાવતાં, ટેબલની સામેની બાજુ બેસતા નીચેથી ક્રિશના પગને ઠેલો મારતા તોફાની સ્મિત કરી રહી. હેન્ડસમ નટખટ ક્રિશને આજે ગંભીર જોઈ રાધિકા એને મુડમાં લાવવા રોમેન્ટિક થઇ પૂછી રહી, “હેય્ય્ય ક્રિશુબેબી, આજે કઈ ગોપીની છેડતી કરી અને માર ખાધો તે આવા લાલ-લાલ ગાલ ને લાલ-લાલ આંખ લઈને આવ્યો છે હેં સ્વીટુ ?” રાધિકાના હાથ નીચે રહેલો પોતાનો હાથ ધીમેથી સરકાવતા અને ધરાર સ્મિત આપતો હોય તેમ ક્રિશ બોલ્યો, “રાધુ સાંભળ,..” “બોલોને કાનુ,” મસ્તી કરતાં રાધિકા ટહુકી. ને ક્રિશ ગરમ થઈ ગયો, “બસ રાધિકા, દર વખતે બધી વાતમાં મસ્તી ના હોય. તું કાંઈ નાની કીકલી નથી.” સગાઈના છ મહિનામાં ક્રિશનું આ રૂપ પહેલીવાર જોઈ રહેલી રાધિકા એકદમ ચૂપ થઇ ગઈ અને આંખમાંથી પાણી વરસું-વરસું થઇ રહ્યા. “આઈ’મ સોરી, સાંભળ, હું તને કાંઈક કહેવા માંગું છું.”

ક્રિશ એની સામે નજર ના મિલાવી શકતો હોય એમ ઓર્ડર કરેલા મિલ્કશેકના ગ્લાસને હાથમાં લેતા નજર નીચી કરી એકી શ્વાસે બોલી ગયો, “રાધિકા, લંડનમાં મારા મામા બીમાર છે. એની સેવામાં કોઈ નથી તો મારે હવે ત્યાં જ રહેવું જોશે અને મારે ત્યાં રીસર્ચ પણ કરવાનું છે એટલે હવે હું ક્યારે ફ્રી થઇ ઇન્ડિયા પાછો આવું એ નક્કી નહિ અને હું ખુદ સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યો છે એટલે મારી પાછળ બીજા કોઈને ત્યાં બોલાવી નહિ શકું. તો...” જરા અચકાઈને એ બોલ્યો, “તને કેટલો સમય રાહ જોવડાવાય ?” “એટલે ?” ઘણું સમજી જવા છતાં માન્યામાં ના આવ્યું અને રાધિકાનો અવાજ તરડાઇ ગયો. એની પાણીદાર આંખો ક્યારે પાણી-પાણી થઇ વહેવા લાગી એ રોકી ના શકી. અને ક્રિશે જે કહેવા એને બોલાવી હતી એ આખરે કહી જ દીધું, “મારા પેરન્ટ્સ હીંમત નહિ કરી શકે પણ હું તને કહીને જ જાઉં છું કે મારી રાહ ના જોતી રાધિકા !” ક્રીશે ઓર્ડર કરેલી એની ફેવરીટ કોલ્ડ કૉફી એમજ છોડી રાધિકા કશું બોલ્યા વિના ‘કૉફીપોઈન્ટ’માંથી નીકળી ગઈ.

******

“મળીશ નહિ મને ?” એક કરુણતાસભર પ્રેમાળ અવાજ દિલથી રાધાને મજબૂર કરી રહ્યો અને રાધા દોડીને કૃષ્ણની કોટે વળગી પડી. “મને સાથે લઇ જા ને કાના.” કૃષ્ણ હેતથી રાધાને જોઈ રહ્યા, “રાધે, ત્યાં તને લઈને ના જઈ શકું. સંસારના જે કામ માટે મેં જન્મ લીધો છે તેમાં હવે બસ લડાઈ અને સંઘર્ષ જ હશે. તને સાથે ના રાખી શકું રાધે.” “તો શું હવે આપણે આ ભવે ક્યારેય નહિ મળી શકીએ કાન ?” રાધાથી ઉમરમાં નાનો પણ રાધાને ‘મોટો’ પ્રેમ કરવાવાળો એ બાળગોપાળ કાળીયો કશું બોલ્યા વિના એની રાધાની આંખોમાં જોઈ રહ્યો બસ ! અને હાથ છોડાવી રાધા ભીની આંખે સીમથી ગામ તરફ દોડવા લાગી.

******

એકટીવાનો અવાજ આવતા નીલુબેન હસ્યા, “રૂપાવહુ, શું વાત છે ? આજે ગાડી જલ્દી પાછી આવી ને કાંઈ ! શ્યામની દિવાની આપણી આ રાધુડીને ગોકુળની ગલીયું સાંકળી પડી કે શું ?” વહાલી દાદીની મીઠી પ્રેમભરી મસ્તી સાંભળતાં જ રાધિકાના બધા બંધ છૂટી ગયા. એ દાદીના ખોળામાં માથું મૂકી દિલ ખોલીને રડી પડી. રૂપા પણ દીકરીનું રુદન સાંભળી અનેક સાચી-ખોટી કલ્પનાઓ કરતી રસોડું પડતું મૂકી દોડી આવી. અનુભવી દાદીએ તેને ચૂપ રહેવા ઈશારો કરી રાધિકાને સાંત્વના આપતા વાંસામાં હાથ ફેરવી ચૂપચાપ રાધિકાના દિલના દરવાજા ખૂલે એની રાહ જોતા રહ્યા. રોતા-રોતા તૂટક અવાજમાં ધીમે-ધીમે એક સ્ત્રી બીજી સ્ત્રીઓ પાસે એનું હૈયું ખોલતી ગઈ અને ગોકુલની નારીઓ સૈકાઓ બાદ ફરી એકવાર કૃષ્ણ એને છેતરીને જતો રહ્યો એ ભાવથી વિચારતી રહી કે, શું આ ભૂમિ જ વિરહની છે ? રાધાના અને ગોપીઓના આંસુથી ભીંજાયેલ આ ધરતી સ્ત્રીઓની વેદના આમ જ જોયા કરશે ? કૃષ્ણને અધૂરો પ્રેમ પૂરો કરવા કે જીવતર દોહ્યલું કરી છોડી જવા માટે ક્યારેય અફસોસ નહિ થતો હોય ? 

