સંવેદના તાન્યા રોય
સંવેદના તાન્યા રોય
“રોય મેડમ, તમને બોસ ઓફિસમાં બોલાવે છે.” પ્યુનનો અવાજ સાંભળતાં જ વિચારોમાંથી બહાર આવેલી તાન્યા એક દહેશતથી ઓફીસ તરફ ચાલી. એને ખબર જ હતી કે હમણાં એ જે રીતે કામ કરતી હતી એના લીધે એક દિવસ હવે બોસના ઠપકાનો સામનો કરવાનો આવશે જ.
“મે આઈ કમ ઇન સર ?”
કહેતાં જ બોસે ફાઈલોમાંથી માથું ઊંચું કરીને એ રીતે હા પાડી કે તાન્યાને લાગ્યું કે એમની આંખોમાંથી અંગારાં વરસતાં હતાં !
“મિસિસ રોય, આ બધું શું છે ? કંપની બંધ કરાવવાનો ઈરાદો છે કે શું ? છેલ્લા થોડા મહિનાઓથી તમારા કામમાં એટલી બધી ભૂલો આવે છે કે આજે તમારા લીધે મને કંપની છોડવાનો વારો આવી જશે.”
“સોરી સર બટ....” તાન્યા કોઈ ખુલાસો દે એ પહેલાં જ બોસે અલ્ટીમેટમ આપી દીધું.
“ધીસ ઈઝ ધ લાસ્ટ વોર્નિંગ. હવે પછી કોઈ પણ કામમાં આવી બેદરકારી નહિ ચલાવાય. નાઉ યુ કેન ગો.”
અને બોસે ફાઈલમાં માથું નાખ્યું, જે તાન્યાને બહાર જવાનો સ્પષ્ટ સંકેત હતો. છતાં પણ હીંમત કરીને તાન્યાબોલી,
“સર, મારે એક વીક માટે લીવ જોઈએ છે પ્લીઝ, આઈ નીડ અ લિટલ બ્રેક.”
અને બોસે તાન્યાના આગલા કામનો રેકોર્ડ યાદ કરી કાંઈક વિચારતા હામાં ડોક હલાવી દીધી.
“થેન્ક્સ સર” કહી ઝળઝળી આંખે તાન્યા બહાર નીકળી અને પોતાની કેબિનમાંથી બેગ લઈ ચાલવા લાગી. કાર પાર્ક કરી ફ્લેટમાં પગ મુકતાં સુધીમાં તો એ સોફા પર ઢગલો થઈ આંખો બંધ કરી બેસી પડી.
‘તાની, પ્લીઝ સમજવાની ટ્રાય કર યાર, વી આર જસ્ટ મેરિડ યાર, હજુ
તો બે જ મહિના થયા છે અને અત્યારથી બેબી આવી જશે તો આપણે ફ્લેટના ઇન્સ્ટોલમેન્ટ, જોબ, બેબી એ બધું કેમ મેનેજ કરશું ?’
સિડ, તારે પણ આ બધી વાત માટે પહેલા કેર લેવી જોઈતી હતી, હવે જે થયું તે સ્વીકારી લેવા સિવાય શું થઈ શકે ?’
અને સિદ્ધાર્થે બહુ હળવેથી વાત છેડી દીધી.
‘થઇ શકે, જો તું મારી વાત સમજે તો.’
અને તાન્યા તાડૂકી ઉઠી.
‘નો, સિડ નો. હું એ નહિ કરી શકું !’
અને પછી ઘણા દિવસો સિદ્ધાર્થનું ગુમસુમ રહેવું, ઘરમાં કામ પૂરતું જ બોલવું એ બધું એક પ્રકારનું ઉપેક્ષિત વર્તન તાન્યાને કોઈ એક ક્ષણે સિદ્ધાર્થની વાત માનવા મજબુર કરી ગયું, જે તાન્યાને એકવાર ડોક્ટર પાસે લઇ ગયું અને એ પેટનો ભાર તો હળવો કરાવીને આવી ગઈ, પણ
દિલનો ભાર એ દિવસ પછી ક્યારેય હળવો ના થયો ! સિદ્ધાર્થ તો એનું ધાર્યું થવાથી પહેલા જેમ ખુશ રહેવા લાગ્યો પણ તાન્યામાંથી કશુંક બટકી ગયું હતું, સાથે થોડી લાગણી પણ !
એ વાતને હવે પાંચ વર્ષ થવા આવ્યા હતાં પણ તાન્યાના દિલો દિમાગમાં એવો ભાર રહી ગયેલ કે જાણે હજુ આજે જ બધું બન્યું હોય ! તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી એ નોર્મલ રહેવા કોશિશ કરતી અને સતત જોબમાં પરોવાયેલી રહી સિદ્ધાર્થને દર મહીને બ્લેન્ક ચેકમાં સહી કરી આપતી. જેના લીધે ઘરમાં શાંતિ છવાયેલી રહેતી અને એમના સંપર્કમાં રહેતા તમામ લોકોને આ બન્નેની જિંદગી જોઈ એમ થતું કે, વાહ ! ઘર અને
કારકિર્દી વચ્ચે કેટલું સરસ સમતુલન કર્યું છે ! બસ, હવે એક બેબી હોય એટલે કિલ્લોલતું કુટુંબ!
‘સિડ, આઈ વોન્ટ અ બેબી નાઉ’
હજુ પંદર દિવસ પહેલાંની વાત એ યાદ કરી રહી. અને સફળતા તરફ પ્રગતિ કરી રહેલો સિદ્ધાર્થ રીતસરનો જાણે તાડૂકેલો,
‘ફરી શું ભૂત ચડ્યું તાની, મને તો એમકે પાંચ વરસે તને સમજાઈ ગયું હશે. અને એ વખતે મેં તને કહેલ કે હજુ હમણાં જ મેરેજ થયા છે એટલે આપણે બેબી સાચવી નહિ શકીએ, પણ હકીકત એ છે મને હમણાં જ પ્રમોશન મળ્યું છે. અને તું અને હું બન્ને આઈ.આઈ.ટી.માં એડમિશન મેળવવા અને ડિગ્રી મેળવવા કેટલા હેરાન થયેલ ? ત્યારે આજે આ પોસ્ટ સુધી પહોંચ્યા છીએ. આટલી એજ્યુકેટેડ થઈને તું કેમ આવા આપણા મોમ-ડેડ જેવા વિચારોને વળગવા જાય છે ? આપણે ડિજીટલ યુગમાં પ્રવેશ્યા, બેંગલુરુ જેવા સિટીમાં જોબ મળી, કરિયર બનાવવાનો આવો સરસ ચાન્સ મળ્યો એ જોવાને બદલે તું કેવી નાની-નાની વાતો લઈને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ? આટલી ડિગ્રીઓ શું બેબીના ઉજાગરા
ને ડાયપર્સ ચેન્જ કરવામાં કાઢવાની ? સિદ્ધાર્થ મીર્ચીનું નામ આજે કોર્પોરેટ ક્ષેત્રમાં આગળ નીકળવાની હોડમાં ટોપ પર પહોચી રહ્યું છે, થોડા જ સમયમાં મારો પર્સનલ બિઝનેસ ઊભો કરવા વિચારી રહ્યો છું કે તું પણ તારી જોબ છોડી એમાં હેલ્પ કર અને પછી આ નાના ફ્લેટમાં રહેવું પણ નહિ પડે. અને ત્યારે બેબી માટે વિચારશું !’
ઉપેક્ષાભર્યું અને થોડા રોષ મિશ્રિત એ સિદ્ધાર્થનું વલણ જોઈ તાન્યા થોડીવાર સ્તબ્ધ થઇ ગયેલ કે આવા સ્વાર્થી, સ્વકેન્દ્રિત માણસ સાથે મેં બધાને તરછોડીને પ્રેમ કરેલો ?
‘સિડ, આ બધું કોના માટે કરવાનું ? અને....’ એના મોઢા પર હથેળી મૂકી એને બોલતી બંધ કરી સિદ્ધાર્થ ઘા મારીને મલમ પટ્ટી કરી દેવાની એની હંમેશની આદત મુજબ માથે હાથ ફેરવી એક દંભી હાસ્ય વેરતો કહેવા લાગ્યો,
‘તાની, બસ, થોડો સમય આપ. પછી તું કહે તેમ કરશું ! બાકી બેબી આવશે એ અત્યારે તું કહે એમ નહિ કરે, એની પાછળ તારી કરિયર
બગડશે. તારી કરિયર મજબુત થઇ જાય તો મારી પર્સનલ કંપની પણ જલ્દી બની જાય ! પછી તું કહે તેમ, બાકી આ જમાનામાં વંશ હોવો જોઈએ તો જ જિંદગી સફળ એ માન્યતા તારા જેવી એજ્યુકેટેડ લેડી રાખે એવી ઓર્થોડોક્સ તું ક્યારથી બની માય લવ ? તું ઈચ્છીશ ત્યારે બેબી લાવશું પણ બસ, થોડો સમય મારી કંપની માટે પ્લીઝ !’