******

‘રાધે, તને શું કહું હું ? કેમ સમજાવું ? આપણે આ જન્મમાં હવે ક્યારેય નહિ મળી શકીએ. જે કાર્યો માટે આ ધરતી પર હું આવ્યો છું એમાં એક આ પણ કાર્ય જ છે, સાચો પ્રેમ ક્યારેય સદેહે સાથે રહેવાનો કે દુન્યવી રીતે પરણીને સાથે રહેવાનો મહોતાજ નથી એ આપણે સાબિત કરવાનું છે રાધે, સદીઓ વીત્યે પણ મારી સાથે તારું જ નામ પહેલું લેવાશે. તારા પ્રેમનો હું દિલથી પ્રતિસાદ આપતો રહીશ. જ્યાં હોઈશ ત્યાં મારા દિલમાં રાધે-રાધે જ હશે.’ રાધાના આંસુ પડેલા હતા ત્યાં નીચા નમી એ ભીની માટી ચપટીમાં ભરી જગતનો નાથ એમાં પોતાની આંખોના મોતી સમાન જલબિંદુ ભેળવી એ માટી માથે ચડાવી મનોમન કહી રહ્યો, ‘આ ભાવે મને માફ કરી દે રાધે !’

******

ક્રિશના જવા સાથે જાણે રાધિકાના તોફાન, હાસ્ય બધું જ ક્રિશ સાથે ચાલ્યું ગયું હોય એમ છેલ્લા એક વર્ષથી એ શાંત થઇ ગઈ હતી. અંતે એકવાર એ ક્રિશના પેરન્ટ્સ પાસે ઘણા સવાલો લઈને ગઈ અને જે જવાબો મળ્યા એનાથી તો એ ક્યારેય ક્રિશને ભૂલી શકે એવી કોઈ શક્યતા જ નહોતી ! એને જોઇને ક્રિશના મમ્મી એને ગળે લગાડી રોઈ પડ્યા અને હંમેશ ખિલખિલાટ રહેતી રાધિકાની દશા જોઈ એ રહી ના શક્યા અને બોલી પડ્યા, “ક્રિશ તો મને સોગન આપીને ગયેલ કે મારી રાધાને ક્યારેય આ વાતની જાણ ના થવા દેતા. પણ તારી આ હાલત જોઈ રહેવાતું નથી દીકરી, તું નવી જિંદગી વસાવી શકે અને ક્રિશ માટે નફરત થાય એટલે એ તારાથી દૂર જતો રહેલ. એ વખતે ક્રિશને માથું દુઃખતું હતું તે ચેક કરાવી બીજા દિવસે ડૉ. પાસે રીપોર્ટ લેવા ગયો; ત્યાં મગજમાં ગાંઠના રીપોર્ટ આવ્યા અને એટલું ઝડપી એ મોત તરફ ધકેલાઈ રહ્યો હતો કે જિંદગીની કોઈ આશા નહોતી એટલે એ તને સાચું-ખોટું લંડનનું સમજાવીને ડૉ.ની સલાહ પ્રમાણે અમેરિકા નીકળી ગયો. અમેરિકામાં એને તાત્કાલિક સારવાર મળી જતાં રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી એ હવે નવજીવન તરફ આગળ વધી રહ્યો છે. આ નવજીવનને કુદરતની કૃપા સમજી સારા કાર્યમાં વાપરીશ એ નિર્ધાર સાથે સારવાર દરમિયાન ત્યાં હોસ્પીટલની બહાર બેસતા ગરીબ અભણ બાળકો સાથે માયા બંધાઈ જતાં એમને શિક્ષણના રસ્તે વાળવા અને સારું જીવન મળે એ માટેના પ્રયત્નોમાં એ રોકાઈ ગયો. એના કાર્યથી અમેરિકન સરકારે હમણાં ત્યાં રહેવાની તેની અરજી પાસ કરી દીધી છે. જે રીતે તને દુઃખી કરીને એ ગયો અને હવે જે સેવાના કામમાં એણે જિંદગી જોડી એની હિમત નથી કે એ તારી સાથે વાત કરી શકે.”

ઘરે આવીને રાધિકાએ ક્રિશના ફોન પર એક ઓડિયો મોકલ્યો... ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે...’ કોઈ સવાલ-જવાબ વિના તરત વળતો મેસેજ આવ્યો.. ‘એક યુવા કવિ પાસેથી સાંભળેલા શબ્દો મારી રાધા માટે...’        

ચાલ હવે તો પૂરી કરીએ એક અધુરી સ્ટોરી રાધા

સદીઓથી જે ના કીધું તે હવે કહું છું... સોરી રાધા

અને રાધિકા દોડતી બે-બે પગથીયા એકસાથે ઠેકતી નીચે ઉતરી ને એકટીવા ચાલુ કર્યું, “માઆઆ...દાદીઈઈ... હું અમેરિકા જવાની પ્રોસેસ માટે એજન્ટને મળવા જાઉં છું.”

~ જયશ્રી કૃષ્ણ ~

                            


Rate this content
Log in

Similar gujarati story from Classics