અને સિદ્ધાર્થ એની ખાસ મુસ્કાન સાથે એના ગાલ પર હાથ ફેરવી ચાલ્યો ગયેલો, પણ એ સ્પર્શમાં એને એ દિવસે જરા ગાલ દબાયો હોય એવું મહેસુસ થયું અને અનાયાસ જ એનો હાથ ગાલ પર જતાં પંદર દિવસ પહેલાંના એ સ્પર્શથી અત્યારે ગાલ ચચરતો હોય એમ એની આંખ ખુલી ગઈ ! તાન્યાને થયું કે મારા પ્રેમના સ્વાર્થથી મેં બધાને તરછોડ્યા અને આવા સ્વકેન્દ્રી, સ્વાર્થી માણસ જે હજુ ‘મારી કંપની’ માટે જ, મને છેતરી રહ્યો છે અને હું ‘આપણું’ ફેમીલી બને એ માટે કરિયરમાં સંઘર્ષ કરી સમતુલન કરતી રહી ? આ માણસ મને બેબી નહિ આપે એ ફક્ત કરિયર અને કંપની જ આપશે ! એ પણ કરિયર તો મારી પાસે છે જ !
કંપની મારે ‘એની’ નહિ મારી પોતાની હોય એવી જોઈએ છે, મારા ‘બેબી’ ની, હા, મારું બેબી! અને એમ પણ સિડ દર વખતે પોતાનું ધાર્યું કરતો જાય અને મને કહેતો રહે છે કે,
‘તું કહીશ એમ કરશું, તને ગમે તેમ કરશું !’ તો હવે હું મને ગમે તે રીતે ફેમીલી અને જોબ બન્ને બેલેન્સ કરીશ. એના હોઠ એક મક્કમ નિર્ધાર સાથે ખુલ્યા, ‘કરીશ, જરૂર કરીશ. કરિયર પણ બનાવીશ અને ફેમીલી પણ બનાવીશ, સિડ સાથે રહીને જ બનાવીશ અને સીડે કહ્યું એવું જ મારું બેબી હશે; જે હું કહીશ એમજ કરશે !’ અને તેણે ગુગલમાં સર્ચ
કરી મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો, ‘હેલ્લો, તાન્યા રોય સ્પીકિંગ.
********
એક અઠવાડિયા પછીની એક સવાર...
તાન્યા બાથરૂમમાં હતી ત્યાં ડોરબેલ વાગતાં હોલમાં ચા પી રહેલ સિદ્ધાર્થે ચાનો કપ હાથમાં જ રાખી દરવાજો ખોલ્યો ત્યાં સામે એક ગોરી, નિર્દોષ, પરાણે વહાલું લાગે એવું મોહક સ્મિત કરતી પાંચેક વર્ષની હોય એવડી એક પરી જેવી છોકરી દેખાઈ !
‘યેસ્સ,...કોનું કામ છે ?’ હજુ તો એટલું પૂછ્યું ત્યાં એ ઢીંગલી બોલી ઉઠી, “આ મારું ઘર છે, અંદર તો આવવા દયો !” મૂંઝાઈ ગયેલો સિદ્ધાર્થ તેના સામે જોઈ કહેવા લાગ્યો,
“બેટા, તારી કાંઇક ભૂલ થતી લાગે છે, તારે કોના ઘરે જવાનું છે ? તારું નામ શું ?”
નિખાલસ સ્મિત સાથે તે બોલી રહી, “મારું નામ સંવેદના તાન્યા રોય, ડેડ !”
અને સિદ્ધાર્થ વિચારમાંથી બહાર આવે એ પહેલાં એને પગથિયાં ચડતો એક યુવક દેખાયો. સિદ્ધાર્થના હાથમાં એક પ્રિ-પેઈડ બીલની રિસિપ્ટ મૂકતાં એણે કહ્યું,
“માફ કરજો, સંવેદના મારાથી આગળ નીકળી ગઈ. હું રોબોટ બનાવતી કંપનીનો સેલ્સમેન છું. આ આપના ફ્લેટમાંથી મળેલ ઓર્ડર. પણ સાચવજો, એમાં અમે ઓર્ડર મુજબ થોડી લાગણી પણ મૂકી છે. આભાર સર !”
અને સંવેદનાના ખભે હાથ મૂકી એ ચાલતો થયો. ત્યારે હાથમાંના બીલને જોતાં સિદ્ધાર્થને કાંઇક ગડ પડી અને એના આઘાતમાં એના
હાથમાંથી ચાનો કપ છટકતાં એક અવાજ થયો, માણસને ઝંઝોળી નાખે એવો !
